ધાજો રે ધાજો… પૂર આવ્યાં…
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
‘હાંભળો છો? આ રેલો નીચે હુધી આવી ગ્યો છે. એની તમને કંઈ ખબર છે?’
‘હા, તેં જ કંઈ પાણી-બાણી ઢોળ્યું હશે. પોતું લઈને સાફ કરી દે.’
‘પેલો ૨૦૦૬માં આવેલો એવો રેલો આવી પુગ્યો છે, એ દેખાતું નથી? છાપાં બરાડે છે, ટી.વી. મોબાઇલ… બધામાં રેલાની જ વાત ચાલે છે. ચોવીસ કલાક એમાં જ મોં નાખીને બેઠા છો તોય ખબર નથી પડતી કે આપણે હવે તૈયારી કરવી જોઈએ? પાછા ભાઈ બેઠાં બેઠાં પોતું મારવાની સલાહ આપે છે!’
‘હવે બક બક બંધ કર ને મને શાંતિથી ન્યૂઝ જોવા દે.’ પતિદેવે થોડા ગુસ્સામાં કહી નાખ્યું. પછી તો પૂછવું જ શું!
‘જે ઇતિહાસ ભૂલી જાય છે, તે ઘણું બધું ગુમાવે છે. તમે બધું ભૂલી ગયા છો, પણ હું કશું ભૂલી નથી. સમજ્યા? હમણાં ભલે ગુસ્સો કરો, પણ મારે જે યાદ કરાવવાનું છે, તે તો યાદ કરાવીને જ જંપીશ.
૨૦૦૬માં રેલો આવેલો ત્યારે મેં કેટલું કહેલું કે જાવ, ડુમસ કંઈ દૂર નથી. જઈને એક-બે કિલો મિક્સ ભજિયાં લઈ આવો અને અલગથી એક કિલો રતાળુનાં ભજિયાં ને બે ડબ્બા લઈ જઈ ચટણી પણ ભરાવી લાવો. અને હા, પ્લાસ્ટિકની થેલીમાં તળેલાં મરચાં (કોથળી ભરીને) લેતા આવો. રસ્તે પાછા વળતાં ૧કિલો પ્રમાણે આઠ-દસ લીલાં તાજાં શાક, આદું-મરચાં, દસ-વીસ થેલી દૂધ, પાંચ ડબ્બા અમૂલ દહીં, દસ દસ કિલો ઘઉં, જુવાર અને ચણાનો લોટ, બે કિલો ભૂસું, બે કિલો ઘારી, બે કિલો ખમણનું લિસ્ટ આપેલું ને જેમ તેમ ધક્કો મારીને ઘરની બહાર કાઢેલા. મેં એકલીએ સામાન ઉપર ચડાવેલો. મને એમ કે ડુમસના ભજિયાં લાવશે, તે અગાસીમાં બેસીને નિરાંતે ખાઈશું. પડોશીઓને જલાવીશું અને પૂરની મજા માણીશું… એ…તારે નિરાંતે ખાતાં ખાતાં ફોન ઉપર ગામની પંચાત કરીશું! પણ બે કલાક પછી ઘરમાં રેલનાં પાણી આવી ગયાં, ઘરની હગલીએ હાંફી હાંફીને સામાન ચડાવ્યો અને આ અમારા નરસિંહ મહેતાએ રમલીનો કઈ રીતે ઉદ્ધાર કર્યો, એ કથની કહેવા બેઠેલા! એ યાદ છે તમને? બોલો, હવે કંઈ તમને યાદ આવતું હોય, તો ટી.વી. બંધ કરો ને કામે લાગો’
‘હજી ઉકાઈમાંથી પાણી છૂટ્યું નથી. ડેમમાંથી પાણી છૂટશે, પછી હું કામે લાગીશ. આવાં કામ તો મારા ડાબા હાથનો ખેલ છે, સમજી? તું હવે માથું ખાવાનું બંધ કર ને આદું-ફુદીનાની ચા પીવડાવે તો સારું.’
‘ચા, ખાંડ, આદું, ફુદીનો, દૂધ, દહીં, નાસ્તો, ફળો, શાકભાજી… કશું જ ઘરમાં નથી. ચા પીવી હોય તો આ લીસ્ટ મુજબનું બધું જ લાવી આપો. પછી કહેતા નહીં કે સુધા, તેં ચેતવ્યો કેમ નહીં? ’
‘સુધા, આગ લાગે ત્યારે કૂવા ખોદવા નીકળી છે, તો તું જાતે જ જા ને લઈ આવ. મારે હજી મિત્રોને ફોન કરીને પાણી ક્યાં સુધી આવ્યાં તે પૂછવાનું અને પાણી ભરાવાની શરૂઆત થઈ હોય, તો એમણે કઈ કઈ વસ્તુ પહેલાં અને કઈ કઈ પછી ચડાવવી એનું લિસ્ટ આપવાનું છે’
‘તે તમે બધાનો ઠેકો લીધેલો છે? ગઈ રેલમાં રમલીને મદદ કરવામાં ઘરને ભૂલી ગયેલા, એ યાદ કરો તો સારું. હું કશું લેવા બહાર જવાની નથી. મારે બીજાં પણ ઘણા કામ કરવાનાં બાકી છે. સાડી, સેલાં, ઘરેણાં, ગાઉન, કુર્તી પહેલાં ચડાવવા પડશે. હમણાં જ રક્ષાબંધનમાં ખરીદી કરી છે, એ પોટલાં પણ ચડાવવાનાં છે. સમજ્યા? બસ, હવે આ છેલ્લાં છેલ્લાં કામ કરી લઉં છું… અને હા, લિસ્ટ પ્રમાણેની વસ્તુ તમે બજારમાંથી લાવશો નહીં તો પાણી ઘરમાં આવી ગયાં પછી તમારો ભૂખમરો શરૂ એમ માનજો. બાકી મેં તો મારી સગવડ કરી લીધી છે. રમલીને તો મદદ કરનારા મળી જાય છે, પણ મને કોઈ નરસિંહ મહેતા મળવાના નથી. એ જાણી ગયા પછી મેં મારી વ્યવસ્થા કરી લીધી છે. તમે જાણો ને તમારો ફોન જાણે ને ટી.વી. જાણે! હું તો મારાં બાકીનાં કપડાં બેગમાં ભરીને, આ ચાલી ઉપર!’
‘હા, તે જા… જા… હું મારી સગવડ કરી લઈશ. તારે મારી ફિકર કરવાની જરૂર નથી. મને તો આજુબાજુવાળા ખવડાવશે. સમજી? સહેજ પણ નિરાંતે ટી.વી. જોવા દેતી નથી કે નથી ફોન પર વાત કરવા દેતી…
ચા પીવાની તલબ લાગી હતી, પણ કદી ચા મૂકી નથી. હાથમાં તૈયાર ચા-નાસ્તો મૂકનારી ઉપર ગઈ એટલે નરસિંહ મહેતા થોડા અકળાયા. (સ્વાભાવિક છે.) સોસાયટીના નાકે ચાની ટપરી ઉપર જવા ભાઈ ઓટલાની બહાર ગયા ને પગ નીચે પાણીનો રેલો આવ્યો. સોસાયટીના બંને દરવાજેથી પાણીનો પ્રવાહ વેગમાં આવતો જોઈને, મન મારીને ઘરમાં આવ્યા.
રોહનભાઈએ બૂમ પાડી: ‘સુધા, ઓ સુધા… ઉપરથી નીચે આવીને જો. પાણીનો પ્રવાહ ખૂબ ઝડપથી ઘરમાં પ્રવેશી ગયો છે. ઓટલો ડૂબવા માંડ્યો છે. હવે નીચે આવ ને મદદ કર. નહીંતર આ ટી.વી. ફ્રીઝ વગેરે તો ગયું જ સમજ.’
સુધાબહેને ઉપરથી જ મોટા આવાજે કહ્યું,
‘ઉકાઈવાળાને ફોન કરીને પૂછી તો લ્યો કે પાણી કેટલું છોડશે, પાણી ક્યારે આવશે, આપણે કયા માળે ચડવાનું છે, શું શું ચડાવવાનું છે… અને હા, પેલી રમલીને પણ કદાચ મદદની જરૂર હશે. એને પણ પૂછી આવો. બિચારીનું આવા સમયે કોણ બેલી? અને હા, એના હાથનો ચા-નાસ્તો પણ કરતા જ આવજો. તમારા મિત્રોને પણ ફોન કરીને માહિતી આપી દો કે પાણી ઘરમાં આવે ત્યારે શું શું કરવાનું, કઈ કઈ વસ્તુ ચડાવવાની, વગેરે… વગેરે… ટી.વી. તો નાનું જ છે. પ્લગ કાઢીને ઉપર લેતા આવો. નહીંતર તમે ટીવી વગર દુનિયાના ન્યૂઝ કઈ રીતે જોશો? ફોનનું ડબલું પણ પ્લગમાંથી કાઢીને લઈ આવો. પડોશીને બોલાવીને તેની મદદથી ફ્રીજને કિચન પ્લેટફોર્મ પર ચડાવો. પછી બારણાં ઢાંકીને ઉપર આવો…’
આટલું કામ પડોશીની મદદથી પતાવ્યું અને હાંફતાં હાંફતાં રોહનભાઈ ઉપર આવ્યા, ત્યારે ઘરમાં નીચે કેડ સમાણાં પાણી પ્રવેશી ગયાં હતાં.
‘સુધા, હવે શું થશે? મેં તને બજારમાંથી કશું લાવી આપ્યું નથી. મારાં કપડાં પણ મેં તને અડકવાની ના કહી હતી. એટલે એ પણ ગયા કામથી! દૂધ વિના ચા અને કરિયાણા-શાકભાજી વિના જમવાનું પણ ક્યાંથી લાવીશું? તું મને બપોરથી ચેતવતી હતી અને મેં સાંજ સુધી કંઈ નહીં કર્યું. (એટલે મેં કહી નાખ્યું નરસિંહ મહેતા!) બહુ ભૂખ લાગી છે. ચા પણ પીવી છે, ને ગંદા કપડાં પણ બદલવા છે, પણ મારાં કપડાં તો નીચે જ રહી ગયાં પાણીમાં… સુધા, હવે હું શું પહેરું?’
‘રોહન, સામેના પોટલામાં તમારાં કપડાં છે એ પહેરો, ને ઉપરને માળિયે મેં સિંગલ ગૅસ પર ભજિયાં અને ચા બનાવ્યાં છે. એ ખાવા હોય તો જલદી અગાસીમાં આવો. અને હા, ટી.વી. જોવામાં મોડા આવશો તો ભજિયાં મારા પેટમાં… અને સાથે મસાલા ચા અને ઘારી, ભૂસું પણ…! સમજ્યા? ! ’