વેર-વિખેર પ્રકરણ-૬
ટ્રેન ધસમસતી આવતી હોય ત્યારે ટ્રેક પર પડો કે પળવારમાં ખેલ ખલાસ. કોઈ રિવોલ્વરનો ધડાકો નહીં, કોઈ ફાંસીનું દોરડું નહીં, કોઈ ઉંદર મારવાની દવા નહીં, નિશ્ર્ચિત અને તત્કાળ મોતની પૂરેપૂરી ખાતરી. બસ, ખલ્લાસ !
કિરણ રાયવડેરા
જગમોહન ધીરેથી હાથમાં રહેલી ગન વોર્ડરોબના ડ્રોઅરમાં રાખવા ગયો.
ત્યાં જ ગન એના હાથમાંથી છટકી અને એ વજનદાર હથિયાર ફર્શ પર પડતાં અવાજ થયો.
પ્રભા ઝબકીને જાગી ગઈ :
આ શું માંડ્યું છે? સવારના બંદૂક લઈને કોનું ખૂન કરવા નીકળ્યા છો? આત્મહત્યા કરવાનો વિચાર કરતા હો તો માંડી વાળજો.
‘જૂની રિવોલ્વર છે. વપરાઈ નથી એટલે કદાચ એનો ઘોડો જામ થઈ ગયો જશે તો કામ અધૂરું રહી જશે!’
જગમોહનના હાથમાંથી રિવોલ્વર સરકી ગઈ ત્યારે જ એને લાગ્યું હતું કે આજે બધું ઊંધું થવા બેઠું છે. એમાંય જે વ્યક્તિ ઘંટ અને નગારાં વાગે તો પણ ન ઊઠે એવે આ પ્રભા રિવોલ્વર પડવાના અવાજથી જાગી ગઈ. જાગી તો ખરી પણ ગનની બૂલેટ કરતાં પણ વધુ જલદ શબ્દોનો ગોળીબાર બોલી કર્યો હતો :
‘સવાર સવારના બંદૂક લઈને કોનું ખૂન કરવા નીકળ્યા છો? આત્મહત્યા કરવાનો વિચાર કરતા હો તો માંડી વાળજો.’
જગમોહન પગથી માથા સુધી સળગી ગયો. આ બાઈ ઊંઘમાંથી અચાનક જાગે છે ત્યારે પણ ઝેર ઓકે છે. એક વાર તો સણસણતો જવાબ આપવાની ઈચ્છા થઈ આવી પણ જગમોહને ગુસ્સા પર સંયમ રાખવાની કોશિશ કરી તોય અનિચ્છાએ એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા: ‘આને બંદૂક ન કહેવાય, આ રિવોલ્વર છે.’
‘એ તો મારી મરજી.. અને બંદૂક કહું કે રિવોલ્વર… તમંચો પણ કહું… ઘોડો દબાવો તો ધડાકો તો બધામાં થાય ને? હવે છાનામાના સૂઈ જાઓ અને મને પણ સૂવા દો.’
જગમોહન જવાબ આપવા જતો હતો, પણ વિચાર માંડી વાળ્યો. છેલ્લે છેલ્લે મન ખાટું કરીને નથી જવું. ઈચ્છા તો એવી થાય છે કે બંદૂક, રિવોલ્વર કે તમંચો પ્રભાની સામે તાકીને ટ્રિગર દબાવી દઉં. એક ધડાકો થશે ને પછી…
જગમોહને ગનને ફ્લોર પરથી ઊંચકીને ફરી ડ્રોઅરમાં મૂકી દીધી. હથિયાર મૂકતી વખતે પોતાનો પ્લાન ખુલ્લો પડી ગયો હોય એવો ક્ષોભ પણ થયો. રિવોલ્વરથી મરવાનો પ્લાન હવે જગમોહનને બોદો લાગવા માંડ્યો, જાણે આખા ગામને એની યોજના વિશે ખબર પડી ગઈ હોય એવો ભાસ થયો :
આજે મારા બેટાઓ બધા આપઘાત… આપઘાત શાના કરે છે?
જગમોહને મરવાનો નિર્ધાર કર્યો કે કબીરે ફોન પર શરૂઆત કરી. કબીર બાદ હવે પ્રભાએ પણ આત્મહત્યાનો જ ઉલ્લેખ કર્યો. જગમોહનને લાગ્યું કે આજે એ મકાનથી નીચે ઊતરશે ત્યારે એનો લિફ્ટમેન પણ પૂછી બેસશે-‘ક્યા શેઠ, ક્યા ખબર હૈ… આજ ખુદકુશી કરને કા સોચ રહે હો ક્યા?’
પ્રભા નસકોરાં બોલાવવા માંડી હતી. જગમોહનને નસકોરાં બોલાવવાવાળા પ્રત્યે નફરત થતી અને ઈર્ષ્યા પણ. બીજાનું જે થવાનું હોય એ થાય, આપણે માથે ઓઢીને ઘસઘસાટ સૂઈ જઈએ એવી સ્વાર્થવૃત્તિનું પ્રદર્શન એમનાં નસકોરાંમાં થતું. ઈર્ષ્યાભાવ એટલા માટે થતો કે જગમોહનને હંમેશાં નસકોરાંની આદત એક સુખી માણસની નિશાની લાગતી.
પ્રભા તરફ એણે જોયું. કટુ વચનો બોલીને બીજાને આહત કરીને કોઈ માણસને આટલી જલદી નિદ્રા કેમ આવી શકે? જગમોહને પ્રભા તરફથી નજર હટાવી લીધી. કડવાશથી એનું મોઢું ભરાઈ ગયું હતું.
શું એ પ્રભાથી કંટાળીને મરવા ઈચ્છતો હતો? ના, છેક એવું નથી. એ ધારત તો છૂટાછેડા લઈ શકતો હતો, પણ એણે એવું ન કર્યું. લગ્ન બાદનાં થોડાં વરસો તો લોહીમાં જોમ ટકી રહ્યું, ઉત્સાહ ટકી રહ્યો. પત્ની કર્કશા છે એનું ભાન થયા બાદ પણ પોતાના વ્યવસાયમાંથી એ આનંદ અને સંતોષ મેળવી લેતો. ધીરે ધીરે શરીરમાંથી એ શરુઆતનો જોમ અને ઉત્સાહ ઓસરતાં ગયાં. મા ગુજરી ગઈ અને પત્નીએ પોત પ્રકાશ્યું. દરિયાકિનારે આવેલાં રાક્ષસી મોજાંના પાણી ઓસરે ત્યારે કિનારે ઘસડાઈને આવેલી વસ્તુઓ સ્પષ્ટ નજરે ચડે તેમ જગમોહનને પ્રભાનો સ્વભાવ નજરે પડવા લાગ્યો. ઘરના વાતાવરણમાં કુસંસ્કાર ભળવા લાગ્યા છે એનું અચાનક ભાન થયું. પૈસા કમાવા એ એક યાંત્રિક ક્રિયા થઈને રહી ગઈ અને જગમોહનને ધીમે ધીમે ડર લાગવા માંડ્યો. છોકરાઓ મોટા થવા માંડ્યા અને પોતાની જિંદગી નાની થવા માંડી.
જગમોહનને લાગ્યું કે આ બધાએ સહિયારું કાવતરું રચીને એની પાસેથી જીવવાનો આનંદ-જીવવાનો હેતુ છીનવી લીધો હતો.
માણસ ગમે તેટલા પ્રયત્નો કરે છતાં એક કર્કશા, ઝઘડાળુ અને જડસુ પત્ની એની સમગ્ર ચેતનામાં છવાઈ જાય છે. આખો દિવસ એ પત્ની સાથે ન પણ રહે તો પણ એનો ઓછાયો એના ચિત્તતંત્ર પર સતત છવાયેલો રહે છે.
એક સંતાકૂકડીની રમત ચોવીસે કલાક અને બારે મહિના ચાલુ હોય છે, કોઈ છુટકારો નથી, કોઈ મુક્તિ નથી, કોઈ મોક્ષ નથી. એક તરફ અર્થહીન જીવન અને એમાંય રોજની નિરર્થક પણ ઉગ્ર દલીલો અને ઝઘડા… જગમોહન ચિત્તભ્રમ થઈ ગયો હતો.
હવે આજે એ બધી વાતનો અંત આવી જવાનો હતો.
ડ્રોઅર બંધ કરીને જગમોહન ફરી ટેબલ પાસે આવ્યો: બેક ટુ સ્કેવર વન… હતા ત્યાંના ત્યાં!
રિવોલ્વરનો પ્લાન રિજેક્ટ થઈ ગયો હતો. હવે મરવું કઈ રીતે? ગળે ફાંસો ખાઈને?
જગમોહને ઉપર સિલિંગ પર લાગેલા પંખા તરફ જોયું. ફાંસી ખાઈને મરવામાં તો ઘણી બધી સામગ્રીની જરૂર પડે. લાબું મજબૂત દોરડું લાવવું પડે અને પંખા પર બાંધવું પડે. ગળે ગાળિયો નાખવો પડે અને ખુરશી પર બેલેન્સ કરીને ઊભા રહેવું પડે અને પછી ધીરેથી ખુરશીને ધક્કો મારી દેવાનો. બસ!
જો કે, ફાંસીમાં તત્કાળ મોત ક્યાં નીપજે છે? એણે ક્યાંક વાંચ્યું હતું કે આંચકો લાગતાં પહેલાં કરોડરજ્જુ તૂટે છે, પછી શ્ર્વાસનળી દબાય છે, ગળું રૂંધાય છે, શરીર તરફડિયાં મારે છે અને એકાદ મિનિટ બાદ મોત આવે છે અને મરવાને બદલે એ ફક્ત બેહોશ જ થાય તો! ગળું દબાય અને ચીસ નીકળી જાય તો? અને વળી આ પ્રભાનું શું કરવું! એ ફાંસીના માંચડે ન લટકે ત્યાં સુધી કોઈ અવાજ ન થાય એ બને નહીં. જરા પણ ખખડાટ થતાં એ જાગી જાય અને દેકારો કરી મૂકે. એ તો વળી તીણા અવાજે બોલી પણ નાખે ‘સિરિયસલી મરવાનો વિચાર કરતા હતા તો કહેવું હતું ને, આટલી પિંજણ કરવાની શી જરૂર હતી? મને કહ્યું હોત તો હું વધુ સહેલો અને સારો રસ્તો શોધી આપત!’
ના, ફાંસીનો ફંદો ન ચાલે. મરવા જેવી સીધીસાદી ક્રિયા માટે આટલી માથાકૂટ હોય કાંઈ!
અરે, પેલો કબીર શું કહેતો હતો! તમારા કોલકાતાના લોકોએ મેટ્રો રેલવેને જાણે આત્મહત્યાનું સ્થળ બનાવી દીધું છે!
જગમોહન દીવાન રોમાંચિત થઈ ગયો. વરસો પહેલાં ભૂગર્ભ રેલવેના ઉદ્ઘાટન સમયે એ સરકારી સમારંભમાં આમંત્રિત તરીકે ગયો હતો. ત્યારે એણે કોલકાતાની ટ્યુબ રેલવેને પહેલી ને છેલ્લીવાર જોઈ હતી. ત્યાર બાદ તો ‘જે.ડી. ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ’ના સર્વેસર્વા જગમોહન દીવાનને મેટ્રોની મુલાકાત લેવાનું કોઈ પ્રયોજન નહોતું.
જગમોહનને યાદ હતું કે ભૂગર્ભ રેલવેના બે પાટાની સમાંતરે ચાલતો એક ત્રીજો પાટો પણ હોય છે , જેમાં હાઈટેન્શન વિદ્યુતપ્રવાહ સતત વહેતો હોય છે. ટ્રેન ધસમસતી આવતી હોય ત્યારે ટ્રેક પર પડો કે પળવારમાં ખેલ ખલાસ. કોઈ પળોજણ નહીં, કોઈ પૂર્વતૈયારી નહીં, કોઈ રિવોલ્વરનો ધડાકો નહીં, કોઈ ફાંસીનું દોરડું નહીં, કોઈ ઉંદર મારવાની દવા નહીં, કોઈ માર્ગ અકસ્માતની અનિશ્ર્ચિતતા નહીં.બસ,
નિશ્ર્ચિત અને તત્કાળ મોતની પૂરેપૂરી ખાતરીબસ, ખલ્લાસ !
