ઈન્ટરવલ

અહંકાર અસ્થાયી સુખ આપે છે, જ્યારે નિરહંકારીપણું સ્થાયી સુખ આપે છે

અહંકાર એક એવી ઊંડી ખાઈ છે, જેમાં મનુષ્ય એવો ઊંડો ને ઊંડો ડૂબતો જાય છે કે.

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

પંચતંત્રની એક બોધ કથા છે : એક સાંકડા પુલ ઉપર બે બકરાં સામસામે આવી જાય છે.પુલ ખૂબ સાંકડો હોવાથી એકબીજાને ઓળંગીને આગળ નીકળી ન શકાય એવી પરિસ્થિતિ સર્જાય છે.આ બન્ને બકરાંમાં એક બકરું સમજદાર હતું.થોડું આગળ ચાલ્યા પછી એને ખ્યાલ આવ્યો કે હવે બેમાંથી કોણ પાછું જશે ? જો બંને સામસામે થઈ જશે તો નીચે પડી જવાનો ભય હતો. ત્યારે બીજું બકરું ધીમેથી નીચે બેસી ગયું.બીજું બકરું એની ઉપરથી ખુશ થતું પસાર થઈ ગયું.

થોડા સમય પછી આ પુલ પર જ બે કૂતરાં સામસામે આવી ગયા.બકરાના જેવી સ્થિતિ કૂતરાંની સર્જાઈ. પુલ સાંકડો હોવાને કારણે એકબીજાને ઓળંગીને આગળ નીકળી શકાય એમ તો હતું નહીં.બન્ને કૂતરાં સામસામે ભસવા અને ઝઘડવા લાગ્યા. બેમાંથી એક પણ કૂતરાંને બકરાં જેવી સમજણ આવી નહીં. આથી ઝઘડતા ઝઘડતા બંને પુલની નીચે નદીમાં પડ્યાં અને મોતને ભેટયાં.

આ વાર્તાનો સાર એવો છે કે જીવનમાં જે ‘નમે તે સૌને ગમે.’ બકરાંએ સમજણપૂર્વક માર્ગ કાઢી લીધો. જ્યારે કૂતરાંના અહંકારને લીધે સમજણ પૂર્વક રસ્તો કાઢવાને બદલે મૃત્યુને ભેટ્યાં.આમ જીવનમાં અહંકાર અતિ હાનિકર્તા છે.

મનુષ્ય સ્વભાવગત કર્મ કરતો આવ્યો છે,પણ જો એના કર્મમાં પુરુષાર્થ ભળે તો સફળતા મળવાની શક્યતા વધી જાય છે. એ સાથે એને આ સફળતા પચી જાય તો એનામાં અહંકાર પેદા થતો નથી.પણ જો એ સફળતા પચાવી ન શકે તો એનામાં અહંકાર જન્મે છે.સામાન્ય રીતે છીછરાં પાણીમાં છબછબિયાં કરતો મનુષ્ય પોતાની નાનકડી સફળતાના ગુણગાન ગાતો ફરે છે. જ્યારે સાગરના ઊંડા પાણીમાં તળિયા સુધી ડૂબકી મારનાર મરજીવો સૌ લોકોમાં માનીતો બની જાય છે. એને પોતાના વખાણ કરવા પડતા જ નથી,પરંતુ લોકો સામે ચાલીને એની પ્રશંસા કરવા આવે છે.આવા મનુષ્યને જ નિરહંકારીપણાંનું અણમોલ મોતી પ્રાપ્ત થતું હોય છે.

વ્યક્તિ જયારે વિચારે છે કે આ કાર્ય હું જ સારી રીતે કરી શકું.મારા સિવાય આ કામ કોઈ ન કરી શકે. આ એનું અભિમાન બોલે છે. પણ જ્યારે તે એમ કહે કે મારા હાથમાં આ કાર્ય આવે તો હું સારી રીતે કરવા કોશિશ કરીશ.ત્યારે એનામાં નિરભિમાનીપણું પ્રવેશે છે.જો કે આજે લોકોમાં અહંકાર એના સ્વભાવમાં જ વણાઈ ગયો છે. એનામાં કોઈપણ નાની મોટી વાતોમાંથી અહંકાર ઉત્પન્ન થતો હોય છે.

મનુષ્યનો અહંકાર એને દંભયુક્ત આનંદ આપે છે. જયારે નિરહંકારીપણું સાત્ત્વિક આનંદની અનુભૂતિ કરાવે છે. અહંકારી મનુષ્ય સ્વભાવથી આત્મકેન્દ્રી બને છે,જ્યારે નિરહંકારી મનોવૃત્તિ મનુષ્યને સમાજકેન્દ્રી બનાવે છે.અહંકાર એક એવી ઊંડી ખાઈ છે, જેમાં મનુષ્ય ઊંડો ને ઊંડો ડૂબતો જાય છે, જયારે નિરહંકારીપણું આકાશની ઊંચાઇ બક્ષે છે. અહંકાર અસ્થાયી સુખ આપે છે જ્યારે નિરહંકારીપણું સ્થાયી સુખ આપે છે.સમય જતાં અહંકાર મનુષ્યને સમાજ અને પરિવારમાંથી એકલો પાડી દે છે.જ્યારે નિરહંકારી મનુષ્યને ચારે તરફ માન,પાન અને પ્રતિષ્ઠા મળે છે.

