ઈન્ટરવલ

કો-ઓપરેટિવ સેક્ટર: રાજનીતિ ભણવા માટે આદર્શ યુનિવર્સિટી

ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી

આજકાલ ગુજરાતમાં સહકારી વિભાગ ચર્ચામાં છે. ‘ઇફ્કો’ (ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાજર કો-ઓપરેટિવ લિમિટેડ)માં ઇલેક્શન પછી સહકારી માળખા પર ચર્ચા થતી રહે છે. ભારતમાં-ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રમાં અસંખ્ય નેતાઓની રાજનીતિનું કેન્દ્ર કોઓપરેટિવ સેક્ટર ગણવામાં આવે છે. બંને રાજ્યમાં દૂધથી માંડી ખાંડ સુધી તેમજ ગ્રામ્ય બજારોમાં સહકારી મંડળીઓનું પ્રભુત્વ જોયું છે.

સરદાર પટેલના સ્વપ્ન સમાન અમૂલ ડેરીનો જન્મ સહકારી માળખામાંથી થયો છે. ભારતમાં અસંખ્ય સહકારી સંસ્થાઓને શ્રેષ્ઠ નેતૃત્વ આપ્યું છે. કોવિડ જેવા કપરા કાળમાં ભારતની ઇકોનોમીને મજબૂત રાખવામાં કો-ઓપરેટિવ સેક્ટરનું આગવું પ્રદાન હતું. કો-ઓપરેટિવ સેક્ટર વિશ્ર્વભરમાં ખેતી, ડેરી, ભોજન, આર્થિક મદદ, આરોગ્ય જેવા ક્ષેત્રમાં ફેલાયેલું છે. એક વૈશ્ર્વિક અભ્યાસ મુજબ પ્રતિ દશમી વ્યક્તિ એક યા બીજા સ્વરૂપે કો-ઓપરેટિવ સેક્ટર સાથે જોડાયેલો છે.

સહકારી માળખાનો હેતુ આધુનિક યુગમાં છેવાડાના માણસને વાજબી કિંમતે સુખ-સગવડો આપવાનો છે. કમનસીબે આપણે એ હેતુ સિદ્ધ કરી શક્યા નથી. ઔદ્યોગિકરણ વધતું ગયું એમ સુખદ સગવડો સાથે માણસનું શોષણ શરૂ થયું. આ વાત આશરે બસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડના ચિંતક રોબર્ટ ઓવેનની સમજમાં આવી ગઈ હતી. ઇન્ડસ્ટ્રીઝમાં સહકારિતા એટલે આપણા માટે આદર્શ ઉદાહરણ અમૂલ છે, આ વિચારનો પાયો રોબર્ટ ઓવેને નાખ્યો હતો. એ અલગ વાત છે કે સહકારી માળખું સમજાવવામાં ઓવેન નિષ્ફળ ગયો હતો. જે વ્યક્તિ એ સહકાર શબ્દની અવધારણા આપી એવા ઓવેનની લાઇફ ઇન્ટરેસ્ટિંગ છે.

સન ૧૭૭૧માં ગરીબ પરિવારમાં સાત ભાઈબહેનોના પરિવારમાં ઓવેનનો જન્મ થયો. આર્થિક કારણોસર નવ વર્ષની ઉંમરે ભણવાનું પડતું મૂકીને નોકરી કરવી પડી હતી. મોટા ભાઇ વિલિયમ સાથે ઓવેન લંડનમાં મજૂરી કરવા ગયો. લંડનમાં નવ વર્ષ સુધી દરજીકામ કર્યું અને થોડી બચતો કરી. પૈસા કમાવવા સાથે નાના-મોટા સપનાં જોવાના શરૂ કર્યાં.