જગમોહન ખુશ થઈ ગયો.
વાહ દોસ્ત, તેં છેલ્લે છેલ્લે પણ મિત્રતા નિભાવી. આખરી પળોમાં પણ તું રસ્તો સૂઝાડી ગયો. આખી રાત જાગેલા જગમોહને પહેલી વાર હળવાશ અને રાહત અનુભવી. એક ભાર ખભા પરથી ઊતરી ગયો હોય એવી નિરાંત લાગી. આખરે એક સફળ ઉદ્યોગપતિ મરવાનો પ્લાન બનાવવામાં સફળ થયો હતો. મોટા મોટા આંકડાની રમત, બિઝનેસમાં ખેલાતા પોલિટિક્સમાં સફળતાથી ઉકેલ મેળવી લેનાર જગમોહનને આત્મહત્યાના પ્લાન બનાવવામાં કેટલી મુશ્કેલી પડી હતી!
હવે કાલે સવારના મેટ્રો સ્ટેશને જઈને… …
એણે ઘડિયાળ તરફ જોયું, સાડા છ વાગી ગયા હતા. પ્રભાનાં નસકોરાંનો અવાજ હજુ આવતો હતો. જગમોહનનું શરીર કળતું હતું.
બે કલાક આડે પડખે થાઉં. સૂઈશ નહીં, ફક્ત લાંબો જ થઈશ, એણે મનને ફોસલાવ્યું.
આખી રાત એણે બેઠાં બેઠાં ગાળી હતી. થોડો આરામ લઈશ તો સવારના સ્ફૂર્તિ રહેશે અને સવારના જે કાર્ય માટે જઈ રહ્યો છે એના માટે પૂરી સજ્જતા અને સ્ફૂર્તિની જરૂર પડશે. ગરબડ થશે તો ફિયાસ્કો થઈ જશે.જીવવામાં એ અસફળ ભલે રહ્યો પણ મરવાના પ્લાનમાં નિષ્ફળ નથી જવું. ટ્રેન આવે ત્યારે એની સામે જાતને ફંગોળી દેવામાં તાકાત અને હિંમત બંનેની જરૂર પડશે.
જગમોહન પલંગ પર લાંબો થયો, ચિરનિદ્રા પહેલાંની થોડી ઊંઘ ખેંચી
કાઢવા.
થોડી પળો બાદ જગમોહન ઘસઘસાટ
સૂઈ ગયો હતો, જાણે માના ખોળામાં સૂતો હોય!
આંખ પડતા તડકોથી જગમોહનની નિંદર ઊડી ગઈ. એને ધ્રાસ્કો પડ્યો. મોડું નથી થઈ ગયું ને! ઘડિયાળ તરફ જોતાં શાંતિ વળી. આઠ વાગ્યા હતા. એટલું મોડું નથી થયું!
પ્રભા હજી સૂતી હતી.
જે ‘ઘરની લક્ષ્મી’ મોડે સુધી સૂતી હોય… એણે આગળ વિચારવાનું માંડી વાળ્યું. ‘ઘરની લક્ષ્મી’ શબ્દો તરફ એને વરસો પહેલાં અણગમો થઈ ગયો હતો.
એ ઊભો થઈને સીધો બાથરૂમમાં ઘૂસી ગયો.
મૃત્યુ પહેલાં નાહવું જોઈએ કે નહીં? આમેય એના શબને અંતિમસંસ્કાર પહેલાં સ્નાન તો કરાવશે જ ને!
એણે રોજની જેમ કંઈ ન બનવાનું હોય એ રીતે તૈયાર થવાનું નક્કી કર્યું.
