ઈન્ટરવલ

ચોવક કહે છે: આદર્યાં કામ અધૂરાં ન છોડાય

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

ઘણા લોકો સ્વભાવના શાંત અને શીતળ હોય છે. એ ગુણ પણ છે અને અવગુણ પણ છે. કહેવાય છે કે, વણિક (વાણિયા)માં એ ગુણ હોય છે, પણ તેમના શાંત કે શીતળ સ્વભાવનો ભાગ્યે જ કોઈ ગેરલાભ લઈ શકે! ભવાઈયો પણ વાણિયાનો વેશ કાઢે તો પણ અસ્સલ વાણિયો તો ન જ લાગે! એક ચોવક છે, જેમાં ‘વાણિયો’ શબ્દ એક પ્રતીક માત્ર છે. ચોવક છે: “વાણીયેં જો વંગ, કેર ન કઢે? હવે આ ચોવકનો સીધો અર્થ એ થાય છે કે: વાણિયાનો વાંક કોણ ન કાઢે? ‘વંગ’ શબ્દનો અર્થ થાય છે: વાંક, ‘કેર’ એટલે કોણ અને ‘કઢે’ એટલે કાઢે. ચોવકના અર્થની વિષમતા અને વિલક્ષણતા જુઓ! શાંત અને શીતળ સ્વભાવ ધરાવતા વાણિયાનો વાંક હર કોઈ કાઢે! કારણ કે એની મીઠી જબાનમાં કોઈપણ લપસી જાય છે. પણ આ ચોવકમાંનો જે ભાવ છે તે એવો અર્થ સૂચવે છે કે, શીતળ સ્વભાવની વ્યક્તિનો ગેરલાભ લેવો!

એક બહુ સરસ અર્થ ધરાવતી ચોવક છે: “વા બુકે સેં વડા ન થીયા જે શબ્દાર્થ છે: માત્ર હવામાં જાવાં નાખવાં કે હવાતિયાં માર્યા કરવાથી મોટા ન થવાય. આ અર્થમાં જે ‘મોટા ન થવાય’ની વાત છે તેના પણ એકથી વધારે અર્થ છે. કંઈ ન વળે, કંઈ હાથમાં ન આવે કે કંઈ ન મળે, પૈસાદાર ન થવાય, સપનાં સાકાર ન થાય, જોઈતી ઉપલબ્ધિ ન મળે… વગેરે, વગેરે… ‘વા બુકે સેં’ ત્રણ શબ્દોનો સમૂહ છે, જેનો અર્થ થાય છે: હવામાં હાથ મારવા! ‘વડા’ એટલે મોટા ‘ન થીયા જે’ એ પણ ત્રણ શબ્દો છે જેનો અર્થ થાય છે: ન થવાય. પણ ભાવાર્થ તો એ થાય છે કે: પરિશ્રમ એળે જવો, કંઈ પણ ન પામવું!

વણિક જનોના ગુણ અને કુનેહ કે કુશળતા દર્શાવતી આ ચોવક માણજો મિત્રો: “વાણિયો ન વો તડેં લંકા વિઈ. ‘ન વો’ એ બે શબ્દો છે, જેનો અર્થ થાય છે: નહોતો. ‘તડેં’ એટલે ત્યારે. ‘વિઈ’નો અર્થ થાય છે: (હાથમાંથી) ગઈ! લંકા? અહીં ‘સોનાની લંકા’ એવો અર્થ કાઢવો જ જરૂરી છે. આ લંકા શબ્દમાં જ ચોવકનો સાર સમાયેલો છે! ચોવક કહેવા એમ માગે છે કે, જ્યારે કોઈ મોટો લાભ થવાનો હોય (લંકા) તેવાં મહત્ત્વનાં કાર્યમાં કે, તે અંગેનો નિર્ણય લેતી વખતે જો જવાબદાર વ્યક્તિની ગેરહાજરીના કારણે જો ખોટ કે નુકસાન કે મોટા લાભની તક ગુમાવવી પડે!

આદર્યાં કાર્યો અધૂરાં ન મૂકવાની શીખામણ આપતી એક ચોવક પ્રચલિત છે: “વણ જિતરા વઢીયોં ઈતરા ઢે઼ડણા પેં અહીં ચોવકમાં જે પહેલો જ શબ્દ ‘વણ’ પ્રયોજાયો છે તેનો અર્થ થાય છે: ઝાડ કે વૃક્ષ. ‘જિતરા’ એટલે ‘જેટલાં’, ‘વઢીયોં’નો અર્થ છે: વાઢીએં કે કાપીએં. ‘ઈતરા’ એટલે એટલા. ‘ઢે઼ડણા’નો અર્થ થાય છે: ઢસેડવાં ‘પેં’ એટલે પડે. ઝાડ કે વૃક્ષ જેટલાં કાપીએં એ બધાં ઢસેડવા જ પડે! એક થી વધારે ભાવાર્થ ધરાવતી આ ચોવકનો પહેલો ભાવાર્થ એ છે કે, “આદર્યાં કામ પૂરાં કરવાં જોઈએ, અને બીજો ભાવાર્થ એ પણ થઈ શકે છે કે, ‘વાવો તેવું લણો’, ‘કર્મનાં ફળ ભોગવવાં પડે’ ‘જેવું કરો તેવું પામો. વગેરે..
એજ વૃક્ષને પ્રતીક બનાવતી બીજી ઘણી ચોવકો છે પણ આ ચોવક: “વણ-વણ, કણ-કણ થિઈ વ્યો વૃક્ષો કપાઈ જાય પછી જંગલ બરબાદ થઈ જાય તેમ જીવનમાંથી વૃક્ષોની માફક સુખની હરિયાળી સુકાઈ જાય ત્યારે જે સ્થિતિ સર્જાય છે, તે સ્થિતિની વાત કરે છે આ ચોવક! ‘વણ-વણ’ એટલે વૃક્ષો, ‘કણ-કણ’ ધૂળમાં મળી જવું કે‘ધૂળ-ધાણી’ થઈ જવું મતલબ કે અસહ્ય બરબાદી થઈ જવી. પછી એ જંગલની હોય છે જીવનની!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button