ઈન્ટરવલ

જોખમ મધદરિયે

ઈરાનની એક કાર્યવાહી ઇંધણના ભાવ આસમાને પહોંચાડી શકે!

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

મધ્યપૂર્વમાં હાલ તો ઘીના ઠામમાં ઘી પડી રહે, એ રીતે ઇરાન અને ઇઝરાયલના વાસણો ખખડીને અવાજ કરતા બંધ થઇ ગયા છે. ઇરાને ૨૦૦ મિસાઇલ અને ડ્રોનથી ઇઝરાયલ પર હુમલો કર્યો અને ઇઝરાયલે તેનો વળતો જવાબ પણ આપી દીધો! પ્રારંભિક રિપોર્ટ એવા હતા કે અમુક મિસાઇલ તો બંને દેશોમાં ભયાનક તબાહી મચાવી શકે એવા વ્યૂહાત્મક સ્થળો સુધી પહોંચી હતી.
આમ છતાં એકે દેશમાં કોઇ ખુવારી થઇ નથી, એ અચરજ ઉપજાવતી વાત છે. નિરીક્ષકો અનુસાર આ બંને દેશ માત્ર પોતપોતાનું સ્વમાન જાળવવા પ્રયાસ કરી રહ્યાં છે અને જગતને કે પછી પોતાના દેશની પ્રજાને બતાવવા માટે એમણે કહેવાતા સશસ્ત્ર હુમલા કર્યા છે! ઇરાને તાજેતરમાં ઇઝરાયલી હુમલા પછી જે કથન કયર્ું તેના પરથી તો આ વાત સાચી લાગે છે. ઇરાને ‘સબ સલામત’ની જાહેરાત કરી છે!

આનો અર્થ એ થયો કે હવે ધરતી શાંતિપૂર્ણ રીતે રાબેતા મુજબ પોતાની ધરી પર ફરતી રહેશે. જોકે, નિષ્ણાતો એવી ચેતવણી પણ આપે છે કે આ બંને દેશ પર એવો કોઇ ભરોસો ના રાખી શકાય! પરિસ્થિતિ હજુ પણ પ્રવાહી છે, ગમે ત્યારે ગમે તે થઇ શકે છે!

હવે આ લશ્કરી ઘર્ષણને કારણે ભારત માટે ઊભાં થયેલા જોખમની વાત કરીએ, આ વાત આર્થિક જોખમની છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં તાજેતરની આક્રમક પ્રવૃત્તિઓના સંભવિત પરિણામોને કારણે ભારતની અર્થવ્યવસ્થા સામે ક્રૂડ ઓઇલ અને એલએનજીના ભાવની સ્થિરતા અંગે ચિંતાઓ ઊભી થઇ છે. વિશ્ર્લેષકો એવી ચેતવણી આપે છે કે, ક્રૂડ ઓઇલની આયાત માટે મહત્વપૂર્ણ માર્ગ એવા હોર્મુઝ સ્ટ્રેટને ઇરાન દ્વારા અવરોધિત કે બંધ કરવાનો ભય તોળાઇ રહ્યો છે અને જો એવું થશે તો ઇંધણના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવી શકે છે.

અવલોકન: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેની દુશ્મનાવટની તીવ્રતાને કારણે વૈશ્ર્વિક ક્રૂડ ઓઇલ અને એલએનજી સપ્લાયમાં વિક્ષેપ આવવાની આશંકા છે. ઈરાનની ગતિવિધિઓ, જેમાં ઈઝરાયલ પર ડ્રોન અને રોકેટ હુમલાનો સમાવેશ થાય છે, તેને કારણે મધ્યપૂર્વના વિસ્તારોની તંગદિલીમાં વધારો કર્યો છે.

આ પરિસ્થિતિ ઇંધણના આંતરરાષ્ટ્રીય વેપારને અનિશ્ર્ચિતતા તરફ દોરી જાય છે. ઇરાને એવી જાહેરાત કરી છે કે ઇઝરાયલે તેના પર માત્ર રમકડાં જેવા ડ્રોનથી હુમલો કર્યો છે, જે નગણ્ય છે. જોકે, સેટેલાઇટ પિક્ચર્સમાં સ્પષ્ટ દેખાય છે કે ઇઝરાયલે મિસાઇલ હુમલો કરીને ઇરાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જ નષ્ટ કરી નાંખી છે.

