ઈન્ટરવલ

પહેરવેશ એ આપણી સંસ્કૃતિ છે આપણી ઓળખ છે

આપણે ત્યાં સંસ્કૃતિથી લઈને ભાષા-રીતરિવાજો તહેવારો, ઈત્યાદિમાં જે અનેકવિધતા જોવાં મળે છે એમાં ‘એક નૂર આદમી હજાર નૂર કપડાં!’ની ઉક્તિ અલગ તરી આવે છે.

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

જો તમે ગુજરાતની પોશાક સભ્યતા વિશે જાણતા નથી તો તમે ગુજરાતી નથી… આપણે હવે જો પહેરવેશની જ વાત કરીએ તો તમને થશે કે હા, એ તો અમને ખબર છે-જેમકે, ગુજરાતમાં ચણિયા ચોળી અને કેડિયું ચોરણી, રાજસ્થાનમાં મારવાડા, પંજાબમાં પંજાબી ડ્રેસ અને કુર્તા, દક્ષિણમાં જઈએ તો કાંજીવરમ સાડી અને લૂંગી, બંગાળમાં જઈએ તો બંગાળી સાડી…..પણ ના, તમને આ માત્ર ઉપરછલ્લી જ ખબર છે.

માત્ર ગુજરાતની જ વાત કરીએ તો અહીં જાતિ બદલાય એ પ્રમાણે તેનો પોશાક પણ બદલાય છે. ‘બાર ગાઉએ બોલી બદલાય’ એ કહેવતની જેમ પોશાક પણ બદલાય છે. સાથે સાથે તેને પહેરવાની રીત પણ દલાય છે. એમાંય સ્ત્રીઓને તો ખાસ ! ભાઈઓને તો શું ? વધી વધીને પાઘડી બદલાય ! પણ બહેનોની તો ચાલ બદલાય, ઘરેણાં પહેરવાની રીત, કેવા પ્રકારના ચાંદલા, કેવા પ્રકારના છડા…આ બધું બધું જ બદલાય.

પહેરવેશ એ આપણી ઓળખ હતી. પહેરવેશને આધારે પ્રદેશ ઓળખાઈ જતો. પહેરવેશને આધારે જાતિ નક્કી થઈ જતી, પરંતુ કાળની થપાટમાં બધું જ બદલાઈ ગયું છે- બદલાઈ રહ્યું છે.
એક પ્રસંગ કથા યાદ આવે છે:
એક વખત એક બહેન રિક્ષાની રાહ જોઈને ઊભાં હતાં. ત્યાંથી પસાર થતો એક રિક્ષાવાળો ઊભો રહે છે અને કહે છે, ‘ચાલો, માતાજી ! રેસકોર્સ બાજુ જવું છે ?’ તો એ બહેન ના પાડે છે અને કહે છે કે, ‘ના! મારે જ્યુબિલી શાક માર્કેટ જવું છે.’ બીજા દિવસે ફરી એ જ વખત એ જ બહેન રિક્ષાની રાહ જોઈને ઊભાં હતાં અને જોગાનુજોગ પેલો જ રિક્ષાવાળો ત્યાંથી પસાર થાય છે અને કહે છે, ‘ચાલો,બહેનજી !ભક્તિનગર જવું છે ?’ તો એ બહેન કહે છે કે, ‘ના મારે હૉસ્પિટલ ચોક જવું છે.’ ત્રીજા દિવસે એ જ બહેન અને પેલો રિક્ષાવાળો એ જ જગ્યાએ મળી ગયા.એ કહે : ‘ચાલો મેડમ ! ઈન્દિરા સર્કલ આવવું છે ?’ એ બહેન રિક્ષામાં બેસી જાય છે. પછી રિક્ષાવાળાને એ પૂછે છે કે, ભાઈ ! તમને ખોટું ન લાગે તો એક વાત કહું ? છેલ્લા ત્રણ દિવસથી દરરોજ તમે જ મને રિક્ષામાં બેસવા માટે પૂછો છો અને દરરોજ તમે મને અલગ અલગ સંબોધનથી પૂછ્યું. પહેલા દિવસે આપે મને ‘માતાજી’ .. બીજા દિવસે ‘બહેનજી’ અને ત્રીજા દિવસે- આજે મને ‘મેડમ’ … તો આમ કેમ ? ત્રણેય દિવસે એકની એક વ્યક્તિ તરીકે તમે મને અલગ અલગ સંબોધન કેમ કર્યું ?!