આ સમયગાળામાં વરાળ એન્જિનનો યુગ શરૂ થયો હતો. ઔદ્યોગિકરણ શરૂ થતાં નવી ટેકનોલોજીના આવિષ્કાર થવા લાગ્યા. ઔદ્યોગિક વિકાસ થતાં સામાન્ય માણસની જીવનશૈલી બદલાવા લાગી. માન્ચેસ્ટરમાં કપડાઓની ફેક્ટરી વચ્ચે ઓવેને ભાઇ અને મિત્રો પાસે ઉધાર પૈસા લઇને નાનું યુનિટ શરૂ કર્યું. ત્રણ મહિનામાં સમજાયું કે ફેક્ટરી ચલાવવા પૂરતું ફંડ નથી. ઓવેને પોતાનું યુનિટ બંધ કર્યું અને એકવીસ વર્ષની વયે મોટા યુનિટમાં મેનેજર તરીકે કરિયર શરૂ કરી. ઓવેનની સહુને સાથે રાખીને કામ કરવાની પદ્ધતિથી કંપનીને બ્રિટનમાં ટોપ પર લાવી દીધી. અમેરિકાના મોંઘા કોટનને બદલે લેટિન અમેરિકાથી સસ્તું કોટન મગાવવીને નવું માર્કેટ વિકસાવ્યું. કોર્પોરેટ જગતમાં હિંમતપૂર્વક નવા પ્રયોગ કરવાથી ઓવેન યુવાપેઢીમાં આદર્શ બનવા લાગ્યો. કંપનીના વિકાસને જોઈને એને પાર્ટનર બનાવવામાં આવ્યો.

ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર સાથે ન્યુ લેનોર્ક વિકાસ પામવા લાગ્યું. એ સમયે ડેવિડ ડેલ નામનો અત્યંત ધનિક વ્યક્તિ અસંખ્ય ફેક્ટરીનો માલિક હતો. ડેવિડ ડેલને બિઝનેસ સંભાળવા અનુભવી પાર્ટનરની જરૂર હતી. ઓવેનને ઓફર આપી અને ઓવેન એનો પાર્ટનર બન્યો. બંને પાર્ટનર વચ્ચે આવનજાવન વધતા ઓવેન એની છોકરીના સંપર્કમાં આવ્યો અને બંનેએ લગ્ન કર્યાં. સસરાની આર્થિક સમૃદ્ધિ તેમજ પોતાની આગવી સૂઝને લીધે ઓવેન ઇંગ્લેન્ડમાં અત્યંત ધનિક થવા લાગ્યો.

ઇંગ્લેન્ડમાં તે યુગમાં ફેક્ટરીઓ કપડાં બનાવતી,પણ એના મજૂરોની હાલત અત્યંત દયનીય હતી. યુરોપમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વાતાવરણ આદર્શ ન હતું. યુરોપમાં એનલાઇનમેન્ટ યુગમાં વિચારકોએ ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા. વિચારકોને શાસકો દ્વારા મૃત્યુદંડ સુધી રંજાડવામાં આવ્યા. સસ્તી મજૂરી માટે પાંચ દશ વર્ષના બાળકોની મોટી સંખ્યા હતી. અશિક્ષિત બાળકોમાં ગરીબી અને લાચાર પરિસ્થિતિને કારણે ગુનાખોરી, વ્યસનો અને રોગચાળો સામાન્ય હતો.

આર્થિક રીતે અત્યંત સંપન્ન કહી શકાય એવા ઓવેને બાળપણમાં આ સ્થિતિ જોઇ હતી. બાળકોને લાચાર પરિસ્થિતિમાંથી બહાર કાઢવા ઓવેને વિશ્ર્વમાં પ્રથમવાર મજૂરો માટે ખાસ કોલોનીઓ બનાવી. સૌથી મોટો સુધારો કરાવ્યો કે દશ વર્ષથી નાનાં બાળકોની મજૂરી પર પ્રતિબંધ કરાવ્યો. કોલોનીઓમાં ગરીબ બાળકો માટે શાળાઓ ચાલુ કરી તથા મહિલા મજૂરોને આરોગ્ય સહિત અનેક સગવડો આપવાનો પ્રારંભ કર્યો. ઓવેને ખર્ચાળ પ્રયોગ શરૂ કરતાં દુશ્મનો વધવા લાગ્યા. સરકારો અને બીજા મિલમાલિકો ઓવેનના દુશ્મન બન્યા. ઓવેને પોતાના નફામાંથી મજૂરોને ભાગ આપવાનો શરૂ કર્યો જે વાત વિચારવી પણ એ સમયગાળામાં ક્રાંતિ હતી. વિજ્ઞાનનો ઉપયોગ કરી સલામત ઉપકરણો વસાવ્યાં. મજૂરોના હિતકારી પગલાંઓનું પરિણામ એ આવ્યું કે ઓવેન ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટના આઇડિયા માટે વૈશ્ર્વિક બ્રાન્ડ બન્યો. મજૂરોને ફાયદો થતાં તેની ફેક્ટરીઓમાં કાર્યક્ષમતા વધતા તેઓ ધૂમ નફો કરવા લાગ્યા.

ઇંગ્લેન્ડમાં તે સમયે મજૂરોને પગાર મળતા ન હતા, પણ ટોકન આપવામાં આવતું. ટોકનમાંથી મજૂરો જે તે ફેક્ટરીની દુકાનોમાંથી જીવન જરૂરિયાતનો સામાન ખરીદતા. મિલમાલિકો દુકાનોમાં નફો કમાવવા હલકી ક્વોલિટીનો માલ લાવીને વેચતા. ઓવેને આ ક્રૂર પ્રથા બંધ કરીને ક્વોલિટીસભર માલસામાન સાથે જથ્થાબંધ માલ રાખે તેવી નવી દુકાનો શરૂ કરી. દુકાનોના આ પ્રયોગમાં એક નવો શબ્દ ચલણમાં આવ્યો, કો-ઓપરેટિવ સેક્ટર. દુકાનોના વહીવટમાં મજૂરોનો સહકાર રાખવામાં આવતો. ઇંગ્લેન્ડથી એક ગરીબીમાં ઉછરેલા છોકરાએ વિશ્ર્વભરમાં સહકાર ક્ષેત્રનો પાયો નાખ્યો.

ઓવેન મજૂરોના જીવન ધોરણ સુધારવા જે ફેરફાર કરતો ગયો એ તે સમયની સરકારોએ કાયદાકીય મંજૂર કરવું પડતું અને બીજી ફેક્ટરીઓમાં ફેરફાર કરવા પડ્યા. ધીમે ધીમે ઓવેનને મજૂરોનું હિત મોંઘું પડવા લાગ્યું. ધંધામાં નફો ઘટતા તેના ભાગીદારો છૂટા પડવા લાગ્યા.

ઓવેન મજૂરોના હિત માટે દ્રઢ નિશ્ર્ચયી હતો. એણે નવી કંપની બનાવી અને વિશ્ર્વભરના કોર્પોરેટ ઇતિહાસમાં પહેલીવાર મજૂરોને ભાગ આપ્યો. મજૂર સુધારણા કાર્યક્રમ તેને બરબાદ કરશે એવું બધા માનતા હતા પણ ઓવેનની કંપનીએ રેકોર્ડ પ્રોફિટ કર્યો. નવા દુશ્મનોએ ધાર્મિક નેતાઓને ઉશ્કેર્યા અને ચર્ચ ઓવેનની વિરુદ્ધ થયું. ધાર્મિક નેતાઓના બેફામ વિરોધને કારણે ઓવેનને ધર્મ પરથી ભરોસો ઊઠી ગયો અને વધારે કો-ઓપરેટિવ સેક્ટર મજબૂત થાય એવી પ્રવૃત્તિ કરવા લાગ્યો.

ઇંગ્લેન્ડમાં ૧૮૧૫માં મોટી મંદી આવી, એણે જોયું કે આસપાસ લોકોને એના નુકશાનમાં જ રસ છે. ઓવેને કહ્યું કે મારું યુદ્ધ પૂરું થાય છે. મેં મજૂરો શ્રેષ્ઠ પ્રયોગ આપ્યો છે પણ ગ્રાહકોના હિતનો સુવર્ણયુગ લાવવાનો બાકી છે. ઓવેનના ક્રાંતિકારી વિચારોને લીધે તેનું નામ અમેરિકામાં ચર્ચાતું. એને અમેરિકામાં વસવા માટે આમંત્રણ મળ્યું. અમેરિકામાં કો-ઓપરેટિવના આદર્શ સિદ્ધાંત પર નવા જ નાનાં શહેરો બનાવવાની શરૂઆત કરી. અમેરિકામાં ન્યુ હારમાની શહેર બનાવ્યું જેમાં રોજગાર સ્થાનિક લોકો પેદા કરે અને શહેરના વિકાસની જવાબદારી પણ સ્થાનિક લોકોની હોય. શહેરમાં તમામ પ્રાથમિક સુવિધાઓ ઓવેન તરફથી મળતી હતી. નવા શહેરના પ્રયોગને પ્રારંભિક સફળતા મળતાં અમેરિકામાં સોળ નવાં શહેરો અથવા વસાહતો બનાવી. ઘણા લોકોને આ પ્રવૃત્તિમાં બધું મફતિયા મળવા લાગ્યું અને ધીમે ધીમે કો-ઓપરેટિવનો ગેરલાભ લેવાની પ્રવૃત્તિ શરૂ થઈ. ઓવેનના અમેરિકન પાર્ટનરો અલગ થઈ ગયો અને વહીવટી કાબૂ મેળવવા લાગ્યો. કો-ઓપરેટિવનો હેતુ સર ન થયો પણ કો-ઓપરેટિવ સેક્ટરનો પાયો નખાયો. ભારતમાં અસંખ્ય કો-ઓપરેટિવ સોસાયટી અસ્તિત્વમાં છે. અમદાવાદ ખાતે સરદાર પટેલે નદી પાર શહેર માટે પહેલીવાર કો-ઓપરેટિવ સોસાયટી બનાવવાની પ્રેરણા આપી હતી.

