ઈન્ટરવલ

ગ્રહણ ઇલેકશનનું

ઔદ્યોગિક ક્ષેત્રે નવા રોકાણ આયોજનો છ વર્ષના તળિયે

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૩માં ગયા વર્ષની સરખામણીમાં નવા ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટની જાહેરાતોનું મૂલ્ય પચાસ ટકા કરતા વધુ ઘટી ગયું છે. ઉદ્યોગ ક્ષેત્રે કોરોનાનો ફટકો પડ્યો હતો અને કામકાજ લગભગ ઠપ થઇ ગયાં હતાં એ ૨૦૨૦ને બાદ કરતાં નવા ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત છ વર્ષની નીચી સપાટીએ પહોંચી છે અને આવનારી ચૂંટણી તેને માટે કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

આપણે પાછલા અંકમાં ઇલેકશનનાં ઇંધણની એટલે કે લોકસભાની આવી રહેલી ચૂંટણીની એક પોઝિટિવ આડઅસરની વાત કરી હતી અને જાણ્યું હતું કે શેરબજાર માટે ઇલેકશન એક ઇંધણ પુરું પાડનાર પરિબળ બની રહેશે. જોકે, દરેક સિક્કાને બે બાજુ હોય છે અને આ બાબત ઇલેકશનને પણ લાગુ પડે છે. આજે ઇલેકશનના ગ્રહણની વાત કરીએ.

શેરબજાર માટે ભલે પોઝિટિવ હોય, ઔદ્યોગિક ક્ષેત્રે ઇલેકશનની આડઅસરમાં સહેજ નકારાત્મક વર્તાઇ છે, તેની વાત આજે માંડવી છે. એક અભ્યાસ અહેવાલમાં જણાવાયું છે કે કોરોનાનું આક્રમણ થયું તે વર્ષ ૨૦૨૦ને બાદ કરતાં ઔદ્યોગિક ક્ષેત્રે આ વખતે પાછલા છ વર્ષમાં નવા ઇન્વેસ્ટમેન્ટની સૌથી ઓછી જાહેરાતો નોંધાઇ છે અને અભ્યાસુઓનું માનવું છે કે, નવા રોકાણમાં ઘટાડાનું એક મહત્ત્વનું કારણ ચૂંટણી હોઇ શકે છે.

નવા પ્રોજેક્ટ્સની જાહેરાતો વાસ્તવમાં ભારતમાં કંપનીઓ દ્વારા મૂડીરોકાણનો એક માપદંડ છે. બૅન્ક ઓફ બરોડાના અહેવાલમાં જાણવા મળ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૩માં નવા પ્રોજેક્ટની જાહેરાતોનું મૂલ્ય ૫ચાસ ટકા કરતા વધુ ઘટી ગયું છે. પાછલા છ વર્ષની વાત કરીએ તો કોરોનાને કારણે લોકડાઉન લદાવાને કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિ લગભગ ઠપ થઇ ગઇ હોવાથી ૨૦૨૦માં જ આ આંકડો સ્વાભાવિક રીતે નીચો હતો.

પાછલા છ વર્ષની સરખામણીમાં આ નાણાકીય વર્ષમાં સૌથી નીચો હોવો એ એક ચિંતાનો વિષય છે. બૅન્ક ઑફ બરોડાની આર્થિક સંશોધન શાખાએે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઇઆઇ) તરફથી જાહેર થયેલા એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળામાં નવા પ્રોજેક્ટની જાહેરાતોના મૂલ્યના ડેટાનું વિશ્ર્લેષણ કરતો અહેવાલ બહાર પાડ્યો હતો અને તેનું આ તારણ છે.

નોંધવા જેવી ચિંતાજનક બાબતમાં ઔદ્યોગિક ક્ષેત્રનું માનસ ખરેખર ખરડાયું હોય અને ઉદ્યોજકો ભાવિ પરિદૃશ્ય અંગે અનિશ્ર્ચિતતા અથવા આશંકા ધરાવતા હોય એવું ચિત્ર ઉપસે છે. ઉપરોક્ત સર્વેક્ષણના વિશ્ર્લેષણમાં એવું ટાંકવામાં આવ્યું છે કે, માત્ર રોકાણનું સેન્ટિમેન્ટ નીચું નથી ગયું, પરંતુ જે રોકાણ અથવા પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી છે તે માત્ર કેટલાક ક્ષેત્રોમાં કેન્દ્રિત છે અને તે પણ મોટાભાગે નવા ક્ષેત્રોના નિર્માણને બદલે અસ્કયામતોના સંપાદન સાથે સંબંધિત છે.

બીજી નોંધવા જેવી બાબત એ છે કે, નવા પ્રોજેક્ટની જાહેરાતોના એકંદર મૂલ્યમાં તીવ્ર ઘટાડો થયો છે ત્યારે આ ઘટાડો ખાનગી ક્ષેત્રની કંપનીઓ કરતાં સરકારી માલિકીની કંપનીઓ માટે થોડો વધુ તીવ્ર જણાય છે! અલબત્ત તફાવત નજીવો છે, પણ આપણે બિટ્વીન ધી લાઇન જોઇએ તો જાહેર ક્ષેત્રની કંપનીઓને સરકારની વધુ નિકટ હોવાનું માનવામાં આવે છે અને જો આ કંપનીઓ નવા રોકાણ પર લગામ તાણી રહી છે તો મામલો ગંભીર હોવાની આશંકા ઉપજે છે.

