ઈન્ટરવલ

અંત વગરની અંતાક્ષરી… આવતીકાલની રંગભૂમિના અનેક સવાલ

સંજય છેલ

એકવાર મેં બોલીવૂડના જાણીતા ફિલ્મ લેખક-ગીતકાર જાવેદ અખ્તરને પૂછેલું:
ફિલ્મ લાઇનમાં તમે આટલાં વરસોથી છો તો તમને આજે શું ફરક લાગે છે?’

જાવેદજીએ કહેલું: ફરક ઘણો છે કે પણ એક વાતમાં ફરક નથી પડ્યો. હું ૧૯૬૪માં મુંબઇ આવ્યો ત્યારથી એક વાત કાયમ સાંભળતો આવ્યો છું કે-ફિલ્મ લાઇનનું ભાવિ ખતરામાં છે..પણ ફિલ્મ લાઇન ચાલતી જ રહે છે. આવું જ ગુજરાતી નાટકો વિશે પણ છે. વરસોથી નાટકોના ભાવિ વિશે કલાકારો-નિર્માતાઓ ચિંતા કરે રાખે છે પણ એક થઇને સોલ્યુશન કોઇ લાવતું નથી. વળી એક ચોખવટ: મેં માત્ર ફિલ્મો કે ટીવીમાં જ વધુ કામ કર્યું છે, નાટકોમાં નહીં એટલે કોઇને સલાહ આપવાનું મારું ગજું નથી પણ રંગભૂમિનાં ચાહક તરીકે અમુક વાંકદેખી વાતો કહેવી છે. મારા પિતા છેલ (છેલ-પરેશ) ૧૯૬૪થી-૨૦૧૪ સુધી ૬૦૦થી વધુ નાટકોમાં સેટ ડિઝાઇનર હતા એટલે નાનપણથી ગુજરાતી રંગભૂમિનાં ઉતાર-ચઢાવને મેં જોયા છે. ૧૯૭૨માં ‘મુંબઇ દૂરદર્શન’ નવું-નવું આવ્યું ને ટી.વી. પર દર રવિવારે સાંજે ફિલ્મો આવવા લાગી ત્યારે સૌ કહેતા:
હવે તો નાટકો કોણ જોશે? રંગભૂમિ ખતમ..! શરૂ શરૂમાં નાટકોના બૂકિંગ પર અસર પણ પડી, પણ ધીમે ધીમે એમાંથી બચીને નાટકો ચાલતાં રહ્યાં. પછી વીડિયો કેસેટ આવી ત્યારે પણ એ જ ‘હો-હા’ મચી. ઊલટાનું એ જ વીડિયો કેસેટોમાંથી નાટકવાળાઓને નવી નવી કથાઓનાં આઇડિયા મળ્યા ને હિટ નાટકો બન્યાં!

   કાળક્રમે સી.ડી.-ડી.વી.ડી આવી અને પછી ૨૪  કલાકની અનેક ચેનલો આવી  ત્યારે પણ એ જ સવાલ: હવે નાટકો કોણ જોશે?   તો યે  નાટકો બનતાં રહ્યાં. માન્યું  કે અગાઉ ૭૦-૮૦નાં દાયકાઓમાં મહિને એક નાટકના માંડ ૪થી ૮ શો થતા એના કરતાં આજે શોઝની સંખ્યા વધી છે. હા,  બે વરસના કોરોનાકાળ બાદ હવે લોકો, ફિલ્મોની જેમ નાટકો માટે પણ થિએટરમાં આવતા ઓછા થયા, નાટક જોનારાં ગૃપ્સ કે મંડળો વિખરાઇ ગયાં કે ઓછાં થઇ ગયા. સારા કલાકારો, સિરિયલો કે વેબ-સિરીઝ તરફ વળી ગયા. નેટફ્લિસક્સ-ડીઝની-એમેઝોન જેવાં ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર હિંદી ને જગતભરની ફિલ્મો-વેબસીરીઝો આવી. તો નાટકોનું હવે આગળ ભાવિ શું? વળી મુંબઇમાં તો નવું ઓડિયંસ જ આવતું નથી, કારણ

કે છેલ્લા ૩૦ વરસથી અહીં ગુજરાતીમાં ભણતા બાળકો જ નથી રહ્યાં . ભાષા જ ના આવડે તો નાટક શેનાં જુએ?

એક જમાનામાં બાળ-નાટકો થતાં એટલે બાળકોને નાનપણથી નાટકની આદત પડતી, જે ત્રીસેક વરસથી સાવ બંધ છે. ૨૦ વરસ પહેલાં આંતર-કોલેજ ગુજરાતી એકાંકી નાટકોની સ્પર્ધાઓ થતી. જેમાંથી નવા કલાકારો
મળતા અને કોલેજમાંનાં વિદ્યાર્થીઓને નાટકો જોવાનો ચસ્કો લાગતો. હવે તો એ પ્રવૃત્તિ પણ ખતમ છે. આ બધામાં નિર્માતાઓ, મંડળોને સસ્તામાં શો વેંચે છે ને એની અસર ટિકિટબારી પર થાય છે. જો કે એમાં નિર્માતાઓ પાસે પણ વહેવારુ કારણો છે. કલાકારો-નિર્માતાઓ પણ કંઇ મંગળ કે ચાંદ પરથી નથી આવતા. એમને પણ ઘર
ચલાવવાનું છે, પ્રેક્ટિકલ પ્રશ્ર્નો હોય છે. બાકી ‘રંગભૂમિ’ માટે જાન આપવી કે ભેખ લેવો વગેરે વાયડી વાતો લખવા- બોલવામાં સારી લાગે, પણ આદર્શોના આધારે ઇંડસ્ટ્રી ના ચાલે.

