તુખ્મે તાસીર’નો અર્થ સમજાવે છે ચોવક
કચ્છી ચોવક – કિશોર વ્યાસ
ઘણા ગુણો વારસામાં આવતા હોય છે, તેમ ઘણા દુર્ગુણો પણ આવતા હોય છે. ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘વંશ તેવો વેલો’… આપણે સૌ એ કહેવત અને તેના અર્થથી સારી પેઠે પરિચિત છીએં. કચ્છી ચોવક એ રીતે રચાઈ છે કે, જેમાં સંગત-સોબત અને વંશને પણ આવરી લેવાયાં છે. ચોવક છે: “સોબતેં અસર, તુખમ તેડી તાસીર ‘સોબતેં’નો અર્થ થાય છે: સંગત કે સોબત અને અસર એટલે અસર કે પ્રભાવ. ‘સંગ તેવો રંગ’ કહેવતની જેમ જ! અને ‘તુખમ’ શબ્દનો અર્થ થાય છે: ખાનદાન, વંશ અને ઉર્દૂમાં કહીએ તો ‘તુખ્મે તાસીર’! ‘તેડી’ શબ્દનો અર્થ થાય છે: તેવી. ‘તાસીર’ એટલે સ્વભાવ, રીતભાત, ગુણ કે પછી અવગુણ! હવે અર્થ બહુ સ્પષ્ટ થઈ ગયો છે, જેનો ભાવાર્થ છે: સોબતની અસર થવી અને ખાનદાન કે વંશનાં ગુણ-અવગુણનો પ્રભાવ!
ગુજરાતીમાં એક કહેવત છે: સોના કરતાં ઘડામણ મોંઘું! કચ્છીમાં ચોવક છે: “સોન કનાં ઘડામણી મોંઘી ‘સોન’ એટલે સોનું’ ‘કનાં’ શબ્દનો અર્થ થાય છે: કરતાં અને ‘ઘડામણી’ એટલે ઘડામણી. ‘મોંઘુ’નો અર્થ પણ અહીં મોંઘું જ થાય છે. ચોવકના કહેવાનો મતલબ એ જ છે કે, મૂળ વસ્તુ કરતાં તેના પર જાળવણી કે બનાવટનો ખર્ચો વધારે થવો.
ઘણા લોભી માણસોને લોભ કરતાં પણ બરાબર આવડતું હોય છે અને પરિણામે લોભ કરતાં કરતાં એ શ્રીમંત બની જાય છે, પણ ઘણા તો એ બાબતમાં પણ કાચા સાબિત થાય છે. જેમકે ‘અતિ લોભ એ પાપનું મૂળ’ આ ગુજરાતી કહેવતના ઊંડા અર્થમાં ન જતાં આપણે તેવા જ અર્થમાં બનેલી ચોવક માણીએં. ચોવક છે: “શેઠ, તણાંણા કીં? ત ચેં લોભેં લોભેં શેઠ શબ્દ ખરેખર શેઠ હોય તેના માટે પણ પ્રયોજાય છે.
શેઠનો દેખાવ કરનાર માટે પણ પ્રયોજાય છે અને માનાર્થે પણ પ્રયોજાય છે. એવા એક શેઠને જ્યારે નુકસાની ભોગવવાનો સમય આવ્યો ત્યારે કોઈએ પૂછયું: શેઠ, કેમ આવું થયું? (શેઠ, તણાંણા કીં?) તો તેમણે જવાબ આપ્યો ‘લોભેં લોભેં’ (અતિ લોભના કારણે) જ્યારે લોભ કરતાં નુકસાની વેઠવી પડે ત્યારે આ ચોવક વપરાય છે.
એક સુંદર મજાની ચોવક છે: “સોભા ઈતરી ઓભા અહીં પણ ‘સોભા’ એટલે ‘શોભા’ અને ‘ઈતરી’ એટલે એટલી કે જેટલી, અને ‘ઓભા’નો અર્થ થાય છે: ઉપાધી! હવે, શબ્દાર્થ જોઈએ તો: વધારે શોભા કરવાથી શોભિત નથી થવાતું. પરંતુ જેટલી શોભા વધારવામાં આવે તેટલી તેને જાળવી રાખવાની જવાબદારી વધે. મતલબ એ થાય છે કે, વધારે શોભા કરવાથી શોભાની મજબૂતાઈ કે કાયમી સ્વરૂપ જળવાઈ નથી રહેતું! અહીં માત્ર ગમ્મત ખાતર ‘સ્ત્રીઓના પ્રાસંગિક મેક અપ અને શણગાર’નું ઉદાહરણ લઈ શકાય!
સોનાની આગળ આપણે વાત કરી તો, સોનાને આવરી લેતી એક બીજી ચોવકનું પણ સ્મરણ થયું છે. તમને ગમશે, કારણ કે આપણે સૌ તેના અર્થથી પરિચિત છીએં. ચોવક છે: “સોનજી જાર પાણીમેં ન વિજા જે ‘સોન’ અને ‘જી’ એ બે શબ્દોને સાથે લેવા જરૂરી છે, અને તેનો અર્થ થાય છે: સોનાની ‘જાર’ એટલે ‘જાળ’ અને ‘ન વિજા જે’ એ ત્રણ શબ્દોનો અર્થ થાય છે: ન નખાય. આખો અર્થ ગુજરાતી કહેવતમાં સમાવિષ્ટ છે: સોનાની જાળ પાણીમાં ન નખાય! ભાવાર્થ એવો થાય છે કે, દરેક વસ્તુનો ઉપયોગ યોગ્ય જગ્યાએ જ થવો જોઈએ.
સગાવાદની વાત કરતી એક ચોવક છે: “સૂઈ સગે કુરા તણેં ‘સૂઈ’ એટલે સોય. ‘સગે કુરા તણે’એ ત્રણ શબ્દોના સમૂહનો અર્થ થાય છે: સગા તરફ તણાય. ‘કુરા’ એટલે બાજુ અને ‘તણે’ એટલે તણાય! સોયની ગતિ ટેભા તરફ હોય છે! સોયનાં સગાં તો કાપડ કે તેમાં પરોવાયેલો દોરો જ હોય છે! રૂપક સ્વરૂપમાં રચાયેલી આ ચોવક ‘સગાવાદ’ તરફ આંગળી ચિંધે છે!