ઓવેને સોસાયટીનો પ્રયોગ મેક્સિકોમાં કર્યો પણ ગરીબ પ્રજા હેતુને સમજી જ ન શકી. અંતે ઓવેનને નિરાશા સાંપડતાં ઇંગ્લેન્ડ પરત આવી ગયો. ઓવેન અમેરિકા હતો એ સમય દરમિયાન ઓવેનના પ્રયોગને ઇંગ્લેન્ડમાં પ્રયોગોને સફળતા મળવા લાગી હતી. ઇંગ્લેન્ડમાં કો-ઓપરેટિવનો પાયો નખાયો, જે દુનિયામાં ફેલાવવા લાગ્યો. ઇંગ્લેન્ડમાં ફેક્ટરીઓમાં મજૂરોના વિકાસની માગણીઓ પર ત્રણ વાર રાષ્ટ્રીય હડતાલો પડી ચૂકી હતી. મજૂરો એમના હિત માટે જાગ્રત બન્યા હતા.

ઓવેનની સફળતાને જોઇને ઘણાને આશ્ર્ચર્ય થતું. ઓવેનની સક્સેસ ફોર્મ્યુલાનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે ઓવેને મજૂરોને સગવડો આપીને પુષ્કળ કામ કરાવ્યું હતું. જે ઉત્પાદન કરવા ફેક્ટરીઓમાં લાખ મજૂરોની જરૂર પડે એ કામ આધુનિકરણ અને સગવડો થકી બે પાંચ હજાર મજૂરો પાસેથી કઢાવીને પ્રોફિટ કર્યો હતો. નાની સંખ્યાના મજૂરોને સગવડો આપીને વિશાળ ઉત્પાદન કર્યા હતા. ઓવેન ઘણી વાર કહેતો કે મારી આસપાસના લોકોને સગવડોમાં અને પૈસામાં રસ જ હતો અને એ વાતનો લાભ લઇને ગુલામોની ફોજ બનાવી હતી.

ઓવેનના યુગ પહેલાં જે પૈસો લાખો લોકો વચ્ચે વહેંચાતો તે હજારો લોકોમાં ખર્ચાતો જેને પરિણામે બેરોજગારી વધી હતી. ઓવેનના બંને પાસાઓના અભ્યાસ થકી એક વાત ચોક્કસ કહી શકાય કે એ ઔદ્યોગિક જગતના પ્રારંભમાં નવો શબ્દ શીખવાડીને ગયો અને એ શબ્દ છે, કો-ઓપરેટિવ અથવા સહકારિતા.

ધ એન્ડ
નાટ્યકલા સ્વર્ગલોક માટે હતી. મનુષ્યોએ આ કલામાંથી ઘણું શીખવાનું છે એવું દેવોને લાગતા પાંચમો વેદ ગણાતો નાટ્યવેદ લખાયો હતો. ભારતીય સાહિત્યમાં ‘નટ’ શબ્દ અઢી હજાર વર્ષ પહેલાં જાણીતો હતો. એ જ ગાળામાં કંસવધ અને બલિવધ નાટકો રંગભૂમિ પર ભજવાતાં હતાં.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker