ઈન્ટરવલ

કવર સ્ટોરી : દલાલ સ્ટ્રીટમાંથી અમેરિકાની જેન સ્ટ્રીટ કઇ રીતે કમાઈ બાર હજારના લાખ!

-નિલેશ વાઘેલા

બજાર નિયામક ‘સેબી’ અનુસાર અમેરિકા સ્થિત જેન સ્ટ્રીટે ભારતીય બજારોમાં ગોલમાલ કરીને રૂ. 36,000 કરોડથી વધુનો ગેરકાયદેસર નફો મેળવ્યો છે! કંપની આરોપને ખોટો લેખાવી આદેશને પડકારવાની તૈયારી કરી રહી છે. રિસર્ચ રિપોર્ટ અનુસાર એફએન્ડઓના રિટેલ ટ્રેડર્સનુ કુલ ચોખ્ખું નુકસાન નાણાકીય વર્ષ 2024માં રૂ. 75,000 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2025માં ચિંતાજનક રીતે રૂ. 1.05 લાખ કરોડ સુધી પહોંચ્યું છે.

કહેવાય છે કે શેરબજારમાં લાખના બાર હજાર થવામાં વાર નથી લાગતી! જોકે અહીં શીર્ષકમાં કહેવત ભૂલથી ખોટી નથી લખાઇ, હા ઊંધી જરૂર લખી છે. કારણ કે બજાર નિયામક સેબી અનુસાર અમેરિકન કંપનીએ આ જ કામ કરીને ભારતીય શેરબજારમાંથી રૂ. 36000 કરોડથી વધુનો નફો લૂટીં લીધો છે. ડિસેમ્બર 2020માં ભારતમાં કામગીરી શરૂ કરનારી યુએસ ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ જાન્યુઆરી 2023થી માર્ચ 2025 દરમિયાન તેના ભારતના વેપારમાં કથિત જંગી હેરાફેરી કરીને રૂ. 36,671 કરોડ કમાઇ હોવાનું કહેવાય છે!

આપણ વાંચો: પરદે કે પીછે કોન હૈ?: ‘સેબી’ના નિયમોમાંથી છટકવા માગે છે વિદેશી ફંડ્સ!

મૂડીબજાર નિયમનકાર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ જેન સ્ટ્રીટને ભારતમાં સિક્યોરિટીઝના વ્યવહારો કરવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્વા સાથે તેને ગેરકાયદેસર લાભના રૂ. 4,843 કરોડને એસ્ક્રો એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. સેબી દ્વારા જેન સ્ટ્રીટ અને તેની સંબંધિત સંસ્થાઓ પર ભારતીય ડેરિવેટિવ્ઝ બજારોમાં ચાલાકી કરવા માટે બે મુખ્ય વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવાનો અને બે વર્ષના સમયગાળામાં રૂ. 36,671 કરોડના ગેરકાયદેસર લાભ એકઠા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

2000માં સ્થાપિત, જેન સ્ટ્રીટ ગ્રુપ એલએલસી નાણાકીય સેવાઓ ઉદ્યોગમાં એક વૈશ્ર્વિક માલિકીની ટ્રેડિંગ ફર્મ છે. તે યુએસ, યુરોપ અને એશિયામાં પાંચ ઓફિસોમાં 2,600થી વધુ કર્મચારી ધરાવે છે અને 45 દેશોમાં ટ્રેડિંગ કામગીરી કરે છે.

આવો જાણીએ કે માર્કેટ રેગ્યુલેટરની તપાસ અનુસાર જેન સ્ટ્રીટે ભારતીય ડેરિવેટિવ્ઝ બજારોમાં કેવી રીતે અને ક્યાં ચાલાકી કરી? જેન સ્ટ્રીટ ગ્રુપ પર ગેરકાયદેસર નફો મેળવવા માટે મુખ્યત્વે અત્યંત પ્રવાહી બેંક નિફ્ટી અને નિફ્ટી ઇન્ડેક્સ ઓપ્શન સેગમેન્ટ દ્વારા શેરબજારમાં ઇન્ડેક્સ સ્તરોમાં કૃત્રિમ ખલેલ પહોંચાડવા ચાલાકી કરવાનો આરોપ મુકાયો છે.

