ઈન્ટરવલ

શક્તિનું માપ પણ બતાવે છે ચોવક

કચ્છી ચોવક – કિશોર વ્યાસ

સાચા સંબંધી કોને કહેવાય? એને, કે જે એક બીજાની પરસ્પર કાળજી રાખે? આવા સંબંધો અને ફરજ પ્રત્યે અંગુલિ નિર્દેશ કરતી ચોવક બહુ પ્રચલિત છે. ચોવક છે: “સગ઼ે જી સૉજ ન્યારે સે સગ઼ો શબ્દાર્થ છે: સગાંની સગવડનું ધ્યાન રાખે એજ સાચા સગા કહેવાય. ‘સગ઼ે’ શબ્દનો અર્થ થાય છે: સગા (અહીં સંબંધમાં જે વેવાઈ હોય તે અર્થ વધારે અભિપ્રેત છે) ‘જી’ એટલે: ની. ‘સૉજ’નો અર્થ થાય છે: સગવડ. ‘ન્યારે’ એટલે જુએ. ‘સે’ એટલે: તે. અન્ય સંબંધોની માફક વેવાઈઓએ પરસ્પર એક બીજાની સગવડ સાચવવી જરૂરી હોય છે.

એક બહુ મજાની શીખામણ આપણી ચોવક છે: “સનૂં ડિસી સધ ન કજ઼ે જાડો ડિસી ધ્રિજ જે ન શક્તિનું માપ દર્શાવતી આ ચોવક છે. શબ્દાર્થ જોઈએ તો ‘સનૂં’ના ઘણા અર્થ થાય છે. સનૂં એટલે ઝીણું, પાતળું એકવડિયા બાંધાવાળું અને દુર્બળ કે નિર્બળ. ‘ડિસી’નો મતલબ છે: જોઈને. ‘સધ ન કજ઼ે’ આ ત્રણ ટૂંકાક્ષરી શબ્દ સમૂહનો અર્થ થાય છે: પડકાર ન ફેંકવો. આમતો ‘કજે’ શબ્દનો અર્થતો ‘કરવું’ એવો થાય છે. આ અડધી ચોવકનો અર્થ થયો: પાતળા બાંધા વાળી વ્યક્તિ જોઈને પડકાર ન ફેંકવો. ત્યાર પછી શબ્દ આવે છે: જાડો. જાડો એટલે જાડો, તંદુરસ્ત, મલ્લ જેવો લાગતો. ‘ધ્રિજ જે ન’ આ ત્રણ શબ્દનો મતલબ છે: ડરવું નહીં, ‘ધ્રિજ જે’ એટલે ડરવું. હવે આખી ચોવકનો શબ્દાર્થ જોઈએ તો: પાતળા બાંધાવાળી વ્યક્તિ જોઈને (લડવા માટે) પડકાર ન ફેંકવો અને જાડા નરને જોઈને ડરવું નહીં! ભાવાર્થ એવો થાય છે કે: શરીરનો બાંધો જોઈને કોઈની શક્તિનો અંદાજ ન બાંધવો જોઈએ.

એક ચોવક એવી છે, જે કહે છે કે: “સસ્તો ઈતરો મોંઘો, મોંઘો ઈતરો સસ્તો ‘સસ્તો’ એટલે સસ્તો! ‘ઈતરો’નો અર્થ થાય છે ‘એટલું કે એટલો’. મોંઘો એટલે મોંઘો. એજ ત્રણ શબ્દોનો ફરીથી પ્રયોગ કરવામાં આવ્યો છે, પણ શબ્દના ક્રમ બદલાવીને! શબ્દાર્થ છે: જેટલું સસ્તું એટલું મોંઘું અને જેટલું મોંઘું એટલું સસ્તું! બહુ સ્વાભાવિક છે કે, સસ્તી ચીજ વધારે ન પણ ટકે અને મોંઘી વસ્તુનું આયુષ્ય લાંબું પણ હોઈ શકે!

સસ્તા શબ્દનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે એટલે બીજી ચોવક સ્મૃતિમાં સળવળે છે. ચોવક છે: “સસ્તો મૂલઈ ભુખ ન મરે અહીં ‘મૂલઈ’ શબ્દનો ઉપયોગ થયો છે, જેનો અર્થ થાય છે: મજૂર. ‘ભુખ ન મરે’ આ ત્રણ શબ્દના સમૂહનો અર્થ થાય છે: ભૂખે ન મરે. ચોવકનો શબ્દાર્થ છે: જેની મજૂરી સસ્તી હોય તે મજૂર ક્યારેય ભૂખ્યો ન રહે. કારણ કે તેને કામ મળી જ જાય છે. સસ્તો મજૂર હંમેશાં સમય વરતીને કામ સ્વીકારી લે છે. લો, એ મતલબની પણ એક ચોવક છે: “સમય વરતે સાવધાન. એવું ગુજરાતીમાં પણ કહેવાતું હોય છે. શબ્દાર્થ સરળ છે, જાણે ગુજરાતી શબ્દોજ વાંચીએં છીએં! પણ ચોવકનો ભાવાર્થ એવો થાય છે કે, સમય પારખીને વ્યવહાર કરવો જોઈએ!

સામાન્ય રીતે આપણે સમાજમાં મિત્રતા બાંધતી વખતે કે કોઈ સંબંધ બાંધતી વખતે સામી વ્યક્તિ સજ્જનતા કરતાં આર્થિક તાકાતને વધારે પસંદ કરતા હોઈએ છીએં! ખરુંને? પરંતુ સમજદારી એ છે કે, આર્થિક તાકાત જોવા કરતાં વ્યક્તિની સજ્જનતાનો ગુણ ધ્યાનમાં લેવો જોઈએ. ચોવક કહે છે કે, “સજણેં જી સો઼ડ ખાસી શબ્દનો અર્થ થાય છે: ‘સજણેં જી’ (આ બે શબ્દોનો સમૂહ છે)નો અર્થ થાય છે, સજ્જનની. સજ્જન શબ્દની સાથે એ શબ્દ સમૂહને કચ્છીમાં વળી ‘સાલખ’ શબ્દથી મૂલવવામાં આવે છે. ‘સાલખ’ શબ્દનો અર્થ થાય છે: સાક્ષર, જ્ઞાની કે કવિ. ‘સો઼ડ’ શબ્દનો અર્થ થાય છે: સહવાસ. ‘ખાસી’ એટલે સારી. ભાવાર્થ એવો થાય છે કે, સજ્જનનો સહવાસ હંમેશાં સારો! સમાજમાં એવા માણસોનું માન અદકેરું હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button