ચોવક કહે છે: ભૂતકાળ દુ:ખદ હોય તો ભૂલી જાવ!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ
ગુજરાતીમાં એક પ્રચલિત કહેવત છે: વાન ન આવે પણ શાન આવે! એ જ વાત કચ્છીમાં ચોવક આ રીતે કહે છે: “વેંણ ન અચે ત ઓસાંણ અચે પ્રથમ શબ્દ ‘વેંણ’ છે. જેનો અર્થ થાય છે: વેણ, શબ્દો, ભાષા… ‘અચે’ એટલે આવે અને ઓસાંણનો અર્થ થાય છે: નવી હિમ્મત, જુસ્સો! આટલા વિભિન્ન અર્થોના અંતે ચોવકનો શબ્દાર્થ થાય છે: ‘સોબત તેવી અસર’. સજ્જનોની સોબત હોય તો સજ્જનતામાં વધારો થાય અને દુર્જનની સોબત હોય તો જે હોય એ સદ્ગુણોનો પણ નાશ થાય છે.
એક બહુ મઝાની ચોવક છે: “વોરાવા સેજ લૂંટારા ઘણા બધા ભાવાર્થ ધરાવતી આ ચોવકમાં જે ‘વોરાવા’ શબ્દ છે તેનો અર્થ થાય છે: વળાવિયા. પણ ચોવકમાં તેનો અર્થ વિશ્ર્વાસુ બંધ બેસતો થાય છે. ‘સેજ’ શબ્દનો અર્થ થાય છે: એ જ. ‘લૂંટારા’ એટલે લૂંટારા, વિશ્ર્વાસભંગ કરનાર: શબ્દાર્થ છે: જે વળાવિયા છે, તે જ લૂંટારા બની ગયા. જેનો ભાવાર્થ થાય છે: જે નીતિ છોડી દે છે, તેવી વ્યક્તિ.
જ્યારે એક પછી એક ઉપાધીમાં વધારો થતો રહે, અને જીવનના આનંદનો ધ્વંશ થતો રહે ત્યારે કચ્છીમાં એક ચોવક પ્રયોજાય છે: “વીંયાં વિચ વરસી ‘વીંયાં’ એટલે લગ્ન (કે કોઈપણ શુભપ્રસંગ), ‘વિચ’નો અર્થ થાય છે, વચ્ચે અને વરસી એટલે કોઈનાં મૃત્યુ પછી કરવામાં આવતી અને ‘વરસી’ તરીકે ઓળખાતી વિધી! જે દુ:ખદ જ હોય છે. શબ્દોના અર્થ મુજબ ચોવકનો અર્થ થાય છે કે લગ્ન પ્રસંગ વચ્ચે આવતું વિઘ્ન. પણ ભાવાત્મક અર્થ જોવા જઈએ તો, એમ કહી શકાય કે, એક તો ઉપાધીમાં જીવતા હોઈએં ત્યાં બીજી ઉપાધી આવી પડે! જીવનનો આનંદ અવરોધાતો જાય તેવાં વિઘ્નો આવવાં.
‘વીંયાં’ શબ્દના પ્રયોગ સાથે બીજી પણ એક ચોવક કચ્છીમાં પ્રચલિત છે. ચોવક છે: “વીંયાં વિચ ઘરગેંણૂ જેનો અર્થ પણ એ જ થાય છે કે, ઉપાધીમાં વધારો થવો. પણ ચોવક જે શબ્દોના આધારે રચાઈ છે, એ શબ્દોના અર્થ જાણવા રસપ્રદ રહેશે. ‘વીંયાં’ એટલે લગ્ન એ આપણે આગળની ચોવકમાં સમજ્યા. ‘વિચ’નો અર્થ થાય છે: વચ્ચે, અને ‘ઘરગેંણૂ’નો અર્થ થાય છે: પુર્નલગ્ન! અહીં પુર્નલગ્નનાં પાત્રોમાં સ્ત્રી-પુરુષ બન્નેનો સમાવેશ થાય છે, જેમાં છૂટાછેડા થયેલાં, વિધૂર કે વિધવા કે સ્ત્રી હોય તો ત્યકતાનો સમાવેશ કરી શકાય છે.
આ ચોવક જાણજો મિત્રો. ચોવક છે: “વિઠે ન ડિસે સે, ઉભે કુર ડિસે! આમ અર્થ એવો થાય છે કે, જે બેઠાબેઠા ન જોઈ શકે તે ઊભા ઊભા ક્યાંથી જોઈ શકવાના છે! ‘વિઠે’ એટલે બેઠાં. ‘સે’નો અર્થ થાય છે: તે. ‘ઊભે’ એટલે ઊભા (ઊભા) ‘કુર’ શબ્દનો અર્થ છે: ક્યાંથી. પરંતુ ચોવકના ગર્ભિત અર્થમાં ધૃતરાષ્ટ્રપણું છૂપાયેલું હોય તેવું સમજવા મળે છે. બંધ આંખે પણ સ્થિતિ દીવા જેવી સ્પષ્ટ દેખાતી (સમજાતી) હોવા છતાં અધત્વનો આંચળો ઓઢી રાખવાની વાત ચોવક કરે છે. જેને ‘કેમ કરતાં કાંઈ પણ દેખાતું નથી’!
લોકો પોતાના ભૂતકાળનાં દુ:ખોને ભૂલતા નથી, એ વાગોળ્યા
જ કરે! પરંતુ એ લોકો, એ કહેવત ભૂલી જાય છે કે, “ગઈ તિથિ
તો બ્રાહ્મણ પણ ન વાંચે. ભૂતકાળને યાદ કરતા રહેવાનો કોઈ
અર્થ નથી. એ જ વાત કચ્છી ભાષામાં એ જ ઢબથી, એ જ અર્થ સાથે ચોવક પણ કહે છે: “વિઈ તિથિ ભ્રાયણ પ ન વાંચેં વિઈ તિથી’ બે શબ્દોનો સમૂહ છે જેનો અહીં અર્થ થાય છે: ‘વીતી ગયેલી તિથિ.’ ‘ભ્રાયણ’એટલે બ્રાહ્મણ અને ‘પ’ એકાક્ષરી શબ્દનો અર્થ થાય છે: પણ.