ઈન્ટરવલ

ચોવક સમજાવે છે: સોઈ પાછળ દોરાનો અર્થ

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

આપણે સમાજમાં કોઈ વ્યવહાર કરતી વખતે હંમેશાં પરંપરાથી ચાલી આવતી ઘરેડ અપનાવી લેતા હોઈએ છીએ. એમ શા માટે આગળથી ચાલ્યું આવતું હશે? એવું મોટાભાગે વિચારતા નથી. તમને કહું? એ બાબત ‘સોઈ પાછળ ચાલ્યા આવતા પરોવાયેલા દોરા’ સમાન છે! એટલે ચાલી આવતી પરંપરાના કારણ શોધતાં આપણે ‘સોઈમાં દોરો કોણે પરોવ્યો?’ તેની શોધ કરવી પડે! અને એટલે જ કચ્છીમાં એક ચોવક પ્રચલિત છે કે, “સૂઈ પુઠીયા ડોરો. ‘સૂઈ’ એટલે સોઈ કે સોય અને ‘પુઠીયા’નો અર્થ થાય છે: પાછળ. ‘ડોરો’ એટલે દોરો!

ઘણા માણસો દેખાવે જ હિંમતવાન લાગે. તેમનો રૂવાબ જ એવો હોય કે જાણે બહાદૂર વ્યક્તિ હોય, પણ ઘણી વખત હકીકત કંઈક જુદી જ હોય છે. એ નકલી પ્રતિભા માટે એક મસ્તમજાની ચોવક છે: “સીંગૂ સીંગૂ થો઼ડા, રબક ધબક બોરો અહીં ‘સીંગૂ સીંગૂ’ એક શબ્દ બે વખત પ્રયોજવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે ‘બહાદૂર’ કે આક્રમક. અને તમારા સૌ માટે નવો શબ્દ છે: ‘રબક ધબક’ જેનો અર્થ થાય છે: દેખાવ કે ‘ડારો ડફાળો’! મતલબ કે, કોઈ દેખાય છે, તેવું નથી! માત્ર દેખાવ છે, જે હકીકત નથી!

એક અદ્ભુત ચોવક છે: “સિજ઼ સઉંત ગિરો જખ મારીં. હજુ પણ સમાજમાં લગ્ન વખતે યુવક-યુવતીના ગ્રહો જોવામાં આવે છે. કેટલાક ‘કાઉન્ટ મળતા હોવા જોઈએ તેવો આગ્રહ રખાય છે. એક તરફ ગ્રહદશા તપાસાતી હોય છે. તો બીજી તરફ યુવકના પરિવારનું સામાજિક સ્થાન, આર્થિક શક્તિ જોવાતાં હોય છે. એજ રીતે યુવતીની પારિવારિક, સામાજિક કે પરિવારની આર્થિક કુંડળી પણ મંડાતી હોય છે, જ્યારે કોઈ સમાધાન સાધી લેવાનો સ્ટેજ આવે ત્યારે એમ કહેવાય કે, આટલું તો ચાલે! બસ, એજ વાત ઉપરોક્ત ચોવક કહેવા માગે છે: “સિજ઼ સઉંત ગિરો જખ મારીં અહીં પ્રથમ શબ્દ સમૂહ પ્રયોજાયો છે: ‘સિજ઼ સઉંત’, જેનો અર્થ થાય છે કે ‘સૂર્ય દશા સારી’. ‘ગિરો’ એટલે ગ્રહ. ‘જખ મારી’નો અર્થ થાય છે: જખ મારે! મતલબ કે તેની ચિંતા કરવાની જરૂર ન હોય!

હવે ચોવકનો શબ્દાર્થ છે: જેની સૂર્યદશા સારી હોય તેને અન્ય ગ્રહોના નડતરની ચિંતા ન કરવી. પણ, ભાવાર્થ એ છે કે, કોઈપણ પ્રકારનો નિર્ણય લેતી વખતે જો મૂળ બાબત બરાબર જણાય તો, નાની મોટી અધૂરાશોને પહોંચી વળાય!

સૂરજની વાત આવી તો ગુજરાતી કહેવત યાદ આવી: સૂરજ છાબડે ઢાંક્યો ન રહે. તો વળી ચોવક એમ કહે છે કે: “સિજ઼ કે થંભ ન અચે અહીં ‘સિજ઼’નો અર્થ થાય છે: સૂરજ. ‘કે’ એટલે ‘ને’ અને ‘થંભ ન અચે’ એ શબ્દોના સમૂહનો અર્થ થાય છે: ‘રોકી ન શકાય’ ચોવકનો શબ્દાર્થ છે: સૂરજને કોઈ રીતે રોકી ન શકાય, પરંતુ ભાવાર્થ એ છે કે: કોઈ રોકી ન શકાય તેવી ઘટના, જે બનીને જ રહેવાની!

કોઈ કાર્ય પૂરું કરવાના ધ્યેય માટે પણ સૂર્યને, ચોવકમાં પ્રતીક બનાવાયું છે. ચોવક છે: “સિજ઼ ખુટે કાં બિજ ખુટે ‘સિજ઼ ખુટે’ એ બે શબ્દના સમૂહનો અર્થ થાય છે: સૂર્ય વિદાય લે અને ‘કાં’નો અર્થ થાય છે: તો. ‘બિજ ખુટે’ મૂળ અર્થ ‘બીજ ખુટે’ તેવો થાય પરંતુ અહીં તે કાર્યપૂર્તિ માટે પ્રયોજાયો છે. અર્થ એવો થાય છે કે: જ્યાં સુધી સૂર્ય છે, ત્યાં સુધી કાર્યસિદ્ધિ માટે મથતા રહેવું. ભાવાર્થ પણ એ જ છે કે, ‘કામ પૂરું કરવાનું ધ્યેય’!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button