ઈન્ટરવલ

ડૉલરની દાદાગીરીના દિવસો ભરાઇ ગયા!

કવર સ્ટોરી – નિલેશ વાઘેલા

ડૉલરની વાત આવે એટલે આપણા માનસપટ પર રૂપિયાનો ચહેરો અચૂક ઝળકે! જોકે આપણે ફોરેક્સ માર્કેટની નહીં પરંતુ ભારતીય શેરબજાર પર ચાલી રહેલી ડૉલરની દાદાગીરીની વાત કરવી છે. નવી અને હર્ષપ્રેરક વાત એ છે કે, ડૉલરની દાદાગીરીના દિવસો ભરાઇ ગયા છે અને હવે આપણે આપણાં દમ પર બજારને દમદાર બનાવી રહ્યાં છીએ.

આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરનો દબદબો છે. ડૉલરનું આધિપત્ય ડામવાના આશયથી જ યુરોનું સર્જન કરવામાં આવ્યું છે, પરંતુ વૈશ્ર્વિક વેપારમાં હજુ પણ ડૉલરનો દમ ચાલે છે. જોકે આપણે અહીં આંતરાષ્ટ્રીય ફોરેન એક્સચેન્જ માર્કેટની નહીં, પરંતુ ભારતના ઇક્વિટી માર્કેટની વાત કરવી છે. શેરબજારમાં તેજીમંદી લાવી શકે એવા અનેક પરિબળમાં એફઆઇઆઇ એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વલણ મુખ્ય ભૂમિકા ભજવે છે.

એફઆઇઆઇ ડૉલર ઠાલવે તો બજારમાં ઉછાળો આવે અને ડૉલર ખેંચી લે તો મંદી આવે. જોકે આ દિવસો હવે પૂરા થઇ રહ્યાં હોવાના અણસાર મળી રહ્યાં છે. સીધા મુદ્દા પર આવીએ તો, ડીઆઇઆઇએ સંવત ૨૦૭૯માં એફઆઇઆઇને ૫ાંચ બિલિયન ડૉલરથી પાછળ રાખ્યું છે. હવે એ જાણવાનો પ્રયાસ કરીએ કે શું સંવત ૨૦૮૦માં તેનું પુનરાવર્તન થશે?

સંવત ૨૦૭૯ દલાલ સ્ટ્રીટ માટે અત્યંત ભારે અસ્થિરતાના દોરમાંથી પસાર થયેલું વર્ષ હતું, આમ છતાં સમયગાળા દરમિયાન રાહતની વાત એ હતી, કે વિદેશી અને સ્થાનિક બંને સંસ્થાકીય રોકાણકારો ભારતીય ઇક્વિટીના ચોખ્ખા ખરીદદારો, નેટ બાયર્સ હતા.

આ સમયગાળા દરમિયાન, બેન્ચમાર્ક ડિસેમ્બર ૨૦૨૨માં જીવનકાળની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જોકે તે પછી માર્ચમાં બાવન સપ્તાહની નીચી સપાટીએ પટકાયા અને ફરી સપ્ટેમ્બરમાં ઊંચા વિક્રમી સ્તરે પાછા ફર્યા!

એફઆઇઆઇ અને ડીઆઇઆઇ એટલે કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, શેરબજારને હલાવી શકે એવા બંને વર્ગે ભારત પર તેમના નાણાંનો દાવ દિલથી લગાવ્યો હતો. આવું થાય ત્યારે બજારમાં સ્થિરતા રહેવી જોઇએ પરંતુ ખૂબ અફડાતફડી અને ઊથલપાથલ જોવા મળી હતી.

પાછલી દિવાળીથી અત્યાર સુધીમાં એક માહિતી અનુસાર એફઆઇઆઇએ ભારતીય ઇક્વિટીમાં અંદાજે રૂ. ૧.૪૬ લાખ કરોડ (૧૭.૫ બિલિયન ડૉલર)નું ચોખ્ખું રોકાણ કર્યું છે, તેની સામે ડીઆઇઆઇએ કુલ રૂ. ૧.૮૩ લાખ કરોડ (૨૨ અબજ ડૉલર)નું રોકાણ કર્યું છે.

રિટેલ રોકાણકારોએ પણ રોકાણ વધારવાનું ચાલુ રાખ્યું છે. આ વર્ગે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૭૫૯૬ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. ડીઆઈઆઈનું હોલ્ડિંગ રૂ.૫૦ લાખ કરોડને પાર કરી ગયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હવે આગામી કેટલાક ત્રિમાસિકગાળામાં ડીઆઈઆઈનું રોકાણ વિદેશી રોકાણકારો કરતાં વધી જશે. બંને સંસ્થાગત રોકાણકારોના રોકાણ વચ્ચેનો તફાવત રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે.