વિલ ફ્રી નામના ચિંતક કહે છે : ‘સૂર્યના કિરણો સાંજે નીચા નમે છે ત્યારે તે વધુમાં વધુ લાંબે સુધી પથરાય છે. જ્યારે આપણી જાતને મોટી – લાંબી માનીએ છીએ ત્યારે હકીકતમાં આપણે ટૂંકા – નાના બની જઈએ છીએ.’

પોતાની સાથે સાથે બીજા વિશે પણ વિચારી શકાય ત્યારે તે અહમ છે, પરંતુ પોતાના સિવાય બીજા કોઈ વિશે વિચારો આવતા બંધ થઈ જાય ત્યારે અહંકાર બની જાય છે. દ્રૌપદીએ ભરસભામાં નિર્ણય કર્યો કે ત્યાં સુધી વાળ નહીં બાંધે જ્યાં સુધી દુર્યોધનને સજા કરવામાં નહીં આવે. ચાણક્યએ પ્રતિજ્ઞા કરી કે ત્યાં સુધી શિખા બંધન નહીં કરે જ્યાં સુધી પોતાના અપમાનનો બદલો નહીં લે.

સંત લાઓત્ઝે કહે છે, સીધા સાદા શબ્દો હંમેશાં દ્વિઅર્થી હોય છે : એક શબ્દના બંને અર્થ પરસ્પર વિરોધી હોય છે. અહમના બે અર્થ થાય છે. બંને અર્થ પરસ્પર વિરોધી છે.માણસનો અહંકાર એની અંદર જીવતા રાક્ષસને જગાડે છે અને અહમ એની અંદર જીવતા કલાકાર માટે પ્રાણવાયુનું કામ કરે છે. અહમ વ્યક્તિને પોતાના હોવા પણા અને અસ્તિત્વ વિશે સભાન – સજાગ રાખે છે, જ્યારે અહંકાર આપણા અસ્તિત્વનું ભાન ભૂલાવીને ખોટા નિર્ણયો તરફ દોરી જાય છે. આ બે શબ્દ વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે.

કોઈપણ સ્થિતિ સામે ન હારવું. સમજ્યા વગર ન સ્વીકારવું અને પોતાની સમજ પ્રમાણે દલીલો કરવી એ અહંકાર છે. આપણાથી ઉંમરમાં મોટા,વધુ સત્તા કે પૈસો ધરાવતા માણસોની વાત ખોટી હોય છતાં સ્વીકારવી એ નમ્રતા છે. આપણે જ્યારે કહીએ કે મારો અધિકાર છે, ત્યારે એ મેળવવાની યોગ્યતા પણ છે, એવું આપોઆપ પ્રતિપાદિત થાય છે. અહંકાર દરેક વખતે ખોટો હોઈ શકે પરંતુ અહમ દરેક વ્યક્તિને હોય છે – હોવો જોઈએ.એની માત્રા નક્કી કરવા પૂરતો જ અધિકાર વ્યક્તિને છે.

દરેક માણસના અહંકારને એક રંગ હોય છે.ક્યારેક ઈર્ષાનો લીલો રંગ હોય છે તો ક્યારેક ક્રોધનો લાલ રંગ. ક્યારેક ઉદાસીનો કાળો તો ક્યારેક સત્ત્વના સફેદ રંગનો પણ અહંકાર હોઈ શકે.માણસ માત્ર પાસે અહમ અને અહંકારના બે ખાનાં હોય છે.સમયાંતરે સ્થિતિ અને વ્યક્તિ મુજબ એ આપોઆપ ખૂલે છે.જે આ ખાનાંઓને પોતાની ઈચ્છા મુજબ ઉઘાડ – બંધ કરી શકે, તેને ‘સંયમી’ કહી શકાય.

અહંકાર અર્થાત ઘમંડને કારણે આપણા બધા જ ગુણોનું મહત્ત્વ ખતમ થઈ જાય છે અને આપણને બરબાદ કરી શકે છે. આ વાત શાસ્ત્રોમાં હિરણ્યકશિપુ, રાવણ, કંસ, દુર્યોધન જેવાં પાત્રો દ્વારા સમજાવવામાં આવી છે. આ બધા લોકો ખૂબ જ શક્તિશાળી હતા, પરંતુ એમના અહંકારને કારણે એમના સમગ્ર કુળનો નાશ થયો હતો.

વિદ્વાનો-ચિંતકોએ અહંકાર અને નિરહંકારીપણાં વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા આલેખી છે.

ઈતિહાસ સાક્ષી છે કે જેમણે અહંકાર ત્યાગી દીધો છે, એ સંત બની શક્યા છે. મહામાનવ તરીકેનું બિરુદ પામ્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?