શું તમને ખબર છે, ટ્રેનમાં લોઅર બર્થ એ સગર્ભાઓનો વિશેષાધિકાર છે
વિશેષ -પ્રભાકાંત કશ્યપ
ભારતમાં, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મહિલાઓને ઘણા વિશેષાધિકારો મળે છે. ઉદાહરણ તરીકે, ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાને ટ્રેનમાં નીચેની બર્થ મેળવવાનો વિશેષાધિકાર છે. તેવી જ રીતે, લોકલ ટ્રેનમાં વિકલાંગો માટે આરક્ષિત કોચમાં સગર્ભા મહિલાઓ પણ મુસાફરી કરી શકે છે. રિઝર્વેશન ફોર્મમાં ગર્ભવતી મહિલા મુસાફરો માટે અલગ કોલમ બનાવવામાં આવી છે. પરંતુ સાવચેતીનાં પગલાં તરીકે ફરજ દરમિયાન તેઓએ તબીબી કાગળો સાથે રાખવાના હોય છે, જે સંબંધિત અધિકારીઓ દ્વારા પૂછવામાં આવે ત્યારે બતાવવાના હોય છે. યાદ રાખો, આ સુવિધા ઓનલાઈન બુકિંગ પર ઉપલબ્ધ નથી, કારણ કે આ સુવિધા રિઝર્વેશન કાઉન્ટર પર પ્રેગનન્સીના મેડિકલ પેપર્સ બતાવ્યા પછી જ મળે છે.
એ જ રીતે, ભારતીય રેલવે અધિનિયમ ૧૯૮૯ની કલમ ૧૩૯ મુજબ, જો કોઈ મહિલા, પુરુષ વિના એકલી મુસાફરી કરી રહી હોય અને તેની સાથે એક નાનું બાળક હોય, તો તેની પાસે ટિકિટ ન હોવા છતાં, તેને ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (ટીટીઈ) ટ્રેનમાંથી ઉતારી શકતા નથી. મહિલા દંડ ભરીને પોતાનો પ્રવાસ ચાલુ રાખી શકે છે. જો તેની પાસે દંડ ભરવા માટે પૈસા ન હોય તો પણ તેને મુસાફરી કરવાનો અધિકાર છે. જ્યારે ટીટીઈ સાથે મહિલા કોન્સ્ટેબલ હોય ત્યારે દિવસ દરમિયાન કોઈ મહિલાને સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારી શકાય છે, અને કારણ ટિકિટ ન હોવા કરતાં વધુ ગંભીર હોવું જોઈએ.
તેવી જ રીતે, ભારતીય રેલવે અધિનિયમ ૧૯૮૯ની કલમ ૩૧૧ મુજબ, કોઈ સૈન્ય કર્મચારી પણ મહિલાઓ માટે આરક્ષિત કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશી શકે નહીં, તેણે સામાન્ય ડબ્બામાં મુસાફરી કરવી પડશે. મહિલા કોચમાં પ્રવેશતા પુરૂષ મુસાફરો પર કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ છે. ભારતીય રેલવે અધિનિયમ ૧૯૮૯ની કલમ ૧૬૨ મુજબ માત્ર એક જ બાળક, જેની ઉંમર ૧૨ વર્ષથી ઓછી હોય, તેને જ મહિલા સાથેના આરક્ષિત ડબ્બામાં મુસાફરી કરવાની મંજૂરી છે.
ભારતીય ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં છથી સાત લોઅર બર્થ, એર કન્ડિશન્ડ થ્રી ટાયર (થર્ડ એસી)માં ચારથી પાંચ બર્થ અને એર-કન્ડિશન્ડ ટૂ ટિયર (સેક્ધડ એસી)માં ત્રણથી ચાર બર્થ ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ, વરિષ્ઠ નાગરિકો અને ૪૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના મહિલા મુસાફરો માટે આરક્ષિત રાખવામાં આવે છે. સગર્ભાવસ્થાની સુવિધા મેળવવા માટે, સ્ત્રી પાસે ડોક્ટર દ્વારા સહી કરેલું ગર્ભાવસ્થા પ્રમાણપત્ર હોવું આવશ્યક છે, તે પ્રસ્તુત કરીને જ ક્વોટાનો લાભ લઈ શકાય છે. જો ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી હોય, તો તે મહિલાઓ માટે વિશેષ વેઇટિંગ રૂમ પ્રદાન કરવાની જવાબદારી રેલવેની છે, જ્યાં ફક્ત મહિલાઓને જ આવવાની મંજૂરી આપવામાં આવે.
ભારતીય રેલવે અધિનિયમ ૧૯૮૯ની કલમ ૧૩૯ જણાવે છે કે જો કોઈ મહિલા ટ્રેનમાં એકલી મુસાફરી કરી રહી હોય, અને તેને તેની સીટ અનુકૂળ ન હોય તો તે મુસાફરી દરમિયાન ટીટીઈ સાથે વાત કરીને પોતાની સીટ બદલી શકે છે. ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષા માટે સરકારે ૧૮૨ હેલ્પલાઈન શરૂ કરી છે, જેમાં મહિલાઓ સુરક્ષા સંબંધિત ફરિયાદ કરી શકે છે. જ્યારે રિઝર્વ કોચમાં મહિલા એકલી મુસાફરી કરી રહી હોય ત્યારે મહિલાની સુરક્ષા માટે કોચમાં મહિલા સુરક્ષાકર્મી તૈનાત હોય છે, જે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહે છે. એકલી મહિલાની મુસાફરી સાથે જોડાયેલો એક નિયમ પણ છે કે જો કોઈ મહિલા સ્લીપર ક્લાસની ટિકિટ પર એસી ક્લાસમાં મુસાફરી કરી રહી છે તો મહિલાને સ્લીપર ક્લાસમાં જવાનું કહી શકાય, તેની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તન ન થવું જોઈએ. કારણ કે રેલવે બોર્ડ અનુસાર, જો કોઈ મહિલાનું નામ આરક્ષિત કોચની વેઈટિંગ લિસ્ટમાં ન હોય તો પણ તેને ટ્રેનમાંથી ઊતારી શકાય નહીં.