ઈન્ટરવલ

સફરજન ખાવ કે અમેરિકા જાવ… ગાંધી સાથે જ છે!

ગઈ કાલે ૩૦ જાન્યુઆરી – મહાત્મા ગાંધીની પૂણ્યતિથિ હતી. એ ‘શહીદ દિન’ પર આ યુગ પુરુષને આપણે પણ યાદ કરી લઈએ.

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

એક ફિલ્મ આવી હતી: ‘બ્લફમાસ્ટર’. ફિલ્મમાં અભિષેક બચ્ચન પાસે સિત્તેર પંચોતેર દિવસની જિંદગી બચી છે. બોમન ઇરાની જિંદગી વિશે પૂછે છે કે ત્રીસ વર્ષની જિંદગીમાં યાદગાર દિવસો કે ઘટનાઓને યાદ કરે તો ત્રીસેક જેટલા થતાં હશે. હજુ તારી પાસે પંચોતેર દિવસ છે. પોતાની યાદગાર ઘટના તરીકે બોમન ઇરાનીના પિતાએ સાઇકલ પર ચલાવતા એટલું જ કહ્યું હતું કે હું સાઇકલ સાથે દોડું છું… તું આગળ ધ્યાન આપ. બોમનએ કહ્યું કે સાઇકલ દૂર સુધી ભગાવ્યા પછી પાછળ જોયું તો પિતાજી દૂર ઊભા જ હતાં…

સાદા અર્થમાં આજે રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું છે કે સમાજ વિકસિત બની રહ્યો છે, પણ મહાત્મા ગાંધી આપણી પાછળ ઊભા છે. વિશ્ર્વભરમાં ભારતની ઓળખ પૌરાણિક ગ્રંથો અને ગાંધી છે. આજની લોકશાહીના પાયામાં ગાંધીવિચાર છે, આઇન્સ્ટાઇને આમ જ તો ગાંધીના પંચોતેરમાં જન્મદિવસે નહીં કહ્યું હોય કે… ‘આવનારી પેઢીઓ મુશ્કેલથી ભરોસો કરશે કે હાડમાંસનો હાલતો-ચાલતો આવો માણસ ધરતી પર હતો…’

ચંપારણ આંદોલન વખતે એક જ રસોડે જમવું એ પરંપરા શરૂ કરી. પોતાના કામ જાતે કરવામાં શરમ રાખવી જોઈએ નહીં જેવી એ સમયના ધનિક વર્ગને શીખવીને સાચા સત્યાગ્રહી બનાવ્યા. ભિતીહરવા ગામમાં કસ્તુરબા સાથે ગયા અને એક મહિલા ગંદા કપડાં સાથે જોવા મળી. ગાંધીજીએ કસ્તુરબાને કહ્યું કે એ ભલે ફાટેલાં કપડાં પહેરે, પણ કપડાં સ્વચ્છ રાખવા અંગે સમજ આપો. કસ્તુરબા સાથે વાત કરતાં એ મહિલાએ કહ્યું કે અમે ત્રણ સ્ત્રી વચ્ચે આ એક જ કપડું છે… આ લાચારી ગાંધી જોઇ શક્યા નહીં અને એક સમયે આફ્રિકાના ધનિક વકીલ મોહનદાસ કરમચંદ ગાંધીએ આખી જિંદગી પોતડી પહેરી.

આમ જ આઇન્સ્ટાઇન ગાંધીજીના ચાહક ન હતાં. આઇન્સ્ટાઇન મહાત્મા ગાંધી કરતાં એક દશક નાના હતા, બંને મળી શક્યા ન હતાં, પણ બંને વચ્ચે મજેદાર પત્રવ્યવહાર હતો. આઇન્સ્ટાઇન વૈજ્ઞાનિક હતા એટલે એમના ઘરમાં ન્યૂટન અને જેમ્સ મેક્સવેલની તસ્વીર હતી. વિશ્ર્વયુદ્ધ અને સતત હિંસા વચ્ચે આઇન્સ્ટાઇને બંને વૈજ્ઞાનિકની તસવીર હટાવીને માનવતાવાદી તથા શાંતિપ્રિય એવા આલ્બર્ટ શ્વાઇત્ઝર અને મહાત્મા ગાંધીની તસવીર ઝુલાવી હતી. બાય ધ વે, આલ્બર્ટ શ્વાઇત્ઝર પણ ગાંધીજીથી પ્રભાવિત હતાં.

આ બધી વાત લખતા- વાંચતા એટલો પણ ખ્યાલ છે કે ગાંધી ભગવાન ન હતાં, પણ મહામાનવ તો ચોક્કસ હતા જ.

અમેરિકામાં એક સમયે બધાને સમાન અધિકાર હતા નહીં. અમેરિકામાં સમાન નાગરિક અધિકારના પાયામાં એક જ વિચાર બેઠો છે: મોહનદાસ કરમચંદ ગાંધી.