આપણે માત્ર તાર્કિક તથ્યો તપાસીએ તો આ રોકાણ સેન્ટિમેન્ટની સુસ્તી પાછળના કારણોમાં વિવિધ ક્ષેત્રોમાં વધારાની વર્તમાન ક્ષમતા, આગામી સામાન્ય ચૂંટણીઓ દ્વારા સર્જાઇ રહેલી અનિશ્ર્ચિતતા અને વર્તમાન ઊંચા વ્યાજ દરો હોઈ શકે છે! એવુ પણ માની શકીએ કે કંપનીઓ આવતા વર્ષે વ્યાજદરમાં કાપની અપેક્ષા રાખે છે અને એના લીધે રોકાણ નિર્ણય પાછળ ટાળી રહી છે.
ડેટા દર્શાવે છે કે એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૩માં રૂ. ૧૦.૮૦ લાખ કરોડના નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી હતી, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં જાહેર કરાયેલા રૂ. ૨૧.૮૯ લાખ કરોડના રોકાણના અડધા કરતાં પણ ઓછા હતા.

વાસ્તવમાં, ૨૦૨૩-૨૪માં જાહેર કરાયેલ રોકાણનું મૂલ્ય ૨૦૨૦-૨૧ સિવાય, જ્યારે તે ઘટીને ૨૦૧૮-૧૯થી પાછલા છ નાણાકીય વર્ષોના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં જાહેર કરવામાં આવ્યું હતું તેના કરતા ઓછું છે. લોકડાઉનને કારણે રૂ. ૫.૯૪ લાખ કરોડ જેટલા જ ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત થઇ હતી.

અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં લગભગ ૪૯ ટકા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, સર્વિસ સેકટર પ્રોજેકટ માટે હતા, જેમાંથી પરિવહન સેવાઓનો ફાળો ૯૪ ટકા હતો. તેમાં જણાવ્યું હતું કે, આ મુખ્યત્વે ઉડ્ડયન ક્ષેત્ર અને આ વર્ષમાં કેટલીક કંપનીઓ દ્વારા નવા એરક્રાફ્ટ માટેના મોટા ઓર્ડરને કારણે આવું જોવા મળ્યું છે.

એવિયેશન સેકટરમાં સારો વિકાસ દેખાઇ રહ્યો છે. એર ઈન્ડિયાએ ૪૭૦ નવા પ્લેનનો ઓર્ડર આપ્યાના થોડા મહિના બાદ આ વર્ષે જૂનમાં ઈન્ડિગોએ ૫૦૦ એરબસ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો.
નવા પ્રોજેક્ટની જાહેરાતોમાં મેન્યુફેક્ચરિંગ સેકટરનો હિસ્સો ૨૮ ટકા છે, કેમિકલ અને મશીનરી સેગમેન્ટનો હિસ્સો અનુક્રમે ૪૨ ટકા અને ૧૯ ટકા જેવોે છે. પાવર સેક્ટરનો હિસ્સો ૨૧ ટકા રહ્યો છે.
સીએમઇઆઇના ડેટા અનુસાર સરકારી અને ખાનગી ક્ષેત્ર બંનેમાં સુસ્ત વલણ જોવા મળ્યું છે. સરકારની માલિકીની કંપનીઓએ એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૨ના ગાળામાં રૂ. ૨૧.૮૯ લાખ કરોડની નવી જાહેરાતોમાંથી જ્યારે ૨૩ ટકા હિસ્સો મેળવ્યો હતો, ત્યારે ચાલુ નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ હિસ્સો નજીવો ઘટીને ૨૧ ટકા થયો હતો.

બીજા શબ્દોમાં કહીએ તો, નવા પ્રોજેક્ટની જાહેરાતોમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો અગાઉના વર્ષના ૭૭ ટકાથી વધીને ૨૦૨૩માં ૭૯ ટકા થયો હતો. એ નોંધવું અગત્યનું છે કે જાહેર અને ખાનગી ક્ષેત્ર બંને દ્વારા રોકાણની જાહેરાતો અગાઉના વર્ષની સરખામણીમાં ૨૦૨૩માં લગભગ અડધા જેટલી ઘટી હતી.

નવા ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતોના ઘટાડાનું એક કારણ વધુ પડતી ક્ષમતા અથવા ક્ષમતા વપરાશનો વધારો હોઇ શકે છે, પરંતુ અભ્યાસુઓ અનુસાર આગામી વર્ષે આવી રહેલી ચૂંટણી સંદર્ભે ઔદ્યોગિક ક્ષેત્ર અનિશ્ર્ચિતતા અનુભવી રહ્યું હોવાથી કંપનીઓ નવા રોકાણ આયોજનો પહેલા રાહ જોવાનું વલણ અપનાવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button