ક્રૂડ ઓઇલ અને એલએનજીની કિંમતો માટે અસરો: વૈશ્ર્વિક નિરીક્ષકોને એ વાતની ચિંતા છે કે ઇરાન જો આડું ફાટશે તો તેની પાસે ભારત સહિત એકસાથે ઘણાં દેશને હેરાન કરવાનો કીમિયો છે. જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને તાળાં વાસવાનું પગલું લેશે તો ભારત માટે મોટી મુશ્કેલી ઊભી થઇ શકે છે.

ભારત સાઉદી અરેબિયા, ઈરાક અને યુએઈમાંથી નોંધપાત્ર પ્રમાણમાં ક્રૂડ ઓઈલની આયાત કરે છે. આ પુરવઠો ખોરવાઇ જશે તો ભારતમાં ક્રૂડ ઓઇલ અને એલએનજીના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે, જે ફુગાવાને વકરાવી શકે છે અને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને મોટો ફટકો મારી શકે છે.

એ નોંધવું રહ્યું કે, ભારત તેની ક્રૂડ ઓઈલની ૮૫ ટકાથી વધુ આવશ્યકતા માટે વિદેશી સપ્લાયર્સ પર નિર્ભર છે, તે સાઉદી, ઈરાક અને યુએઇમાંથી ક્રૂડ ઓઇલ તેમજ હોર્મુઝની સ્ટ્રેટ દ્વારા કતારમાંથી લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી) આયાત કરે છે.

મુખ્ય ચિંતાઓ અને પડકારો: હોર્મુઝ સ્ટ્રેટના સંભવિત બંધ થવાથી નોંધપાત્ર પડકારો ઊભા થઇ શકે છે, કારણ કે ખાસ કરીને એલએનજીના પરિવહન માટે વૈકલ્પિક માર્ગો મર્યાદિત છે. અલબત્ત સાઉદી અરેબિયા દ્વારા સંચાલિત પૂર્વ-પશ્ર્ચિમ પાઈપલાઈન અને યુએઈમાં ફુજૈરાહ નિકાસ ટર્મિનલ જેવી ક્રૂડ ઓઈલની નિકાસ માટે કેટલીક વૈકલ્પિક ચેનલો અસ્તિત્વમાં છે, પરંતુ આ માધ્યમો સ્ટ્રેટ મારફતે થતા પરિવહનની ખોટની સંપૂર્ણ ભરપાઈ કરી શકશે નહીં.

પ્રાદેશિક અને વૈશ્ર્વિક અસરો: મધ્ય પૂર્વમાં તણાવમાં જો વધારો થાય અને તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવે તો સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્રની અર્થવ્યવસ્થાઓ માટે નોંધપાત્ર જોખમ ઊભું થઇ શકે છે. ઇંધણના ખર્ચમાં વધારો ફુગાવાને વેગ આપી શકે છે અને આર્થિક સ્થિરતાને વિક્ષેપિત કરી શકે છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલની આયાત પર વધુ નિર્ભર દેશોમાં આ પરિસ્થિતિ સર્જાશે, જેમાં ભારત મોખરે છે.

નિષ્ણાતો શું કહે છે!: વિશ્ર્લેષકો ચેતવણી આપે છે કે ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષમાં વધુ વધારો ક્રૂડના ભાવમાં વધારો તરફ દોરી શકે છે, જે ભારતના આયાત બિલને પ્રતિકૂળ અસર કરશે. જ્યારે વૈકલ્પિક પુરવઠા સ્રોતો, જેમ કે રશિયન ક્રૂડ, અમુક અંશે બફર પ્રદાન કરે છે, ત્યારે ભારતના અર્થતંત્ર પર સંભવિત અસરને ઘટાડવા માટે સક્રિય પગલાંની જરૂર છે.

નિષ્કર્ષ: એક યા બીજા કારણસર મધ્ય પૂર્વમાં તણાવ યથાવત હોવાથી, ભારત સામે ક્રૂડ ઓઇલ અને એલએનજીના ભાવમાં વધારો થવાના જોખમનો નિરંતર પડકાર રહેવાનો છે, જે ઊર્જા સ્રોતોને વૈવિધ્યીકરણ કરવાના મહત્વને પ્રદર્શિત કરે છે. આ જ સાથે પુરવઠામાં વિક્ષેપ સામે રક્ષણ માટેનાં પગલાં અમલમાં મૂકવા પણ આવશ્યક છે. ભૌગોલિક રાજકીય અનિશ્ર્ચિતતાઓને પરિણામે સર્જાતા આર્થિક નકારાત્મક પ્રભાવને ઘટાડવા માટે તકેદારી અને દક્ષતા સાથેના વ્યૂહાત્મક આયોજન અનિવાર્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી