ઈન્ટરવલ

ચહેરા મોહરા -પ્રકરણ: 7


પ્રફુલ્લ કાનાબાર

‘મા, સાચું બોલ મારો બાપ કોણ છે? એક વાર હું તારા મોઢે તેનું નામ સાંભળવા માગું છું.’ માની આંખમાં આંસુ તગતગ્યા. ત્યાં જ નશામાં ડોલતાં ડોલતાં બાપુ ઘરમાં આવી પહોંચ્યા. મા- દીકરાની વાત અધૂરી રહી ગઈ. દારૂના નશામાં બાપુનો લવારો ચાલુ હતો. આજ તો મૈ બહોત ખુશ હું…ગણપતની ઉધારીનું પૂરેપૂરું બિલ ચૂકવીને આજે રોકડા આપીને મેં દારૂ
પીધો છે.

દારૂના નશામાં ડોલતાં બાપુને જોઇને સોહમનો સોહામણો ચહેરો ગુસ્સાથી લાલ થઇ ગયો હતો. તેણે માની સામે જોયું. માના ચહેરા પર લાચારી દેખાતી હતી. માએ દીવાલ પર લગાવેલા ભગવાનના ફોટા સામે આજીજીપૂર્વક જોયું. સોહમના ચહેરા પર ફિક્કું સ્મિત ફરક્યું.. તે મનમાં જ બોલ્યો : જો, તારો ભગવાન પણ ચૂપ છે, કારણકે અમુક સમસ્યાઓનું સમાધાન ખુદ ભગવાન પાસે પણ નથી હોતું! સાંજના પાંચ વાગ્યા હતા. માએ પ્રાયમસ પર ચા મૂકી. બાપુ બહાર ઓટલે બેઠા
હતા. સોહમના મનમાં ઉચાટ હતો. કલાક બાદ મનોહર સોહમને લેવા માટે બહાર ચાર રસ્તે આવવાનો હતો. પચાસ લાખના ડાયમંડનું પેકેટ પહોંચાડવા માટે સૂરત જવાનું હતું. સોહમે એક બેગમાં એક જોડી કપડાં અને ટોવેલ ભરી લીધા. માએ જોયું કે સોહમ બહારગામ જવાની તૈયારી કરી રહ્યો છે. ‘સોહમ, ક્યાં જવાની તૈયારી કરે છે?’ ‘મા, હવેથી મારે મહિનામા વીસ- બાવીસ દિવસ ઓફિસના કામે અમદાવાદની બહાર જવાનું થશે. શેઠે એટલા માટે જ પગાર ડબલ કરી આપ્યો છે.’ સોહમ ધીમેથી બોલ્યો. થોડી વાર બાદ માએ ચા કપમાં કાઢી. સોહમ હાથમાં બેગ સાથે બહાર જવા લાગ્યો. ‘અરે દીકરા ચા તો પીતો જા.’ ‘ના, અત્યારે ઈચ્છા નથી.’ ‘અરે દીકરા, ચાનું નામ લઈને ચા પીધા વગર બહાર જઈએ તો અપશુકન થાય.’

