ઈન્ટરવલ

વાતે ને વાતે સૂરા ન થવાય!

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

વાતે ને વાતે સૂરા થતા લોકો માટે એક ચોવક છે: ‘સિંધૂડો વજે તડેં સૂરો ઘરમેં ન રે’ અર્થ એ છે કે, સમય આવે ત્યારે જ શક્તિનું પ્રદર્શન કરવું ‘સિંધૂડો’ શબ્દ અહીં આવે છે, જેનો અર્થ થાય છે: યુદ્ધ શરૂ થાય તેથી પહેલાં વાગતો શંખ! ‘વજે’ એટલે વાગે, ‘તડેં’ એટલે ત્યારે, ‘સૂરો’નો અર્થ થાય છે સૂરવીર અને ‘ઘરમેં’ એટલે ઘરમાં, ‘ને રે’ અહીં એકાક્ષરી બે શબ્દા છે: ન રહે.

જ્યારે તકલીફમાં બીજી તકલીફ ઉમેરાય કે વધારો થાય ત્યારે વપરાતી ચોવક છે: ‘સોડો ઘર ને વિચ મેં વડ ’ શબ્દાર્થ થાય છે:એક તો, ઘર સાંકડું અને તેમાં વળી વચ્ચે વડનું વૃક્ષ હોય’ કે ઊગી નીકળે! ‘સોડો’ એટલે સાંકડું ‘વિચ મેં’ એટલે વચમાં, પરંતુ ચોવક કહેવા એમ માગે છે કે, એક તો જીવતરમાં તકલીફનો પાર ન હોય તેવામાં નવી મુશ્કેલી ઊભી થાય.

ઘણાને બધાં જ કામ એક સાથે પૂરાં કરવાની આદત હોય છે. ચોવક એમ કહે છે કે: બધાં કામ એક સાથે ન કરાય. ચોવક છે: ‘હિકડી ભિત રાગા જે, મિડે ભિતૂં ન રાગા જે’ ‘હિકડી’ હબ્દનો અર્થ છે એક, ભિત એટલે દીવાલ. ‘રાગ્રાજે’નો અર્થ થાય છે. લિંપાય અને ‘મિડે’ એટલે બધી. શબ્દાર્થ છે: લિંપવાનું કામ એક દિવાલથી જ શરૂ કરાય, બધી ભીંતો એક સાથે ન લિંપાય! મતલબ કે, બધાં કામ એક સાથે ન કરાય.

ગુજરાતીમાં કહેવત છે: સોનાની જાળ પાણીમાં ન નંખાય એજ અર્થ સાથે કચ્છીમાં ચોવક પ્રચલિત છે: ‘સોનજી જાર પાણીમેં ન વિજાવાજે ‘સોનજી’ એટલે સોનાની જાર એટલે જાળ ‘ન વિજાવાજે’નો અર્થ થાય છે ન નંખાય ભાવાર્થ થાય છે: જેવી કિંમતી વસ્તુ હોય તે પ્રમાણે તેનો ઉપયોગ થાય એમ પણ કહી શકાય કે, વણ માગી સલાહ કોઇને ન આપવી!

એક બહુ અર્થસભર ચોવક છે: ‘સુખ સમજી સાવરેં વિઇસ, નેં બુંભ જલે ઊભી રિઇસ!’ જયાં, જેવી અને જેટલી કિંમત થવી જોઇએ તેવી ન થાય ત્યારે આ ચોવક પ્રયોજાતી સાંભળી છે. બીજો અર્થ એવો પણ કરી શકાય કે, મોભા પ્રમાણે જેવું માન કે સન્માન મળવાં જોઇએ તેવાં ન મળવાં. અહીં એક નવયૌવનાનાં લગ્ન-સુખનાં સ્વપ્નો તરી આવતાં જોવા મળે છે. કોડભરી ક્ધયા સાસરે ગઇ અને ત્યાંનું દુ:ખ જોઇ તેનાં સપનાં થંભી ગયાં! ‘સુખ સમજી’ એટલે સુખનાં સ્વપ્નો સાથે, ‘સાવરેં’ એટલે સાસરે, ‘વિઇસ’નો અર્થ થાય છે (હું) ગઇ. ‘નેં’ અહીં અને શબ્દનું સ્થાન ધરાવે છે ‘બુંભ’નો અર્થ થાય છે: ઉંબરો ‘જલ’ એટલે પકડીને શબ્દાર્થ છે: સુખનાં સપનાં સેવતી સાસરે ગઇઅને ઉંબરો પકડી ઊભી રહી ગઇ:
ઘણી સ્ત્રીઓને તૈયાર થતાં, શણગાર સજતાં જ એટલો સમય લાગી જાય છે કે, જે (પ્રસંગ માટે કે કારણ માટે)ના માટે શણગાર સર્જે છે, તે સમય વિતી જાય છે! ચોવક છે: “શિણગાર સજે. તેંસી ભજાર ઉથી વિંઝે શબ્દાર્થ છે: શણગાર સજે ત્યાં સુધીમાં બજાર ઊઠી જાય! જ્યારે ભાવાર્થ છે: ગફલતમાં જ તકને ગુમાવી દેવી. ‘શિણગાર’ શબ્દનો અર્થ સ્પષ્ટ છે: શણગાર ‘સજે’ એટલે સજવું. ‘તેંસી’ એટલે ત્યાં સુધી (માં), ‘ભજાર’નો અર્થ બજાર અને ‘ઉથી વિંઝે’ એટલે (બજાર) બંધ થઇ જવી!

આપણે ઘણીવાર કોઇક માટે કહેતા હોઇએ છીએ કે, સાત પેઢી ખાય ત્યાં સુધી ચાલશે, એટલા માલેતુજાર છે, પરંતુ ચોવક કહે છે: “વિઠે વિઠે ખાધે જાણીરું પ ખુટી પે ભલે વારસો મબલખ મળ્યો હોય પણ તેનેજાળવી રાખવા કે તેમાં વધારો કરવા ‘હાથ -પગ’ હલાવતા રહેવું જોઇએ જો બેઠા ખાધે રાખીએ (વાપરતા રહીએ) તો ખજાનો ખૂટી પડે! ‘વિઠે વિઠે’ એટલે બેઠાં બેઠાં (કંઇ કામ ન કરતાં) ‘ખાધે’ એટલે ખાવા માંડીએં, ‘જાગીરું’ (જાગીરો) એટલે વારસામાં મળેલું ‘પ’ એટલે પણ અને ‘ખુટી પે’નો અર્થ થાય છે: ખૂટી પડે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button