વેર-વિખેર – પ્રકરણ-૧૮
સાંભળ, મને મારી નાખીશ એનો મને વાંધો નથી, પણતું આ છોકરીને જવા દે. એને છોડી મૂક, તું કહીશ એટલા રૂપિયા આપીશ.
કિરણ રાયવડેરા
જગમોહને માથું ધુણાવ્યું, ના, આત્મહત્યા મારો બદલો છે , પણ હત્યા તો શરણાગતિ છે. એક સફળ -અનુભવી બિઝનેસમેન આવી હાર તો ન જ કબૂલે. કોઈ એનો જીવ લઈ જાય એટલી સસ્તી જિંદગી નથી એની. કંઈક વિચારવું પડશે… કંઈક કરવું પડશે.
જગમોહને જોયું કે ગાયત્રીનો ચહેરો પીળો પડી ગયો હતો. આ છોકરીએ પણ આટલી નાની ઉંમરમાં કેવા કેવા અનુભવો કરી લીધા. નાની વયે મા-બાપને ખોયાં અને એકલી ઝઝૂમતી રહી, સવારના એને બચાવ્યો અને ખુદ આ ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ.
‘યસ મિસ મહાજન, તમારી છઠ્ઠી ઈન્દ્રિય શું કહે છે?’
‘એ જ કે તમારો દીકરો કરણ સહીસલામત છે.’ જાણે દૂર અંધકારમાં એને કંઈ દેખાતું હોય એ રીતે ગાયત્રી બોલતી હતી.
જગમોહન ચોંક્યો. ગાયત્રી આટલા આત્મવિશ્ર્વાસભેર કેવી રીતે કહી શકે છે?
‘ક્યા આધારે તેં આ તારણ કાઢ્યું, ગાયત્રી?’ જગમોહનને ખુશી થતી હતી અને આશ્ર્ચર્ય પણ.
‘કાકુ, એટલું તો ચોક્કસપણે સમજાય છે કે કરણ આ લોકોના કબજામાં નથી.’ આ છોકરી જાણે કોઈ કાચના ગોળામાં જોઈને ભવિષ્યવાણી કરતી હોય એ રીતે બોલી.
ગાયત્રીનું અનુમાન કદાચ સાચું હોઈ શકે. કેમ કોઈ કારણનો ઉલ્લેખ નથી કરતું?
‘કાકુ આ લોકો કરણનું અપહરણ શા માટે કરે? આ તો તમારા દીકરાનું નામ લઈને એ લોકોએ તમને ઢીલા પાડી દીધા. તમે એમની સાથે જવાની આનાકાની ન કરો એ માટે એમણે આ ચાલ અજમાવી.’
‘ગુડ, ગાયત્રી, જો એવું જ હોય તો પછી ગાડીનો દરવાજો ખોલીને બંને એકસાથે બહાર કૂદી પડીએ તો? તારી હિન્દી ફિલ્મોમાં આવું જ બનતું હોય છે ને?’
‘ઐસા બેવકૂફી મત કરના.’ બાબુ પાછળ જોયા વિના બોલ્યો.
ઓહ! તો બાબુ એમની વાતચીત સમજતો હતો. જગમોહન નિરાશ થઈ ગયો.
‘શેઠ, ઈરફાનનું નિશાન સચોટ છે. તમે કદાચ બચી જશો , પણ આ છોકરી નહીં બચે એની ખાતરી આપું છું.’ બાબુએ ધમકી ઉચ્ચારી.
‘કાકુ, આ આપણને ડરાવે છે. તમે મારી ચિતા નહીં કરો.’
નહીં, ગાયત્રી, મારી હત્યા કે આત્મહત્યા સામે મને વાંધો નથી પણ તને કંઈ થાય તો.’
