ઈન્ટરવલ

કવર સ્ટોરી: અર્થતંત્ર સાબૂત છે તો રૂપિયો કેમ રોળાઇ રહ્યો છે?

ચલણના ઝડપી અવમૂલ્યન સંદર્ભે નાણાં મંત્રાલય દ્વારા સબસલામતનો સંકેત

નિલેશ વાઘેલા

ભારતનું અર્થતંત્ર મજબૂતી દર્શાવી રહ્યું છે તો બીજી તરફ ફોરેક્સ માર્કેટમાં રૂપિયો વિક્રમી નીચા સ્તરે પટકાયો છે. આર્થિક ડેટા અર્થતંત્ર સાબૂત હોવાનો નિર્દેશ કરી રહ્યાં હોવા છતાં, ડોલર સામે રૂપિયો નવા નીચા સ્તરે પટકાતા અર્થનિરીક્ષકો પણ સહેજ ચિંતામાં મૂકાયા હતા. લગભગ બે અઠવાડિયા પહેલા 89.49નું વિક્રમી નીચુ સ્તર બતાવ્યા બાદ આ સપ્તાહની શરૂઆતે સોમવારે ગબડવાનું ચાલુ કરીને મંગળવારે રૂપિયો સત્ર દરમિયાન નેવું સુધીના તળિયે અથડાયા પછી 42 પૈસાના જોરદાર કડાકા સાથે ડોલર સામે 89.95 બોલાયો હતો.

અચરજ પમાડે એવી વાત એ છે કે, ભારતે તમામ અપેક્ષાઓ કરતાં વધુ સકારાત્મક જીડીપી આંકડા જાહેર કર્યા પછી તરત જ ભારતીય ચલણમાં ઘટાડો શરૂ થયો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અર્થતંત્ર 8.20 ટકા વિકાસ પામ્યું છે, જે રોઇટર્સ પોલના અંદાજિત 7.30 ટકા સામે ઘણો ઊંચો આંકડો છે. બેંકરોએ જણાવ્યું હતું કે યુએસ-ભારત વેપાર સોદામાં પ્રગતિના અભાવ, આયાતકારોની હેજિંગ પ્રવૃત્તિ અને ચુકવણી સંતુલનની નબળી પરિસ્થિતિને કારણે ભારતીય ચલણ દબાણમાં છે, પરંતુ મજબૂત આર્થિક વૃદ્ધિને કારણે રૂપિયાને થોડો ટેકો મળ્યો છે.

અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે, જેટલા લાંબા સમય સુધી કોઈ વેપાર સોદો નહીં થાય, તેટલા સમય સુધી રૂપિયા પર દબાણ રહેશે. ગયા મહિને યુએસ અને ભારતીય અધિકારીઓની ટિપ્પણીઓએ એવી આશા જગાવી હતી કે ભારતીય નિકાસ પરની પચાસ ટકા જેટલી ભારે ટેરિફ ટૂંક સમયમાં ઘટાડવામાં આવશે, પરંતુ કોઈ નક્કર કરારના અભાવે રૂપિયા પર ભારે અસર પડી છે.

ટેરિફના કારણે વેપાર અને પોર્ટફોલિયો પ્રવાહમાં ઘટાડો થયો છે, જેના કારણે ચલણને ટેકો માટે સેન્ટ્રલ બેંકના હસ્તક્ષેપ પર નિર્ભર રહેવું પડ્યું છે. વિદેશી રોકાણકારોએ વર્ષ દરમિયાન અત્યાર સુધી ભારતીય ઇક્વિટીમાંથી 16 બિલિયન ડોલરથી વધુનું ચોખ્ખું રોકાણ પાછું ખેંચી લીધું છે. નોંધવું રહ્યું કે, ભારતની વેપાર ખાધ ઓક્ટોબરમાં સર્વાધિક ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી.

ફોરેક્સ માર્કેટના નિરીક્ષકો માને છે કે જો રૂપિયો ડોલર સામે નેવુંની સપાટીની આસપાસ અથડાતો રહેશે તો કદાચ 91 સુધી પણ ગબડી શકે છે. રૂપિયાના અવમૂલ્યનનાં કારણોમાં અમેરિકા સાથેના વ્યાપાર કરારમાં વિલંબથી માંડીને સટોડિયા વર્ગના જોરદાર શોર્ટકવરિંગ, આયાતકારોની ડોલરમાં જબરી લેવાલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીને ટાંકી શકાય.

જોકે નાણાં મંત્રાલયે એવા સંકેત આપ્યા છે કે આમાં વધુ ચિંતા કરવાની જરૂર નથી. મંત્રાલય કહે છે કે ઇમર્જિંગ વલણો અનુસાર રૂપિયામાં નબળાઈ અને ફુગાવાનો અંદાજ સુસંગત છે. સ્થાનિક ચલણ ધીમે ધીમે નબળું પડ્યું છે અને અન્ય ઊભરતા બજાર અર્થતંત્રો સાથે સુસંગત છે.

ભારતીય રૂપિયો ઓક્ટોબરમાં પ્રતિ યુએસ ડોલર 87.8-88.80ની સાંકડી રેન્જમાં ટ્રેડ થયો હતો, જે સપ્ટેમ્બરના સ્તરથી મોટાભાગે યથાવત રહ્યો હોવાનું ગણી શકાય. આ મર્યાદિત અસ્થિરતા વૈશ્ર્વિક ચલણ બજારોમાં સંબંધિત સ્થિરતાના સમયગાળાને પ્રતિબિંબિત કરે છે, જે સ્થિર પોર્ટફોલિયો પ્રવાહ અને આરબીઆઇના પ્રવાહિતા અને વિદેશી વિનિમયના સક્રિય સંચાલન દ્વારા સમર્થિત છે, એમ નાણાં મંત્રાલયે ઓક્ટોબરના માસિક આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવ્યું હતું.

