વેચેલા ફલેટની સવા કરોડની રકમ સાયબર ઠગ પડાવી ગયા

સાયબર સાવધાની -પ્રફુલ શાહ
ઘર, પોતાનું ઘર અને એ પણ મોંઘીદાટ માયાનગરીમાં આ માટે ઘણાં આખી જિંદગી જાત ઘસી નાખે છે, પણ એ ઝાંઝવાના જળની જેમ દૂરને દૂર જતું રહે છે. અને આ સપનું પૂરું થાય બાદ કોઈ ઘર વેચીને વધુ બહેતર-અર્થાત્ ફાયદાકારક-રોકાણ કરવાનું વિચારે એ એકદમ સહજ કહેવાય, પરંતુ સાયબર ઠગીના જમાનામાં અકલાય થતું રહે છે.
મધ્ય મુંબઈના એક ૫૩ વર્ષીય સજ્જને પોતાનો ફ્લેટ રૂા. ૧.૨૭ કરોડમાં વેચી નાખ્યો. આ રકમનું તેઓ અન્ય ફ્લેટ ખરીદવામાં રોકાણ કરવા માગતા હતા કે જેથી મૂડી વધવા સાથે ભાડાની આવક પણ થાય. ખરેખર, ખૂબ ઉમદા વિચાર.
૨૦૨૩ની નવમી ફેબ્રુઆરીએ ટેલિગ્રામ પર એક મહિલા (ખરેખર?)નો મેસેજ આવ્યો, જેમાં પાર્ટ-ટાઈમ જોબની ઑફર કરાઈ હતી. એ મહિલાએ વિગતો આપી છે: “હું તમને ફિલ્મ અને હોટલની લિન્ક મોકલીશ. તમારે એને રેટિંગ આપવાના અને લાઈક કરવાનું. ત્યાર બાદ અમને એના સ્ક્રીનશૉટ મોકલી દેવાના.
સજ્જને તત્પરતા બતાવતા સામેથી એક હોટલની લિન્ક મોકલાઈ એ મહિલાએ સજ્જનને લોગ-ઈન અને પાસવર્ડની વિગતો મોકલી કે જેથી આ પાર્ટ-ટાઈમ કર્મચારી પોતાનું ઈ-વોલેટ જોઈ શકે. આમાં તેની કમાણી દેખાતી રહે. ત્યારે બાદ તેને સૂચના અપાઈ કે એક ખાતામાં રૂા. દસ હજાર જમા કરાવી દો. એ મુજબ કરાયું પણ ખરું. શરૂઆતમાં કામ મુજબ નાની-નાની રકમ એ ગૃહસ્થના ઈ-વોલેટમાં જમા થવા માંડી ત્યાર બાદ હોટલ ઉદ્યોગને લગતી વેબસાઈટની લિન્ક મોકલી. આ વેબસાઈટને રેટિંગ આપ્યા બાદ મહિલાને સ્ક્રીનશૉટ મોકલી દેવાયો. આ સાથે તેના બૅન્ક ખાતામાં રૂા. ૧૭,૩૭૨ જમા થઈ ગયા. ભાઈ તો ખુશખુશાલ.
પછી એ ‘ઉદાર’ મહિલાએ એક ફિલ્મની લિન્ક મોકલી. એને લાઈક કરવાની હતી. સાથોસાથ રૂા. ૩૨ હજાર જમા કરાવવાના હતા. એ રકમ જમા કરાવ્યા બાદ સૂચના મળી કે ઈ-વોલેટમાં આપની કમાણી ચેક કરી લો, પ્લીઝ. એમાં કુલ ૫૫ હજાર આવક દેખાઈ.
આ સાથે નવી સૂચના આપી કે મોકલેલી લિન્ક ખોલીને એક ખાતામાં રૂા. ૫૦ હજાર જમા કરાવો. ભાઈએ એ પ્રમાણે કર્યું, પરંતુ લિન્કમાં કોઈ તકનીકી સમસ્યા હોવાથી રકમ જમા થઈ નથી જે તમને પાછી મળી જશે, પણ હમણાં તમે રૂા. ૫૫ હજાર જમા કરાવી દો. ભાઈએ એ વાત સાચી માની લીધી અને એ પ્રમાણે કર્યું!
આ ભાઈ એક-એક કામગીરી કરતા ગયા. એમના ખાતામાંથી અલગ-અલગ રકમ જુદા-જુદા ખાતામાં જમા કરાવતા ગયા. સાથે મોટા નફા સાથેની આવક એમના ઈ-વોલેટમાં દેખાતી હતી.
૧૭મીએ તેણે સૂચના મુજબ ૪૮ લાખ જમા કરાવી દીધા અને ઈ-વોલેટમાં રૂા. ૬૦ લાખનો નફો દેખાયો. હવે મહિલા મોટો દાવ ખેલી. જો તમારા ઈ-વોલેટમાંથી ૬૦ લાખ કઢાવવા હોય તો વધારાના રૂા. ૩૦ લાખ એક બૅન્ક ખાતામાં જમા કરાવવા પડશે. ત્યાં સુધીમાં એ ભાઈ મહિલાએ આપેલા વિવિધ ખાતામાં રૂા. ૧.૨૭ જમા કરાવી ચુક્યા હતા.
આમ છતાં પોતે ઈ-વોલેટમાંથી રકમ કઢાવી ન શક્યા, ત્યારે એ ભાઈએ મહિલાને ફરિયાદ કરી. મદદ કરવાને બદલે સામેથી જવાબ આવ્યો કે એ રકમ કઢાવવા માટે વધુ પૈસા ભરવા પડશે.
હવે એ સજ્જનના મનમાં શંકાની ઘંટડી વાગવા માંડી. તેમણે પોલીસમાં ફરિયાદ કરી. આ ભાઈએ જમા કરાવેલા બૅન્કના ખાતા ઉત્તર પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળના હતા. ફેબ્રુઆરી અને મે મહિના વચ્ચે થયેલી છેતરપિંડી સાથે જોડાયેલા આઠ બૅન્ક ખાતા પર પોલીસ દ્વારા ટાંચ લાવી અને વધુ તપાસ હાથ ધરી હતી.
જે વ્યક્તિએ આપણને લોગ-ઈન આઈડી અને પાસવર્ડ આપ્યું હોય એ અચૂક પાસવર્ડ બદલાવી જ શકે પણ એ આપણને ખબર હોવી જોઈએ.
A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
મિત્રો, સગા અને ઓળખીતાને ઉધાર આપતા સો વાર વિચાર કરાય એ સારું પણ અજાણ્યા શખસની લિન્ક પર વિશ્ર્વાસ કરાય! ના ક્યારેય નહીં.