‘મા, એક વાર ના પાડીને કે અત્યારે ઈચ્છા નથી.’ ‘સોહમ, ક્યાં જાય છે? કાંઇક મગનું નામ મરી તો પાડ.. દીકરા.’ માનો અવાજ રૂંધાઇ ગયો. ‘ઓફિસના કામે સૂરત જાઉં છું. કાલે સાંજે પાછો આવીશ.’ સોહમ માની સામે નજર મેળવ્યા વગર જ ઘરની બહાર નીકળી ગયો. સોહમની નારાજગી મા સમજી ગઈ હતી. એક જ છત નીચે રહેતા બાપુ સોહમનો બાપ નથી એવો વહેમ સોહમને ક્યાંથી આવ્યો હશે? મા મનમાં જ વિચારી રહી. સોહમે બહાર નીકળીને ત્રાંસી આંખે નજર કરી. બાપુ બહાર ખાટલા પર ચૂપચાપ બેઠા હતા. હજૂ તેમનો નશો પૂરેપૂરો ઉતર્યો ન્હોતો. સોહમે તેમની સામે જોવાનું ટાળ્યું. સોહમ ચાલીને ચાર રસ્તા સુધી આવ્યો. મનોહર હજૂ આવ્યો ન્હોતો. સોહમ તેની રાહ જોઇને ચાર રસ્તે ઊભો હતો ત્યાં જ અચાનક સામેથી રસ્તો ક્રોસ કરીને શિવાની આવી પહોંચી. ‘અરે સોહમ, ક્યાં જાય છે?’ સોહમના હાથમાં એટેચી જોઇને શિવાનીએ પૂછયું. ‘સૂરત.. ઓફિસના કામે’ સોહમે સ્માઈલ આપવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં કહ્યું. ‘કેમ યાર.. મૂડમાં નથી?’ સ્માર્ટ શિવાનીએ સોહમ અપસેટ હતો તે તરત પકડી પાડયું. ‘શિવાની, પહેલી વાર જ આ રીતે ઘરેથી એકલો અમદાવાદની બહાર જઈ રહ્યો છું.. એટલે.’ ‘ખરેખર?’ શિવાનીને વિશ્વાસ ન આવતો હોય તે રીતે તેણે સોહમની આંખમાં જોઇને પૂછયું. કોઈ પણ માણસ ખોટું બોલતો હોય ત્યારે પકડાઈ ન જવાય તે માટે વધારે સતર્ક થઇ જતો હોય છે. સોહમે
પણ ચાલાકીપૂર્વક શિવાનીની આંખમાં આંખ મેળવીને કહ્યું :

‘સાચું કહું? ઓફિસમાં પગાર વધારો થયા બાદ હવે તો આ રોજનું થશે….હું ખરેખર તને મિસ કરીશ.’ સોહમ તેના હોઠ શિવાનીના ચહેરાની એકદમ નજીક લઇ ગયો ‘અરે..અરે આ શું કરે છે? આ જાહેર રસ્તો છે.’ શિવાની શરમાઈને પાછળ હટી ગઈ. એકાએક બાજુમાં એક બાઈક સવારે નજીક આવીને જોરદાર બ્રેક મારી. સોહમ ચમક્યો. ‘ઓહ મનોહરભાઈ, તમે આવી ગયા?’ સોહમ ખસીયાણો પડી ગયો. જોકે બીજી જ સેક્ધડે તેણે બાજી સંભાળી લીધી. ‘મનોહરભાઈ, આ શિવાની છે. સામે જે ફ્લેટ દેખાય છે ત્યાં જ રહે છે.’ મનોહરે બંને હાથ જોડીને અભિવાદન કર્યું. શિવાનીએ પણ હસીને પ્રતિભાવ
આપ્યો. ‘શિવાની, મનોહરભાઈ મારા કરતાં સિનિયર છે. તેમની પાસેથી જ કામ શીખું છું. અત્યારે તેમની સાથે જ સૂરત જાઉં છું.’ સોહમ હાથમાં બેગ સાથે મનોહરના બાઈકની પાછળ સીટ પર બેસી ગયો. મનોહરે બાઈક સ્ટાર્ટ કર્યું. શિવાનીએ જમણો હાથ હલાવીને સોહમને બાય કહ્યું. સોહમે પણ સામે હસીને બાય કર્યું. મનોહરે બાઈકના સાઈડ મિરરમાં તે જોયું. થોડે દૂર ગયા બાદ મનોહર બોલ્યો:

‘સોહમ, તું તો છૂપો રુસ્તમ નીકળ્યો.’ ‘મનોહરભાઈ, તમે માનો છો તેવું કાંઈ નથી.. આ તો જસ્ટ સ્કૂલની ફ્રેન્ડ છે.
પહેલાં અમારી ચાલીમાં જ રહેતી હતી. હવે એ લોકો સામેના ફ્લેટમાં રહેવા ગયા છે.’ શેઠજીની સૂચના મૂજબ મનોહરે
સીજી રોડના એક જ્વેલરીના શો- રૂમ પર જઈને નાનકડું પાર્સલ કલેક્ટ કરવાનું હતું. મનોહરે શો- રૂમની બહાર બાઈક
પાર્ક કર્યું. બંને વિશાળ શો-રૂમની અંદર પ્રવેશ્યા. કાઉન્ટર પર બેઠેલો માણસ મનોહરને સારી રીતે ઓળખતો હતો. એ માણસ બંનેને બેઝમેન્ટ-ભોંયરામાં લઇ ગયો. લોકર ખોલીને એ માણસે જયારે નાનકડું પાર્સલ મનોહરને આપવા માટે હાથ લંબાવ્યો ત્યારે મનોહરે કહ્યું: ‘આને આપો. હું તો માત્ર શેઠજીની સૂચના મૂજબ તેની સાથે આવ્યો છું. આજથી મુખ્ય માણસ આ સોહમ જ છે.’ સોહમને નવાઈ લાગી. તેણે આશ્ર્ચર્યથી મનોહરની સામે જોયું. ‘જો દોસ્ત, કામ શીખવું જ છે તો પૂરેપૂરી જવાબદારી સાથે શીખવું સારું. આમ પણ હું તો આજે પહેલી વાર છે એટલે જ સાથે આવી રહ્યો છું. બીજી વાર તો તારે એકલા એ જ જોખમ ઉઠાવવું પડશેને?’ મનોહરની વાત સોહમને સાચી લાગી. બંને અમદાવાદના રેલવે સ્ટેશને આવ્યા. મનોહરે તેનું બાઈક પાર્કિંગ સ્ટેન્ડમાં પાર્ક કરી દીધું.

