ઈન્ટરવલ

નિધિ ચૌહાણનો શિક્ષણ સેવાયજ્ઞ. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની ચિંતા

મંત્રીઓ ટેન્શનમાં, ધારાસભ્યો ગેલમાં, રાષ્ટ્રધ્વજની ઉપેક્ષા, સચિવાલયમાં વાંદરાઓનો ત્રાસ

ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ

જે ધરતી ઉપર તમે વસો એ ધરતી તમારા પર કંઈક અસર જરૂર કરે છે એ નક્કી હોય છે. એ માટે ધરતીનો પ્રતાપ, ધરતીનું ધાવણ એવા વાક્યો પણ પ્રચલિત છે.ગુજરાતની ધરતીની અસર એક પરપ્રાંતની મહિલાને થઈ અને તેનું કેવું સકારાત્મક પરિણામ આવ્યું તેનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત જાણે એમ છે કે ગુજરાત રાજ્યની સનદી કેડરના ૨૦૦૭ની બેચના આઈ.પી.એસ. અધિકારી મકરંદ ચૌહાણ હાલ લાંચરૂશવત વિરોધી બ્યુરો, અમદાવાદના સંયુક્ત નિયામક તરીકે ફરજ બજાવે છે. ચૌહાણના ધર્મપત્ની અને મૂળ દિલ્હીનાં રહેવાસી શ્રીમતી નિધિ ચૌહાણે એક સુંદર શિક્ષણ-સેવાયજ્ઞ અમદાવાદમાં શરૂ કર્યો છે. શું છે આ શિક્ષણ સેવાયજ્ઞ? એ પ્રશ્ર્નનો જવાબ એવો મળે છે કે નિધિ ચૌહાણ છેલ્લા ૧૩ વર્ષથી સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતાં અને ગરીબ માતાપિતાનાં બાળકોને વિનામૂલ્યે અભ્યાસ (ટ્યુશન) કરાવે છે. મજાની વાત તો એ છે કે કોઈ ઢોલ નગારા વગાડ્યા વિના આ કામ નિધિ ચૌહાણ શાંતિથી કરે છે. આવી ઉમદા પ્રવૃત્તિ કરવાની પ્રેરણા ક્યાંથી મળી? એવું પૂછવામાં આવતા નિધિ જણાવે છે કે બાળપણથી આવી પ્રવૃત્તિ કરવાનું સ્વપ્ન મનમાં હતું અને ૧૩ વર્ષ પહેલાં લગ્ન કરીને ગુજરાતમાં આવી ત્યારે એ સ્વપ્નને સાકાર કરવાની તક મળી અને તેમાં મારા પતિ મકરંદ ચૌહાણનો મને સંપૂર્ણ ટેકો મળ્યો એટલે કામ સરળતાથી આગળ વધ્યું. અહીં એ વાત પણ નોંધવી જોઈએ કે નિધિ ચૌહાણનાં વર્ગમાં વિનામૂલ્યે અભ્યાસ કરવાં આવતાં ધોરણ ૧૦ અને ૧૨ના બાળકો પ્રથમ વર્ગમાં પાસ થઈને તેમની નિષ્ઠાનો સુપેરે પડઘો પાડે છે અને સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના અભ્યાસનું ધોરણ આટલું ઉપર લઈ જતા નિધિ ચૌહાણ પણ કેવી નિષ્ઠા અને તલ્લીનતાથી આ બાળકોને ભણાવવા હશે તેની પ્રતીતિ થાય છે. શ્રીમતી નિધિ મકરંદ ચૌહાણ તેમનાં આ શિક્ષણ સેવાયજ્ઞ માટે અભિનંદનના અધિકારી તો છે હોં!

