ઈન્ટરવલ

ઘાસને ધરતીનો પહેલો પુત્ર ગણાવે છે ચોવક

કચ્છી ચોવક – કિશોર વ્યાસ

આજના સમયમાં યુવાનો અને યુવતીઓમાં સહન શક્તિનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. કોર્ટમાં ભરાતા છૂટાછેડાના કેસોનું વધતું પ્રમાણ તેની સાક્ષી પૂરે છે. વાતે વાતેે રિસાઇને પિયર ચાલ્યા જવું તેમાં પણ બહુ સમજદારી હોય તેવું પણ મને લાગતું નથી. એવી યુવતીઓને શીખામણ આપતી એક બહુ સરસ ચોવક પ્રચલિત છે: ‘ધણીજી રુખી માંની, પે જી પાલખીનું ખાસી ‘ધણીજી’નો અર્થ થાય છે. પતિની ‘રુખી માની’ એટલે સૂકો રોટલો અને ‘પેજી’નો અર્થ છે: પિતાની! શબ્દાર્થ સરળ છે: પિતાના ઘરની પાલખીનો સુખ કરતાં, પતિના ઘરનો સૂકો રોટલો સારો! ટૂંકમાં પરણ્યા પછી પિયરવાસ કરતાં સાસરવાસ જ સારો.
યાદ આવે છે? રામાયણમાં અશોક વાટિકામાં રહેતાં સીતાજીએ રાવણને પોતાનાથી દૂર રહેવાની ધમકી આપતાં ઘાસનાં એક તણખલાંની આણ આપી હતી! કારણકે એ ધારદાર તણખલું સીતાજીના ભાઇ સમાન હતું. સીતાજી ધરતી પુત્રી હતાં અને તણખલાં વાળું ઘાસ પણ ધરતીમાં જ પેદા થયું હતું. એટલે જ ચોવક બની છે: “ધરતી જો પેલો પુતર ઘા ‘ધરતી જો’ એટલે ધરતીનો અને ‘પેલો પુતર’નો અર્થ થાય છે: પહેલો પુત્ર ‘ઘા’ એટલે ઘાસ ચોવકનો સરળ અર્થ થાય છે: ધરતીનો પહેલો પુત્ર ઘાસ એ ઘાસનાં તણખલાંના કારણે રાવણ, સીતાજીથી દૂર રહ્યો હતો’
આપણે ગુજરાતીમાં ઘણીવાર બોલતાં હોઇએ છીએ કે, ‘બળુકાના બે ભાગ’ એવો જ અર્થ ધરાવતી ચોવક પણ બનેલી છે. ચોવક છે: ‘ધીંગે જી ધરા નેં, બરૂકે જી બાય ડી જમીન પર આધિપત્ય વધારવા થતી લડાઇઓનો ઇતિહાસ દૂર નથી! હજુ પણ એ દૃષ્યક્રિયા ચાલુ જ રહી છે. બળવાન હોય તે જમીન પડાવી લે, પચાવી પાડે! ગમતી સ્ત્રીઓને પરણવા માટે પણ કસોટીઓ થતી! તેનો પડઘો આ ચોવકમાં પડ્યો છે. પણ… ‘ધીંગે જી‘ એટલે ‘બળુકાની’ ‘ધરા’ એટલે જમીન અને ‘બરૂકે જી’નો અર્થ ‘બળુકાની’ ‘ધરા’ એટલે જમીન અને ‘બરૂકે જી’નો અર્થ થાય છે: બલવાનની, ‘બાયડી’ એટલે સ્ત્રી. અર્થ એવો થાય છે કે: જે બળુકો હોય તે ફાવે!
સાસરે વળાવેલી દીકરી સુખી હોય તો તેનાં માવતરને તેનાથી વિશેષ જીવનનો ‘રાજીપો’ ન હોય, પણ સુખી દેખાતી દીકરીનું ઘર બીજી બધી રીતે સારું હોય પણ મૂળ જરૂરિયાતોનો જ અભાવ રહેતો હ ોય એવી દીકરીના મા-બાપના કપાળે કરચલીઓ વધારે જોવા મળતી હોય છે. ચોવક છે: “ધી સુખીયાણી ય ગંધી માંની જી ત્રાંણ ‘ધી’ એટલે દિકરી. સુખીયાણીનો અર્થ થાય: સુખી. ‘ગંધી માંની જી ત્રાંણ’ આ શબ્દ સમૂહનો અર્થ થાય છે: પહેરવા-ઓવા અને ખાવા-પીવાની તકલીફ! ‘ત્રાંણ’ શબ્દનો અર્થ થાય છે અછત, કે તકલીફ.
ભાગ્યમાં લખ્યું હોય એવું અને એટલું જ સુખ મળતું હોય છે ચોવક કહે છે: “ધોડ્યા ધન ન થીયેં, ઇચ્છયા પુતર ન થીયેં ‘ધોડ્યા ધન’ એટલે ધન પાછળ દોટ મૂકવી અને ‘ઇચ્છતા પુતર’ એટલે કે ઇચ્છા મુજબ પુત્રની પ્રાપ્તિ, ‘નથી યેં’ એટલે કે ન થાય. મૂઠી વાળીને દોટ મૂકવાથી ધન પ્રાપ્તિ નથી થતી એ બધું સુખ ભાગ્ય પ્રમાણે મળતું હોય છે.
એક અસરકારક ચોવક અહીં મૂકું છું: ‘પર કમાય ત પુતર કેર ગુરે?’ ‘પર કમાય’ પારકાની કમાણી અને ‘કેર ગુરે?’ એટલે કોણ માગે? જો પારકાની કમાણીથી ચાલતું હોય તો, ઇશ્ર્વર પાસેથી બુઢાપાની લાકડી સમાન પુત્ર કોણ માગે? સંદર્ભમાં ગુજરાતી કહેવત મૂકી શકાય: પારકી આશ, સદા નિરાશ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button