આપણ વાંચો: ઈકો-સ્પેશિયલ : કેપિટલ માર્કેટમાં AI અને MLના ઉપયોગમાં જવાબદારીનું પાલન મહત્ત્વનું…

જેન સ્ટ્રીટ અને તેની સંબંધિત સંસ્થાઓ પર ભારતીય ડેરિવેટિવ્ઝ બજારોમાં ચાલાકી કરવા અને બે વર્ષના સમયગાળામાં રૂ. 36,671 કરોડનો ગેરકાયદેસર નફો મેળવવા માટે બે મુખ્ય વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવાનો આરોપ છે. સેબી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે જાન્યુઆરી 2023 અને મે 2025 વચ્ચે 21 સમાપ્તિ એક્સપાયરી ડેઝમાં, જૂથે ઇન્ડેક્સની ગતિવિધિઓને પ્રભાવિત કરવા અને ઓપ્શન્સ માર્કેટમાં મોટી પોઝિશનમાંથી નફો મેળવવા માટે અંતર્ગત રોકડ અને ફ્યુચર્સ બજારોમાં મોટા સોદા કર્યા હતા.

બે મુખ્ય વ્યૂહરચના ઓળખવામાં આવી છે, જેમાં એકમાં સવારે બેંક નિફ્ટી સ્ટોક્સ અને ફ્યુચર્સમાંથી ભારે ખરીદી અને બપોરે કલોઝિંગ નીચા મથાળે લાવવા માટે આક્રમક રીતે વેચાણ કરવાનો સમાવેશ થતો હતો.

જ્યારે બીજી ગેરરીતિમાં ઇન્ડેક્સ સ્તરોને પ્રભાવિત કરવા માટે એક્સપાયરી ડેઝના છેલ્લા બે કલાકમાં વેચાણ અથવા ખરીદીનું પર ફોક્સ કરવામાં આવ્યું હતું. આ પ્રકારના સોદાઓેથી જૂથને લગભગ રૂ. 4,843 કરોડનો ગેરકાયદેસર નફો મેળવવામાં મદદ મળી હતી, જ્યારે રોકડ અને ફ્યુચર્સ ટ્રેડમાં તેમને તુલનાત્મક રીતે ઓછું નુકસાન થયું હોવાનું નિયમનકારે જણાવ્યું હતું.

આપણ વાંચો: ઈકો-સ્પેશિયલ : છલકાઈ જતા તમામ આઈપીઓ સારા જ હોય એ જરૂરી નથી

સેબીએ એ પણ નોંધ્યું છે કે જાન્યુઆરી 2023 અને માર્ચ 2025 વચ્ચે, જેએસ ગ્રુપે બજારના વિવિધ સેગમેન્ટમાં નોંધપાત્ર ટ્રેડિંગ પ્રવૃત્તિ રેકોર્ડ કરી હતી. ગ્રુપે ઇન્ડેક્સ ઓપ્શન્સ ટ્રેડિંગથી રૂ. 44,358 કરોડનો નફો મેળવ્યો, જે તેમના નફાનો મોટો ભાગ હતો. જોકે, આ નુકસાન સ્ટોક ફ્યુચર્સમાં રૂ. 7,208 કરોડ, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 191 કરોડ અને કેશ માર્કેટમાં રૂ. 288 કરોડના નુકસાન દ્વારા સરભર કરવામાં આવ્યું હતું.

સેબીએ નોંધ્યું હતું કે, બધા નફા અને નુકસાનનો હિસાબ કર્યા પછી, જેએસ ગ્રુપે આ સમયગાળા દરમિયાન રૂ. 36,671 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. એ નોંધવામાં આવ્યું હતું કે ચાર એન્ટિટી, (જેમાં જેએસઆઈ ઇન્વેસ્ટમેન્ટ્સ, જેએસઆઈ2 ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રા. લિ., જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રા. લિ. અને જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગનો સમાવેશ છે.) જેને સામૂહિક રીતે જેન સ્ટ્રીટ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે, તે આવી માર્કેટ હેરાફેરી કરવામાં સામેલ હતા.