સ્નાનાદિ વગેરેથી પરવારીને એ બાથરૂમમાંથી બહાર આવ્યો કે એની નજર પ્રભા પર પડી. પ્રભા ઊઠે એ પહેલાં એ ઘરની બહાર નીકળી જવા માગતો હતો. જોકે એને ખબર હતી કે એ પૂછશે પણ નહીં કે ક્યાં જાઓ છો. પ્રભા જાણે છે કે રોજ સવારના સાડા નવ વાગ્યે ઑફિસે જવાનો એનો નિત્યક્રમ છે.
‘શું વાત છે? આજે કોઈ ખાસ પ્રોગ્રામ છે? ફટાફટ નાહી લીધું?’ પ્રભાએ એને ખોટો પાડ્યો.
જગમોહને જવાબ આપવાનું ટાળ્યું. સવાર સવારના જીભાજોડી થશે તો? તો શું? મરવાનો મૂડ મરી જશે? જગમોહને જાણે પ્રભાની વાત ન સાંભળી હોય તેમ તૈયાર થવામાં પરોવાયેલો રહ્યો.
‘આ તમારા ટેબલ પર શેનો પથારો છે? ઠીકથી રાખતા જજો, નહીંતર કોઈ વસ્તુ નહીં જડે તો સાંજના આખું ઘર માથે લેશો.’ પ્રભાએ એક નજર ટેબલ પર નાખતાં કહ્યું.
જગમોહને જોયું કે ટેબલ પર કાલે રાતના લખેલી એની ડાયરી ખુલ્લી પડી હતી. પહેલા જ પાના પર એણે સ્યૂસાઈડ નોટ લખી હતી.
‘હવે સાંજના શું ક્યારેય પાછો નથી આવવાનો..’ હોઠ પર આવી ગયેલા શબ્દો જગમોહન ગળી ગયો.
એ આવે કે ન આવે, કોઈ ફરક નથી પડવાનો. ભગવાન જાણે આ લોકો ડાયરીમાં લખેલી મારી છેલ્લી નોટ વાંચશે કે નહીં કે પછી એક-બે દિવસ સુધી મારી ડેડબોડી મોર્ગમાં સડતી રહેશે?
જગમોહને વોલેટ કાઢીને પોતાના વિઝિટિંગ કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ છે કે નહીં એની ચોકસાઈ કરી લીધી. લાશની ઓળખવિધિમાં વધુ સમય ન વેડફાય એ વધુ ઉચિત છે.
ટેબલ પાસે જઈને એણે આડાઅવળાં પડેલાં પાનાંને સરખાં કર્યાં. ડાયરી બધાની નજરે ચડે એ રીતે સામે જ રાખી. પછી પોતાની બ્રીફકેસ ઉપાડીને દરવાજા તરફ વળ્યો.
એક નજર પાછળ નાખી.
વરસોથી જે ઘરમાં રહેતા હોય એની દીવાલો પ્રત્યે પણ કેવી માયા બંધાઈ જાય. પિતાના સમયનું આ ઘર એ આજે હંમેશ માટે છોડીને જઈ રહ્યો હતો. અરે, ઘર શું, દુનિયાને છોડીને જઈ રહ્યો હતો.
જગમોહનના ગળે ડૂમો બાઝ્યો. હૈયું ભરાઈ આવ્યું. જિંદગીની છેલ્લી સફરમાં ઘરની દીવાલો છોડીને એવું કોઈ નથી જેને એ છોડીને અંતિમ સલામ કરી શકે, માથે હાથ પસવારી શકે. એક સેક્ધડ માટે દીકરાઓના બેડરૂમમાં ડોકિયું કરવાની ઈચ્છા થઈ આવી, પણ એ ઈચ્છાને એણે ત્વરાથી ડામી દીધી.
નહીં, છેલ્લે છેલ્લે મજબૂત ઈરાદાને ઢીલો પડવા નથી દેવો. મન પર વજન લઈને એ દરવાજા તરફ વળ્યો. પાછળ કોઈ
ખંજર ભોંકાતું હોય તેમ પ્રભાના શબ્દો અફળાયા:
‘રાતના મને આવતાં મોડું થશે. લખુકાકાને કહી જમી લેજો…’ (ક્રમશ:)