‘અબ ઠીક સમજા. શેઠ, તમને મારવાના અમને એક કરોડ મળવાના છે એ વાત સાચી. પણ તમારા દીકરાને અમે હાથ અડાડ્યો નથી. એનું ખૂન કરીએ તો અમને કંઈ વધારાના પૈસા ન મળે. હા, આ છોકરી ફસાઈ ગઈ એનો અમને પણ અફસોસ છે પણ શું થાય! એ સામે ચાલીને આવી છે.’
હતાશાની લાગણી જગમોહનને ઘેરી વળી. આ માસૂમ છોકરીને કેવી રીતે બચાવવી?
‘બાબુભાઈ, સાંભળ, મને મારી નાખીશ એનો મને વાંધો નથી, પણતું આ છોકરીને જવા દે. એને છોડી મૂક, તું કહીશ એટલા રૂપિયા આપીશ.’ બાબુ માનશે એવી આશા નહીંવત્ હોવા છતાંય જગમોહને કોશિશ કરી.
‘શેઠ, હું આ છોકરીને છોડી મૂકું એનો અર્થ એ થાય કે જિંદગીભર માટે અમારા માથે તલવાર લટકતી રહે. આ છોકરી ગમે ત્યારે અમારા મોતનું કારણ બની શકે. એ જીવશે તો વહેલા મોડા અમે મરશું તો પછી ભલેને એ વહેલી મરતી.’ બાબુ ઠંડે કલેજે બોલ્યો.
‘કાકુ, તમે મારા માટે કરગરો નહીં. મને નથી ગમતું. જગમોહન દીવાન કોઈને ઝૂકે નહીં.’
‘હા, પણ ગાયત્રી તારે તો કારણ વગર જીવ ખોવો પડશે!’
‘એવું કોણે કહ્યું કાકુ? જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણે મર્યાં નથી. ડર તો મને પણ લાગે છે પણ મને તમારામાં શ્રદ્ધા છે.’
‘બાપરે, તેં તો મારો ભાર વધારી નાખ્યો.’ જગમોહનની આંખમાં આંસુ અને નીંદર બંને ઊભરાતાં હતાં.
‘બાબુભાઈ, બહોત નીંદ આ રહી હૈ. સોતે વક્ત તો ગોલી નહીં માર દોગે ના? પત્તા હી નહીં ચલેગા કબ મર ગયા.’
‘નહીં. કલ તક તુમકો જીંદા રખના પડેગા. કલ સુબહ હી તુમકો ખત્મ કિયા જાયેગા. તબ તક જિતના સોના હૈ સો લે.’ બાબુ બોલ્યો. ઈરફાન એની રિવોલ્વર સાફ કરવામાં વ્યસ્ત હતો.
જગમોહને ઘડિયાળ સામે જોયું. સાડા નવ થયા હતા. બાર કલાક પહેલાં એ ઘરેથી નીકળ્યો હતો. આ બાર કલાકમાં તો જાણે બાર વરસોની જિંદગી જિવાઈ ગઈ. અને હવે સવારના એ ઊઠશે એ પહેલાં એનું મોત જાગી ગયું હશે.પણ જો એને મારવો જ હોય તો સવાર સુધી રાહ શા માટે જોવામાં આવે છે? અત્યારે જ શા માટે પતાવી નથી દેતા? આ લોકો કોને રિપોર્ટ કરે છે?
થાકેલી ગાયત્રી ઝોકાં ખાતી હતી. માથે મોત ભમતું હોય તો પણ નીંદર આવી શકે. બિચારી સવારથી એના કારણે હેરાન થતી હતી. કયા જનમની લેણદેણ નીકળી છે એની સાથે?
સવારના આ છોકરીએ એને જીવનદાન આપ્યું તો હવે એનું ઋણ ચૂકવવું જોઈએ , પણ કેવી રીતે?