આ કેસમાં સામેલ ચાર એન્ટિટીમાંથી, બે એન્ટિટી, જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રા. લિ. અને જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગ લિ. અનુક્રમે સિંગાપોર અને હોંગકોંગમાં સ્થાપિત રજિસ્ટર્ડ એફપીઆઇ છે.

મુંબઈ સ્થિત જેએસઆઇ ઇન્વેસ્ટમેન્ટ્સ, ડિસેમ્બર 2020માં ભારતમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે સંપૂર્ણપણે જેન સ્ટ્રીટ યુરોપ લિમિટેડની માલિકીની હતી, જે યુકેમાં સ્થાપિત કંપની હતી. જેએસઆઇ2 ઇન્વેસ્ટમેન્ટ્સ સપ્ટેમ્બર 2024માં ભારતમાં સ્થાપિત થયું હતું અને મુંબઈમાં સ્થિત હતું, તે સંપૂર્ણપણે જેએસઆઇ ઇન્વેસ્ટમેન્ટ્સની માલિકીની હતી.

સેબીએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે ભારતમાં જેએસઆઇ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સમાવેશથી જેએસ ગ્રુપને ઇન્ટ્રાડે કેશ માર્કેટ ટ્રાન્ઝેકશન કરતા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ સામેના એફપીઆઇ નિયમોમાં નિયમનકારી પ્રતિબંધની આસપાસ કામ કરવામાં સક્ષમ બનાવ્યું, અને આમ એફપીઆઇ નિયમોના ખાસ ઉલ્લંઘન કર્યા વિના મેનિપ્યુલેટિવ સ્કીમનો અમલ કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: ઈકો-સ્પેશિયલ : ઈન્વેસ્ટમેન્ટ માટે ફાઇનાન્સિયલ પ્લાનર મહત્ત્વના, પણ ઈન્ફ્લ્યુએન્સર્સ? જરા, બચકે રહેના!

એસજે ગ્રુપ દ્વારા ફ્યુચર્સ એન્ડ ઓપ્શનમાં મોટા પ્રમાણમાં ટ્રેડિંગ અને પોઝિશન લેવાનું મોટાભાગનું કામ જેએસ ગ્રુપમાં એફપીઆઇ દ્વારા કરવામાં આવ્યું છે અને 21 કિસ્સાઓમાં ઓળખાયેલી પ્રથમ દ્રષ્ટિએ મેનિપ્યુલેટિવ સ્કીમ્સમાંથી ઉદ્ભવેલો મોટાભાગનો નફો પણ તેમના દ્વારા બુક કરવામાં આવ્યો છે, એમ બજાર નિયામકે જણાવ્યું છે.

સેબી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના સમયગાળા દરમિયાન, જેન સ્ટ્રીટ ગ્રુપમાં એફપીઆઇમાં બુક કરાયેલ ચોખ્ખો નફો રૂ. 32,681 કરોડ હતો. આ નફાનું પ્રમાણ જાન્યુઆરી અને મે 2025 વચ્ચેના મહિનાના અંતે ભારતમાં આ એફપીઆઇ દ્વારા રાખવામાં આવેલી સરેરાશ સંપત્તિ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે, જે દર્શાવે છે કે આ નફો પરત કરવામાં આવ્યો છે, એમ વધુમાં જણાવાયું છે.

કેટલાક બજાર નિરીક્ષકો માને છે કે, બજાર નિયમનકાર સેબીનો જેન સ્ટ્રીટ પર કડક કાર્યવાહી જરૂરી હોઈ શકે છે, પરંતુ તે સ્ટોક એક્સચેન્જ અને બ્રોકર્સ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વ્યાપક અસર પર પ્રકાશ પાડતા એવી ચેતવણી ઉચ્ચારાઈ છે કે જો જેન સ્ટ્રીટ જેવી માલિકીની ટ્રેડિંગ કંપનીઓ, જે ઓપ્શન વોલ્યુમના લગભગ 5ચાસ ટકા જેવો હિસ્સો ધરાવે છે, તે હાથ એકાએક ખેંચી લે તો રીટેલર્સ સ્ટેક હોલ્ડર્સ પર પણ અસર પડી શકે છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.
Back to top button