ઈન્ટરવલ

કવર સ્ટોરી : શુકનવંતા એપ્રિલ બાદ આ મહિનો શેરબજાર માટે કેવો રહેશે?

-નિલેશ વાઘેલા

સંરક્ષણ ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પરિબળો યુદ્ધ જેવી સ્થિતિમાં સતત બદલાતાં રહ્યા છે અને તેના પરિણામ બજારની ચાલમાં જોવા મળી રહ્યાં છે. નોંધવું રહ્યું કે, સીઝફાયર કામચલાઉ છે અને સામે પક્ષે શત્રુના અનેક પક્ષધરો છે. માથા ફરેલા ટ્રમ્પને કારણે ટેરિફ વોરમાં પણ અતાર્કિક વળાંકો જોવા મળી રહ્યા છે. જોકે, આપણે એકંદર પરિબળોને ધ્યાનમાં લઇને શેરબજારનો વિષય માંડીએ.

શેરબજાર માટે હાલ તો તમામ પરિબળો સકારાત્મક જણાઇ રહ્યાં છે. સૌથી મુખ્ય ઇંધણ એવા વિદેશી ફંડોના ડોલરીયા પ્રવાહથી માંડીને અર્થતંત્રને સૌથી મોટો લાભ અપાવી શકે એવા ખનીજ તેલના ભાવ ઘટાડા સુધીનાં પરિબળો તેજીને વેગ આપી શકે છે. જોકે, સૌથી મોટી સમસ્યા શત્રુ રાષ્ટ્રની આડખીલીની છે.

અત્યાર સુધી તો માર્કેટ માટે બધુ સમુસૂતરું જઇ રહ્યું છે, પરંતુ આગળ શું? તાજેતરના ભૂરાજકીય ચિંતાઓ વચ્ચે મક્કમતા દર્શાવતા બીએસઇ સેન્સેક્સ ગયા મહિને લગભગ ચાર ટકા વધ્યોે હતો. સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારોનું પુનરાગમન, આગામી નૈઋત્ય ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદની આગાહી અને સંભવિત ભારત-અમેરિકા વેપાર કરારને લગતા આશાવાદે બજારના સેન્ટિમેન્ટને ટેકો આપ્યો છે. વધુમાં, પાછલા કેટલાક મહિનામાં બજારમાં કરેક્શન પછી શેરોના મૂલ્યાંકનમાં ઘટાડો થવાથી પણ ખરીદી પ્રવૃત્તિ ફરી શરૂ થઈ હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. સેન્સેક્સ ગયા મહિને 2,827.32 પોઈન્ટ અથવા 3.65 ટકા વધ્યો હતો, જ્યારે એનએસઇ બેન્ચમાર્ક નિફ્ટી 814.85 પોઈન્ટ અથવા 3.46 ટકા વધ્યો હતો.

સમગ્ર એપ્રિલમાં, રોકાણકારોની સંપત્તિ 10.37 લાખ કરોડ રૂપિયા વધીને 4,23,24,763.25 કરોડ રૂપિયા અથવા તો 4.98 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચી હતી. બજારના બેન્ચમાર્ક માટે આ સતત બીજો માસિક વધારો છે. માર્ચ મહિનામાં, સેન્સેક્સ 4,216.82 પોઈન્ટ અથવા 5.76 ટકા વધ્યો હતો અને નિફ્ટી 1,394.65 પોઈન્ટ અથવા 6.30 ટકા વધ્યો હતો.

ગયા મહિને ભારતીય શેરબજારના બેન્ચમાર્કે સારું પ્રદર્શન કર્યું હતું. ટેરિફને લગતાં જોખમોમાં થઇ રહેલા ઘટાડા, સંભવિત યુએસ-ભારત વેપાર સોદો વહેલાસર સાનુકૂળ રીતે પાર પડવાના આશાવાદ અને મજબૂત એફઆઇઆઇ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)ના પ્રવાહને કારણે બજારની કામગીરી સારી રહી હોવાનું એક નિષ્ણાતે જણાવ્યું હતું.

વૈશ્ર્વિક ચિંતાઓ અને પાકિસ્તાન સાથેના તણાવ છતાં, એપ્રિલમાં ભારતીય શેરબજારની સ્થિતિસ્થાપકતા અને તીવ્ર તેજી ઘણાં સહાયક પરિબળોને આભારી હોઈ શકે છે. એક મહત્ત્વનું પરિબળ મૂલ્યાંકન છે. પાછલા કેટલાક મહિનાઓમાં બજારમાં ભારે કરેકશન આવવાને કારણે વેલ્યુએશન ઘણા વાજબી સ્તરે આવી ગયું હોવાથી પણ લેવાલીમાં રોકાણકારોનો રસ જાગ્યો છે.

બજારને પાડવામાં અને ઉછાળવામાં સૌથી મોટું ટ્રીગર અમેરિકાની ટેરિફ નીતિ બની છે. યુએસ દ્વારા ટેરિફનો તોપમારો ચાલુ થતાં ખુદ અમેરિકા સહિતના વિશ્ર્વના ઇક્વિટી બજારોમાં ભયંકર કડાકા પડ્યા હતા અને આ જ ટેરિફ પર કામચલાઉ વિરામની જાહેરાત અને દેશો સાથે સંભવિત વેપાર વાટાઘાટો શેરબજારને રીલીફ રેલી તરફ દોરી ગઈ.

વધુમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા લાંબા સમય સુધી વેચવાલી બાદ એપ્રિલમાં એફઆઇઆઇ ભારતીય ઇક્વિટીના નેટ બાયર્સ બન્યા છે. જોકે, તેમના સાતત્યનો આધાર ડોલરની નબળાઇ અને યુએસ ટ્રેઝરી બિલની વધઘટ પર છે, તેમ છતાં ડોલરના આંતરપ્રવાહને કારણે બજારને ખાસ્સો ટેકો મળ્યો છે.

સ્થાનિક ટેકો આપનારા પરિબળમાં આરબીઆઇની નીતિનો સમાવેશ છે. રિઝર્વ બેંક દ્વારા નવમી એપ્રિલે રિપોઝિશન રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને રેપો રેટ ઘટાડીને છ ટકા જાહેર કરવામાં આવ્યો અને તેના નીતિ વલણને સ્ટેબલમાંથી એકોમોડેટિવમાં ફેરવાયું હોવાથી બજારના સેન્ટિમેન્ટને મજબૂત ટેકો મળ્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નવમી એપ્રિલે સતત બીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ત્રણ સેન્ટ્રલ બેંક સભ્યો અને સમાન સંખ્યામાં બાહ્ય સભ્યો ધરાવતી નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)એ સર્વસંમતિથી પુન:ખરીદી અથવા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને છ ટકા કરવાનો નિર્ણય લીધો.

નિષ્ણાતો માને છે કે વિપરીત સંજોગોમાં બજારની સ્થિતિસ્થાપકતા નોંધપાત્ર છે અને તે રોકાણકારોનો વિશ્ર્વાસ વધારે છે. પારસ્પરિક ટેરિફના વિરોધ અને ભારત તથા પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે પણ એપ્રિલમાં નિફ્ટીનું ઉપર રહેવું બજારની મક્કમતા દર્શાવે છે. અમેરિકાએ બીજી એપ્રિલે ભારત સહિત અનેક દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. બાદમાં, ચીન અને હોંગકોંગ સિવાય, આ વર્ષે નવમી જુલાઈ સુધી આ ટેરિફ નેવું દિવસ માટે સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, બીજી એપ્રિલે દેશો પર લાદવામાં આવેલ 10 ટકા બેઝલાઇન ટેરિફ અમલમાં છે, ઉપરાંત સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો કોમ્પોનન્ટ્સ પર 25 ટકા ડ્યૂટી લાગુ છે.

ચાલુ મે મહિનામાં હાલની બજાર તેજીનું ટકાઉપણું મોટાભાગે કંપનીઓ દ્વારા ચાલી રહેલા ચોથા ક્વાર્ટરની કમાણી દ્વારા નક્કી કરવામાં આવશે. વૈશ્ર્વિક સ્તરે યુએસ ઇક્વિટી બજારોના પ્રભાવને ધ્યાનમાં રાખીને, રોકાણકારો યુએસ બજારના વિકાસ પર પણ નજર રાખશે કારણ કે તેની ભારત જેવા ઊભરતા બજારો પર નોંધપાત્ર અસર પડી શકે છે.

અલબત્ત બજારના સહભાગીઓ પાકિસ્તાન અંગે ભારત સરકારના વલણ પર નજર રાખશે કારણ કે તે બજારમાં અસ્થિરતા તરફ દોરી શકે છે. એ જ સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને કોર્પોરેટ ક્ષેત્રના ચોથા ત્રિમાસિક પરિણામો નિરસ રહ્યાં હોવાથી ભારતીય શેરબજારની તેજીની ગતિ ધીમી પડી રહી છે. નિષ્ણાતો અનુસાર ટૂંકા ગાળામાં આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે, પરંતુ લાંબા ગાળાનું દૃષ્ટિકોણ સકારાત્મક છે.

આપણ વાંચો:  એકસ્ટ્રા અફેર : ભારતને ટેસ્ટમાં વિરાટ-રોહિતની ખોટ નહીં વર્તાય

શેરબજારની તેજી માટે સરહદી શાંતિ અનિવાર્ય
સરહદે સીઝફાયરના સંકેત સાથે શ્ર્વેત ધ્વજા ફરકવાથી સોમવારે ભારતીય શેરબજારે સુપરસોનિક ગતિથી તેજીનો ઉછાળો નોંધાવી સેન્સેક્સને લગભગ 3000 પોઇન્ટ ઊંચી સપાટી સુધી પહોંચાડી દીધો હતો. જોકે, મંગળવારે સરહદે સીઝફાયર બાદના સન્નાટાની જેમ તેજીના બ્યુગલોનો સ્વર ધીમો થઇ ગયો. મંગળવારે બેન્ચમાર્કે લગભગ 1300 પોઇન્ટનું મસમોટું ગાબડું નોંધાવ્યું! શેરબજારની તેજી માટે સરહદી શાંતિ અનિવાર્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button