ઈન્ટરવલ

ભેદભાવ… ક્યાં સુધી?

મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા

કેમ દીકરીના જન્મની ખુશી ગમમાં બદલાઈ જાય છે ? કેમ દીકરીના જન્મ અવસરે શુભ કામનાની બદલે લોકો અફસોસ જાહેર કરે છે ? આખરે એ પણ તો એક સંતાન જ છે તો પછી દીકરા -દીકરી વચ્ચેના ભેદભાવ આખરે ક્યાં સુધી ચાલશે ?

ડિજિટલનો યુગ છે. આજે આપણે ચન્દ્ર-મંગળ ગ્રહોને સ્પર્શી આવ્યા છીએ,છતાં આપણે હજુ કયાં સુધી દીકરીના પૂર્વગ્રહમાં બંધાયા રહીશું ?

આજે પણ આવા કેટલાય સવાલ દીકરીઓ કરે છે, જેને પરિવારમાં એક દીકરી તરીકેનું સન્માન નથી મળ્યું. તો શું પરિવારમાં વારસ એક દીકરો જ બની શકે- છે,દીકરી કેમ નહીં? કાયદો કહે છે છતાં આજે પણ દીકરીને વારસ ગણવામાં આવતી નથી. સમાજની આ વિચારધારા બદલવાનો સમય પાકી ગયો છે. ટેકનોલોજીમાં આપણે અદ્ભુત ક્રાંતિ કરી છે,પરંતુ વિચારની ક્રાંતિ તો ઠેરની ઠેર છે.

દીકરો જ કેમ માત્ર વારસ બની શકે એના વિશે અનેક જૂની માન્યતાઓ દ્રઢ થયેલી છે.આની પાછળ કેટલાંય આર્થિક- સામાજિક -ધાર્મિક અને ભાવનાત્મક કારણ રહેલાં છે. વૃદ્ધાવસ્થામાં દીકરો આર્થિક સહાયની સાથે ભાવનાત્મક સહારો પણ આપે છે, જ્યારે દીકરી પરણીને પરાયા ઘરે ચાલી જાય છે.દીકરો વંશને આગળ વધારે છે,જ્યારે દીકરી કોઈ બીજા ઘરે જઈને ત્યાંના પરિવારને આગળ વધારે છે.

આપણા સમાજમાં માતા-પિતાની હયાતિમાં અને મૃત્યુ પછી પણ દીકરો જ બધા ધાર્મિક સંસ્કાર અને વિધિ પૂરાં કરે છે, જેની પરવાનગી ધર્મએ દીકરાને આપી છે.આજે પણ પ્રોપર્ટી અને ફાઈનાન્સ જેવી બાબત માત્ર પુરુષ સાથે જ સંકળાયેલી રાખવામાં આવે છે.એમાં દીકરીને સમર્થ માનવામાં આવતી નથી.

અત્યારે તો વારસદારનો અર્થ એવો કરવામાં આવે છે કે મરનારની મિલકત,જવાબદારી,હક્ક,હકદાર વગેરે.વાસ્તવમાં તો ‘વારસ’ શબ્દનો અર્થ ‘વહન કરનાર’ એવો કરી શકાય. સંતાનને માતા-પિતાના વારસ એટલા માટે કહેવામાં આવે છે કે એ સંસ્કાર-અધિકાર અને કર્તવ્યનું વહન કરે છે.આ બધાં કાર્ય દીકરી પણ કરી શકે છે.માત્ર દીકરો જ કરી શકે એવું જરૂરી નથી. એ દૃષ્ટિએ જોતાં આ શબ્દની વ્યાખ્યા અનુસાર દીકરીને પણ આપણે વારસદાર ગણી શકીએ. એ જરા પણ વધુ પડતું નથી.

વારસની રૂઢ થયેલી વિચારધારાને લીધે આજે પણ દેશમાં દીકરા- દીકરી વચ્ચેની અસમાનતાનું પ્રમાણ (sex ratio) ચિંતાજનક રીતે વધી રહ્યું છે.દીકરાની સંખ્યા સામે દીકરીનું પ્રમાણ ઘટતું જાય છે.
તાજેતરના ૨૭ નવેમ્બર ૨૦૨૩ના આંકડા અનુસાર ભારતની વસતિમાં ૧૦૬.૫૧૬ પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા ૧૦૦ છે. બીજા શબ્દોમાં ૭૮૬.૮૫ મિલિયન પુરુષ સામે ૬૯૧.૭૮ મિલિયન સ્ત્રી છે.ટકાવારીની રીતે જોઈએ તો ૪૮.૪૨ ટકા મહિલાઓ સામે પુરુષોનું પ્રમાણ ૫૧.૯૮ ટકા છે. પુરુષ – સ્ત્રી વચ્ચેના આ પ્રમાણ વચ્ચેની ખાઈ જો આ રીતે જ વધતી રહેશે તો ૨૦૪૦ સુધીમાં ભારતમાં લગભગ ૨૩ મિલિયન મહિલાઓની અછત થઈ જશે.આની પાછળનું મોટું કારણ સંતાનમાં પુત્રની ઘેલછાના પરિણામે ક્ધયા ભ્રૂણ હત્યા અને વારસની વિચારધારા છે.