આની સાથે જગમોહનના મનમાં એ પણ વિચાર આવતો હતો : કોણે એનું અપહરણ કરાવ્યું? રૂપિયાની લાલચે અપહરણ કરાવવું એ એક વાત છે પણ રૂપિયા આપીને એનું ખૂન કરાવડાવવું એ બીજી વાત છે. કિડનેપિંગ પાછળ તો ધનની લાલસા હોય, રાતોરાત અમીર બની જવાની લાલચ હોય, પણ એનું કાટલું કાઢી નાખવાનો ઈરાદો તો કોઈ એવા શત્રુનો હોય જેને જગમોહન કણાની જેમ ખૂંચતો હોય. એ એવો દુશ્મન હોય જેને જગમોહનના મોતથી કોઈ ફાયદો થવાનો હોય અથવા સંતોષ મળવાનો હોય.
જગમોહનને એના આ ૪૭ વરસમાં પહેલી વાર લાગ્યું કે જિંદગીમાં દુશ્મન પણ હોઈ શકે. પત્ની અણગમતી હતી, પણ દુશ્મન? બંને વચ્ચે નફરત હોઈ શકે, ભારોભાર અણગમો હોઈ શકે, પણ શત્રુતા? જગમોહન નક્કી ન કરી શક્યો.
અચાનક જગમોહનને લાગ્યું કે પહેલાં એને ખબર પડી હોત કે એનો કોઈ દુશ્મન છે તો કદાચ જિંદગી નીરસ થવાને બદલે વધુ રોમાંચક બની જાત! ઘણી વાર મિત્રની જેમ દુશ્મન પણ જિંદગીને એક જુદી દિશા આપી દે છે, એક નવો ઉદ્દેશ આપી દે છે.
જગમોહનની આંખોમાંથી ઊંઘ ઊડી ગઈ. એના થાકેલા શરીરમાં જાણે નવી શક્તિનો સંચાર થયો. ઘણાં વરસોથી જેની તલાશ હતી એ એને છેલ્લે છેલ્લે મળી રહ્યું હતું.
હવે જગમોહન એના દુશ્મનને મળવા તલપાપડ થઈ રહ્યો હતો.
‘ગાયત્રી…’ એ આસ્તેથી ગણગણ્યો.
‘હં…’ ગાયત્રીએ આંખ ખોલ્યા વગર જ જવાબ આપ્યો.
‘તને કંઈ નહીં થાય, ગાયત્રી!’
‘મને ખબર છે, મારા કાકુ મારી સાથે હોય તો કોઈ મારો માળ વાંકો નહીં કરી શકે!’
જગમોહનને ધ્રાસ્કો પડ્યો. આ છોકરી તો ખરેખર એને હિન્દી ફિલ્મનો હીરો સમજે છે. હોસ્પિટલમાં રોફ જમાવીને છોકરીની તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરાવવી એ જુદી વાત છે, પણ આ હિંસક હત્યારાઓથી છટકી જવું એ લગભગ અશક્ય છે.
‘કાકુ, મને તરસ લાગી છે.’ ગાયત્રી બોલી.
‘આ તારી આખરી ઈચ્છાનું એકશન રિ-પ્લે નથી ને?’ જગમોહને ગાયત્રીને હસાવવાનો પ્રયાસ હર્યો. ગાયત્રી ગંભીર રહી.
‘કાકુ, મારે મરવું નથી. ડરના કારણે જ મારું ગળું સુકાય છે.’ ગાયત્રીનો અવાજ રડમસ થઈ ગયો:
‘હા, પણ એક વાત તમને કહીં દઉં. આગળની સીટવાળો આપણી ભાષા સમજે છે છતાંય છતાંય કહીશ કે તમે અહીંથી બચી જશો એવું પોઝિટિવલી વિચારશો તો જરૂર કોઈ ને કોઈ રસ્તો સૂઝી આવશે.’
બાબુએ પાછળ ફરીને ગાયત્રી સામે જોયું અને પછી ઈરફાનને સૂચના આપી, આ છોકરીને પાણી પીવડાવ. એની છેલ્લી ઈચ્છા આપણે પૂરી કરી દઈએ.’
