સાયબર ધુતારા બે લાખ પડાવી ગયા ને કોડભર્યા તરુણનો જીવ ગયો

સાયબર સાવધાની -પ્રફુલ શાહ
ઠગ, ધુતારા, લૂંટારા, મોટા કે પરચૂરણીયા ગુનેગારો લોકોની ટોપી ફેરવવામાં કે શીશામાં ઉતારવામાં પાવરધા હોય છે. એમની રમત અને દાનત થોડા ઘણાં રૂપિયા બેઈમાનીથી પડાવી લેવાની હોય છે પણ ક્યારેક એમની હરકતથી રૂપિયા આનામાં ગણી શકાય એવું નુકસાન કરી બેસતા હોય છે. આવો માની ન શકાય એવો કિસ્સો તાજેતરમાં નાલાસોપારામાં બન્યો હતો.
નાલાસોપારા પૂર્વમાં ૧૮ વર્ષનો ગૌરવ નામનો કિશોર રહે, અગિયારમા ધોરણમાં અભ્યાસ કરે. એના મનમાં કેટકેટલાં સપના હશે. હોય જ. ગૌરવના પરિવારમાં પપ્પા, મમ્મી અને નાનો ભાઈ.
બુધવાર, તારીખ ત્રીજી એપ્રિલ, ૨૦૨૪ના રોજ એ મમ્મીના મોબાઈલ ફોનમાં કોઈક ગેમ રમી રહ્યો હતો. એ સમયે મોબાઈલ ફોન પર એસ.એમ.એસ.માં કોઈ લિન્ક આવી. અજાણતા કુતૂહલમાં કે ભૂલથી ગૌરવે એ લિન્ક પર ક્લિક કરી દીધું.
એ બિચારો જાણતો નહોતો કે લિન્ક કોઈ સાયબર ફ્રોડે મોકલી હતી. આ મોબાઈલ ફોન નંબર એના પિતાના બૅન્ક ખાતામાં નોંધાયેલો હતો. આ લિન્ક પર ક્લિક કરવાથી મોબાઈલ ફોન હેક થઈ ગયો. આ સાથે હેકર્સ ધડાધડ ગૌરવના પપ્પાના બૅન્ક અકાઉન્ટમાંથી રકમ સેરવવાની પેરવીમાં જોતરાઈ ગયા. જોતજોતમાં બે લાખ, હા પૂરા બે લાખ રૂપિયા ઉપાડી લીધા. (બૅન્ક તરફથી આવેલા એસએમએસના નોટિફિકેશન જોઈને ગૌરવ ધ્રુજી ગયો.
મધ્યમ વર્ગીય કુટુંબ માટે આ રકમ ખૂબ મોટી ગણાય. એમાંય ટીનએજર ગૌરવે જોયું, જાણ્યું અને અનુભવ્યું જ હોય કે કેટલી મહેનતે પૈસા કમાઈ શકાય છે. થતા ભૂલ તો થઈ ગઈ પણ એ શું! મમ્મી-પપ્પા ખૂબ નારાજ થશે,
ઠપકો આપશે અને ન જાણે શું શું થશે એવા વિચારોએ એના કુમળા માનસને ઘેરી લીધા.
ડર, ફફડાટ અને ભયને લીધે તે જંતુનાશક દવા ગટગટાવી ગયો. તબિયત કથળતા વાર ન લાગી. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન ગૌરવ મૃત્યુ પામ્યો. કોઈ વગર વાંકે આટલી મોટી સજા મળી એનો દોષી કોણ?
સ્વાભાવિક છે કે પોલીસ કેસ નોંધીને તપાસ કરે, કદાચ ગુનેગારને પકડી લે કે છેતરપિંડીથી કઢાવાયેલી રકમ પાછી મેળવી આપે પણ એમાં ગૌરવનો જીવ થોડો પાછો આવી જાય. કાશ, ગૌરવને જાણ હોત કે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધાવવાથી સાયબર ફ્રોડમાં ગયેલી રકમ પાછી મળવાની શક્યતા છે. ઈશ્ર્વર સદ્ગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
અજાણી લિન્ક એટલે ઝેરીલો નાગ, ભભૂકતા જ્વાળામૂખી અને જીવલેણ વિષ. સલામતી માટે એનાથી દૂર જ રહેવાય.