‘ઈન્ડિયા વુમન ડેવલોપમેન્ટ સર્વે’- ‘યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ’ અને ‘યુનિવર્સિટી ઓફ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઈકોનોમિક રિસર્ચ ’ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એ વાત સામે આવી છે કે ૭૭ ટકા ભારતીયો આજે પણ વૃદ્ધાવસ્થામાં દીકરીને બદલે દીકરાના ઘરે રહેવાનું પસંદ કરે છે.કદાચ એની પાછળનું કારણ આપણી પરંપરાગત વિચારધારા દીકરીના ઘરનું પાણી પણ પીવું ન જોઈએ એ છે..એવું પણ નથી કે આ ભેદભાવ અભણ અને ગરીબ લોકો સુધી જ સીમિત છે. સુશિક્ષિત અને અમીર ઘરમાં પણ આ ભેદભાવ એટલો જ જોવા મળે છે.

જમાનાની સાથે સાથે આપણી લાઈફ સ્ટાઈલ બદલાઈ રહી છે. આપણી વિચારધારા પણ બદલાઈ રહી છે તો પછી ભલા આ ‘દીકરા-દીકરી’ની વિચારધારા કેમ બદલાતી નથી ? દીકરીને સમાનતાનો અધિકાર આપવાનો વિચાર કેમ ગળે ઊતરતો નથી ?

કાનૂની રીતે દીકરીને પણ સમાન અધિકાર પ્રાપ્ત થાય છે, પણ કાયદો ઘડવાથી વાત પૂરી નથી થઈ જતી. એનો અમલ કરાવવો જરૂરી છે -પણ આપણે ત્યાં એ ખૂબ જ અઘરો છે. આજે એવા કેટલા કિસ્સાઓ જોવા મળે છે, કે જ્યારે દીકરી પોતાનો હક્ક માગવા આગળ આવે છે તો પરિવારના લોકો જ દીકરી સાથે પોતાનો સંબંધ તોડી નાખે છે.

દીકરીને લઈને પહેલેથી જ આપણા સમાજમાં બેવડો માપદંડ જોવા મળે છે.જ્યાં એક તરફ લોકો મંચ પર મહિલા મુક્તિ અને ‘સશક્તિકરણ’ના નારા લગાવે છે તો બીજી તરફ દીકરીને ઘરમાં કે સમાજમાં માન -સન્માન આપવામાં નથી આવતું.આપણા સમાજની વિડંબણા જુઓ : બધાને મા જોઈએ છે,પત્ની જોઈએ છે,બહેન પણ જોઈએ છે; પણ બેટી નથી જોઈતી ! સમજી શકાય એવી બાબત છે કે બેટી જ ન હોય તો પછી આ બધા સંબંધ આવશે ક્યાંથી?

શ્રેષ્ઠી પ્રસેનજિત બુદ્ધનો ઉપદેશ સાંભળવા માટે દરરોજ આવતા અને આગલી હરોળમાં બેસતા.બધા લોકો એમને બુદ્ધના સહાયક અને સમર્થક માનતા,પરંતુ કોઈને એ વાતની ખબર નહોતી કે માત્ર પુત્રની કામના માટે એ એવું કરતા હતા.પ્રસેનજિતને ત્યાં પુત્રીનો જન્મ થયો તો એ દુ:ખી થયા. એમણે પ્રવચનમાં આવવાનું બંધ કરી દીધું. ઘણા દિવસો પછી પુત્રી જન્મનું દુ:ખ ઓછું થયું ત્યારે એક દિવસ એ ઉદાસ મને બુદ્ધને મળવા ગયા. એમની આંખોમાં રહેલો નિરાશાનો ભાવ બુદ્ધ સમજી ગયા .ભગવાન બુદ્ધે એમને સમજાવ્યું :

‘પુત્ર કરતાં પુત્રી વધારે શ્રેયસ્કર છે. જો દરેકને ત્યાં એમની ઈચ્છા મુજબ પુત્ર જ જન્મે તો આ સૃષ્ટિનો અંત જ આવી જાય…! ગાડીનાં બે પૈડાંની જેમ બાળક અને બાલિકાઓ મોટાં થઈને સંસાર ચક્ર ચલાવે છે.સૃષ્ટિએ બંનેને એકસરખું સન્માન આપ્યું છે.તમે પણ તમારી માન્યતાઓ બદલો… એમ કરવાથી જ અજ્ઞાનજન્ય માન્યતામાંથી છુટકારો મળશે…. ’ પ્રસેનજિતને ભાન થઈ ગયું.ત્યાર પછી એ પુત્રીને વધારે સ્નેહ આપતા થઈ ગયા.

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે, ‘ભારત વર્ષનો ધર્મ એના પુત્રોથી નહીં પણ પુત્રીઓના પ્રતાપે ટકી રહ્યો છે.ભારતીય દેવીઓએ જો પોતાનો ધર્મ છોડી દીધો હોત તો દેશ ક્યારનો નષ્ટ થઈ ગયો હોત.’
ભગવાન મનુએ પણ પુત્રીને પુત્ર સમાન માનવાનો આદેશ આપતા કહ્યું છે કે, ‘જેવી રીતે આત્મા પુત્ર સ્વરૂપે જન્મ લે છે તેવી જ રીતે પુત્રી સ્વરૂપે પણ જન્મ લે છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button