સ્થાનિક રોકાણકારોનો હિસ્સો હવે વિદેશી રોકાણકારો કરતાં માત્ર ૧૩.૧૧ ટકા ઓછો છે. સૌથી મોટો તફાવત ૩૧ માર્ચ, ૨૦૧૫ના રોજ હતો જ્યારે ડીઆઈઆઈનો હિસ્સો એફઆઈઆઈ કરતાં ૪૯.૮૨ ટકા ઓછો હતો. એફઆઈઆઈ અને ડીઆઈઆઈનો માલિકી ગુણોત્તર પણ માર્ચ ૨૦૧૫ ક્વાર્ટરમાં ૧.૯૯ ટકાથી ઘટીને સપ્ટેમ્બર ૨૦૨૩ ક્વાર્ટરમાં ૧.૧૫ ટકાના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૫૩,૭૧૫ કરોડનું નેટ રોકાણ કર્યું હતું, જ્યારે વીમા કંપનીઓએ રૂ. ૨૩,૯૯૬ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું અને બેંકોએ રૂ. ૧૦,૪૨૪ કરોડનું વેચાણ કર્યું હતું. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ડીઆઈઆઈનો કુલ નેટ ઈન્ફલો રૂ. ૪૨,૬૩૨ કરોડ હતો. આ ડેટા જોતાં એવું લાગે છે કે હવે એફઆઇઆઇને ડીઆઇઆઇએ બરાબર અને મજબૂત સ્પર્ધા આપી રહ્યાં છે અને પરિણામે શેરબજારની સ્થિરતા ડૉલરીયા રોકાણ પર નિર્ભર રહી નથી. ત્રણ મહિનાને બાદ કરતાં ડીઆઇઆઇ પાછલી દિવાળીથી બાકીના સમયગાળામાં ચોખ્ખી ખરીદદાર રહી છે.
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) માર્ગ દ્વારા રિટેલ, નાના રોકાણકારોની મજબૂત ભાગીદારીના પરિણામે ડીઆઇઆઇ તરફથી મજબૂત નાણાપ્રવાહ જોવા મળ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં મહિને મહિને એસઆઇપી રૂટ દ્વારા રેકોર્ડ ઇનફ્લો જોવા મળે છે અને મની મેનેજરો નજીકના ગાળામાં આ વલણને ટકાવી રાખવા માટે બુલીશ રહે છે.

એફઆઇઆઇના રોકાણનું વલણ કંઈક અંશે અસ્થિર રહ્યું છે, કારણ કે તેઓ ગયા વર્ષે ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીના ગાળા દરમિયાન ખરીદદારો હતા, પછી થોડા મહિના માટે વેચાણકર્તા બન્યા હતા અને માર્ચમાં ફરી બજારમાં પ્રવેશવાનું શરૂ કર્યું હતું.

જોકે, સપ્ટેમ્બરના મધ્યભાગથી આ વર્ગેે ખરીદીની ગતિ ધીમી કરી દીધી હતી અને અમેરિકામાંં વધુ પ્રવાહિતાની સ્થિતિ, બોન્ડની ઉપજમાં ઉછાળા અને ઇઝરાયલની આસપાસના ભૌગોલિક રાજકીય તણાવની ચિંતાને કારણે આ વર્ગ નેટ સેલર્સ બની ગયો હતો.

અલબત્ત તાજેતરમાં ફરી એફઆઇઆઇની વેચવાલી ધીમી પડી છે, પરંતુ ભૌગોલિક રાજકીય જોખમો યથાવત્ છે જે ઇક્વિટીમાં વિદેશી મૂડીના પ્રવાહને અસ્થિર રાખી શકે છે, આમ છતાં બજારના પીઢ અભ્યાસુઓ અનુસાર આગામી સંવતમાં ડીઆઇઆઇનો રોકાણ પ્રવાહ એફઆઇઆઇ કરતાં પણ આગળ વધી જશે અને માર્કેટને ટેકો આપશે. વિકસિત રાષ્ટ્રોમાં લાંબા સમય સુધી વ્યાજ દર ઊંચા રહેવાની સંભાવના અને વધતી જતી વૈશ્ર્વિક ભૌગોલિક-રાજકીય અનિશ્ર્ચિતતા જોતા ઊભરતાં બજારોમાં એફઆઇઆઇનો રોકાણ પ્રવાહ મર્યાદિત બની શકે છે. પરંતુ, સ્થાનિક સંસ્થાકીય પ્રવાહ ભારતીય ઇક્વિટી બજારોને આગળ ધપાવવાનું ચાલુ રાખશે, એવો વિશ્ર્વાસ બજારના સાધનો વ્યક્ત કરી રહ્યાં છે.
વૈશ્ર્વિક અર્થતંત્રો પડકારજનક વાતાવરણનો સામનો કરી રહ્યાં છે એવા સમયે ભારત માટે આશાવાદી મેક્રો ઇકોનોમિક ગ્રોથ આઉટલૂક ઇક્વિટી બજાર માટે તેજીનો આશાવાદ જન્માવે છે. ભારતીય અર્થતંત્રની સંભાવનાઓ નોંધપાત્ર રીતે વધુ ઉજ્જવળ અને વધુ આશાસ્પદ દેખાય છે. અસ્થિર વૈશ્ર્વિક પરિસ્થિતિ વચ્ચે ભારત વૃદ્ધિ માટે સાનુકૂળ સ્થિતિમાં છે. આ ઉપરાંત વૈશ્ર્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો અને અમેરિકન બોન્ડની ઘટેલી યિલ્ડ જ્યારે સ્થાનિક સ્તરે, કોર્પોરેટ ઈન્ડિયાની બેલેન્સ શીટમાં સુધારો અને ભારતીય બૅન્કિંગ સિસ્ટમના ખૂબ જ સુધારેલા સ્વાસ્થ્ય જેવા અન્ય સકારાત્મક પરિબળો પણ ડીઆઇઆઇ અને રિટેલ ઇન્વેસ્ટર્સને રોકાણ માટે પ્રોત્સાહિત કરતાં રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button