ઈન્ટરવલ

ચહેરા મોહરા -પ્રકરણ: 13

દોસ્ત, કરોડો રૂપિયાનો દલ્લો તારી રાહ જોઈ રહ્યો છે… લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે ત્યારે તું મોઢું ધોવા નહીં, તું તો નહાવા નીકળ્યો છે?! બેવકૂફ છો તું!

પ્રફુલ્લ કાનાબાર

સોહમના મનમાં ફરી પેલું વાક્ય પડઘાવા
લાગ્યું હતું: આ તક ઝડપી લે… આવો ચાન્સ ફરી કયારેય નહીં મળે… ચપટી વગાડતાં તું કરોડોનો માલિક થઈ જઈશ!’ આના માટે સોહમે માત્ર ખુદની એક નવી ઓળખ જ ઊભી કરવાની હતી. આમ કરવામાં જોખમ જરૂર હતું, પણ જો માત્ર ઓળખ બદલવાથી કરોડપતિ થવાતું હોય તો એ જોખમ લેવાનું સોહમને મંજૂર હતું…. આવા બધા વિચારોની સાથે પૂરપાટ દોડતી ટ્રેનમાં સોહમ માત્ર ત્રણ દિવસ પહેલાંના ફલેશબેકમાં સરી પડ્યો હતો.

રોજની જેમ એ બપોરે પણ અન્ય કેદીઓની સાથે સોહમ જેલની પાછળના ભાગમાં આવેલા વિશાળ મેદાનમાં કારપેન્ટરી કામ કરવા ગયો ત્યારે અચાનક સોહમનું ધ્યાન પડયું કે થોડે દૂર કામ કરી રહેલો લાંબા વાળવાળો એક દુબળો, પણ દેખાવડો યુવાન તેની સામે જોઈને મંદ મંદ હસી રહ્યો હતો. સોહમને નવાઈ લાગી. આજે પહેલી જ વાર સોહમે એ કેદીને જોયો હતો. કદાચ જેલમાં નવો જ આવ્યો હતો. સોહમે તેની સામેથી નજર હટાવી લીધી હતી. થોડી વાર બાદ સોહમથી અનાયાસે જ તેની સામે જોવાઈ ગયું. સોહમને નવાઈ લાગી કારણ કે હજુ પણ તે સોહમને જ તાકી રહ્યો હતો. એ યુવાનનું ધ્યાન પોતાના કામમાં ઓછું અને સોહમમાં વધારે હતું. કોઈ યુવાન તેને ટગર ટગર આ રીતે તાકી રહ્યો હોય એવો અનુભવ સોહમને આ પહેલાં ક્યારેય થયો નહોતો. સોહમને લાગ્યું કે કદાચ એ યુવાન તેની સાથે વાત કરવા માગતો હતો. જોકે સોહમ તો ક્યારેય કોઈની સાથે વાત કરતો જ નહિ, તેથી આ કેદી સાથે પણ વાત કરવાનો તો સવાલ જ ઊભો થતો નહોતો.

કારપેન્ટરી કામનો ત્રણ કલાકનો સમય પૂરો થયો એટલે સંત્રીએ બેલ વગાડ્યો. સૌ કોઈ પોતપોતાના બેરેક તરફ જવા લાગ્યા. પેલો યુવાન કેદી પણ સોહમની લગોલગ તેના હાથનો સ્પર્શ થાય તે રીતે ચાલવા લાગ્યો. સોહમે જાણી જોઈને તેને નજરઅંદાજ કર્યો. પેલા યુવાને ચાલતાં ચાલતાં જ ધીમેથી સોહમની ટચલી આંગળી પોતાના હાથમાં લઈ લીધી.