લાંબા વલણને જોતાં, માર્ચના અંતથી ઓક્ટોબર 2025ના અંત સુધીમાં યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં 3.5 ટકાનો ઘટાડો થયો હતો, જે ઊભરતા બજારના ચલણ સાથે સંકળાયેલા વ્યાપક વલણો સાથે સુસંગત છે અને ધીમી ગતિનું અવમૂલ્યન દર્શાવે છે, એમ અહેવાલમાં જણાવાયું છે.

ભારત પર આઇએમએફના વાર્ષિક સ્ટાફ રિપોર્ટમાં ભારતની ચલણ વિનિમય દર પ્રણાલીના તેના વાસ્તવિક મૂલ્યાંકનને સ્ટેબલથી બદલીને ‘ક્રોલ જેવી વ્યવસ્થા’ જાહેર કરીને કહેવામાં આવ્યું હતું કે વધુ વિનિમય દર સુગમતા બાહ્ય આંચકાઓને શોષવા માટે મદદરૂપ થશે. આઇએમએફે પાછલા ડિસેમ્બરના અંતમાં ભારતના એક્સટેન્જ રેટ રીજીમને ફ્લોટિંગમાંથી ફરી સ્ટેબલમાં વર્ગીકૃત કર્યું હતું, જ્યાં તે ગયા વર્ષના અંત સુધી રહ્યું હતું. એક્સચેન્જ રેટ રિજીમમાં ફેરફાર પાછલા એક વર્ષમાં રૂપિયામાં વધુ અસ્થિરતા અનુભવાયા પછી સ્થિરથી ક્રોલ લાઇકની સ્થિતિ આવી છે.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ મુજબ, ક્રોલિંગ પેગ, એક એવી વ્યવસ્થા છે જેમાં ચલણના વિનિમય દરને સમયાંતરે નિશ્ર્ચિત દરે નાની માત્રામાં અથવા પસંદગીના જથ્થાત્મક સૂચકાંકોમાં ફેરફારના પ્રતિભાવ અનુસાર ગોઠવવામાં આવે છે. 2024-25માં રૂપિયાને મજબૂત બનાવવા માટે લગભગ 400 બિલિયન ડોલરનું વેચાણ કર્યા પછી, સેન્ટ્રલ બેંકના તાજેતરના ડેટા મુજબ, 2025-26ના પ્રથમ છ મહિનામાં આરબીઆઇનું વિદેશી ચલણનું કુલ વેચાણ માત્ર 44.3 બિલિયન રહ્યું છે.

ગ્લોબલ ટ્રેડ ટેન્શન અને યુએસ દ્વારા 5ચાસ ટકા ટેરિફ લાદવામાં આવી હોવા છતાં, વિદેશી વિનિમય બજારમાં ઘટાડો થયો હોવાથી રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે. આઇએમએફએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારત વિનિમય દરમાં વધુ સ્થિતિસ્થાપકતાને મંજૂરી આપવા માટે સારી સ્થિતિમાં છે. રિપોર્ટમાં એવું પણ નોંધ્યું છે કે તાજેતરના મહિનાઓમાં આરબીઆઇ દ્વારા કરવામાં આવેલા હસ્તક્ષેપોમાં સામાન્ય રીતે ઘટાડો થયો છે અને રૂપિયા સામે ડોલરના વિનિમય દરમાં દ્વીમાર્ગીય ગતિવિધિઓમાં વધારો થયો છે.

આરબીઆઇનું વિનિમય દર અંગે જાહેર વલણ એ છે કે તે કોઈ ચોક્કસ સ્તરને લક્ષ્ય બનાવતું નથી અને ફક્ત અયોગ્ય અસ્થિરતા ઘટાડવાનો પ્રયાસ કરે છે. તેના માસિક અહેવાલમાં, નાણાં મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે સ્થાનિક ફુગાવાનો અંદાજ પ્રોત્સાહજનક છે, વૈશ્ર્વિક કોમોડિટીના ભાવમાં નરમાઈ, સૌમ્ય ઊર્જા બજારો અને લક્ષિત સ્થાનિક પુરવઠા હસ્તક્ષેપો ભાવ વધારાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જોકે, એ જ સાથે, મંત્રાલયના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે જોખમોનું સંતુલન સતત તકેદારી રાખવાની ખાતરી આપે છે.

ભારતનો મુખ્ય રિટેલ ફુગાવો રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે, નવેમ્બરની શરૂઆતમાં જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે ઓક્ટોબરમાં તે ઘટીને માત્ર 0.25 ટકા રહ્યોે હતો, કેટલાક અર્થશાસ્ત્રીઓ 2025-26 માટે સરેરાશ બે ટકાથી નીચે રહેવાની અપેક્ષા રાખે છે, જે આરબીઆઇના મધ્યમગાળાના ચાર ટકાના લક્ષ્યાંક કરતાં ઓછો છે. આમ, કેન્દ્રીય બેંકની નાણાકીય નીતિ સમિતિ આગામી નાણાકીય વર્ષમાં પોલિસી રેપો રેટ ઘટાડી શકે છે. 2025માં અત્યાર સુધીમાં, એમપીસીએે રેપો રેટ 100 બેસિસ પોઈન્ટ ઘટાડીને 5.5 ટકા કર્યો છે.

આ પણ વાંચો…કવર સ્ટોરીઃ વેલ્યૂએશનનું વાવંટોળ

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button