પ્રાસંગિક: ઈલોન મસ્કનો થયો મોહભંગ…

-અમૂલ દવે
અમેરિકાના પ્રમુખના પરમ મિત્ર ગણાતા વિશ્વના સૌથી ટોચના ડૉલરિયા શ્રીમંત ઈલોન મસ્કે ટ્રમ્પના વહીવટીતંત્રમાંથી ધાર્યા કરતાં વહેલું રાજીનામું આપી દીધું…
વર્ષો વીતી ગયા એ વાતને છતાં ‘બિગ બી’ હજી પણ રાજકારણમાં પ્રવેશવા બદલ પસ્તાઈ રહ્યા છે.. અમિતાભ બચ્ચને 1984માં નિકટના મિત્ર રાજીવ ગાંધીના કહેવાથી રાજકારણમાં ઝંપલાવ્યું હતું. 1984માં એમણે લોકસભા ચૂંટણીમાં અલાાહાબાદ બેઠક પર હેમવંતીનંદન બહુગુણાને હરાવ્યા હતા. જોકે રાજકારણનો કડવા ઘૂંટએ પીને પચાવી ન શક્યા અને એમણે સંસદસભ્ય પદેથી રાજીનામું આપી દીધું.
બોફોર્સ તોપ કૌભાંડમાં અમિતજીનું નામ ઉછળ્યું હતું. પોતાના નાના ભાઈ અજિતાભના ભરોસે ધંધો કરવા જતાં અમિતાભ દેવાળિયા બની ગયા હતા.. અમિતાભ કબૂલાત કરે છે કે મેં રાજકારણમાં જોડાવાનો નિર્ણય ભાવુકતાથી લીધો હતો. મારામાં રાજકારણી બનવાનું કૌશલ નહોતું. અમિતાભ ત્યાર બાદ સંઘર્ષ કરીને દેવામાંથી માંડ માંડ બહાર આવ્યા અને ‘બોલિવૂડના બાદશાહ’નું બિરુદ પાછું મેળવ્યું.
આ પણ વાંચો: પ્રાસંગિક: ભારતે શા માટે એફ-35 નહીં, પણ એસયુ-57 ફાઈટર જેટ ખરીદવા જોઈએ?
આવું જ કંઈક વિશ્વના ટોચ અબજોપતિ ઈલોન મસ્ક સાથે થયું છે. એમના માટે ફક્ત રાજકારણમાં પ્રવેશવું એક માત્ર અકસ્માત અને દુ:સ્વપ્ન સિદ્ધ થયું છે. અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને ‘ટેસ્લા’ના માલિક મસ્કની દોસ્તી ‘શોલે’ના જય અને વીરુ જેવી ગણાતી હતી, પરંતુ મસ્કે પોલિટિક્સના પારખા કર્યા બાદ ટ્રમ્પના વહીવટીતંત્રમાંથી રાજીનામું આપ્યું છે. અમિતાભને જે ત્રણ વર્ષમાં સમજાયું એ મસ્કને ત્રણ મહિનામાં સમજાઈ ગયું.
ઈલોન મસ્કે પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મસ્કે ગયા વર્ષે ટ્રમ્પ અને એમના સાથીદારોને જીતાડવા 30 કરોડ ડૉલરનું ડોનેશન પણ આપ્યું હતું. મસ્ક હવે સ્વીકારે છે કે હવે હું રાજકારણમાં ઓછો ખર્ચ કરીશ. મને લાગે છે કે મેં રાજકારણમાં ધાર્યા કરતાં વધુ ખર્ચ કર્યો છે…
મસ્કે મિત્ર ટ્રમ્પને જીતાડી તો દીધા, પરંતુ આના બદલામાં વિશ્વનાએ સૌથી ધનિક માણસને શું મળ્યું? રાજકારણમાં જોડાવવા માટે મસ્કને મોટી નાણાકીય ખોટ સહન કરવી પડી. ટ્રમ્પને આપેલા 30 કરોડ ડૉલર તો સરભર ન થયા, પરંતુ એની ઈ-વ્હીકલ કંપની ‘ટેસ્લા’ અને બીજી કંપનીમાં નુકસાન થવા માંડ્યું. એમાંય એની જે સુપર હોટ ગણાતી પ્રોડકટ ‘ટેસ્લા’ કારનું વેચાણ ઘટવા માંડ્યું.
આ પણ વાંચો: પ્રાસંગિક : ચીન-પાકિસ્તાન રમે છે મેલી રમત બાંગ્લાદેશમાં…
ટ્રમ્પે મસ્કને ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી’ (ડોજ)ના વડા બનાવ્યા હતા. મસ્કે ત્યારે દાવો કર્યો હતો કે હું અમેરિકા દ્વારા થતો બિનજરૂરી અને બેફામ ખર્ચ પર લગામ નાખીશ. ટ્રમ્પે જાન્યુઆરીમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા ત્યાર બાદ અબજોપતિ મસ્ક એમના ખાસ વિશ્વાસુ અને સલાહકાર બનીને ટ્રમ્પ વતી સરકારી કચેરીઓમાં કોસ્ટ કટિંગના જે નિર્ણયો લીધા એનાથી જોબ ગુમાવનારા અનેક કર્મચારીઓ અને લાગતા-વળગતા લોકો નારાજ થયા. અમેરિકનોએ ‘ટેસ્લા’ કારનો બહિષ્કાર કરવાનું અને કારના ધંધાને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું. મસ્કની કંપની ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ નુકસાન કરવા માંડી. મસ્ક પર દબાણ આવ્યું કે એ રાજકારણ છોડીને પોતાની કંપનીઓ પર ધ્યાન આપે. 2025ના પહેલા ત્રિમાસિકમાં ‘ટેસ્લા’નું વેચાણ 13 ટકા ઘટી ગયું છે. મસ્કની નેટ વર્થમાં 2025ના પહેલા ત્રિમાસિકમાં 116 અબજનો ઘટાડો થયો., એની નેટ વર્થ 316 અબજ ડૉલરની થઈ. ‘ટેસ્લા’ના શૅરનો ભાવ ડિસેમ્બર 2024માં ચરમસીમાએ હતો એ 45 ટકા ઘટી ગયો. કારનું વેચાણ પણ યુરોપમાં 50 ટકા અને અમેરિકામાં 16 ટકા ઘટી ગયું.
આ બદલતો સિનારિયો જોયા પછી મસ્કે પોતે સ્વીકાર્યું કે ટ્રમ્પ સાથેની એની મિત્રતા અને નિકટતાને લીધે ‘ટેસ્લા’ના શૅરના ભાવ ગગડી ગયા.. મસ્કે પોતે કબૂલાત કરી હતી કે ફેડરલની અમલદારશાહી મેં ધારી હતી એનાથી પણ બદતર નીકળી.
મસ્કને ખાસ સરકારી કર્મચારી તરીકે 130 દિવસનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો. આ મેન્ડેટ 30 મેએ ખતમ થવાનો હતો.. મસ્ક તો પહેલેથી જ ઈશારો કરી રહ્યા હતા કે એ ટ્રમ્પનું વહીવટતંત્ર છોડીને પોતાના ધંધા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. આમ છતાં મસ્ક કહે છે કે હું ટ્રમ્પના મિત્ર અને સલાહકાર તરીકે હજી ચાલુ રહીશ. સામે ટ્રમ્પે મસ્કની પીઠ થાબડીને એના વખાણ કરતા કહ્યું કે મસ્ક એક ચતુર માણસ છે … એને દેશ માટે ઘણો પ્રેમ છે અને મસ્કે કઈ રીતે બિનજરૂરી સરકારી ખર્ચ અટકાવ્યા એના દાખલા પણ ટ્રમ્પે આપ્યા હતા.