ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

સાયબર સાવધાની : સાયબર સર્જિકલ સ્ટ્રાઈકનો વિચાર ઉમદા પણ પરિણામ?

-પ્રફુલ શાહ

ડિજિટલ યુગના વધતા પ્રભુત્વ વચ્ચે સાયબર ફ્રોડનો આતંક કોરોના વાઈરસથી વધુ જોર અને ગતિએ ફેલાઈ રહ્યો છે. મોટામાં મોટી વ્યક્તિ સંસ્થા કે સંવેદનશીલ માહિતી પણ આ અગણિત અજાણ્યા અને અદ્રશ્ય હુમલાખોરોથી સુરક્ષિત નથી. સદ્ભાગ્યે હવે આપણી સરકારે આ સંકટ સામે બાથ ભીડવા મોટું પગલું ઉપાડ્યું છે.

લોકપ્રિય શબ્દસમૂહ વાપરતા કહી શકાય કે સાયબર ફ્રોડ પર સર્જિકલ સ્ટ્રાઈક હાથ ધરાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેક અમેરિકામાં સાયબર ક્રાઈમનો જાગતિક ચિંતાનો મામલો ગણાવતા ઘણી મહત્ત્વની જાહેરાત કરી હતી. એક કેન્દ્ર સરકારે છ લાખ મોબાઈલ ફોન બંધ કરાવ્યા છે. બે સાયબર છેતરપિંડી કરનારા ૬૫ હજાર યુ.આર.એલ. (યુનિફોર્મ રિસોર્સ લોકેટર) બ્લોક કરી દીધા છે. ત્રણ ઠગીમાં સંડોવાયેલી ૮૦૦ જેટલી એપ સુદ્ધા બંધ કરાવી દીધી છે.

આવી જાહેરાત સામે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા અન્ય પગલાં પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. આમાં સૌથી મહત્ત્વનો આવકાર્ય અને અનિવાર્ય નિર્ણય એટલે સાયબર કમાન્ડોની રચના અને એમને તાલીમ આપવી. આવતા પાંચ વર્ષમાં પાંચ હજાર સાયબર કમાન્ડોને તાલીમ આપીને આમ જનતાને સાયબર ઠગાઈથી બચાવવાનો પ્રયાસ થશે. આ સિવાય સાયબર ક્રાઈમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એની પદ્ધતિ, મોડસ-ઓપરેન્ડી જાણવી, સમજવી, બનાવટી લેભાગુ ડિજિટલ પ્લેટફોર્મ ઓળખીને ત્વરિત કાર્યવાહી કરવી. સાયબર ફ્રોડની ફરિયાદોની સરળતાથી નોંધણી થાય એવી વ્યવસ્થા ઊભી કરવી. સાયબર ક્રાઈમને નાથવા માટે પોલીસ તંત્ર અને કાનૂની તંત્રને સહાય કરવી અને ખાસ તો જનતામાં સાયબર છેતરપિંડી અંગે સમજ અને જાગૃતિ કેળવવા જેવી પહેલ હાથ ધરાઈ છે.

આ સમયે જ એક વધુ સારી બાબત સામે આવી છે. છેતરપિંડી અને ઠગી માટે વધુ ઉપયોગ કરાય છે એવા પ્લેટફોર્મ ટેલિગ્રામે શંકાસ્પદ લાગતા ટેલિફોન નંબર અને આઈ.પી. એડ્રેસ સરકારને આપવાની જાહેરાત કરી છે. આને લીધે ટેલિગ્રામનો દુરુપયોગ થતો અટકી જવાની આશા સેવાય છે.

આ બધી પહેલ કે પગલામાં કઈ અનુચિત નથી. એમ જરૂર કહી શકાય કે થોડું-ઘણું મોડું થયું છે ખરું. બીજી પ્રેકટિકલ બાબત એ છે કે પાંચ વર્ષમાં પાંચ હજાર સામાન્ય કમાન્ડો તૈયાર થશે, ત્યારે સાયબર ફ્રોડસ્ટર્સ, ચિટર્સ અને હેકર્સની દુનિયા બહુ બદલાઈ ગઈ હશે. નવી-નવી ટેકનિક વપરાવા માંડી હશે.

એટલે આવા કમાન્ડો તૈયાર કરવા વધુ જરૂરી એ છે કે એકદમ તેજસ્વી, મૌલિક અને પ્રયોગશીલ એવી આઈ.ટી. ક્ષેત્રના તેજસ્વી બુદ્ધિબળને સરકાર પોતાની સાથે જોડે બાકી, તો ચોરી થયા બાદ પગેરું શોધવું, ચોરની પાછળ પડવું, પકડાયા પછી કાનૂની પ્રક્રિયા અને ચુકાદામાં લાંબો સમય લાગી જાય જે મોટાભાગે સકારાત્મક પરિણામની ખાતરી આપતા નથી. આપણે સમજીએ-સ્વીકારીએ છીએ કે જેટલા ચોર-ગુંડા-લૂંટારા હોય એટલા પોલીસ ન જ રખાય. પણ એમને કેવી રીતે અટકાવવા, નાથવા અને જેલભેગા કરવા એના વ્યાપક વ્યૂહ જ સૌથી સારો ઈલાજ છે.

અને ડિજિટલ વર્લ્ડમાં તો ચોર, મવાલી અને ત્રાસવાદના નામ, ચહેરા કે ઓળખ નથી એટલે આ યુદ્ધ એકદમ અલગ છે. વિના પરંપરાગત છે. એના માટે અલગ માણસો, માઈન્ડ સેટ અને મોડસ-ઓપરેન્ડીની જરૂર પડશે.

આ નાનીસૂની બાબત નથી. પણ કાયદાભંજકો કરી શકે તો કાનૂન-રક્ષકો શા માટે ન કરી શકે? કરી જ શકે એ માટે તકનીકી સગવડો, સ્વતંત્રતા, સજ્જતા અને કદાચ થોડા વિશેષ પોલીસબળ, કાયદા અને વિશેષ અદાલતની પણ જરૂર પડે.

જંગ આસાન નથી પરંતુ જીતવું અશક્ય નથી અને આમાં ક્યાંય નિરાંત નહીં મળે. એક હણાશે તો એના રક્તમાંથી અનેક ઊભા થશે. સદૈવ હોશિયાર રહેજો, ખબરદાર રહેજો.

અ.ઝ.ઙ. (ઑલ ટાઇમ પાસવર્ડ)
અવિશ્ર્વાસમાં જ શ્ર્વાસ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button