ઈન્ટરવલ

સાયબર ઠગ બૅંક ખાતું ભાડે રાખીને કરે કમાણી

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

બંગલો, ફલેટ, હૉટલ, મોટર, સ્કૂટર અને સાઈકલ ભાડે મળતી હતી. વાત છેક કુલ ભાડે આપવા સુધી પહોંચી ગઈ હતી. હવે ડિજિટલ યુગમાં બૅંકનું ખાતું
ભાડે અપાતું થયું છે અને એના થકી
હાથપગ હલાવ્યા વગર તગડી કમાણી
કરાય છે અને આવા જ ભાડાના એક
બૅંક ખાતામાંથી ગણતરીના દિવસોમાં
રૂા. ૭૨ કરોડની લેવડદેવડ થયાનો ચોંકાવનારો કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો હતો.

આ ઘટનાની શરૂઆત મહારાષ્ટ્રના પુણે સ્થિત દેહુ રોડમાં રહેતી એક મહિલાથી થઈ. આ બહેનને વૉટ્સઍપ પર ઘેરબેઠાં પાર્ટટાઈમ કમાણી કરવા સંબંધી મેસેજ આવ્યો હતો. ઘરે બેઠાં-બેઠાં થોડી કમાણી આસાનીથી થઈ જવાની હોય તો કોને
રસ ન પડે? આમે ય આ મહિલાને તો નોકરીની જરૂર હતી. તેણે તરત જ પૃચ્છા કરી. કામ એકદમ આસાન હતું. લિન્ક મોકલાય એ ખોલીને માત્ર વીડિયોને લાઈક કરવાનો. ક્યારેક વીડિયો શેર કરવાનું ય કહેવાય.

આ મહિલાને આ કામ ગમી ગયું. તેણે તરત તૈયારી બતાવી. આ પાર્ટ-ટાઈમ હોમ જોબમાં જોડાવાની. તેણે વીડિયો લાઈક અને શેર કર્યા. તરત જ એના ખાતામાં રૂા. ૧૨૦ જમા થઈ જશે એવું જણાવવામાં આવ્યું. બૅંકમાં રકમ ટ્રાન્સફર કરવી હોય તો બૅન્ક અને ખાતાની વિગતો આપવી જ પડેને?

આ મહિલાને સુપર આશ્ર્ચર્ય વચ્ચે બૅંકની વિગતો પૂરી પાડ્યાની ગણતરીની મિનિટોમાં એના ખાતામાં રૂા. ૧૨૦ જમા થઈ ગયાનો એસએમએસ પણ આવી ગયો. ત્યાર બાદ જોબ આપનારે સમજાવ્યું કે આ પ્રિ-પેઈડ ટાસ્ક મેળવો તો વધુ ફાયદો થશે પણ
આના માટે એક હજાર રૂપિયા જમા કરાવવા પડશે.

ધીકતી કમાણીની આશાએ મહિલાએ એક હજાર રૂપરડી જમા કરાવી દીધી. મનમાં બહુ બધા રૂપિયા રળવાની મોટી આશા હતી જે બહુ જલદી ખોટી સાબિત થવાની હતી. આ વધુ આવકને નામે મહિલા એક -એક પછી એક અને વધુને વધુ મોટી રકમ જમા કરાવતી ગઈ પણ શરૂઆતમાં પંખીને લલચાવવાના દાણા તરીકે અપાયેલા રૂ. ૧૨૦થી વધુ ક્યારેય કંઈ ન મળ્યું. જોતજોતામાં બિચારી પાસેથી પૂરા રૂપિયા એક કરોડ સેરવી લેવાયા. સામે નવા પૈસાનું વળતર નહિ.

અંતે આ મહિલાએ દેહુ રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી. શરૂઆત થઈ અજાણ્યા ઠગ સામે ફરિયાદ નોંધાવાથી. દેહુ રોડ પોલીસ ઉપરાંત પિંપરી – ચિંચવડ સાયબર સેલે પણ તપાસ ધરી.
આ મહિલાના ખાતામાંથી જે બૅન્ક અકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઈ હતી એની વિગતો મેળવવામાં પોલીસને વાર ન લાગી. આ ખાતું લક્ષ્મણ ગજગે નામની વ્યક્તિનું હતું. ઊંડાણપૂર્વકની તપાસમાં બહાર આવ્યું કે થોડા જ દિવસોમાં એના ખાતામાંથી રૂા. ૭૨ કરોડની લેવડદેવડ થઈ હતી. એ ભલા કંઈ રીતે?

મૂળ ઠગ ક્યાંક દૂર દેશ કે પરદેશમાં બેઠા હોય. તેઓ બકરાને ફસાવે પણ ક્યાં ખાતામાં પૈસા મંગાવવા? આના માટે અમુક લોકોના બૅન્ક ખાતા ભાડે રાખે. એમાં હરામની કમાઈની રકમ આવે એટલે અમુક ટકા મૂળ ખાતાધારક માટે રાખીને બાકીની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી દેવાય. આ મહિલા પાસેથી કુલ વીસ ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવાઈ હતી. એમાંથી એકલા લક્ષ્મણ ગજગેના ખાતામાં થોડા દિવસોમાં જ ૭૨ કરોડની લેવડદેવડ થઈ હોય તો અન્ય ખાતામાં શું થયું હશે?

મહિલાને તો જ્યારે જેટલી રકમ મળે ત્યારે ખરી પણ ગજગેય ભેરવાઈ ગયો
એ નક્કી.

A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
કંઈ પણ સરળતાથી મળે તો બે વખત વિચારવું, બાર વખત શેર કરવી અને … પછી એમાં આગળ ન વધવું.

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે