તમારે સદાય ખુશ રહેવું છે? જાણી લો, એની આ ત્રણ રીત!
ભૂતકાળમાં ડૂબવું નહીં-ભવિષ્યના સપનાં જોવા નહીં ને વર્તમાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું !
મગજ મંથ -વિઠ્ઠલ વઘાસિયા
‘સત્યના માર્ગ પર વ્યક્તિ બે ભૂલ કરે છે, કાં તો તે યાત્રા પૂર્ણ કરતો નથી અથવા તો મુસાફરી જ શરૂ કરતો નથી.’
આ સનાતન સત્ય જેવી વાત ભગવાન બુદ્ધે કહી છે.
ભગવાન બુદ્ધ એક ગામમાં ઉપદેશ આપી રહ્યા હતા. એમણે કહ્યું કે દરેક વ્યક્તિએ ધરતી માતાની જેમ સહનશીલ હોવું જોઈએ અને માફી માંગવામાં સંકોચ ન કરવો જોઈએ.ગુસ્સો એવી આગ છે જેમાં ક્રોધ કરનાર બીજાને તો બાળે જ છે, પરંતુ એની સાથે એ ખુદ પણ બળી જાય છે.
સભામાં બધા શાંતિથી બુદ્ધની વાણી સાંભળી રહ્યા હતા, પરંતુ ત્યાં સ્વભાવથી ખૂબ ગુસ્સાવાળો એક વ્યક્તિ પણ બેઠો હતો જેને આ બધી વાતો અર્થહીન લાગી રહી હતી. થોડીવાર આ બધું સાંભળતો રહ્યો પછી અચાનક જ ગુસ્સે થઈને બોલવા લાગ્યો: ‘ઢોંગી છો.મોટી મોટી વાતો કરવી તારું
કામ છે.તું લોકોને મૂંઝવી રહ્યો છો. તારી આવી વાતોનો આજના સમયમાં કોઈ અર્થ નથી.’
આવી કડવી વાતો સાંભળીને પણ બુદ્ધ શાંત રહ્યા.તેની વાતોથી ન તો તે દુ:ખી થયા,ન તો કોઈ પ્રતિક્રિયા આપી.આ જોઈને પેલી વ્યક્તિ વધારે ગુસ્સે થઈ અને એ બુદ્ધના મોઢા પર થુંકીને જતો રહ્યો.
બીજા દિવસે જ્યારે એનો ગુસ્સો શાંત થયો તો પોતાના ખરાબ વ્યવહારના કારણે પસ્તાવાની અગ્નિમાં એ બળવા લાગ્યો પછી બુદ્ધને શોધતો શોધતો તે સ્થળ પર પહોંચ્યો, પરંતુ બુદ્ધ તો પોતાના શિષ્યોની સાથે નજીકના બીજા ગામ જવા નીકળી ગયા હતા. પેલો માણસ શોધતા – શોધતા જ્યાં
બુદ્ધ પ્રવચન આપી રહ્યા હતા ત્યાં સુધી પહોંચી ગયો. જઈને એ એ બુદ્ધના પગમાં પડી ગયો અને બોલ્યો,‘મને માફ કરી દો, પ્રભુ!’
બુદ્ધે પૂછ્યું, ‘કોણ છો ભાઈ ? તમને શું થયું છે ? તમે શા માટે માફી માંગી રહ્યા છો?’
પેલો કહે : ‘શું તમે ભૂલી ગયા ? હું એ જ વ્યક્તિ છું,જેણે ગઈકાલે તમારી સાથે ખરાબ વર્તન કર્યું હતું.હું મારા કાલના વ્યવહાર માટે શરમ અનુભવ છું. હું મારા ખરાબ વ્યવહારની માફી માંગવા આવ્યો છું.’
ભગવાન બુદ્ધે પ્રેમપૂર્વક કહ્યું,‘ગઈકાલ તો હું ત્યાં જ મૂકીને આવી ગયો અને તું હજુ પણ ત્યાં જ અટક્યો છો? તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો,તે પસ્તાવો કરી લીધો,તું નિર્મળ થઈ ગયો. હવે ગઈકાલ છોડીને તું આજમાં પ્રવેશ કર.ખરાબ વાતો અને ખરાબ ઘટનાઓ યાદ કરતા રહેવાથી વર્તમાન અને ભવિષ્ય બંને બગડી જાય છે. ગઈકાલના કારણે આજને ખરાબ ન કરો.’
પેલી વ્યક્તિનો બધો ભાર ઊતરી ગયો. એણે ભગવાન બુદ્ધના પગ પકડીને ક્રોધ ત્યાગ તથા માફી માંગવામાં સંકોચ ન કરવાનો સંકલ્પ લીધો.બુદ્ધે એના માથા પર આશિષનો હાથ રાખ્યો.તે દિવસથી પેલામાં પરિવર્તન આવ્યું અને એના જીવનમાં સત્ય, પ્રેમ અને કરુણાનો ભાવ વહેવા લાગ્યો.
ભારતમાં જુદા જુદા ધર્મમાં માનનારા લોકો રહે છે, જેમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પણ સામેલ છે. બૌદ્ધ ધર્મ એક પ્રાચીન ભારતીય ધર્મ છે.
આજના સમયમાં દુનિયાના મુખ્ય ધર્મમાંથી એક છે.આ ભારતની પરંપરામાંથી આવેલો ધર્મ અને દર્શન છે.
