ઈન્ટરવલ

વ્યક્તિ ને ડેબિટ કાર્ડ ઘરમાં પૈસા કઢાયા બીજા શહેરમાં!

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

સાયબર ફ્રોડના ફેલાતી જાળમાં માણસનું મગજ બહેર મારી જાય એવી ઘટનાઓ બનતી રહે છે. એક તો પૈસા ગુમાવ્યાનો રંજ, છેતરાયાનો ડંખ અને એમાંય સંબંધિત સંસ્થા તરફથી મળતા પ્રતિભાવ કે પૂછપરછ તો મગજની નસો ફાડી નાખે એટલા અકળાવનારા હોય. જરા વિચારો કે તમારા પૈસા જમા કરાવવાથી કોઇ બૅન્ક ચાલે છે. ને કમાય પણ છે, પરંતુ છેતરપિંડી વખતે એમનો વ્યવહાર, જવાબો શા માટે શાતાદાયક કે સમજદારીપૂર્વકના હોતા નથી?

મહારાષ્ટ્રના થાણેમાં રહેતા વર્ષાબહેન ભાવેશભાઇ દત્તાણીનો કિસ્સો જાણીએ તો મોઢામાં આંગળા નાખી જવાય. દેશની અગ્રણી બહુરાષ્ટ્રીય ખાનગી બૅન્કમાં એમનું ખાતું. બૅન્કમાં ખાતું હોય એટલે એટીએમ અર્થાત્ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ હોવાનું સામાન્ય બાબત ગણાય. આ એક બૅન્કના એક જ ખાતામાં તેમને ત્રણ ત્રણ વાર વિચિત્ર અનુભવ થયા. વિચિત્ર અનુભવ ઘણો સારો શબ્દ છે. હકીકતમાં તો ઠગાઇ જ થઇ હતી.

૨૦૨૧ ઑક્ટોબરમાં વર્ષાબહેનને એટીએમમાંથી પૈસા કઢાવવા સંબંધી બૅન્ક તરફથી ફોન આવ્યો. તેમણે નનૈયો ભણી દેતા પૈસાની ઉઠાંતરી બચી ગઇ. પણ સવાલ એ છે કે જો તેઓ ઘરમાં હતા. કાર્ડ પાસે હતું તો એટીએમમાંથી ડેબિટ કાર્ડ વગર રકમ કઢાવવાની ચેષ્ટા થઇ જ કેવી રીતે શકે?

૨૦૨૨ના જાન્યુઆરીમાં એક દિવસ વર્ષાબહેન રસોડામાં કામકાજ આટોપતા હતા. એ સમયે બહારની રૂમમાં પડેલા મોબાઇલ પર આવેલો બૅન્કનો ફોન તેઓ ઉપાડી ન શકયા. પછીથી તેમણે આવેલા એસએમએસમાં પૈસા ઉપાડવા દેવાનો ઇન્કાર કર્યો પણ ત્યારે રૂ. વીસ હજારને પગ આવી ગયા હતા. છેક સુરતના એટીએમમાંથી આ રકમ ઉપાડાઇ હતી. બૅન્કની પ્રક્રિયા મુજબ તેમણે પોલીસ ફરિયાદ કરવી પડી. લાંબુલચક ફોર્મ ભરવું પડયું. આ સાથે તેમણે બૅન્કને લિખિતમાં આપ્યું કે મારું આ ડેબિટ કાર્ડ કાયમ માટે બ્લોક કરી દો. થોડા સમય પછી ગયેલા ૨૦ વીસ હજાર પણ પાછા ખાતામાં જમા થઇ ગયા. લાગ્યું કે ખાધું, પીધું ને રાજ કર્યા જેવો સુખદ અંત આવી ગયો.

પણ ના બીજા જ મહિને એટલે કે ફેબ્રુઆરીમાં ‘બ્લોક થયેલા’ કાર્ડનો (દૂર) ઉપયોગ થયો. આ વખતે પુણેના એટીએમમાંથી છ હજાર ઉપાડાયાનો મેસેજ આવ્યો. બૅન્કમાં ગયા તો કહે તે ફરી એફ.આઇ.આર. નોંધાવો. ફરી ફરિયાદ લેવાનો નનૈયો ભણતા પોલીસે સાફ શબ્દોમાં કહી દીધું કે આવા તો કેટલાંય કેસ આવતા રહે છે.

બીજી બાજુ, બૅન્ક પણ કારણ આપતી નહોતી કે બ્લોક કરાવી દીધેલું કાર્ડ ફરી વપરાયું કેવી રીતે? ફોન અને ઇ-મેઇલમાં શિરદર્દ સમાન લમણાઝીંક બાદ બૅન્ક અધિકારીએ જીભ કચરી કે ટેક્નિકલ ભૂલને લીધે આપનું ડેબિટ કાર્ડ કાયમી નહીં પણ અસ્થાયીરૂપે બ્લોક થયું હતું.

આના પછી છેતરપિંડીની તપાસ ફરી શરૂ કરવા માટે બૅન્કે મગાવ્યા ઘણાં દસ્તાવેજો: ટ્રાન્ઝેકશન ડિસ્પ્યુટ ફોર્મ, ડેબિટ કાર્ડનો ફોટો, આઇડી (ઓળખપત્રનો) ફોટો, છેતરપિંડીના સમયે ગ્રાહક કયાં હતા એનો પુરાવો એટલે કે ઑફિસમાં હોય તો ઑફિસનો સહી-સિક્કા સાથેનો પત્ર, ઠગાઇના સમયે ગ્રાહક રકમ ઉપાડાઇ ગઇ. એ સ્થળે કે એ શહેરમાં નહોતો એનો પુરાવો, જો હોટેલમાં રોકાયા હો તો એનું બિલ, વિદેશ ગયા હો તો પાસપોર્ટ પર સિક્કાવાળા પાનાની નકલ, પોલીસ ફરિયાદની નકલ વગેરે.

નહોતા ગુનેગાર, આરોપી કે શકમંદ સુધ્ધાં છતાં ફરિયાદી પાસે આટલી બધી માગણી એ દાઝયા પર ડામ ન ગણાય? પૈસા કઢાયા એ એટીએમના સીસીટીવી ફૂટેજ પરથી ઘણું કે બધું સાબિત થઇ શકે! પોતાના પૈસા, છેતરપિંડીનું ટેન્શન છતાં આવી ફોર્માલીટી?!ખેર, મે મહિનામાં આ પ્રકરણ પર પૂર્ણવિરામ મુકાયું.

છતાં એક સવાલ હજીય અનુત્તર રહે છે કે ડેબિટ કાર્ડ વર્ષાબહેન પાસે હોય તો એટીએમમાં કયું કાર્ડ કળા કરી ગયું? કેવી રીતે? જો કાર્ડની બનાવટ કે નકલ થાય તો સલામત કાર્ડ બનાવવાની જવાબદારી બૅન્કની નહીં?

A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
એક વાત યાદ રહે. બૅન્ક તો વીમો ઉતરાવે એટલે એને કયારેય નુકસાન ન થાય, પરંતુ ગ્રાહકે અકારણ ભોગવવાનું, પીસાવાનું આવે. ઑફિસમાં રજા, ફોન પર લમણાઝીંક, ઇ-મેઇલબાજી અને પોલીસ સ્ટેશનના ધક્કા આ બધું કોના વાંકે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button