કવર સ્ટોરી : શું હૉસ્પિટાલિટી ઉદ્યોગ હૉસ્પિટલ ભેગો?
સરહદની સર્જિકલ સ્ટ્રાઇકથી હોટલ ઉદ્યોગને કરોડોનો ફટકો, સીઝફાયર મલમનું કામ કરે એવો આશાવાદ!

- નિલેશ વાઘેલા
સરહદે નાપાક શત્રુને કારણે થયેલી લશ્કરી અથડામણોની સૌથી પહેલી અને ખરાબ અસર હોસ્પિટાલિટી ઉદ્યોગ પર પડી છે. વાસ્તવમાં પહલગામમાં બનેલી આતંકવાદી ઘટના પછીથી જ આ ઉદ્યોગની કમબખ્તી બેસી ગઇ હતી. જોકે, આ બાબત માત્ર કાશ્મીર પર્યટન સુધી જ સીમિત ના રહેતા સમગ્ર દેશના ઉદ્યોગને લાગુ થઇ છે. ભારત-પાકિસ્તાન તણાવથી દેશના આતિથ્ય ક્ષેત્રના ઉદ્યોગોને ભારે અસર થઈ છે. અલબત્ત હાલ સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ જાહેર થયું હોવાથી ઉદ્યોગને થોડી રાહત મળી છે, પરંતુ દેશની સરહદે હજુ પણ તોળાઇ રહેલી શત્રુ દેશોના તોપગોળા જોતાં પરિસ્થિતિમાં ઝડપી સુધારાની આશા નથી.
એક અંદાજ અનુસાર મે મહિનામાં 50 ટકાથી વધુ બુકિંગ રદ થવાની અને 40 ટકા વ્યવસાયમાં ઘટાડો થવાની ધારણા છે. હોટેલોને દૈનિક આવકમાં નુકસાન, રદ કરાયેલા કાર્યક્રમો અને આઇપીએલ સસ્પેન્શનની ભારે નકારાત્મક અસરનો સામનો કરવો પડશે. વર્તમાન પરિસ્થિતિમાં તાત્કાલિક ઉપાયરૂપે હોટલ કંપનીઓ ઘટતા જતા વ્યવસાય અને વધતી અનિશ્ર્ચિતતાને નિયંત્રિત કરવા માટે ખર્ચ ઘટાડવાના પગલાં અમલમાં મૂકી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષના સૌથી મોટા નુકસાનમાં હોસ્પિટાલિટી ક્ષેત્ર એક બની ગયું છે. હોટેલ ચેઇન્સ વ્યવસાયિક મંદીનો સામનો કરી રહી છે, મે મહિનાના પહેલા જ અઠવાડિયામાં મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં 50 ટકાથી વધુ બુકિંગ રદ થયા હોવાના અહેવાલ છે, કારણ કે અનેક કંપનીઓએ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે.
બુકિંગ કેન્સેલેશન અને નવા રૂમ બુકિંગમાં ઘટાડાના પરિણામે, મે મહિનામાં હોટેલના બિઝનેસમાં ચાલીસ ટકા સુધીનો ફટકો પડવાની સંભાવના હોવાનું જણાવતાં હોસ્પિટાલિટી એક્ઝિક્યુટિવ્સે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસન, વિદેશથી આવતા પર્યટકો મારફત થતી આવક દેશની ટોચની હોટલ ચેઇનની કુલ આવકમાં લગભગ દસ ટકા હિસ્સો અને લકઝરી હોસ્પિટાલિટી (વેન્ટિવ) સેગમેન્ટમાં લગભગ 15 ટકા હિસ્સો ધરાવે છે. ઉપરોક્ત એક્ઝિક્યુટિવે કહ્યું કે, અમારી ગણતરી મુજબ, બાકીની બધી બાબતો સમાન હોવા છતાં, હોટેલ્સને વ્યાજ અને કરવેરા પહેલાની ગણતરીને આધારે દરરોજ લગભગ દોઢેક કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને વેન્ટિવ હોસ્પિટાલિટીને ઇનબાઉન્ડ આંતરરાષ્ટ્રીય પ્રવાસનના નુકસાન પર દરરોજ રૂ. 50 લાખનું નુકસાન થઈ શકે છે.
મે મહિનાના બીજા અઠવાડિયા દરમિયાન, એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને ટાટા કમ્યુનિકેશન્સ જેવી કંપનીઓએ સ્થાનિક મુસાફરી પર ચેતવણી અને પ્રતિબંધ જાહેર કરતી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે.
આ સંદર્ભના પ્રશ્ર્નોના જવાબમાં એક ટોચની હોટલના પ્રવકતાએ જણાવ્યું કે, અમારા મહેમાનો અને સહયોગીઓની સલામતી અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ એક બદલાતી પરિસ્થિતિ છે અને અમે વિકાસ અને વ્યવસાયિક અસર પર નજર રાખી રહ્યા છીએ, મર્યાદિત લીઝર અને કોર્પોરેટ મુસાફરીને કારણે રૂમ બુકિંગ રદ કરવા ઉપરાંત, મીટિંગ્સ અને કોન્ફરન્સ પણ રદ કરવામાં આવ્યા હોવાને કારણે હોટલ વ્યવસાયને નુકસાન થયું છે. એક સમગ્ર ભારતમાં ફાઇવ સ્ટાર હોટેલ ચેઇન ધરાવતી ચેન્નઇ સ્થિત કંપનીમાં ઉક્ત સમયગાળા દરમિયાન એક જ અઠવાડિયામાં એક ઇવેન્ટ માટે બુક કરાયેલા 100 રૂમના બુકિંગ રદ કરવામાં આવ્યા હતા. મુંબઈના જુહુ વિસ્તારમાં અન્ય ફાઇવ સ્ટાર હોટેલમાં ઇવેન્ટ રદ કરવામાં આવી હતી, જેના કારણે માત્ર બે દિવસમાં એક કરોડ રૂપિયાનો વ્યવસાય ગુમાવવો પડ્યો હતો.