  બીજી તરફ,  મરાઠી નાટકોમાં સારી સંસ્થાઓને સરકાર, નાટકનું નિર્માણ કરવા ગ્રાંટ આપે છે, શું મહારાષ્ટ્ર કે ગુજરાત સરકાર, ગુજરાતી નાટકોને ગ્રાંટ ના આપી શકે?

આપણાં છાપાં-મેગેઝીન-મિડીયાએ પણ બનતી મદદ કરવી જોઇએ. એક જામાનાં નાટકોનાં રિવ્યુ આવતાં, જે હવે બંધ છે. મરાઠીમાં નાટકો વિશે આખું પાનું ભરીને લેખો છપાય છે. મરાઠી કે ઇવન અંગ્રેજી છપાંઓમાં પણ નાટકો માટે સામાન્ય જા.ખ.નાં કરતાં, નાટકોની જા.ખનાં ભાવ ખૂબ ઓછા છે. આપણાં થિએટરનાં ભાડાં પણ મરાઠી કરતાં વધુ છે તો આ બધામાં આવતી કાલની રંગભૂમિ કેવી રીતે ટકશે? સૌથી મોટી વાત: પ્રજાનો ભાષા પ્રેમ મરાઠી-બંગાળી લોકોની જેમ આપણને ગુજરાતી નાટકો કે ગુજરાતી પુસ્તકો
કે ફિલ્મો કે પોતાનાં કલ્ચર માટે પડી જ નથી. વિષયાંતર કરીને દાખલો આપું કે ગુજરાતીમાં ૧ પુસ્તકની ૧૨૦૦ પ્રત-કોપી માંડ માંડ વેંચાય છે. એની સામે બંગાળીઓએ હમણાં કોલકત્તા પુસ્તકમેળામાં ૨૭ કરોડનાં અધધ પુસ્તકો વેંચીને રેકોર્ડ સ્થાપ્યો. ત્યાં ૩૦ લાખ લોકો, બૂક-ફેરમાં પુસ્તકો ખરીદવા આવ્યા. ત્યાં એક સામાન્ય ટ્યુશન ટીચરે ૩.૧૨ લાખનાં પુસ્તકો ખરીદ્યા! આવું ગુજરાતીમાં સપનામાં યે
વિચારી શકાય? આપણે ત્યાં તો કરોડપતિ પણ મફતમાં
પુસ્તક માગે કે નાટકનો ફ્રી પાસ માગે. આપણી તો સંસ્થાઓ પણ નાટકના શો માટે ગાજર-મૂળીની જેમ ભાવતાલ કરે!

  હવે દિલ પર હાથ મૂકીને કહો, આપણે આપણી ભાષાને કે અસ્મિતાને કેટલું ચાહીએ છીએ? ’ ગુજરાતીઓ ‘બહુ સમૃદ્ધ પ્રજા’ એવો પોપટપાઠ કરવાથી ગુજરાતી અસ્મિતા ના જળવાય, એ માટે ‘પુટ યોર મની વ્હેર યોર માઉથ ઈઝ’  વાળી કડવી કહેવત કહેવી પડે છે. આપણી બધી સમૃદ્ધિ કે સંપત્તિ કળાની વાત આવતા જ કેમ સૂકાઇ જાય છે? ગુજરાતી નાટકો બચશે તો કદાચ બોલાતી ભાષા પણ

બચશે. વિચાર કરો કે એક સુપર-હિટ નાટકના મુંબઇ- ગુજરાત-વિશ્ર્વભરમાં લગભગ ૩૦૦ શો થાય છે અને એક હોલમાં ૮૦૦ પ્રેક્ષકો ગણીએ તો પણ માત્ર ૨,૪૦,૦૦૦ લોકો થયા. જે સાડા ૬ કરોડ પ્રજામાં ૧/૨ % પણ ના કહેવાય! મુંબઇ છોડી દો, પણ ગુજરાતભરમાં નાના-મોટાં અનેક શહેરોમાં આપણી પ્રજા નાટકો જોવા માટે હજી પણ આવતી નથી? આટલાં વરસે પણ? આટ-આટલા મનોરંજક નાટકો- કલાકારો હોવા છતાં યે? છે જવાબ કોઇ પાસે? નહીં ને? કારણ કે આંકડાઓ જૂઠ નથી બોલતા. શબ્દો ભલે શાણપણ ઝીંકે રાખે. ચલો, આજે ‘વિશ્ર્વ રંગભૂમિ દિવસે’ ગઇકાલની વાતો પર પોરસાઇને કે ડાહી ડાહી વાતો કરવાને બદલે, ગુજરાતી નાટકોની આવતીકાલ કેમ સુધરશે કે બચશે? એ વિશે રંગદેવતા સૌને શુભ વિચાર આપે.

બાકી તો આ વાત એક અંત વગરની અંતાક્ષરી જ છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button