ગાયત્રીના હાથમાં બોટલ થમાવતાં ઈરફાન બબડ્યો : શાદી મેં આઈ હો ક્યા?’
જગમોહને પાણી પીતાં ઈરફાનને પૂછ્યું :
‘તુમ્હારા નામ ક્યા હૈ?’
‘ઈરફાન બીડી…’
‘ઓર યહ બાબુ કા પૂરા નામ?’
‘બાબુ હુક્કા.’
‘તો યહ ડ્રાઈવર કા નાક ક્યા સલીમ ચિરૂટ હૈ… પૂરા તંબાકુ ઉદ્યોગ ખોલ કે રખા હૈ તુમ લોગોં ને…’
‘અબે, તું અમારી મજાક કરે છે ?’ ઈરફાન ખિજાયો. બાબુએ એને ટપાર્યો :
‘જબાન બંધ રખો, ઈરફાન.
અચાનક જ્ગમોહન બોલી ઊઠયો :
‘ઈરફાન, એક કરોડમેં કિતને શૂન્ય હોતે હૈં?’ ઈરફાન વિચારમાં પડી ગયો.
‘વિચાર ઈરફાન… તને જવાબ દેતાં વાર લાગે એટલાં ઝીરો છે એક કરોડમાં. ખૂબ તગડી રકમ મળવાની છે તમને… સરસ સોદો કર્યો છે.’
‘તું કહેવા શું માગે છે, શેઠ?’ ઈરફાનને સમજતાં વાર લાગતી હતી.
‘છોડો યાર…’ એક કરોડ સારી જ રકમ છે. તમને આટલા બધા રૂપિયા મળી જ રહે તો હવે વધુની શું કામ લાલચ કરવી !
ઈરફાનની આંખમાં ચમક આવી ગઈ.
‘અબે ચૂપ મર! કહીને ઈરફાને સાફ કરીને ખિસ્સામાં રાખેલી રિવોલ્વર ફરી કાઢી, પણ કંઈક વિચારીને પાછી ગજવામાં સરકાવી દીધી:
‘ઓહ, આ માણસ તો ઊંધી ખોપરીનો છે. ગન જોઈને ગાંડો થશે. પાછો બોલશે, મને મારી નાખ… મને મારી નાખ…’
‘શેઠ, તું શું કહેવા માગે છે?’ બાબુએ પાછળ ફરીને પૂછ્યું.
‘બાબુ, ઇરફાન અને ડ્રાઇવરભાઈ, મારી વાત ધ્યાનથી સાંભળજો. આપણે એક ગેમ રમીએ.’ આટલું બોલીને જગમોહને ત્રાંસી આંખે ગાયત્રી સામે જોયું.
સવારથી ગાયત્રી રમત રમાડતી હતી. હવે બિઝનેસમેન જગમોહન ગેમ રમાડતો હતો.
‘કેવી રમત?’
‘બાબુભાઈ, જેમણે મને મારી નાખવાની સુપારી તમને આપી છે એને કહેવાનું કે કામ પૂરું થઈ ગયું છે. તમારે ત્યાંથી એક કરોડ લઈ લેવાના.’
‘શેઠ, તું અમારા બોસને બેવકૂફ સમજે છે?’
‘સાંભળ, બાબુભાઈ, અમે મરી ગયાં છીએ એના પુરાવા હું ઊભા કરી દઈશે.’
‘પછી શું?’ બાબુની ધીરજ ખૂટતી હતી.
‘બાબુભાઈ, મને મારવાના તમને એક કરોડ મળશે, એ પણ કામ કર્યા વગર. અને હું તમને બે કરોડ આપીશ અમને બચાવવાના! બોલો, હુક્કા-બીડી ભાઈઓ, રમત રમવી છે?!’
(ક્રમશ:)