આ વાત સાંભળીને રિક્ષાવાળો કહે, ‘બહેન, પહેલા દિવસે આપે સાડી પહેરી હતી. મારાં બા સાડી પહેરે છે એટલે મને આપનામાં મારાં માતાજીનાં દર્શન થયાં હતાં. એટલે મેં આપને માતાજી કહીને સંબોધન કર્યું હતું. બીજા દિવસે આપે ડ્રેસ પહેર્યો હતો. મારી બહેન પણ ડ્રેસ જ પહેરે છે આથી મેં આપને બહેનજી કહીને સંબોધન કર્યું. અને આજે આપે જીન્સ અને ટી- શર્ટ પહેર્યાં છે. આવો પહેરવેશ મોટે ભાગે વિદેશી કલ્ચરનો ટેસ્ટ ધરાવનાર મહિલા પહેરતી હોય છે. આથી આજે મેં આપને ‘મેડમ’ કહ્યાં !

આજકાલ તો ફેશનના નામે જીન્સ અને ટી-શર્ટ ચાલે છે, પણ ખરા અર્થમાં જોઈએ તો એક સમય એવો હતો કે લોકોના પહેરવેશને આધારે જે તે લોકોના પ્રદેશની ખબર પડી જતી અને એ કયા જ્ઞાતિ -વર્ગ સમૂહના છે તે પણ ખબર પડી જતી.

પહેરવેશની દુનિયાના ભૂતકાળમાં ડોકિયું કરીએ તો તમે જીમી કાપડાનું નામ સાંભળ્યું હશે. કોઈને પહેરતા પણ જોયા હશે, પણ કદાચ એવી નહીં ખબર હોય કે તે કોણ પહેરે છે અને કઈ રીતે પહેરે છે. મોટા ભાગે આહિર લોકો અને રબારી તથા ભરવાડ જાતિના લોકો આ પ્રકારનો પહેરવેશ પહેરે છે. જીમી મરુન અને કાળા કલરમાં જોવા મળે છે.જે લૂંગી જેવું મોટું કાપડ હોય છે. કાપડું એક પ્રકારનું બેકલેસ બ્લાઉઝ છે. આ પહેરવેશની સાથે ગળામાં જે ઘરેણું પહેરવામાં આવે છે, જેને ‘બીજ’ કહેવામાં આવે છે. તે અર્ધ ચંદ્રાકાર હોય છે. હાથમાં બલોયાં અથવા તો ખડકનાં પાટલાં પહેરવામાં આવે છે. પગમાં નક્કર ચાંદીનાં કડલાં અને કાનમાં પહેરવાના હોય તેને ‘ઠોરિયાં’ કહેવામાં આવે છે. આ બધાં જ ઘરેણાંઓ અસલી સોના -ચાંદીના હોય છે.
મહેર જ્ઞાતિના લોકોના પહેરવેશમાં જીમી જેવું જ લાલ કલરનું ધારવો પહેરવામાં આવે છે, જે પરણેલી સ્ત્રી પહેરતી હોય છે. સફેદ કલરનું ધાહિયું જે કુંવારી ક્ધયાઓ પહેરે છે. માથે ઓઢવાના લાલ કલરના ઓઢણાને ‘હાટડી’ કહેવામાં આવે છે.

મહેર જ્ઞાતિનાં ઘરેણાંમાં કાનમાં પહેરવાના વેઢલા, ગળામાં ટૂંકો હાર કાઠલી અને મોટો હાર જૂમણું, તેમજ હાથમાં બલોયાં પહેરવામાં આવે છે.

પુરુષોના પોશાકની વાત કરીએ તો કેડિયું અને ચોયણોના પહેરવેશ વિશે આપણે સૌ જાણીએ છીએ. તેની સાથે ખભે રાખવાનું અંગરખું પણ આપણે જોયું છે. દરેક જાતિ પ્રમાણે પાઘડી અને સાફા બાંધવાની રીત અલગ અલગ હોય છે તો વળી ઘણા પુરુષ ધોતી અને કફની તેમજ ઝભ્ભો અને શેરવાની પણ પહેરતા હોય છે.

આ તો માત્ર ગુજરાતની વાત કરી, પણ આખા ભારતની જો વાત કરીએ તો કેટ કેટલી વિવિધતા જોવા મળે
પહેરવેશ એ આપણી સંસ્કૃતિ છે. આપણી ઓળખ છે, પરંતુ આજકાલ ફેશનના નામે વિવિધ પ્રકારના વેશ પરિધાન જોવામાં આવે છે. સમજો કે પશ્ર્ચિમીકરણની અસરનો પ્રભાવ લોકો ઉપર વિશેષ પ્રકારનો જોવા મળે છે. બાળકોથી માંડીને મોટાં સ્ત્રી – પુરુષો પણ આ કલ્ચરમાં રંગાયેલા જોવા મળે છે. બાળકોને ફેશનની કશી જ ખબર ન પડતી હોવા છતાં,આજના મા-બાપ ફેશનના નામે માત્ર દેખાડો કરવાના હેતુથી ચિત્ર -વિચિત્ર પહેરવેશ બાળકોને પહેરાવે છે.

તો વળી યુવાન- યુવતીઓ તો ક્યારેક લજ્જા ઉપજાવે એવા પહેરવેશમાં જોવા મળે છે.

બાળકો કે યુવાન યુવતીઓની તો વાત જાણે સમજ્યા પરંતુ આજકાલ નોકરી કરતા પુરુષ અને મહિલાના પહેરવેશમાં પણ શરમ ઉપજાવે તેવી ફેશન જોવા મળે છે. નોકરી કરનાર વ્યક્તિને અનેક લોકોના સંપર્કમાં આવવાનું થતું હોય છે ત્યારે એમનો પહેરવેશ સામેની વ્યક્તિ ઉપર પ્રભાવ પાડનાર હોવો જોઈએ.

શિક્ષણ ક્ષેત્રમાં ફરજ બજાવતા શિક્ષકોનો પહેરવેશ ખૂબ જ અગત્યનો ગણવામાં આવે છે. આજકાલનાં બાળકો સ્માર્ટ છે. ઘણું બધું નિરીક્ષણ કરતા હોય છે. એટલું જ નહીં, શિક્ષકોને પોતાના રોલ મોડેલ માનતા હોય છે. શિક્ષકોના વર્તન- વ્યવહાર મુજબ વિદ્યાર્થીઓ અનુકરણ કરતા હોય છે. મારી પૌત્રી સંસ્કૃતિ પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. એક દિવસ ઘેર આવીને જમ્યા પછી વજ્રાસનમાં બેઠી. મને કહે, ‘જુઓ, દાદા! જમ્યા પછી આવી રીતે બેસવું જોઈએ. તો ફાયદો થાય….’ મેં પૂછયું : ‘તને કોણે કહ્યું ?’ ‘અમારા ટીચર કહેતા હતા.’ એ બોલી.

‘પણ હું તો દરરોજ જમ્યા પછી આમ વજ્રાસનમાં બેસું છું.’ એવું મેં એને કહ્યું, કહેવાનો મતલબ એટલો જ કે આ દીકરી દરરોજ મને વજા્રસનમાં બેઠેલો જોતી હતી તેમ છતાં મારો પ્રભાવ એના ઉપર પડ્યો નહોતો, જ્યારે એના ટીચરના કહેવાથી તેની વાત તરત જ આત્મસાત કરી લીધી.

એ અર્થમાં શિક્ષકોનો રોલ અહમ બની જાય છે. આમ તો દરેક વ્યક્તિ જેને જે પહેરવું હોય તેના માટે સ્વતંત્ર જ છે,પરંતુ જ્યારે શિક્ષક તરીકે એક વ્યક્તિ શાળામાં આવે છે ત્યાર ઘણી બધી મર્યાદા હોય છે. શાળામાં બાળકોને માટે અને શાળાના વાતાવરણને શોભે તેવા પોશાક શિક્ષકોના હોવા એ આવકાર્ય છે. શિક્ષકના વ્યક્તિત્વનો વિચાર કરીએ તો ભૂતકાળમાં ધોતી, ઝભ્ભા અને ટોપીવાળા શિક્ષકો તેમજ સાડી પહેરેલી સ્ત્રી શિક્ષિકાઓનું ચિત્ર નજર સામે ખડું થાય !

ખેર, વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને બંનેના પહેરવેશમાં ફેરફાર થવો આવકાર્ય છે, પરંતુ શિક્ષકો જીન્સ અને ટી-શર્ટ પહેરીને શાળામાં જાય તેમાંય ખાસ કરીને જ્યારે મહિલા શિક્ષિકાઓ જીન્સ અને ટી-શર્ટ પહેરે તો એ કોઈપણ સંજોગોમાં સારું લાગે જ નહીં. અરે,પરાકાષ્ટા તો ત્યારે સર્જાય છે કે અમુક મહિલા શિક્ષિકા તો નજરે પડે એવા ટેટુ પણ ચીતરાવીને સ્કૂલમાં જાય છે…!
જો કે આ વિશે શિક્ષણતંત્ર સજાગ થયું છે. અનેક શિક્ષણ સંસ્થાઓમાં ચોક્કસ વસ્ત્ર પરિધાન વિશે પરિપત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

આપણને એટલું તો સમજાવું જોઈએ કે જે વ્યવસાય સાથે સંકળાયેલા હો એ અનુરૂપ આપણો પહેરવેશ હોવો જોઈએ. આજે ફિલ્મોમાં કામ કરતા અદાકારોના વધુ પડતાં ઉઘાડાં -વલગર કપડાં જોઈને આપણે સૂગ પ્રદર્શિત કરીએ છીએ તો પછી લોકવ્યવહારમાં આપણે આપણી ગરિમાને શોભે એવા પહેરવેશમાં જીવવું એમાં જ આપણી શોભા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button