માર્ટિન લ્યુથર કિંગને મહાત્મા ગાંધી વિશે ખાસ પરિચય હતો નહીં. એક મિત્ર થકી ડૉ. જ્હોનસનના લેક્ચરમાં ગાંધી વિશે માહિતી મળી. ડૉ. જ્હોનસન એ સમયે ભારત આવ્યા હતા અને મહાત્માથી પ્રભાવિત હતાં. ડૉ. જ્હોનસને એમના વક્તવ્યમાં ગાંધી વિચારો સાથે અહિંસા અને સત્યાગ્રહની વાત કરી. આ વક્તવ્યથી યુવા માર્ટિન લ્યુથર કિંગને અન્યાય સામે લડત આપવાનો નવો વિચાર આવ્યો. વર્ષ ૧૯૫૫માં મોંટગોમરી બસ ઘટના બની. અશ્વેત મહિલા રોજા પાર્કસે એક વ્હાઇટ માટે બસમાં રિઝર્વ જગ્યા ખાલી કરી નહીં. રોઝા પાર્કસને અપમાનિત કરીને બસમાંથી ઉતારી મૂકવામાં આવી અને એના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. આ ઘટના સાથે ઘણી લંબાણપૂર્વક વાતો જોડાયેલી છે, પણ સંક્ષિપ્તમાં સમજીએ તો માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહ થયો અને બ્લેક પ્રજાએ બસનો અહિંસક બહિષ્કાર કર્યો. બસ બહિષ્કાર આંદોલન એક -બે દિવસમાં ખતમ થયું નહીં, પણ કાળા લોકોના અધિકારની માંગ સાથે પૂરા ૩૮૧ દિવસ ચાલ્યું. અમેરિકામાં કાળા-ધોળાનો ભેદ નાબૂદ થયો. વન્સ અગેઇન-ફરી એક વાર, માનવતાની જ્યોત પ્રગટાવવાના પાયામાં મોહનદાસ કરમચંદ ગાંધી હતા.

માર્ટિન લ્યુથર કિંગ ભારત આવ્યા. મુંબઈ ખાતે ગાંધીજીના નિવાસ સમાન ‘મણિભવન’ની મુલાકાત પછી એક રાત્રિરોકાણ માટે ગાંધીજી જ્યાં આરામ કરતાં એ રૂમમાં રહેવાની માંગ કરી હતી. અમેરિકાના મોટાભાગના રાષ્ટ્રપતિ ‘મણિભવન’ની મુલાકાત લઇ ચુક્યા છે.

ક્રાંતિકારી ચે ગુએરા પણ ‘મણિભવન’ની મુલાકાત લીધા પછી ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ પર એક ટૂંકા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમારા અને ભારત વચ્ચે ફરક એટલો જ છે કે ભારત પાસે દર્શનશાસ્ત્ર અને ગાંધી હતાં. ચે ગુએરા કહેતા કે, ક્યુબાની લડાઇમાં દુશ્મન સૈનિકની સેવા કરવાનું શરૂ કર્યું ત્યારે ફિડલ કાસ્ટ્રોએ પૂછ્યું હતું કે દુશ્મનની સેવા કરવાનું કોણે શીખવાડ્યું? જવાબ આપણા બધાને ખબર છે : મહાત્મા ગાંધી કી જય..
ફિલિપાઇન્સમાં રાષ્ટ્રપતિ માર્કોસ હતો વર્ષ ૧૯૮૨માં ‘ગાંધી’ ફિલ્મ આવી હતી. નિયોન એક્વિનોએ ફિલ્મ જોઈ. પછી અહિંસક આંદોલન અને સત્યાગ્રહ થકી માર્કોસના ત્રાસમાંથી છોડાવવા અને ફિલિપાઇન્સમાં લોકશાહી શાસન સ્થાપવા નીકળી પડે છે અને એરપોર્ટ પર જ હત્યા થાય છે…. માર્કોસનાં પત્ની કોરી એક્વિનો ફિલિપાઇન્સ આવ્યાં અને ગાંધી વિચાર થકી અહિંસક આંદોલન થયું અને આજે ફિલિપાઇન્સમાં લોકશાહી છે. આપણે ગૌરવથી કહી શકીએ કે ફિલિપાઇન્સના નાગરિક શાસનમાં આપણો ગાંધી છે.

