કવર સ્ટોરીઃ વેનેઝુએલાને આંચકો… ભારત માટે અવસર!

નિલેશ વાઘેલા
અમેરિકા કારણો ભલે ગમે તે આપે, પરંતુ તેણે ફરી એક વખત પોતાની જગત જમાદારની ભૂમિકાને વધુ સક્ષમ પુરવાર કરવા અને પોતાનાં શસ્ત્રોના વેપાર માટે ગ્રાહક દેશોને પ્રભાવિત કરવા વેનેઝુએલા પર લશ્કરી હુમલો કર્યો છે. આ સંદર્ભમાં ઘણું લખવા જેવું છે. જોકે, આપણે મૈદાને જંગ પરથી પ્રસરતા આર્થિક વમળોની વાત કરવી છે. આ ઘટનાની બુલિયન માર્કેટ (ખાસ કરીને ચાંદી), ક્રૂડ ઓઇલ અને ફોરેક્સ માર્કેટ પર જોરદાર અસર થશે, એવી વાત વહેતી થઇ હતી.
વેનેઝુએલા પર અમેરિકાની તાજેતરની સૈન્ય કાર્યવાહીથી ફરી એકવાર સાબિત થયું છે કે ભૂ-રાજનીતિ કેવી રીતે યુદ્ધભૂમિથી મહાભારત કાળની ભાષામાં કહીએ તો, યોજનો દૂર સુધી આર્થિક સમીકરણો બદલી શકે છે! તાત્કાલિક અસર વોશિંગ્ટન અને લેટિન અમેરિકામાં ચર્ચાનો વિષય બની છે, પરંતુ આ ઘટનાનો ભારતની અર્થવ્યવસ્થા, બજારો અને વ્યૂહાત્મક સ્થિતિ પર પણ મહત્ત્વનો અને ઘણીવાર ધ્યાન બહાર રહી ગયેલો પ્રભાવ જોવા મળે એવી સંભાવના છે.
પ્રથમ નજરે, આ સંકટથી ભારતને સીધું મોટું જોખમ દેખાતું નથી. પાછલા દાયકામાં અમેરિકા દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે ભારત અને વેનેઝુએલા વચ્ચેનો વેપાર ઘણો ઘટી ગયો છે. એક સમયે આ દેશમાંથી થતી ખનીજ તેલની નોંધપાત્ર આયાત હવે બહુ જ મર્યાદિત રહી છે અને આજની દ્વિપક્ષીય વ્યાપારિક લેવડદેવડ એટલી નાની છે કે તેનાથી કોઈ મોટો આર્થિક ધક્કો લાગવાની શક્યતા નથી.
આ જ કારણ છે કે ભારતીય નીતિ નિર્માતાઓ અને બજારો શાંત દેખાય છે.
જોકે, એ વાત પણ યાદ રાખવી જોઇએ કે ભારત આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટ સાથે સંકળાયેલું છે. વેનેઝુએલા પાસે ક્રૂડ ઓઇલના દુનિયાના સૌથી મોટા અને પુરવાર થયેલા ભંડાર છે, જોકે વર્ષોની ગેરવ્યવસ્થા અને પ્રતિબંધોને કારણે તેનું ઉત્પાદન ઘટ્યું હતું અને વૈશ્વિક વેપારમાં તેનો હિસ્સો એક ટકાથી પણ ઓછો છે!
કોઈપણ તેલ-સમૃદ્ધ દેશમાં સૈન્ય કાર્યવાહી થાય ત્યારે ઓઇલના ભાવમાં અનિશ્ચતતાનું `રિસ્ક પ્રીમિયમ’ ઉમેરાય છે. ભારત પોતાની 85 ટકાથી વધુ ઓઇલ આવશ્યકતા માટે આયાત પર આધાર રાખતું હોવાથી વૈશ્વિક મોરચે ભાવની અસ્થિરતા મહત્ત્વની બાબત છે. આમ છતાં, ભારત માટે સારી બાબત એ છે કે વર્તમાન પરિસ્થિતિમાં પર્યાપ્ત વૈશ્વિક પુરવઠા અને નબળી માગના કારણે ભાવોમાં અત્યાર સુધી મોટો ઉછાળો આવ્યો નથી, જેના કારણે મોંઘવારીનો ઝટકો ટળી ગયો છે.
આ સ્થિરતા એક અવસર પણ ઊભો કરે છે. જો વેનેઝુએલામાં રાજકીય પરિવર્તનથી ઓઇલ ઉત્પાદન સ્થિર થાય અને પ્રતિબંધોમાં થોડી ઢીલ મૂકવામાં આવે, તો વૈશ્વિક બજારમાં વધુ ખનીજ તેલ ઠલવાઇ શકે છે.
જો આમ થાય તો ભારતને ઓછા ભાવનો લાભ તો મળે જ, પરંતુ એ જ સાથે ઓઇલ સપ્લાયર્સ દેશો સાથે ટૂંકાગાળા સુધી ભારતનો બાર્ગેનિંગ પાવર પણ વધી શકે. વિશ્વના સૌથી મોટા આયાતકારોમાંના એક તરીકે, ભારત વધુ લાભકારક કરારો અને વૈવિધ્યપૂર્ણ પુરવઠા સ્રોતો મેળવી શકે છે, જે લાંબા ગાળે એનર્જી સિક્યોરિટીને મજબૂત બનાવશે.
કોર્પોરેટ દૃષ્ટિએ પણ આ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ઓએનજીસી વિદેશ સહિતની જાહેર ક્ષેત્રની કેટલીક ભારતીય ઊર્જા કંપનીઓને વેનેઝુએલામાં અગાઉથી રોકાણ હતું. જો રાજકીય સ્થિતિ વધુ સ્થિર બને, તો અટવાયેલાં રોકાણો પાછા મેળવવાની કે નવા પ્રોજેક્ટ્સમાં ફરી પ્રવેશ કરવાની શક્યતા ઊભી થઈ શકે છે. વર્ષો પછી આવું થવું ભારત માટે વ્યૂહાત્મક લાભ ગણાશે.
ઊર્જા સલામતી ઉપરાંત, ક્રૂડ ઓઇલના નીચા ભાવ અર્થવ્યવસ્થાને અણધાર્યું પ્રોત્સાહન આપે છે. આને કારણે ઉત્પાદન, પરિવહન, વિમાન ઉદ્યોગ અને ઉપભોક્તા ક્ષેત્રને ખર્ચમાં રાહત મળે છે. નીચા આયાત બિલથી રૂપિયો મજબૂત રહેવા સાથે કરન્સી અકાઉન્ટ પર દબાણ ઘટે છે અને સરકારને નાણાકીય આયોજન માટે વધુ અવકાશ મળે છે. ઊર્જા સંબંધિત શેરોમાં જોવા મળેલી પસંદગીયુક્ત તેજી અને બજારની સ્થિરતા એ જ વાત દર્શાવે છે.
કૂટનીતિક રીતે પણ, ભારતનો સંતુલિત અભિગમ તેને એક વ્યવહા અને અલિપ્ત શક્તિ તરીકે વધુ મજબૂત બનાવે છે. ઉશ્કેરણીજનક નિવેદનો ટાળી અને સંવાદ પર ભાર મૂકીને, ભારત તમામ પક્ષો સાથે સંબંધ જાળવીને પોતાનાં આર્થિક હિતોને સુરક્ષિત રાખવામાં માને છે.
અનિશ્ચિત વિશ્વમાં દરેક ભૂરાજકીય આંચકો નુકસાનકારક જ હોય એવું નથી. વેનેઝુએલાની ઘટના ફરી યાદ અપાવે છે કે વ્યૂહાત્મક અંતર, વૈવિધ્યપૂર્ણ ઊર્જા પુરવઠા અને આર્થિક સ્થિરતા દ્વારા ભારત વૈશ્વિક ઊથલપાથલને શાંત રીતે અવસરમાં ફેરવી શકે છે.
વધારાના આર્થિક અને વ્યૂહાત્મક લાભ
વેનેઝુએલા સંકટમાંથી ભારતને મળતા લાભો માત્ર ઓઇલના ભાવ સુધી સીમિત નથી. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં થતી પુન:રચનાના કારણે ભારત જેવી મોટી અને વિશ્વસનીય બજાર ધરાવતી અર્થવ્યવસ્થાની વાટાઘાટ ક્ષમતા વધુ મજબૂત બની શકે છે. ઊર્જા સપ્લાયર્સ લાંબા ગાળાના કરારો માટે ભારતને પ્રાથમિકતા આપવાની તૈયારી બતાવી શકે છે, જેનાથી ભાવની અસ્થિરતા સામે સુરક્ષા મળે છે.
આ ઉપરાંત, નીચા અથવા સ્થિર ભાવો ભારતના મોંઘવારી નિયંત્રણ પ્રયાસોને મજબૂતી આપે છે. ઇંધણ સસ્તું રહે તો પરિવહન ખર્ચ ઘટે છે, જેનો લાભ ખાદ્યવસ્તુઓ, એફએમસીજી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મળે છે. પરિણામે ગ્રાહક માગ વધે છે અને અર્થવ્યવસ્થામાં વૃદ્ધિને વેગ મળે છે.
સરકારી દૃષ્ટિએ, ઘટતું આયાત બિલ રાજકોષીય ખાધ પરનું દબાણ ઘટાડે છે. સબસિડીનો ભાર ઓછો રહે છે અને સરકાર પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદન અને સામાજિક ક્ષેત્રોમાં વધુ રોકાણ કરવાની ક્ષમતા ઊભી થાય છે.
આ `અપ્રત્યક્ષ ફિસ્કલ ડિવિડંડ’ લાંબા ગાળે આર્થિક સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ છે. વૈશ્વિક સ્તરે, ભારતનું સંતુલિત અને સંયમિત વલણ તેને એક વિશ્વસનીય મધ્યસ્થ અને જવાબદાર શક્તિ તરીકે રજૂ કરે છે. આવી પ્રતિષ્ઠા ભવિષ્યમાં વેપાર, રોકાણ અને રાજદ્વારી ચર્ચાઓમાં ભારતને લાભ અપાવી શકે છે. આ રીતે, વેનેઝુએલાની ઘટનાએ ભારત માટે જોખમો સાથે સાથે સ્પષ્ટ અને વ્યાવહારિક લાભોની પણ તક ઊભી કરી છે…, જો તેને સમજદારીપૂર્વક ઉપયોગમાં લેવામાં આવે તો!
આ પણ વાંચો…વેનેઝુએલામાં સત્તા મેળવવા નોબેલ વિજેતા મારિયા મચાડો ટ્રમ્પને રિઝવવામાં વ્યસ્ત, કરી મોટી જાહેરાત



