કવર સ્ટોરી : શું પ્રવાહિતાનું પૂર બેન્ચમાર્કને નવા વિક્રમી શિખરે દોરી શકશે?
-નિલેશ વાઘેલા
શેરબજારમાં ફરી તેજીનો પવન ફૂંકાઇ રહ્યો છે અને તેમાં મોર્ગન સ્ટેન્લી અને જેફરીઝ ઉપરાંત કેટલાક ગ્લોબલ ઇક્વિટી એનાલિસ્ટ વર્ગે ભારતીય શેરબજાર માટે નવી વિક્રમી ઊંચી સપાટીની આગાહી કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, સૌથી મોટી આશા પ્રવાહિતાનો દોર શરૂ થવા અંગેની છે.
ભારત અને અમેરિકામાં ફુગાવાના સાનુકૂળ ડેટા બાદ બંને દેશમાં વ્યાજદરમાં ઘટાડો થવાની ઉદ્ભવેલી સંભાવના, રિઝર્વ બેન્ક દ્વારા સીઆરઆરમાં કાપ સાથે વિદેશી ફંડો દ્વારા ફરી શરૂ થયેલી લેવાલી જેવાં પરિબળો જોતાં આગામી દિવસોમાં ઇક્વિટી માર્કેટમાં તેજી જળવાઇ રહેવાની આશા જાગી છે. જોકે શું માત્ર રૂપિયા અને ડોલરની પ્રવાહિતાનું પૂર બેન્ચમાર્કને નવી વિક્રમી સપાટીના શિખરે લઇ જશે?
અમેરિકન બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લીનું અનુમાન છે કે ભારતનું અર્થતંત્ર સ્થિર રહેશે. મજબૂત સ્થાનિક રોકાણને કારણે ૨૦૨૫માં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઊભરતાં બજારોમાંનું એક બની શકે છે. જો વર્તમાન બજારનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો સેન્સેક્સ એક વર્ષમાં ૧,૦૫,૦૦૦ની સપાટીને સ્પર્શી શકે છે. આ વર્તમાન સ્તરથી ૨૮.૫ ટકાનો વધારો દર્શાવે છે.
જ્યારે ૨૦૨૫માં મધ્યમ બજાર વળતરની અપેક્ષા રાખીને, જેફરીઝ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ માટે લગભગ ૧૦ ટકાના મધ્યમ વળતરની આગાહી કરે છે. આ બ્રોકરેજ ફર્મને અપેક્ષા છે કે કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં ઇન્ડેક્સ ૨૬,૬૦૦ના આંક સુધી પહોંચી જશે.
ભારતની વાત કરીએ તો રિઝર્વ બેન્કે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં કાપ મૂક્યો હોવાથી ઇકોનોમીમાં રૂ. ૧.૧૬ લાખ કરોડની પ્રવાહિતા ઠલવાઇ શકે છે. જ્યારે બીજી તરફ વિદેશી ફંડોએ ભારતીય ઇક્વિટી બજારમાં ફરીથી ડોલર ઠાલવવાનું શરૂ કર્યું છે.
જો તાજા આંકડા જોઇએ તો યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની અપેક્ષાને કારણે ડિસેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટીમાં રૂ. ૨૨,૭૬૬ કરોડના ચોખ્ખા રોકાણ સાથે મજબૂત પુનરાગમનના સંકેત
આપ્યા છે.
એ વાત નોંધવી રહી કે આ જોરદાર લેવાલી અગાઉના મહિનાઓમાં વિદેશી ફંડોએ ભયાનક શબ્દ વાપરી શકાય એવી વેચવાલી પણ કરી છે. ભારતીય ઇક્વિટી માર્કેટમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફઆઇઆઇ)એ નવેમ્બરમાં રૂ. ૨૧,૬૧૨ કરોડ અને ઓક્ટોબરમાં રૂ. ૯૪,૦૧૭ કરોડનો જંગી આઉટફ્લો નોંધાવ્યો હતો, જે ડિપોઝિટરીઝના ડેટા અનુસાર રેકોર્ડ પરનો સૌથી ખરાબ માસિક આઉટફ્લો છે.
