ઈન્ટરવલ

યુરોપે લીધો ખતરનાક રાઈટ ટર્ન

પ્રાસંગિક -અમૂલ દવે

ફ્રાન્સના પ્રમુખ મેક્રોન અને નેશનલ રૅલી પાર્ટીનાં નેતા મેરિન લે પેન વચ્ચે રસાકસી

તાજેતરમાં યોજાયેલી યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં આશ્ર્ચર્યજનક અને આઘાતજનક પરિણામો આવ્યાં છે. અતિ જમણેરી અને લોકરંજક નીતિના હિમાયતી પક્ષોએ યુરોપની સંસદની ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યો છે. આ દેખાવને લીધે હાલના અનેક યુરોપિયન શાસકોના સિંહાસન ડોલવા માંડ્યાં છે. જમણેરી પક્ષો ફ્રાન્સ, ઈટલી અને બીજા ત્રણ દેશમાં મોખરે રહ્યા છે. સંસદની પા ભાગની બેઠક જમણેરી પક્ષોએ જીતી લીધી છે. જમણેરી પક્ષો સેન્ટર રાઈટ પાર્ટીથી થોડા જ પાછળ રહ્યા છે.

યુરોપ બે વર્ષથી ચાલતા યુક્રેન અને રશિયાના યુદ્ધનાં માઠાં પરિણામો ભોગવી રહ્યું છે ત્યારે યુરોપને માથે અનેક ભયનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. અમેરિકામાં આ વર્ષે પ્રમુખપદની ચૂંટણી છે અને આમાં બે વયોવૃદ્ધ જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધો મુકાબલો થાય એવી સંભાવના છે. ટ્રમ્પ સામે અમુક કાનૂની અડચણ છે, પરંતુ જો તેઓ આમાંથી બહાર નીકળી જાય તો આ જંગ થશે. જો ટ્રમ્પ બાઈડેનને હરાવી દેશે તો તરંગી અને મનસ્વી ટ્રમ્પ યુક્રેનને સહાય આપવાનું બંધ કરી દેશે અને આના વિપરીત પરિણામો યુરોપને ભોગવવા પડશે. નાટોના દેશોને રશિયાનું મોટું જોખમ ઊભું થશે. યુરોપનું જીવન ધોરણ સ્થિર થઈ ગયું છે અને કલ્યાણકારી યોજનાઓ પર દબાણ અને તાણ આવી રહ્યા છે. હવામાન આકરું થતું જાય છે. આ બધું અધૂરું હોય તો હવે અતિ રાષ્ટ્રવાદીનો નવો પડકાર ઊભો થયો છે. જમણેરી પક્ષો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન તરફ સહાનુભૂતિ ધરાવે છે. આ પક્ષો ગ્લોબલ વોર્મિંગ રોકવાની નીતિનો વિરોધ કરે છે. આ પક્ષો હીજરતીઓ અને યુરોપિયન સંસ્થાઓના વિરોધી છે. આથી યુરોપીયન તરફી પક્ષો પાસે જમણેરીનો સામનો કરવા ત્રણ વિકલ્પ છે. એક, આત્મસંતુષ્ટ રહેવું, બે, સહકાર અને અંતમાં પ્રતિહુમલો.. ઘણા યુરોપિયનો માને છે કે યુરોપિયન યુનિયનની ચૂંટણી નગણ્ય અને અપ્રસ્તુત છે. મતદાન રાષ્ટ્રીય ચૂંટણી કરતાંં ઓછું થયું હતું અને અનેક લોકોએ સરકાર ચલાવતા પક્ષો સામે પ્રોટેસ્ટ વોટ
આપ્યા હતા.

અલબત્ત એ હકીકત છે કે ઈયુતરફી પક્ષો નવી સંસદમાં બહુમતી ધરાવે છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનની આગેવાની હેઠળ યુરોપિયન યુનિયન તરફી પક્ષોએ બહુમતી મેળવી છે. બીજી બાજુ અતિ જમણેરી પક્ષો વિભાજિત છે. તેમના બે હરીફ સંસદીય જૂથો છે. તેમની વચ્ચે યુક્રન યુદ્ધ. આર્થિક નીતિ અને તૃતીય પંથીના હક્કો અંગે મતભેદો છે. વોન ડેર ફરી ચેરમેન બનશે.
જર્મનીમાં ખતરાની ઘંટી વાગી છે. રશિયા અને ચીન સાથે નાતો ધરાવતી અને નવા નાઝીવાદ ઝુકાવ ધરાવતી ઓલ્ટરનેટીવ ફોર ડ્યુસલેન્ડ બીજી આવી છે. ચાન્સેલર ઓળફ સ્ચોલ્ઝની સોશિયલ ડેમોક્રેટ ત્રીજા નંબરે આવી છે.