અભિનંદન તો ગુજરાત હાઇ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલને પણ આપવા પડે એમ છે. તેનું કારણ એ છે કે અત્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, રાજકારણીઓ, નોકરિયાતો વગેરે સૌ પોતપોતાની અનુકૂળતા મુજબ વેકેશન ભોગવી રહ્યા છે ત્યારે આવા વેકેશનમાંથી ગુજરાત હાઇ કોર્ટના ન્યાયમૂર્તિઓ બાકાત છે.તેનું કારણ એ છે કે ગુજરાત હાઇકોર્ટેના ચીફ જસ્ટિસ સુશ્રી સુનિતા અગ્રવાલે આ વેકેશનમાં તેમનાં હાથ નીચેના ન્યાયમૂર્તિઓને વેકેશનમાં પણ કેટલીક કામગીરી સોંપી દીધી છે. આ અંગેની વિગત એવી છે કે સુનિતા અગ્રવાલે ૧૨ ન્યાયાધીશોને ચાર સપ્તાહ માટે કેસની ફાળવણી કરી દીધી છે. આ ન્યાયમૂર્તિઓએ કોર્ટના વેકેશન દરમિયાન પણ દરરોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમિયાન કોર્ટને ખુલ્લી રાખીને દરરોજ પેન્ડિંગ કેસની સુનાવણી કરવાની રહેશે. આ પાછળ સુનિતા અગ્રવાલની ઉદાત ભાવના એવી છે કે વેકેશનને કારણે કેસોનો જે ભરાવો થઈ જતો હોય છે તે ન થાય અને અરજદાર કેસોની વારંવાર પડતી મુદતોમાંથી બચે. ભારતના ન્યાયતંત્રને જો સુનિતા અગ્રવાલ જેવા સંવેદનશીલ ન્યાયમૂર્તિઓ થોડા વધુ મળી જાય તો ભારતીય ન્યાયતંત્રની સિકલ બદલાઈ જાય.

સિક્કાની બીજી બાજુ જેવી એક વાત એવી બહાર આવી છે કે એકંદરે વેકેશન ભોગવતા ગુજરાતનાં મંત્રીઓ ટેન્શનમાં અને અમુક ધારાસભ્યો ગેલમાં આવી ગયા છે. તેનું કારણ એ છે કે ગુજરાતનાં ભારતીય જનતા પક્ષના મોવડીમંડળે ગુજરાત મંત્રીમંડળમાં જોડાયેલા સભ્યો અને ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી માટે તેમનાં જે તે વિસ્તારમાં અગાઉની ધારાસભાની કે લોકસભાની ચૂંટણીમાં થયું હોય તે કરતા ઊંચું મતદાન કરાવવા માટે અમુક ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવ્યા હતા અને એવું કહેવાય છે કે સદરહુ ફરજ સોંપતી વખતે આડકતરી રીતે મંત્રીઓને એવું કહી દેવામાં આવ્યું હતું કે આ લક્ષ્યાંક પૂર્ણ નહીં થાય તો મંત્રીપદ છોડવું પડશે અને ધારાસભ્યોને જણાવવામાં આવ્યું હતું કે જો લક્ષ્યાંક પાર પાડવામાં આવશે તો પ્રધાનમંડળના વિસ્તરણ વખતે તમારું નામ વિચારી શકાશે. હવે બન્યું છે એવું કે ગુજરાત સરકારના કૅબિનેટ કક્ષાના નવ મંત્રીઓમાંથી સાત મંત્રીઓ અને રાજ્યકક્ષાના આઠ મંત્રીઓનાં વિસ્તારમાં મતદાન ઊંચું જવાને બદલે નીચું ગયું છે એટલે એ સૌ મંત્રીઓ ટેન્શનમાં આવી ગયા છે અને સામા પક્ષે જે ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં ઊંચું મતદાન કરાવી શક્યા છે એ સૌ પ્રધાનમંડળના આગામી વિસ્તરણમાં પોતાનો નંબર લાગી જશે એવા ગેલમાં આવી ગયા છે. જો કે આ બધું તો “છાસ છાગોળે, ભેંસ ભાગોળે ને ઘરમાં ધમાધમ એ કહેવતને યાદ અપાવે એવું છે. બાકી હાલ તો હવે શું થશે એના વિચારોમાં સૌ ચિંતાતુર છે એ નક્કી.

પોતપોતાના સ્વાર્થની ચિંતા સૌ કરે છે પણ કરવા જેવી ચિંતા કોઈ કરતું નથી. તેનો સીધો અને ‘ઊડીને આંખે વળગે’ એવો કિસ્સો એ છે કે ગાંધીનગરના પાદરે ફરકતો રાષ્ટ્રધ્વજ મેલો થઈ ગયો છે તેની કોઈ ચિંતા કરતું નથી. આ અંગે વિગતો એવી છે કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાતના પાટનગરના પાદરે એટલે કે અમદાવાદથી વાયા સાબરમતી કે ઈન્દિરા બ્રીજથી આવતા માર્ગ પર અને ઘ-૦ સર્કલ પાસે એક મોટો રાષ્ટ્રધ્વજ, યોગ્ય ઊંચાઇએ મૂકવામાં આવ્યો છે. આ ધ્વજની વિશેષતાઓ એ છે કે (૧):-તે ધરતીથી લગભગ ૫૦ ફૂટ ઊંચે ફરકે છે (૨):-આ ધ્વજ સંભવત: ૩૦  ૨૦ની સાઈઝનો છે (૩):-ગાંધીનગર ૨ કિલોમિટર દૂર હો ત્યાંથી તે દેખાવા માંડે (૪):-ગાંધીનગરની શોભામાં એ અભિવૃદ્ધિ કરે છે, પરંતુ ‘આરંભે શૂરા’ ની ઉક્તિ અનુસાર એની જાળવણી અંગે કોઈ કાળજી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવતી હોવાનું જણાતું નથી. આ રાષ્ટ્રધ્વજના સ્થાપનને લગભગ બે વર્ષ થઈ ગયાં છે. ત્યારથી આ ધ્વજ સતત ચોવીસ કલાક ફરકતો રહે છે. તેને કારણે તે ખૂબ મેલો થઈ ગયો છે તેથી મહાનગરની શાન વધારવાને બદલે ઘટાડી દેશે એવો ભય લાગે છે. આ સંજોગોમાં ગાંધીનગર મહાનગરપાલિકા હાલનો ધ્વજ ઉતારી અને તેને સ્વચ્છ કરી પુન: સ્થાપે તે જરૂર જણાય છે.

ચિંતામાં તો અત્યારે ગુજરાત રાજ્યના સરદાર ભવન સચિવાલયમાં કામ કરતા અધિકારીઓ/કર્મચારીઓ વાંદરાનાં ત્રાસને કારણે મુકાઈ ગયા છે. સાવ વિચિત્ર લાગે અને સાચા માનવાનું મન ન થાય એવા સમાચાર એ છે કે ગાંધીનગરનાં સરદાર ભવન સચિવાલયમાં આજકાલ વાંદરાનો ત્રાસ વધતો જાય છે. થાય છે એવું કે વાંદરાઓ ઝાડ વાટે બારીમાં પ્રવેશીને પછી સચિવાલયના દાદરમાં બેસી જાય છે. આને પરિણામે દાદર પરથી પસાર થતા કર્મચારીઓ (ખાસ કરીને મહિલાઓ) સતત ફફડાટની લાગણી અનુભવે છે. ખાસ કરીને વી.આઈ.પી. બ્લોક ગણાતા બ્લોક નંબર -૧,૨ અને ૭ની આસપાસ તેમ જ સરદાર ભવન સચિવાલયમાં જે બ્લોકમાં વાંદરાઓનો ત્રાસ વિશેષ પ્રમાણમાં હોવાનું જાણવા મળે છે. આમ તો વાંદરા સામાજિક પ્રાણી છે એટલે એ ટોળામાં જ રહે પણ હાલ સખત ગરમીથી બચવા આ પ્રાણી સચિવાલયના ઓસરી કે દાદરમાં આશરો લેવા આવતું હોય એવું બને. વળી કેટલાક કર્મચારીઓ જીવદયાથી પ્રેરાઈને વાંદરાઓને બિસ્કિટ જેવી ખાદ્ય સામગ્રી આપે છે તેને કારણે આકર્ષાઈને પણ વાંદરાંઓ સચિવાલયમાં વધારે આવવા માંડે છે. વાંદરાઓથી મહિલા કર્મચારીઓ એટલી બધી ગભરાય છે કે પોતાના માર્ગમાં જો કોઈ વાંદરો બેઠેલો જુએ તો રસ્તો બદલી નાખે છે. અલબત્ત, આ ત્રાસ હાલ તો સીમિત છે પણ પરિસ્થિતિ વકરે તે પહેલાં સચિવાલયની સિક્યોરિટી સિસ્ટમ દ્વારા આ બાબત અંગે પગલાં લેવાય તે ઈચ્છનીય તો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button