સોહમે નોંધ્યું કે પેલા યુવાનની ચાલ પણ સ્ત્રૈણ હતી. સોહમે ચાલતાં ચાલતાં જ તેના હાથમાંથી પોતાનો હાથ છોડાવીને ગુસ્સાથી તેની આંખમાં જોયું. પેલાએ એક આંખ મિચકારીને મારકણું સ્મિત આપ્યું. હવે સોહમ ચમક્યો. સોહમને લાગ્યું કે એ યુવાન ચોક્કસ ગે હોવો જોઈએ. સોહમ જાણતો હતો કે જેલમાં વર્ષો સુધી પરાણે બ્રહ્મચર્ય પાડવું પડતું હોય એવા સંજોગોમાં અનેક કેદીઓ ગે ના હોવા છતાં સજાતીય સબંધ બાંધવા માટે મજબૂર થઈ જતા હોય છે! જોકે સોહમને આજ સુધી ક્યારેય એવો અનુભવ થયો નહોતો.

દરેક કેદી પોતપોતાના બેરેકમાં જવા લાગ્યા. સોહમે જોયું કે પેલો યુવાન કેદી બરોબર બાજુની બેરેકમાં જ ગયો. સોહમની અને તેની બેરેક વચ્ચે લોખંડના સળિયા હતા. બંને એકબીજાને જોઈ શકે તથા નજીક આવે તો સળિયામાંથી કોણી સુધીનો હાથ કાઢીને એક બીજાને સ્પર્શી શકે તેમ પણ હતું.

સોહમને ખ્યાલ આવી ગયો કે આ કેદી ગઈકાલે જ આવ્યો હોવો જોઈએ, કારણકે સોહમ જેલમાં આવ્યો ત્યારથી બાજુના એ બેરેકમાં એક વૃદ્ધ ચાચા હતા, જેમને બીજે ક્યાંક ટ્રાન્સફર કર્યા હોવા જોઈએ અથવા તો તેમની સજા પૂરી થઈ ગઈ હોવી જોઈએ. આટલાં વર્ષોમાં સોહમે એ ચાચા સાથે પણ ક્યારેય વાત કરી નહોતી. સોહમ ખુદના બેરેકમાંથી તે યુવાનને આસાનીથી જોઈ શકતો હતો. સોહમે નોંધ્યું કે એ યુવાનનું તેના તરફનું ત્રાટક ચાલુ જ હતું. જેલમાં આવવા છતાં એ યુવાનના ચહેરા પર બિન્ધાસ્ત સ્મિત ફરકતું હતું એ જોઈને સોહમને નવાઈ લાગી રહી હતી. એ થોડી થોડી વારે કપાળ પર આવી જતાં તેના લાંબા ઝુલ્ફા બંને હાથ વડે ઊંચા કરીને જાણે કે સોહમનું તેના તરફ ધ્યાન આકર્ષવાની કોશિશ કરી રહ્યો હતો.

રાત્રે જેલમાં સોપો પડી ગયો ત્યારે અચાનક સોહમને સિસકારો સંભળાયો. સોહમને ભાસ થયો કે પેલો યુવાન તેને નજીક બોલાવી રહ્યો છે. સોહમે પડખું ફરીને જોયું તો એ યુવાન બંને બેરેક વચ્ચેના સળિયા પકડીને ઊભો હતો. તે સોહમને હળવેથી સિસકારો કરીને એક હાથ વડે ઈશારો કરીને સળિયાની નજીક આવવાનું કહી રહ્યો હતો. પહેલી વાર તો સોહમે એના તરફ ધ્યાન ના આપ્યું. થોડી થોડી વારે તેણે સોહમને નજીક બોલાવવાના પ્રયાસો સતત ચાલુ જ રાખ્યા. ત્યાં જ પરિસરમાં રાઉન્ડમાં નીકળેલા સંત્રીના દંડાનો તથા તેણે પહેરેલા ભારે શૂઝનો અવાજ સંભળાયો. પેલો યુવાન ઝડપથી પાછો ફરી ગયો. તે માથે ઓઢીને દીવાલ બાજુ પડખું ફરીને ઊંઘવાનો ડોળ કરવા લાગ્યો.