સૂરત જવાની ટિકિટ અગાઉથી લેવાઈ ચૂકી હતી તેથી બંને ચાલતાં ચાલતાં સીધા એક નંબરના પ્લેટફોર્મ પર જ પહોંચ્યા.
ટ્રેન હજૂ પ્લેટફોર્મ પર આવી નહોતી. ‘સોહમ, જયારે પાસે જોખમ હોય ત્યારે પ્લેટફોર્મ પર અજાણ્યા માણસોની
વચ્ચે બિનજરૂરી આંટા નહી મારવાના.. હજૂ તો ખાસ્સી વાર છે. ચાલ, આપણે વેઈટીંગ રૂમમાં જઈને બેસીએ.’ ‘મનોહરભાઈ, તમારી પાસેથી તો ઘણું શીખવાનું છે.’ સોહમ બોલી ઉઠયો. ‘દોસ્ત, તારા કરતાં ઉમરમાં દસ- બાર વર્ષ મોટો છું. વળી આ લાઈનનો દસકાનો અનુભવ પણ છે. માણસની આંખ જોઇને મને તેની નિયતનો ખ્યાલ આવી
જાય છે.’

સોહમના ખભા પર હાથ રાખીને મનોહરે કહ્યું. બંને વેઈટિંગ રૂમમાં આવીને બેઠા. ‘સોહમ, હું બાથરુમ જઈ આવું.’ અચાનક મનોહર ઊભો થયો. સોહમે પેન્ટના ખિસ્સામાં રાખેલું નાનકડું પાર્સલ જમણા હાથ વડે ચેક કરી લીધું: ‘હા મનોહરભાઈ, તમે જઈ આવો. હું અહીં જ બેઠો છું.’ મનોહર ગયો. સોહમ વેઈટિંગ રૂમમાં નજર ફેરવી. લગભગ દસેક માણસ બેઠા હતા. સોહમે જોયું કે એ બધા એક જ પરિવારના માણસો હતા. ચારેક પુરુષ અને ત્રણેક સ્ત્રી તેમની વાતોમાં મશગૂલ હતા. ત્રણેક નાનાં બાળકો વિશાળ વેઈટિંગ રૂમમાં દોડાદોડી કરી રહ્યા હતા. બાળકોના અવાજને કારણે વાતાવરણ જીવંત લાગતું હતું.

સોહમે આજે મા અને બાપુની વાત સાંભળી ત્યારથી અપસેટ હતો. જોકે શિવાની સાથેની આજની ટૂંકી મુલાકાત તેના મનના વિષાદને થોડીક ઠંડક જરૂર આપી ગઈ હતી. થોડી વારમાં જ મનોહર આવીને સોહમની બાજુમાં બેસી ગયો. અચાનક વેઈટીંગ રૂમમાં લાઈટ ગઈ. આખા હોલમાં અંધારું છવાઈ ગયું. કોઈ કાંઈ સમજે તે પહેલાં તો બે પડછંદ અજાણ્યા હેલ્મેટધારીઓ અંદર ધસી આવ્યા.એકે વેઈટિંગ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. બીજાએ નજીક આવીને ડાબા હાથે મનોહરની ફેંટ પકડી. ‘સાલ્લેે, માલ નિકાલ’ એ પડછંદ માણસે ત્રાડ પાડી.
(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button