કવર સ્ટોરીઃ એક એરલાઇનની ભૂલનો આંચકો સમગ્ર એવિયેશન સેકટરને!

નિલેશ વાઘેલા
ઇન્ડિગોની કટોકટીએ વાસ્તવમાં ભારતીય એવિએશન સેકટરને મોટો ફટકો માર્યો છે. ઉપરછલ્લી નજરે અણધારી લાગતી આ ઘટનાનો પ્લોટ દોઢેક વર્ષ અગાઉ હવાઇ ક્ષેત્ર માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા ત્યારે ઘડાઇ ગયો હતો. અર્થાત ટૂંકમાં આ દુર્ઘટના ટાળી શકાય એવી હતી.
એર ઇન્ડિયાને દેશના રતન એવા શ્રીમાન રતન ટાટાએ ઉગારી લીધી હતી, પરંતુ આ વખતે સમસ્યા એવી છે કે ઉકેલ સરકારે જ અને સત્વરે શોધવાનો છે. આ સંદર્ભે એવિએશન મિનિસ્ટરે એવો સંકેત આપ્યો છે કે, ઉડ્ડયન ક્ષેત્રનો અવકાશ જોતાં ભારતને પાંચેક જાયન્ટ વીમાની કંપની હોવી જોઇએ. આજે આ સંદર્ભ લઇને ઇન્ડિગો પ્રકરણમાં ઊંડા ઉતરવાનો પ્રયાસ કરીએ.
ભારતનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર એટલે કે સિવિલ એવિએશન સેકટર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા એવિએશન માર્કેટમાંનું એક છે. બજાર હિસ્સાની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોને ઘેરી વળેલા ચક્રવાતે નિયમનકારી પાલન, ઓપરેશનલ તૈયારી અને આકાશમાં વૈવિધ્યસભર સ્પર્ધાની જરૂરિયાતને ચર્ચાના ચગડોળે ચડાવી છે.
આ સંદર્ભમાં, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાને રાજ્યસભાને સંબોધતા સોમવારે એ વાત પર ભાર મૂક્યો કે ભારતના આસમાન પાસે ફક્ત બે કે ત્રણ મોટી એરલાઇન્સ જ નહીં પરંતુ ઓછામાં ઓછા પાંચ મોટા એર કેરિઅર માટે વધતી માગને પહોંચી વળવાની ક્ષમતા છે.
ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર હંમેશાં એક વિરોધાભાસ રહ્યું છે. આ અસાધારણ સંભાવના ધરાવતો ઉદ્યોગ હોવા છતાં નાણાકીય બાબતો, નિયમનકારી ખામીઓ અને મુખ્ય એરલાઇન્સના પતનથી વારંવાર હચમચી ઉઠે છે. આ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે નવા પાઇલટ ડ્યૂટી ટાઇમ નિયમો લાગુ કરવામાં નિષ્ફળતાને કારણે ઇન્ડિગોમાં ચાલી રહેલી કટોકટી, ફક્ત એક કામચલાઉ વિક્ષેપ કરતાં વધુ છે, તે એક ચેતવણી સંકેત છે.
આ સંદર્ભે સંસદમાં નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાનની તાજેતરની ટિપ્પણીને રાજકીય ટેકટીક તરીકે નહીં, પરંતુ નીતિગત આવશ્યકતા તરીકે લેવી જોઈએ. અપડેટેડ ફ્લાઇટ ડ્યૂટી સમયમર્યાદા (એફડીટીએલ) ધોરણોનું પાલન કરવામાં ઇન્ડિગોની અસમર્થતા માળખાકીય નબળાઈને છતી કરે છે. ઘણા મહિનાઓમાં તબક્કાવાર લાગુ કરાયેલા આ નિયમો અચાનક કે અસ્પષ્ટ નહોતા.
આમ છતાં દેશની સૌથી મોટી, લગભગ 65 ટકા બજાર હિસ્સો ધરાવતી એરલાઇન તેની ક્રૂ શેડ્યુલિંગ સિસ્ટમને ફરીથી ગોઠવવામાં નિષ્ફળ ગઈ, જેના પરિણામે પાઇલટ્સની અછત અને ફલાઇટ્સ મોટા પાયે રદ કરવાની ડોમિનો અસર થઈ. પરિસ્થિતિ વધુ વકરાવે એવી બાબતમાં ઇન્ડિગોએ અંતિમ નિયમો લાગુ થયાના એક મહિના પછી પણ સરકારી સમીક્ષા બેઠક દરમિયાન કોઈ ઓપરેશનલ ચિંતાઓ ઉઠાવી નહોતી.
ભારતના સ્થાનિક ઉડ્ડયન બજારના અડધાથી વધુ ભાગ પર કબજો ધરાવતી એરલાઇન માટે આવી દબેજવાબદારી અસ્વીકાર્ય છે. સરકાર અને ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન – ડીજીસીએએ આ સંદર્ભે સુધારાત્મક પગલાં લીધાં છે અને લઇ રહી છે. પરંતુ માત્ર નિયમનકારી સજાથી ઊંડી સમસ્યા ઉકેલી શકતી નથી. ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર જોખમી રીતે માત્ર એક કે બે મોટા એર કેરિયર્સ પર વધુ પડતું નિર્ભર છે.
પાછલા દાયકામાં, ભારતે શ્રેણીબદ્ધ એરલાઇન્સનું પતન જોયું છે, જેમાં જેટ એરવેઝ, કિંગફિશર એરલાઇન્સ, ગો ફર્સ્ટ, એર ડેક્કન અને ઘણી નાની પ્રાદેશિક એરલાઇન્સનો સમાવેશ છે. આને પરિણામે એવિએશન માર્કેટમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા એકસાથે જબરજસ્ત હિસ્સો ધરાવે છે, જેના કારણે મુસાફરો પાસે ઓછા વિકલ્પો રહે છે અને સિસ્ટમ આંચકાઓ માટે સંવેદનશીલ રહે છે. જ્યારે એક પ્રભાવશાળી એરલાઇન ઠોકર ખાય છે, ત્યારે સમગ્ર રાષ્ટ્ર અશાંતિ અનુભવે છે.
ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બનવાના માર્ગ પર છે, નાના શહેરોમાંથી માગ વધી રહી છે, પ્રાદેશિક રૂટનો વિસ્તાર થઈ રહ્યો છે અને નવા એરપોર્ટ ઓનલાઈન આવી રહ્યા છે. આ પ્રકારની વૃદ્ધિ માટે વાસ્તવિક સ્પર્ધાની આવશ્યક અને અનિવાર્ય છે.
વધુ એરલાઇન્સનો અર્થ થાય છે વધુ સારી કિંમત, વધુ સારાં સેવા ધોરણો, વધુ જવાબદારીપૂર્ણ વલણ અને અગત્યનું, જ્યારે કોઈ વાહક ઓપરેશનલ તકલીફનો સામનો કરે છે ત્યારે વધુ સ્થિતિસ્થાપકતા મળી શકે!
નવા પ્રવેશકર્તાઓને પ્રોત્સાહન આપવું પણ જોકે જણાય છે એટલું સરળ નથી. ઊંચા ઇંધણ ખર્ચ, પાતળા માર્જિન, ગ્લોબલ એરક્રાફ્ટની અછત અને આક્રમક ભાડા યુદ્ધો નવા ખેલાડીઓને માટે ટકી રહેવાનું મુશ્કેલ બનાવે છે. અકાસા એર જેવા આશાસ્પદ નવા ખેલાડીઓએ પણ નવા ખેલાડીઓ સામે બજારમાં નેવિગેટ કરવું જોઈએ.
ક્ષેત્રના નિયમનથી તેને પોષવા સુધીની સરકારી નીતિ વિકસિત થવી જોઈએ. ઉડ્ડયન બળતણ પર રાજ્ય કરને તર્કસંગત બનાવવું, વિમાન ભાડાપટ્ટા માટે ધિરાણ સરળ બનાવવું, પ્રાદેશિક રૂટને મજબૂત બનાવવું અને અનુમાનિત નિયમનકારી માળખાને સુનિશ્ર્ચિત કરવું ભારતને એરલાઇન વૃદ્ધિ માટે વધુ ફળદ્રુપ જમીન બનાવી શકે છે.
ઇન્ડિગો કટોકટીને ફક્ત મુસાફરોને તેની અસુવિધા માટે જ નહીં પરંતુ તે આપેલા પાઠ માટે યાદ રાખવી જોઈએ. ભારતની ઉડ્ડયન યાત્રાએ હવે વૈવિધ્યસભર, સ્પર્ધાત્મક અને સ્થિતિસ્થાપક બજાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો આકાશને મુક્ત, ભરોસાપાત્ર અને ખરેખર વિશ્ર્વસ્તરીય બનાવવું હોય, તો ભારતને એક કરતાં વધુ મજબૂત પાંખની અને એક વિશાળ કાફલાની જરૂર છે.
આ પણ વાંચો…ઇન્ડિગોની ફ્લાઇટમાં ઘૂસ્યું કબૂતર: સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ…



