ઈન્ટરવલ

દોસ્તીનો હાથ લંબાવીને ચીને ફરી દગો કર્યો

ચીને બ્રહ્મપુત્રા નદી પર જે વિશ્વનો સૌથી મોટો બંધ બાંધવાનો પ્રકલ્પ શરૂ કર્યો છે એ આપણા માટે ‘વોટર બૉમ્બ’ પુરવાર થઈ શકે!

પ્રાસંગિક -અમૂલ દવે

બ્રહ્મપુત્રા નદી પર વિશ્ર્વનો સૌથી મોટો બંધ બાંધવાની ચીનની ખતરનાક યોજના ચીનની આંખ ખૂલશે? ચીન બ્રહ્મપુત્રા નદી પર વિશ્ર્વનો સૌથી મોટો બંધ બાંધવા માગે છે, પરંતુ આને લીધે પ્રકૃતિને ભારે હાનિ પહોંચશે. ચીન તિબેટમાં આ ડેમ બાંધવા માગે છે, પરંતુ ત્યાં મંગળવારે આવેલા ભૂકંપે બતાડી આપ્યું છે કે પ્રકૃત્તિ સાથે ચેડાં કરવાથી ભારે કિંમત ચૂકવવી પડે છે. ચીન આમાંથી બોધપાઠ નહીં લે તો પ્રકૃત્તિ તેને પાઠ ભણાવશે. કૂતરાની પૂંછડીને ભોંયમાં દાટો તો વાંકીને વાંકી જ રહેવાની. વિસ્તારવાદી અને વિશ્વાસઘાતી ચીનનું પણ એવું જ છે. ચીનની કથની અને કરણીમાં કદી સુમેળ નથી હોતો. 2020માં સરહદ પર ભારત- ચીનના લશ્કરના જવાનો વચ્ચેની જીવલેણ અથડામણ બાદ 2024માં બરફ પીગળ્યો હતો. ચીન અને ભારતે બન્ને દેશો વચ્ચે વિશ્વાસ સ્થાપવાનાં પગલાં લીધા હતા. ભારતના જવાનોને પૂર્વ લદાખમાં 2020 ના સ્થાને પેટ્રોલિંગ કરવાની સમજૂતી બન્ને દેશો વચ્ચે થઈ હતી. સરહદ પરની તંગદિલી દૂર કરવાની પણ આમાં વાત હતી. આ સમજૂતીને પગલે ભારત – ચીન વચ્ચેના સંબંધ સામાન્ય થાય એવી આશા જાગી હતી, પરંતુ ચીનના ડીએનએમાં જ દગાખોરી, અવળચંડાઈ, લુચ્ચાઈ અને વિશ્વાસઘાત છે.

એ વખતે, ચીને એક નહીં, પરંતુ બે ઝાટકા ભારતને આપ્યા હતા. ચીને પહેલાં તો ભારત જેણે પોતાનો ગણે છે એ અકસાઈ ચીનમાં બે નવી કાઉન્ટિ બનાવવાની વાત કરી. બીજું, ચીને બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બાંધવાનો પ્રકલ્પ શરૂ કર્યો છે. આ બે આંચકાને લીધે ભારત હચમચી ગયું છે. હવે ભારતે સમજી લેવું જોઈએ કે ‘લાતો કે ભૂત બાતો સે નહીં માનતે હૈ…’. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારફતે ચીનને મેસેજ દેવાથી ખંધા ચીન પર કોઈ અસર નહીં થાય. નક્કર પગલાં લેવા પડશે. ભારતે મર્મસ્થાન પર ત્રાટકવું પડશે.. વેપારી સંબંધો પર પ્રહાર કરવો પડશે. સૂફિયાણી વાતો કરવાથી કશો અર્થ સરવાનો નથી. 2024ના છેલ્લા ત્રિમાસિકમાં ભારત અને ચીન વચ્ચે અનેક ઉચ્ચસ્તરીય બેઠકો થઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે 23 ઓક્ટોબરે લાંબા અંતર બાદ શિખર પરિષદ થઈ. ચીનના બે સ્વાર્થી પગલાંને લીધે બધું દળી દળીને ઢાંકણીમાં નાખવા જેવો ઘાટ સર્જાયો છે.

ભારતના વિદેશ ખાતાનાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જૈસવાલે એક આકરા નિવેદનમાં કહ્યું હતું કે ચીન હોટન પ્રાંતમાં બે નવી કાઉન્ટિ રચવાનો છે એ અમને મંજૂર નથી. ભારત કહે છે કે આ ક્ષેત્રોનો અમુક હિસ્સો ભારતના લદાખમાં આવે છે. ભારતે તિબેટ ક્ષેત્રમાં બ્રહ્મપુત્રા નદી જે ચીનમાં યાર લુંગ ઝામ્બોના નામે ઓળખાય છે એના પર ડેમ બાંધવા અંગે ચિંતા વ્યક્ત કરી.છે. ભારત કહે છે કે અમે પોતાના પ્રદેશ પર ચીની કબજાને કદી સ્વીકાર નહીં કરીએ. નવી કાઉન્ટિ બનાવવાથી ન તો ક્ષેત્ર પર પોતાનું સાર્વભૌમત્વ અંગેની ભારતની દીઘર્ર્કાલીન અને સુસંગત સ્થિતિ પર કોઈ અસર પડશે. ભારતે આ મુદ્દે રાજદ્વારી ચેનલથી પણ વિરોધ નોંધાવ્યો છે. ડેમની બાબતમાં ભારત કહે છે કે બ્રહ્મપુત્રા નદીના પાણી પર અમારો અધિકાર છે. એક નીચલા તટીય દેશ હોવાથી અમે નિષ્ણાતો અને રાજદ્વારી ચેનલના માધ્યમથી અમે ચીની હાઈડ્રો પ્રોજેક્ટ સામેનો વિરોધ નોંધાવ્યો છે.

જવાબમાં ચીન કહે છે કે તિબેટમાં હાઈડ્રો પ્રોજેક્ટ નાખવાથી પર્યાવરણ કે નીચેની તરફની પાણીની પૂર્તિ પર કોઈ ફરક નહીં પડે. ભારત સાથે બાંગ્લાદેશે પણ આની સામે વિરોધ નોંધાવ્યો છે. યારલુંગ ઝામ્બો નદી તિબેટમાંથી નીકળીને ભારતના અરુણાચલ પ્રદેશ અને આસામ જેવા રાજ્યોમાંથી નીકળીને બાંગ્લાદેશમાં થઈને બંગાળના ઉપસાગરમાં મળે છે. હવે આપણે સમજીએ કે ચીનનો આ હાઈડ્રો પ્રોજેકટ ભારત માટે ‘વોટર બૉમ્બ’ કેમ છે. આ પ્રોજેક્ટથી લાખો લોકોના જીવન, ગુજરાન અને પર્યાવરણ પર માઠી અસર પડશે. ચીન બ્રહ્મપુત્રા નદી જ્યાં યુ-ટર્ન લે છે ત્યાં ડેમ બાંધવા માગે છે. આ પ્રકલ્પથી 60,000 મેગા વોટ જેટલી ઊર્જા ઉત્પન્ન થશે. ચીને આ માટે મોટું જળાશય બાંધવું પડશે. વિજ્ઞાનીઓ કહે છે કે આટલા મોટા પ્રોજેક્ટથી ભૂકંપ આવી શકે. અહીં એ વાતની પણ નોંધ લેવી ઘટે કે આ આખા ક્ષેત્રની પ્લેટ ખરાબ છે અને અહીં વારંવાર ભૂકંપો આવે છે. એક વાર ડેમ બાંધી દીધા બાદ નદીનું પાણી કેટલું નીચે આવવા દેવું એની ચાવી ચીનના હાથમાં હશે. ચીન પાણીને રિલીઝ કરી નાખે તો ભારતમાં જબરદસ્ત વિનાશકારી પૂર લાવી શકે. આ ચીને ભારત પર ફેંકેલો વોટર બૉમ્બ જ હશે. બંધ 140 અમેરિકન ડોલરના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

આ બધી ચીની હરકતો ભારત સાથેના સંબંધો સુધારવા માટેની નથી. ચીન અક્સાઈ ચીનમાં પોતાની પકડ મજબૂત બનાવી રહ્યું છે. હોટેનમાં આ અગાઉ જ સાત કાઉન્ટિ છે અને હવે બે નવી કાઉન્ટિ બનાવવાની વાત થઈ છે. દરેક કાઉન્ટિને પોતાની વહીવટી રાજધાની હશે. ચીન પોતાના માળખાકીય ઢાંચો મજબૂત કરી રહ્યુ છે. વેપારતુલાની વાત કરીએ તો ભારત પર ચીન મોટી સરસાઈ ધરાવે છે. ભારત આમાં મોટી ખાધ ધરાવે છે. ભારતે ચીનથી મોટા પ્રમાણમાં થતી આયાત બંધ કરવી જોઈએ. ભારતમાં ઉત્પાદન ક્ષેત્ર ખતમ થઈ ગયું છે. મોટા ભાગનો સામાન ચીનથી આવે છે. જો ચીન અને પાકિસ્તાન બંને મોરચે ભારતને લડવું પડે તો શું થાય…? ભારતે આની પણ તૈયારી રાખવી પડે. આ માટે આપણે બધી રીતે સુસજ્જ રહેવું પડે. ભારતે આ માટે અમેરિકા, જાપાન, અને યુરોપના દેશો સાથે સારો ઘરોબો કેળવવો પડે.

અમેરિકાના ચૂંટાયેલા નવા પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અકલ્પનીય અને અકળ છે. ટ્રમ્પે ભારત અને ચીન પર ટેરિફ નાખવાની ધમકી આપી છે. અમેરિકા ભારતથી નારાજ લાગે છે. ભારતે અમેરિકાની નારાજગી ઝડપથી દૂર કરવી જોઈએ. ભારત અને અમેરિકાના સારા સંબંધ અહીં એક ડેટરન્ટ-નિરોધાકારી તરીકે કામ કરી શકે. જો ચીન અને અમેરિકા વચ્ચે વેપારયુદ્ધ ફાટી નીકળે તો ભારતે આનો લાભ ઉઠાવવો જોઈએ. જો ચીનના અમેરિકા સાથેના સંબંધો ખરાબ થશે તો તેને જખ મારીને તેના મોટા બિઝનેસ પાર્ટનર ભારત સાથે સંબંધો સુધારવા પડશે. ચીને હાલમાં જાપાન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે. દૂધના દાઝેલા ભારતે ચીન સાથેના સંબંધોમાં અતિશય સાવચેતી રાખવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button