ચોવક કહે છે: કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ
ના ભાગ્યે દોડતું આવે, ના વિશ્ર્વાસે કદી રહેજે! યાદ આવે છે? આવી કોઈ કવિતા એક જમાનામાં અભ્યાસક્રમમાં આવતી. ભાગ્યના ભરોસે હાથ જોડીને બેસી ન રહેવાય! કર્મ કરવાં પડે. કમાવા માટે કામ કરવાં પડે. આપણી ઉચ્ચ લાયકાત હોય છતાં પણ આર્થિક ઉપાર્જન માટે, જે કામ પહેલું કે વહેલું મળે ત્યાંથી મંગલાચરણ કરવાં જોઈએ. આટલું કહેવા માટે કચ્છીમાં એક ચોવક છે: “વિઠે કનાં ભૅગાર ભલી. ‘વિઠે’ શબ્દનો અર્થ થાય છે: બેઠા રહેવું અને ‘કનાં’ એટલે કરતાં. ‘ભૅગાર’નો અર્થ થાય છે: મજૂરી (જે પણ કામ મળે તે).‘ભલી’ એટલે સારી. મતલબ કે બેઠા રહેવા કરતાં જે કામ મળે તે સ્વીકારી લેવું. ભાવાર્થ પણ એજ સંદર્ભ દર્શાવે છે કે, ‘કંઈક તો કામ થાય’! કંઈક તો કમાણી થાય! કંઈ ન કરતાં, સારાં કે લાયકાત મુજબનાં કામની રાહ જોતાં હાથ જોડીને બેઠા રહીએં તો, તો હાડકાં હરામનાં થઈ જાય, પછી લાયકાત મુજબનું કામ મળે તો પણ, કામ કરવાનું મન ન થાય! એવી રાહ જોઈએ કે, આનાથી પણ સારું કામ મળશે! એવી રાહ જોતાં બેસી ન રહેવું જોઈએ તેવી શીખામણ આ ચોવક આપે છે!’
અદ્ભુત અર્થ ધરાવતી એક ચોવક બહુ જ પ્રચલિત છે. ચોવક છે: “વાણ વામાજે તડેં, કરાણી પામે. આમ તો અહીં આપણે શરૂઆતની જે ચોવકનો આસ્વાદ માણ્યો, તેના અર્થને સ્પર્શતી જ આ ચોવક છે. ગુજરાતી વાચકો જ નહીં પણ કચ્છી વાચકો માટે પણ તેમાં પ્રયોજાયેલા શબ્દો અજાણ્યા છે. તો, ચાલો શબ્દોની નજીક જઈએ અને ઓળખીએં! પહેલો જ શબ્દ છે: ‘વાણ’, જેનો અર્થ થાય છે: ખાટલો ભરવાની સીંદરી કે વહાણ! બીજો શબ્દ છે: ‘વામાજે’ એટલે કે મપાય, ‘તડેં’નો અર્થ થાય છે: ત્યારે. ‘કરાણી’ શબ્દનો અર્થ અહીં મહેનતાણું કરાશે અને ‘પામે’ એટલે મેળવે! ‘વાણ’ના પહેલા અર્થ સાથે જ ચોવકનો શબ્દાર્થ સમાયેલો છે. ખાટલા ભરવા માટે સીંદરીનો ઉપયોગ થતો, એ યાદ છે? ખાટલો ભરાતો જાય અને કેટલી સીંદરી તેમાં વપરાણી તેનાં માપ નીકળે (વામાજે) અને તેના પરથી જ મજૂરી કે મહેનતાણાંનો અંદાજ નીકળે!
‘વાણ’નો બીજો અર્થ થાય છે વહાણ. અહીં કિનારેથી છૂટેલું વહાણ કેટલું દૂર જાય છે, તેના પરથી તેમાંથી થનારી આવકનો અંદાજ કાઢવામાં આવે છે! વળી નિષ્ણાતો એ ચોવકનો ભાવાર્થ એવો કાઢે છે કે, કંઈક મેળવવા કંઈક ગુમાવવું પણ પડે!
ઘણા લોકોમાં બિનઅસરકારક જિદ્દ હોય છે. એવી પૂરેપૂરી આશંકા હોય કે, આમ કરવાથી ગુમાવવું પડશે, તેમ છતાં એ પોતાની જિદ્દ પર અડગ રહે છે અને જ્યારે નુકસાનીના ખાડામાં પગ પડે ત્યારે અફસોસ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો… તો, ચોવક છે: “વાર્યા ન વરેં, ઉ હાર્યા વરેં. અહીં જે ‘વાર્યા’ શબ્દ છે તેનો અર્થ થાય છે: સમજાવ્યા. ‘ન વરેં’ એ બે શબ્દોનો સમૂહ છે જેનો અર્થ થાય છે: ન સમજે. ‘ઉ’ એટલે તે અને ‘હાર્યા વરેં’ એ બે શબ્દનો અર્થ થાય છે: ગુમાવ્યા પછી સમજ પડવી! શબ્દાર્થ જોઈએ તો: જે સમજાવ્યા ન સમજે એ પછડાટ ખાધા પછી આપોઆપ સમજે. ભાવાર્થ એવો થઈ શકે કે: સમજવાનો સમય વિતી ગયા પછીની પછડાટનો અફસોસ!
કોઈ પાસે બહુ મોટી આશા લઈને ગયા હોઈએં અને એ આશા-અપેક્ષા સફળ કે પૂરી ન થાય ત્યારે વિલા મોઢે પાછા ફરવું પડે, એ દશા વર્ણવતી પણ એક ચોવક કચ્છી ભાષામાં પ્રયોજાય છે. ચોવક છે: “વ્યો જંતર વજાઈંધો, ‘વ્યો’ શબ્દનો અર્થ થાય છે: ગયો પણ અહીં ‘પાછો ફર્યો’ એ અર્થ યોગ્ય છે. ‘જંતર’ એક વગાડવાનું વાજિંત્ર અને ‘વજાઈંધો’ એટલે વગાડતો. મતલબ ‘જેવો આવ્યો હતો તેવો જ (ખાલી હાથે) ગયો! કામ થયા વગર જ પાછા ફરવું.