ખજાનાની ઉચાપતની ફરિયાદ છતાં નહેરુ સરકાર રહી ચૂપ

-પ્રફુલ શાહ
નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી પ્રોવિઝનલ ગવર્નમેન્ટ ઑફ આઝાદ હિન્દ (પી.જી.એ.એચ.) અર્થાત આઝાદ હિન્દની કામચલાઉ સરકાર તૂટી પડ્યા બાદ અમુકે એનો ખજાનો રફેદફે કરી દીધો એવી શંકા સાવ અસ્થાને નથી ને નથી જ. આવું થયાની શકયતા વ્યક્ત કરતાં સેંકડો દસ્તાવેજો દાયકાઓ સુધી ઑફિશિયલ સિક્રેટ એકટ હેઠળ પી.એમ.ઓ. (પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ) અને વિદેશ મંત્રાલયના કબજામાં સબડતા રહ્યા હતા. ગુપ્ત અહેવાલો, ટેલિગ્રામ્સ અને પત્રો ધરાવતા આ દસ્તાવેજો ‘નેતાજી ફાઈલ્સ’ તરીકે ધૂળ ખાતા રહ્યા.
એવું નહોતું કે તે સમયની સરકારને આ ગફલાની જાણ નહોતી. જાણકારી હતી પણ આંખ આડા કાન કરાયા અને પાછા કાનમાં ય આંગળા ખોસી દેવાયા. પછી ‘નેતાજી ફાઈલ્સ’ રૂમનાં અંધારામાં ધરબાઈ ગઈ અને જ્યારે આ ડિકલાસિફાઈડ ફાઈલ્સ ખુલી ત્યારે અતીતના ઘણાં વટાણા વેરાયા અને એનાથી અનેકને આઘાત લાગ્યો.
આ ફાઈલ્સમાં ગૂંગળાતાં અમુક સત્યો પર નજર નાખીએ. (1) નહેરુ સરકારે આજના સમયે કરોડો રૂપિયાનો થાય એવા આઈ.એન.એ.ના ખજાનામાં થયેલી સંભવિત ઉચાપતની ઘોર અવગણના કરી. (2) 1947થી 1953 વચ્ચે ટોકિયો દૂતાલયના વિવિધ વડાએ વારંવાર આપેલી માહિતી અને ચેતવણીની લેશમાત્ર નોંધ ન લેવાઈ. (3) દૂતાલય તો ઠીક એ સમયના અન્ડર સેક્રેટરી અને પછી વિદેશ સચિવ બનેલા આર. ડી. સાઠેએ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો હતો કે અવસાન અગાઉ નેતાજીએ સાયગોન (હવે વિયેતનામનું ચિ મિન્ટ શહેર)માં રાખેલા ખજાનામાંથી સોનાના ઘરેણાં તથા હીરા-મોતી-માણેક જેવી અમૂલ્ય ચીજોને પગ આવી ગયા છે. તેમણે શબ્દો ચોર્યા વગર સાફ-સાફ જણાવ્યું હતું કે શંકાસ્પદ કાવતરાખોરોએ આ ખજાનામાંથી ઘણું સગેવગે કરી નાખ્યું છે.
આમ છતાં સરકારનું પેટનું પાણી કેમ ન હલ્યું? શું કૉંગ્રેસને આઝાદી બાદ પણ સુભાષબાબુ સાથે વાંધો હતો? અને વાંધો હોય તો પણ તેમણે ભારતીય પ્રજાજનો પાસેથી મેળવેલી સહાય દેશમાં પાછા લાવવામાં નુકસાન થોડું થાય? કે પછી નેતાજી કે એમની સેવા અંગે બ્રિટિશરોને કોઈ મૌખિક કે લેખિત વચન અપાયું હશે. અંગ્રેજોને નેતાજી પર ખુન્નસ હતું કારણ કે તેમણે શસ્ત્રો ઉપાડયાં હતાં ને દેશની આઝાદી માટે લડવા વિદેશી સરકારની મદદ લીધી હતી અને પરદેશી ધરતી પર સૈન્યને એકઠું કર્યું હતું. એટલું જ નહિં વિશ્ર્વ યુદ્ધમાં ય તેઓ બ્રિટિશરોની વિરોધી છાવણીની પડખે રહ્યા હતા.
આપણ વાંચો: પ્રાસંગિક : ચીન-પાકિસ્તાન રમે છે મેલી રમત બાંગ્લાદેશમાં…
વધુ આઘાતજનક બાબત એ છે કે બધી ચેતવણી-જાણકારીની ઘોર અવગણના કરવામાં આવી હતી. આ રાજદ્વારીઓ દ્વારા ખજાનાની ઉચાપતની આઈ.એન.એ.ના માજી હોદ્દેદારો સામે શંકાની સોઈ ચિંધાઈ હતી. એમની વિરુદ્ધ કોઈ જાતની સમ ખાવા કે દેખાડા પૂરતી ય તપાસ યોજાઈ નહોતી. અરે આવા અમુક તથાકથિત ‘દાગી’ને શિરપાવ અપાયા હતા!
અને સરકાર એક જ પીપડું વગાડતી રહી કે નેતાજી અંગેની ડિક્લાસિફાઈડ ફાઈલ્સ જાહેર કરવામાં જાહેર હિતને ફાયદો થવાનો નથી.
આ મામલામાં એક સમયે નેતાજી અને આઈ.એન.એ. સાથે રહેનારા એમ. રામમૂર્તિ અને એસ. એસ. ઐયરના નામ સ્પષ્ટપણે ફરિયાદમાં લખાયેલા હતા. આ ફાઈલમાં જે. મૂર્તિ, સર જોહન ફિગિસના નામ પણ હતા.
એ રકમ, ખજાનો નેતાજીનો હતો પણ એના પર આમ ભારતીયનો હક હતો. તેમણે પોતાની કાળી મજૂરીથી રળેલી આવક અને ઘરેણાં નેતાજીની આઝાદીની લડતમાં મદદ માટે સ્વેચ્છાએ આપ્યા હતા. આઝાદી મળી ગઈ અને નેતાજી અવસાન પામ્યા એટલે દલ્લા પર કોઈ અન્યનો હક કેવી રીતે હોઈ શકે? આ ખજાનાની ઉચાપત કરનારાઓએ નેતાજી, આઝાદ હિન્દ ફૌજ, ભારત દેશ અને ભારતીય પ્રજા સાથે ઘોર છેતરપિંડી કરી. કાશ આઝાદી બાદ સરકારે તાત્કાલિક પગલાં ભર્યાં હોત તો થોડું ઘણું બચાવી શકાયું હોત અને કૌભાંડકારોને જેલ ભેગા કરી શકયા હોત. (ક્રમશ:)