રસપ્રદ વાત એ છે કે, સપ્ટેમ્બર મહિનામાં એફઆઇઆઇનો પ્રવાહ
નવ મહિનાની ઊંચી સપાટીએ હતો, જેમાં રૂ. ૫૭,૭૨૪ કરોડના ચોખ્ખા રોકાણ સાથે વિદેશી રોકાણનાં વલણોની અસ્થિરતા પણ જાહેર થાય છે. એમ કહી શકાય કે ધોળિયાઓનો કોઇ ભરોસો ના કરી શકાય, ક્યારે જંગી લેવાલી કરે અને ક્યારે તીવ્ર વેચવાલી એ કહી ના શકાય!
આમ છતાં આગળ જતાં, ભારતીય ઇક્વિટી બજારોમાં વિદેશી રોકાણોનો પ્રવાહ કેટલાક મુખ્ય પરિબળો પર આધારિત રહેશે. આમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ હેઠળ અમલમાં આવનારી નીતિઓ, પ્રવર્તમાન ફુગાવો અને વ્યાજ દરનું વાતાવરણ અને સંભવિત જિયોપોલિટિકલ ઘટનાઓનો સમાવેશ કરી શકાય.
વધુમાં, ભારતીય કંપનીઓની ત્રીજા ક્વાર્ટરની કમાણીની કામગીરી અને આર્થિક વૃદ્ધિના મોરચે દેશની પ્રગતિ રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરવામાં અને વિદેશી પ્રવાહને પ્રભાવિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
ડિપોઝિટરીઝ સાથેના ડેટા અનુસાર, એફઆઇઆઇએ આ મહિનામાં, ૧૩ ડિસેમ્બર સુધીમાં રૂ. ૨૨,૭૬૬ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. આની પાછળનું મૂળ કારણ યુએસ ફેડરલ રિઝર્વના દરમાં કાપની અપેક્ષાઓ હોવાનું એનાલિસ્ટ
માને છે.
નાણાકીય નીતિઓ હળવી બનાવવાના અભિગમથી વૈશ્ર્વિક પ્રવાહિતામાં સુધારો થયો છે, જે ભારત જેવા ઊભરતા બજારોમાં મૂડી આકર્ષે છે. ઉપરાંત, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) ઘટાડીને તરલતામાં વધારો કર્યો હોવાથી રોકાણકારોના તેજીના સેન્ટિમેન્ટને વેગ મળ્યો છે.
વધુમાં, ભારતનો ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) ફુગાવો નવેમ્બરમાં ઘટીને ૫.૪૮ ટકા થયો હતો, જે ઓક્ટોબરમાં ૬.૨૧ ટકા હતો. આને પરિણામે રોકાણકારોના વિશ્ર્વાસમાં વધારો થયો છે અને સાથે આરબીઆઇ દ્વારા સંભવિત નાણાકીય નીતિ હળવી થવાની આશા પણ વધારી છે.
જોકે, આગળ જણાવ્યું તેમ એફઆઇઆઇના વલણમાં અસ્થિરતા છે.શેરબજારમાં પાછલા કેટલાક સત્રથી અનિશ્ર્ચિત વાતાવરણ છવાયું છે, પરંતુ તેજી પાછી ફરવાનું મહત્ત્વનું કારણ વિદેશી
ફંડો દ્વારા શરૂ થયેલી લેવાલી ગણવામાં આવે છે.
જોકે પાછલા અમુક સત્રમાં એફઆઇઆઇનું વલણ અસ્પષ્ટ રહ્યું હોવાથી બજારને સ્પષ્ટ દિશા મળવામાં મુશ્કેલી થઇ રહી હોવાનું પીઢ અભ્યાસુઓ માને છે. એફઆઇઆઇએ પાછલા કેટલાક સત્રમાં સારી લેવાલી નોંધાવ્યા બાદ ફરી વેચવાલી શરૂ કરી હોવાથી તેમનું વલણ અસ્પષ્ટ રહ્યું છે.
ડિસેમ્બરમાં અત્યાર સુધી વિદેશી ફંડો ખરીદદારો બન્યા હોવા છતાં, તેઓ ચોક્કસ દિવસોમાં મોટા પ્રમાણમાં વેચનાર પણ રહ્યા છે. આ સૂચવે છે કે ઊંચા મથાળે તેઓ ફરીથી વેચાણકર્તા પણ બની શકે છે,
કારણ કે ભારતીય વેલ્યુએશન અન્ય બજારોની સરખામણીએ પ્રમાણમાં હજુ પણ ઊંચા છે.
આ ઉપરાંત ડોલરના મૂલ્યમાં આવી રહેલી મજબૂતી બીજી ચિંતાનો વિષય છે જે વિદેશી ફંડોને ઊંચા મથાળે વેચવા માટે પ્રેરિત કરી શકે છે. બીજી તરફ, એફઆઇઆઇએ ડેટ જનરલ લિમિટમાં રૂ. ૪,૮૧૪ કરોડનું રોકાણ કર્યું હતું અને સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ડેટ વોલન્ટરી રીટેન્શન રૂટ (વીઆરઆર)માંથી રૂ. ૬૬૬ કરોડ ઉપાડ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં એફઆઇઆઇએ ડેટ માર્કેટમાં રૂ. ૧.૧ લાખ કરોડનું રોકાણ કર્યું છે.
જોકે, નાણાકીય વર્ષ ૨૦૨૫ના ઉત્તરાર્ધમાં કેન્દ્ર સરકારના મૂડીરોકાણમાં રિકવરી તેમજ ઈન્ડિયા ઈન્કની કમાણીની અપેક્ષાઓ વચ્ચે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગયા મહિને જેટલું વેચાણ કર્યું હતું તેના કરતાં વધુ ખરીદી નોંધાવીને એક રીતે બજારનું માનસ પલ્ટી નાખ્યું છે અને રોકાણકારો સેન્ટા રેલીની આશા બાંધી બેઠાં છે.
Also Read – Stock Market : યુએસ ફેડની બેઠક પૂર્વ શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેકસ -નિફ્ટીમાં ઘટાડો
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ નવેમ્બરમાં ૨.૫ બિલિયન ડોલરનું વેચાણ કર્યા બાદ આ ડિસેમ્બરમાં પ્રથમ ૧૦ દિવસમાં ભારતીય શેરોમાં ત્રણ અબજ ડોલર ઠાલવ્યા છે. સરકારના મૂડી ખર્ચમાં વધારો થવાની અને કોર્પોરેટ કમાણીમાં સુધારો થવા અંગેના આશાવાદથી ઉત્તેજિત વિદેશી ફંડોની આ ખરીદીના બળે નિફ્ટીએ બે ટકા સુધીની જમ્પ લગાવી છે અને આ સાન્ટા રેલી માર્કેટને રેકોર્ડ ઊંચાઈ પર લઇ જશે એવી આશા જગાવી છે.
નવેમ્બરમાં અઢી અબજ ડોલરના વેચાણની સામે, વિદેશી ફંડોએ ડિસેમ્બર મહિનાના પ્રથમ માત્ર દસ જ દિવસમાં આશરે ત્રણ બિલિયનના ડોલરના ભારતીય શેરો પહેલેથી જ ખરીદ્યા છે. પરિણામે, નિફ્ટી આ મહિને પહેલેથી
જ બે ટકાની ઊંચી સપાટીની આસપાસ છે અને તેજીવાળા એવો દાવો કરી
રહ્યા છે કે આ મોમેન્ટમ ચાલુ રહેશે તો
તે મજબૂત સાન્ટા રેલીમાં ફેરવાઈ શકે
છે અને બજેટના આગામી થોડા અઠવાડિયામાં બજારને નવા વિક્રમી શિખરો પર લઈ જશે.