હા,વાત વિદેશીઓની ચાલે છે તો એક અમેરિકન ગાંધીવાદીને પણ યાદ કરી લઇએ. વર્ષ ૧૯૦૪માં હિમાલયમાં ધરતીકંપ પછી અમેરિકન સેમ્યુઅલ ઇવાન્સ સ્ટોક ખ્રિસ્તી મિશનરી સાથે સેવા કરવા ભારત આવ્યા. સેમ્યુઅલ સ્ટોક્સના પિતા ધનિક વ્યક્તિ હતા, હિમાલય આવ્યા પછી શિક્ષણ અને આરોગ્ય માટે સેવાનો પ્રારંભ કર્યો. ભારતીય સનાતન ગ્રંથો અને હિમાલયની સંસ્કૃતિ સાથે હિન્દુ ધર્મ માટે લાગણી થવા લાગી. હિમાચલના સિમલા પાસે કોટગઢમાં જમીન ખરીદી. પિતાના નિધન પછી ભારતીય મહિલા સાથે લગ્ન કર્યું. આ દરમિયાન હિમાલયના ખેડૂતોની લાચારી નજરે પડવા લાગી. એકવાર પરિવાર સાથે અમેરિકા ગયા પછી સફરજનની ખેતી થતાં જોઈ અને સફરજનની ખેતી હિમાલયમાં સફળ થઈ શકે એવો વિચાર સાથે સફરજનના છોડ અને બિયારણ લઇને ભારત આવ્યા. સફરજનની ખેતી અંગે આસપાસના ખેડૂતોને સમજ આપી. એન્ડ્રુઝ થકી ટાગોર અને પછીથી મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા.

વધુ વિગતોમાં ન જતાં સ્ટોક્સે જોયું કે ઉનાળામાં રાજધાની સિમલામાં શીફ્ટ થતી અને આ દરમિયાન રાજાઓ, ધનિકો અને અંગ્રેજો સ્થાનિક લોકો પાસે મજૂરી કરાવીને શોષણ કરતા. સમૃદ્ધ અને શક્તિશાળી વર્ગ હિમાલયમાં શિકાર કરવા નીકળે અને સ્થાનિકો પાસે સામાન ઉંચકવાથી માંડીને શિકાર દરમિયાન તમામ સગવડો સાચવવાની જવાબદારી આપવામાં આવતી અને આ માટે ખાસ મજૂરી મળતી નહીં. ઘણા મજૂરો મૃત્યુ પામતાં. સ્ટોક્સ મહાત્મા ગાંધી પાસેથી અન્યાયનો સામનો કરવા અંગે વિચારોથી પ્રભાવિત હતા. એમણે હિમાચલના લોકોને સાથે રાખીને સત્યાગ્રહ કર્યો અને જેલમાં ગયા. અંગ્રેજ સત્તા તરફથી થતા અન્યાય સામે લખવાનું શરૂ કર્યું. ગાંધી વિચાર થકી પોતાના બાળકોને અંગ્રેજી શિક્ષણ આપવાને બદલે હિન્દી અને સ્થાનિક ભાષામાં શિક્ષણ આપ્યું અને વિદેશી પહેરવેશનો ત્યાગ કરીને પૂર્ણ સ્વદેશી બની ગયા. મહાત્મા ગાંધીને વારંવાર મળવા સાથે લાંબા પત્રવ્યવહાર ચાલવા લાગ્યા. હિમાલયના ખેડૂતોને મજૂરીના શોષણમાંથી મુક્તિ મળી.

હિમાચલના ખેડુતોને શોષણમાંથી મુક્તિ અપાવ્યા પછી સફરજનની ખેતી તરફ વાળ્યા. હિન્દુ ધર્મ અપનાવીને ‘સત્યાનંદ’ નામ અપનાવ્યું, એક જ વ્યક્તિના સમાજને શોષણમુક્ત કરવાના પ્રયાસ થકી આજે હિમાલય પાંચ હજાર કરોડનો સારી ગુણવત્તાના સફરજનનો વ્યવસાય કરે છે. જો કે દેશ આઝાદ થાય એ પહેલાં બે એક વર્ષ અગાઉ સત્યાનંદ સ્ટોક્સનું નિધન થયું હતું. વચ્ચેનાં વર્ષો અધ્યાત્મ તરફ વળ્યા પછી અંતિમ વર્ષોમાં ગાંધી સાથે ફરી સંપર્કમાં રહ્યા હતા.

ધ એન્ડ :
ગાંધીજીને ફૂટબોલ પસંદ રમત હતી. વર્ષ ૧૮૯૮માં ‘ટ્રાન્સવાલ ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશન’ના સ્થાપકોમાં ગાંધી હતા. વર્ષ ૧૯૦૪માં ‘પૈસિવ રજીસ્ટર્સ ક્લબ’ કે જે ડરબન, પ્રિટોરીયા અને જ્હોનિસબર્ગમાં હતી તેની સ્થાપનામાં પણ ગાંધીજીનો ફાળો હતો. સાઉથ આફ્રિકામાં ફૂટબોલ મેચ દરમિયાન ગાંધી પ્રજાને અહિંસા અને સત્યાગ્રહ થકી સત્તા સામે લડત માટે શિક્ષણ આપતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…