ફ્રાન્સમાં નેશનલ રેલીએ ૩૨ ટકા મત મેળવ્યા છે જે ફ્રાન્સના પ્રમુખ મેક્રોન કરતાં બમણા છે. મેક્રોનને અપમાનજનક હાર મળતા તેમણે પ્રતિઆક્રમણ કર્યું છે. તેમણ સંસદને બરખાસ્ત કરીને નવી ચૂંટણીની જાહેરાત કરી છે. આ એક મોટો જુગાર છે. મેક્રોન તરફની મતદાતાઓની નારાજગીને લીધે ફ્રાન્સમાં જમણેરી વડા પ્રધાન ચૂંટાઈ શકે. જો એમ થશે તો મેક્રોનને પ્રમુખ તરીકેના ત્રણ વર્ષ લાચારીથી કાઢવા પડશે. મેક્રોન ઉદામવાદી જમણેરી પક્ષ નેશનલ રેલીને કાબૂમાં રાખવા ડાબેરી અને જમણેરી પક્ષોનું ગઠબંધન કરશે. જો નેશનલ રેલી જીતશે તો તેના નેતા મેરિન લા પેન માટે ધર્મસંકટ સર્જાશે. તેમણે નક્કી કરવું પડશે કે તેમને વડા પ્રધાન બનવું છે કે ૨૦૨૭માં પ્રમુખ બનવું છે. મેરિન લા પેનના નેતૃત્વ હેઠળ પક્ષે હરણફાળ ભરી છે. મેરિન તેમના પિતા જીન મેરિનની વિચારસરણીથી પોતાને અલગ કરીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. આનો લાભ તેમને અને તેમના પક્ષને થયો છે. એક સર્વે પ્રમાણે ૪૫ ટકા માને છે કે આરએન લોકશાહી માટે ખતરો નથી. મેરિનનો વોટ શેર ૩૪ ટકાથી વધીને ૨૦૨૨માં ૪૧ ટકા થયો છે.

બેલ્જિયમના વડા પ્રધાન એલેકઝાન્ડર ડે કૂને તો રાજીનામું આપવું પડ્યું છે. તેમની ફલેમિશ લીબરલ એન્ડ ડેમોક્રેટ્સ પાર્ટીનો યુરોપિયન સંસદીય ચૂંટણીમાં પરાજય થયો. ફલેમિશ નેશનાલિસ્ટ પાર્ટીનો આમાં વિજય થયો હતો. ઈંગ્લેન્ડમાં સત્તાપલટો થાય એવા એંધાણ છે. બ્રિટન તો યુરોપિયન યુુનિયનમાંથી ખસી ગયું છે પરંતુ તેના વડા પ્રધાન રિશી સુનક પણ મુસીબતમાં છે. તેઓ સત્તા ગુમાવે એવા અણસાર મળી રહ્યા છે.

યુરોપિયન યુનિયન શું છે?
યુરોપિયન યુનિયનમાં ૨૭ સભ્યદેશોનો સમાવેશ થાય છે. આની સંસદમાં કુલ ૭૨૦ સભ્યો છે. ઈયુ એ સુપરનેશનલ એન્ટિટી છે. આના સભ્યદેશો પોતાનું સાર્વભૌમત્વ આંશિક રીતે જતું કરીને સહિયારી તાકાત અને વૈશ્ર્વિક વગ ઈયુુને આપે છે. આની મુખ્ય સંસ્થાઓ યુરોપિયન સંસદ અને કાઉન્સિલ ઓફ ઈયુ અને યુરોપિયન કમિશન છે. ૨૭ સભ્યદેશો યુરોપિયન સંસદના સભ્યોને સીધા ચૂંટે છે. ૭૨૦ બેઠકની ફાળવણી નોખી રીતે થાય છે. જે દેશ નાના અને ઓછી વસ્તી ધરાવતા હોય એને વધારે બેઠકો મળે છે. યુરોપિયન સંસદના ત્રણ મોટાં કાર્યો છે. પ્રથમ તો તે ઈયુની પરિષદ સાથે ઈયુના કાયદા ઘડે છે અને તેમાં સુધારો કરે છે. બે, તે ઈયુની બધી સંસ્થાઓ પર દેખરેખ રાખે છે. ત્રણ, સંસદ પાસે ઈયુના બજેટ અને નાણાંની ફાળવણીની સત્તા છે. ઈયુ પાસે આંતરરાષ્ટ્રીય કરારો કરવાની પણ સત્તા છે. નવી સંસદ ઋતુ પરિવર્તન, માઈગ્રેશન અને ગ્રીન સંધિ અને યુક્રેનને ટેકા અંગે નિર્ણય લેશે. તે ચીન, રશિયા અને મિડલ ઈસ્ટની નીતિ પણ ઘડશે. તેની મુદત પાંચ વર્ષની હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