બૌદ્ધ ધર્મની સ્થાપના તથાગત ભગવાન બુદ્ધે આશરે ૨૬૦૦ વર્ષ પહેલાં કરી હતી.બુદ્ધનો જન્મ ઈ.સ.પૂર્વે ૫૬૩ અને મૃત્યુ ઈ.સ.પૂર્વે ૪૮૩ માનવામાં આવે છે.બુદ્ધનો જન્મ નેપાળના લુંબીનીમાં વૈશાખ પૂર્ણિમાના દિવસે એક બગીચામાં થયો હતો.૨૯ વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન એમણે એક વૃદ્ધ વ્યક્તિ,એક રોગી વ્યક્તિ, એક સડી રહેલું મડદું અને એક સાધુને જોયા. આની એમના માનસ પર ઊંડી અસર થઈ.જીવનના આ દુ:ખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા વૈભવી જીવન છોડી એમણે એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું. સંન્યાસ ગ્રહણ કરી ઘણા સમય સુધી કઠોર તપસ્યા કરી.સન્યાસી જીવન દરમિયાન આનાપાન – સતી (શ્ર્વાસોશ્ર્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા)ના અભ્યાસ
દ્વારા ૩૬ વર્ષની વયે એમને વૈશાખી પૂર્ણિમાની રાત્રે પીપળાના વૃક્ષની નીચે
બોધી પ્રાપ્ત થઈ અને એ બુદ્ધ કહેવાયા. આ સ્થળ હાલમાં બુદ્ધગયા કે બોધિગયા(બિહાર)તરીકે ઓળખાય છે. ત્યાંથી એ સારનાથ ગયા અને પ્રથમ વખત ઉપદેશ આપ્યો. લગભગ ૪૫ વર્ષ સુધી એમણે અલગ અલગ જગ્યાએ પગપાળા ચાલીને ઉપદેશ આપ્યો.
સત્તાવાર રીતે વિશ્ર્વના છ બૌદ્ધ રાષ્ટ્ર છે. ભૂતાન- કંબોડિયા- શ્રીલંકા- થાઈલેન્ડ- લાઓસ અને મ્યાનમાર. બીજી તરફ મંગોલિયા, વકાલ્મિકીયા અને ચીન વિશ્ર્વના એવા દેશો છે જે સત્તાવાર બૌદ્ધ રાષ્ટ્ર નથી, પરંતુ બૌદ્ધ ધર્મને સમર્થન આપે છે અને તેનો પ્રચાર કરે છે. આ ઉપરાંત જાપાન, કોરિયા, થાઈલેન્ડ, નેપાળ અને ભારત જેવા દેશોમાં બૌદ્ધ ધર્મને માનનારા લોકો રહે છે.
બૌદ્ધ ધર્મ ત્રણ મૂળભૂત ખ્યાલોમાં
માને છે
૧) કંઈ પણ કાયમી નથી.૨) બધી ક્રિયાનાં પરિણામો હોય છે.૩) તેને બદલવું શક્ય છે.
બૌદ્ધ ધર્મમાં અન્ય ધાર્મિક પ્રથાઓની જેમ વ્યક્તિએ એક સર્જક દેવ અથવા દેવતાઓમાં વિશ્ર્વાસ કરવાની જરૂર નથી.
ગૌતમ બુદ્ધની વિચારધારા અને ઉપદેશ વિશ્ર્વના કલ્યાણ માટે હતા.એમના ઉપદેશો હારેલાને પણ લડવા માટે પ્રોત્સાહિત કરતા હતા.અહિંસા- સમતા અને એકતા એમના દ્વારા સ્થાપિત બૌદ્ધ ધર્મના મુખ્ય સ્તંભો છે. પોતાના જીવનકાળ દરમિયાન ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઘણું કામ કર્યું હતું. એના પરિણામે , આજે બૌદ્ધ ધર્મ વિશ્ર્વના સૌથી પ્રાચીન અને આદરણીય ધર્મોમાંનો એક માનવામાં આવે છે.
ગૌતમ બુદ્ધના કેટલાક વિચારો પર નજર કરીએ.
એ કહેતા કે જીવનમાં હજારો યુદ્ધો જીતવા કરતાં તમારી જાત પર વિજય મેળવવો વધુ સારો છે.આ રીતે મેળવેલી જીત હંમેશાં તમારી જ રહેશે.તેને કોઈ તમારી પાસેથી છીનવી નહીં શકે. દુષ્ટતાનો ક્યારેય દુષ્ટતા સાથે અંત થતો નથી. પ્રેમથી જ નફરતનો અંત આવી શકે છે. ક્રોધને પકડી રાખવો એ કોઈ બીજા પર ફેંકવાના ઈરાદાથી ગરમ કોલસાને પકડી રાખવા જેવું છે,તે તમને બાળી નાખશે.જેણે મનને વશ કર્યું છે,એના વિજયને દેવતાઓ પણ પરાજયમાં બદલી શકતા નથી..ખોટાં કાર્યો મનમાંથી ઉત્પન્ન થાય છે.બધી ખોટી ક્રિયાઓ પણ મનમાંથી ઉદ્ભવે છે.જો મન બદલાઈ જાય તો પછી કંઈપણ ખોટું રહેતું નથી.. શબ્દોની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ.સાંભળનાર વ્યક્તિ પર તેની સારી કે ખરાબ અસર થાય છે તેનો વિચાર કરવો જોઈએ.. તમે ગમે તેટલા પવિત્ર શબ્દો વાંચો કે બોલો પરંતુ જ્યાં સુધી તમે તેનો અભ્યાસ ન કરો ત્યાં સુધી તેનો કોઈ ફાયદો નથી. ઈત્યાદિ, ઈત્યાદિ.
આ વિચારોને અહીં ફક્ત વાંચીને છોડી દેવાનો કોઈ અર્થ નથી.આ એવા ગુણ છે જેને તમે જીવનમાં અપનાવી શકો અને આદર્શ જીવન જીવી શકો.