હોસ્પિટાલિટી ક્ધસલ્ટન્સીના પ્રવકતાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ ટ્રાવેલ અને માઇસ (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) પણ સરહદની સર્જિકલ સ્ટ્રાઇકની નક્ારાત્મક અસર અનુભવી રહ્યા છે, કંપનીઓ બિનઆવશ્યક મુસાફરીને પ્રતિબંધિત કરી રહી છે, રિમોટ વર્કને પ્રોત્સાહન આપી રહી છે અને કર્મચારીઓની સલામતી સુનિશ્ર્ચિત કરવા માટે ઇવેન્ટ્સનું સમયપત્રક ફરીથી ગોઠવી રહી છે.
હોટલ ઉદ્યોગ માટે એક બાબતમાં રાહત થઇ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને કામચલાઉ સ્થગિત કરવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. જોકે, હવે નવી તારીખો આવવા સાથે મેચ શરૂ ગઇ છે અને એક સપ્તાહ મુલતવી રહેલી મેચો એક વધુ સપ્તાહ સુધી વિસ્તારાઇ હોવાથી હોટલોને મોટી રાહત થઇ છે. વાસ્તવમાં આ અપવાદ મામલામાં લાભ પણ થયો છે.
નોંધવું રહ્યું કે ઉક્ત બોર્ડ અઢી મહિનાની ટુર્નામેન્ટ દરમિયાન ટીમ, ક્રૂ અને કોમેન્ટ્રેટરના રહેવા માટે ત્રીસથી વધુ હાઇએન્ડ હોટલોનો કરાર કરે છે. બીસીસીઆઇ પાસે ઇન્ડિયન હોટેલ્સ, ટ્રાઇડેન્ટ ઓબેરોય અને આઇટીસી જેવી ચેઇન સાથે કરાર છે. કુલ 74 મેચની આ ટુર્નામેન્ટ 13 સ્થળોએ યોજાવાની હતી, જેમાં મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ચંદીગઢ, દિલ્હી, બેંગલુરુ, ગુવાહાટી, જયપુર, લખનઊ, ચેન્નઈ, કોલકાતા અને ધર્મશાલાનો સમાવેશ છે.
આપણ વાંચો: તસવીરની આરપાર: ભારતે પાકિસ્તાનને જેવો જડબાતોડ જવાબ આપ્યો, એવું નાટક ‘જાણતા રાજા’ મોરબીમાં ભજવાય છે
આમાંથી ધર્મશાલા પડતું મુકવું પડ્યું હતું. પાકિસ્તાન સાથેના યુદ્ધને કારણે ધર્મશાલામાં યોજાનારી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી. બાદમાં, બીસીસીઆઇએ ટુર્નામેન્ટને એક અઠવાડિયા માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, હવે આ રમત શ્રેણી 17મીથી શરૂ થઇ હોવા સાથે એક સપ્તાહ વધુ વિસ્તારાઇ હોવાથી હોટલોને બુકિંગમાં પડનાર મોટો ફટકો ટળી ગયો છે. અલબત્ત મેચના અમુક સ્થળોમાં ફેરફાર થઇ શકે છે.
દરમિયાન, ઘટતા વ્યવસાયને ધ્યાનમાં રાખીને હોટેલ્સે હવે માર્જિન બચાવવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે. સરહદે સ્થિતિ વણસ્યા બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં, ઘણી હોટલોએ વ્યવસાય ઘટતા ખર્ચને નિયંત્રિત કરવાના પગલાં લેવા માટે ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. તેમાંથી કેટલીક હોટલો નવી ભરતી અટકાવે તેવી અપેક્ષા છે, જે હાલમાં ટૂંકાગાળાની કામચલાઉ પોસ્ટ માટેની ભરતીને પણ ઘટાડી શકે છે અને તેમની મિલકતોમાં ઓક્યુપન્સીને ઑપ્ટિમાઇઝ કરીને એચએલપી (હીટિંગ, લાઇટિંગ અને પાવર) ખર્ચને નિયંત્રિત કરી શકે છે.
આ સંદર્ભે ટોચની ફાઇવ સ્ટાર હોટલ ચેઇનમાં કાર્યરત એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું, કે ઓક્યુપન્સીને ઑપ્ટિમાઇઝ કરવાનો અર્થ એ થશે કે ખાસ કરીને વીજળીના વપરાશને નિયંત્રિત કરી ઘટાડવો અને વીજળીનો વપરાશ સુનિશ્ર્ચિત કરવા માટે ચોક્કસ માળ પર રિઝર્વેશન આપવું, નાની પોસ્ટની ભરતી અટકાવવી વગેરેનો સમાવેશ થાય છે. જોકે, સીઝફાયર થયા પછી પરિસ્થિતિમાં સુધારો આવશે એવી આશા છે.
યુદ્ધવિરામ રાહતદાયક,
પણ કળ વળતાં વાર લાગશે!
ભારત-પાકિસ્તાન તણાવથી દેશના આતિથ્ય ક્ષેત્રના ઉદ્યોગોને ભારે અસર થઈ છે. અલબત્ત હાલ સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ જાહેર થયું હોવાથી ઉદ્યોગને થોડી રાહત મળી છે, પરંતુ દેશની સરહદે હજુ પણ તોળાઇ રહેલા શત્રુ દેશોના તોપગોળા જોતાં પરિસ્થિતિમાં ઝડપી સુધારાની આશા નથી.