ઈન્ટરવલ

દોસ્ત દોસ્ત ના રહા: કિસ્સો ઓનલાઇન દોસ્તીને ઠગાઇનો

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

ઓનલાઇન યુગમાં કોઇ ઇચ્છે કે ન ઇચ્છે, પગ મુકાય જ જાય. કમનસીબે આપણને કુટુંબીજનો,સ્કૂલ-કોલેજ,પડોશ- ઓફિસના દોસ્તો અને સગાંવહાલા સાથેના સંબંધની પરવા રહી નથી પણ અજાણ્યા સાથે ઓનલાઇન સંબંધ બાંધવાના હાવડિયા વધી રહ્યાં છે. એ અજાણ્યો કોણ છે એ કંઇ ખબર નથી. અરે એના નામ -સરનામાં સાચા છે કે એ પણ શંકાની બાબત હોઇ શકે, છતાં મોટાભાગના એવા સંબંધોમાં ધસી જાય છે.

ઓનલાઇન સંબંધ બંધાય કે તરત જ અંગત મેસેજ આવવા માંડે. ફોટોની આપ-લે થવા માંડે. મોટાભાગના આવા દોસ્ત હેન્ડસમ કે બ્યુટીફુલ હોય,સારી નોકરી ધંધામાં હોય,મોટા શહેરમાં હોય. માણસના મનમાં આશા જાગે કે ચાલો, વિદેશમાં એક સરસ સંબંધ બંધાય રહ્યો છે. ક્યારેક કામમાં આવશે.

આપણી ધારણા કરતાં એ દોસ્ત કે સખી વધુ પડતા દિલદાર અને ઉદાર નીકળે. ભેટ સોગાદ મોકલવાની ઇચ્છા વ્યકત કરે. આપણે ના- ના કરીએ પણ મનમાં લાલચ જાગે. અમેરિકા જેવા દેશમાંથી કોઇ લેપટોપ, મોબાઇલ ફોન, કાંડા ઘડિયાળ કે જવેલરી ભેટ તરીકે મોકલે અને એ પણ સારી, જાણીતી અને મોંઘી બ્રાંડના તો કોને ન ગમે?

એમાંય તાજાતાજા બનેલા ફ્રેન્ડ મેસેન્જરમાં ભેટના ફોટા કે ગિફટને પેક કરતા વીડિયો મોકલે એટલે દિલમાં પ્રેમના ઝરણાં વહેવા માંડે. તેવી અફલાતૂન દોસ્તી. તમે ગળગળા થઇ જાઓ. પછી ગિફટના આગમનની રાહ જોવા માંડો.

ચોથા-પાંચમા દિવસે ફોન આવે એરપોર્ટ પરથી. કોઇ કસ્ટમ ઓફિસર તમારી ઓળખ સ્થાપિત કર્યા પછી માહિતી આપે કે તમારા માટે વિદેશથી આવેલી ભેટ પાંચ લાખની છે. એ મેળવવા માટે તમારે વીસ ટકા કસ્ટમ ડ્યૂટી ભરવી પડશે, નહિતર ભેટ પાછી મોકલવી પડશે.

પાંચ લાખની ભેટ માત્ર એક લાખ ભરીને મળતી હોય તો એ ખોટનો સોદો ન જ કહેવાય અને દોસ્તે એકદમ પ્રેમથી મોકલેલી ભેટ પાછી મોકલીએ તો કેટલું ખરાબ લાગે? તમે ગમે તેમ વ્યવસ્થા કરીને પણ કસ્ટમ ઓફિસરે મોકલેલા બૅન્ક એકાઉન્ટમાં પૈસા એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો છો. ત્યાર પછી ભેટ મેળવવાની તાલાવેલી વધતી જાય. કયારે દોસ્તની સોગાદ આવે અને તેનો ઉપયોગ કરું એવું થયા કરે.

એક દિવસ, બે દિવસ અને ત્રણ દિવસ રાહ જોયા પછી તમે દોસ્તને મેસેજ મોકલો. પણ મેસેજ ડિલિવર ન થાય. મેસેન્જરથી કોલ કરો તો લાગે જ નહિ. કોઇ સમજદાર હકીકત જણાવી દે કાં એ એકાઉન્ટ ડિલીટ થઇ ગયો છે કાં તમને બ્લોક કરી દેવાયા છો. કસ્ટમ્સ ઓફિસરને ફોન કરો તો એ નંબર આઉટ ઓફ સર્વિસ કે સ્વીચ ઓફ હોવાનું સાંભળવા મળે.

વધુ ઊંડાણમાં ઊતરો ત્યારે દિમાગમાં રોશની થાય કે તમે છેતરાયા છો. મફતમાં ભેટની લાલચ ભારે પડી ગઇ છે. ગુસ્સો એટલો આવે કે દોસ્ત દોસ્ત ના રહા….ગાવા કે સાંભળવાનું ય ન ગમે.

એક હકીકત કાળજે કોતરી લો કે ઓનલાઇન કનેકશનને કયારેય દોસ્ત ગણવા કે બનાવવાની ઉતાવળ ન કરવી. દોસ્તી માટે સાચા, જીવતા-જાગતા અને વર્ષો જૂના મિત્રોને યાદ કરો, મળો, પાર્ટી કરો અને મજા માણો. ઓનલાઇનવાળાને લાઇક અને કમેન્ટસ સુધી જ સીમિત રાખો.

A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
ઓનલાઇન પર એક મહામંત્ર યાદ કરો. કાયમ અવિશ્ર્વાસ રાખો, શંકા કરો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?