સંત્રીના ગયા બાદ જેલમાં ફરીથી સોપો પડી ગયો. જેલની લોલકવાળી ઘડિયાળમાં બે ડંકા પડયા. થોડી વાર બાદ એ યુવાન ઊભો થઈને સોહમના બેરેકના સળિયાની નજીક આવ્યો. તેણે ફરીથી સિસકારો કર્યો. હવે સોહમ પણ ઊભો થઈને અવાજ ના થાય તે રીતે તે તરફ ગયો. સોહમે નક્કી જ કર્યું હતું કે તેને ખખડાવીને કહી જ દેવું છે કે ‘મને તારામાં કોઈ રસ નથી. તું માને છે તેવો હું નથી…’

સોહમ નજીક ગયો અને પેલાને એ કાંઈ કહેવા જાય તે પહેલાં એ ધીમેથી બોલ્યો.. ‘મારું નામ અંકુશ છે. એક ચોરીના કેસમાં મહિના માટે અહીં આવ્યો છું. મેં સાંભળ્યું છે કે તું અહીંથી છૂટવાનો છે.’ ‘ હા, જો સરકારનો હુકમ આવશે તો મારી સારી ચાલચલગતને કારણે એક વર્ષ વહેલો અહીંથી હું બહાર નીકળીશ.’ સોહમે ગર્વથી કહ્યું. સોહમે જાણી જોઈને સારી ચાલચલગત શબ્દ પર ભાર મૂક્યો હતો.

‘દોસ્ત, મારી પણ ચાલચલગત સારી જ છે.’ અંકુશે એક આંખ મિચકારીને કહ્યું હતું. ‘એ તો દેખાય જ છે.. જો હવે તું મને ડિસ્ટર્બ કરીશ તો હું જેલર સાહેબને તારી ફરિયાદ કરીશ.’ સોહમે ચીમકી આપી. ‘દોસ્ત, તને ડિસ્ટર્બ કરું છું તેમાં તારો જ લાભ છે.’ સોહમે જોયું કે હવે પેલો ગંભીર લાગતો હતો. તેના ચહેરા પર રમતું સ્મિત ગાયબ થઈ ગયું હતું. ‘મારે તારી પાસેથી કોઈ લાભ જોઈતો નથી.’ સોહમે કરડાકીથી કહ્યું. અંકુશે એક નાનકડી ચબરખી બે સળિયા વચ્ચેથી સોહમ તરફ સરકાવતાં કહ્યું હતું: ‘આમાં લખેલા સરનામા પર જઈશ તો તું કરોડપતિ થઈ જઈશ…!’

સોહમ ચમક્યો. આજુબાજુ નજર કરીને કોઈ જોતું નથી તેની ખાતરી કરી ને એ ચબરખી લઈ લીધી. ઝાંખા પ્રકાશમાં સોહમે વાંચવાની કોશિશ કરી. નાના અક્ષરોને કારણે આખું એડ્રેસ તો બરોબર વંચાતું નહોતું, પણ છેલ્લે ગામનું નામ અડાલજ મોટા અક્ષરે લખેલું હતું. ‘અડાલજ જઈને મારે શું કરવાનું છે?’ કરોડપતિ થવાની વાત સાંભળીને સોહમને રસ પડયો હતો. ‘દોસ્ત, ત્યાં મહાદેવના મંદિરની પાછળ એક નંદગીરી ગોસ્વામી રહે છે. આગળ ક્યાં જવાનું એ તને જણાવશે.’ પણ મારે કરવાનું શું છે?’ સોહમે અકળાઈને કહ્યું હતું. ‘દોસ્ત, તું ચિંતા ન કર. તારે કોઈની હત્યા નથી કરવાની! તારે એવું કામ કરવાનું છે, જે તારા માટે ખૂબ આસાન છે.’ અંકુશ બોલી ઊઠયો.

સોહમે એ ચબરખી પરત આપતાં કહ્યું:

‘ટૂ ધ પોઈન્ટ વાત કર, અથવા આ રાખ તારી પાસે… મારે નથી જોઈતી.’ સોહમે ત્રાગું કર્યું. ‘દોસ્ત, કરોડો રૂપિયાનો દલ્લો તારી રાહ જોઈ રહ્યો છે… લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે ત્યારે તું મોઢું ધોવા નહીં- નહાવા નીકળ્યો છે?! બેવકૂફ છો તું તો! યાર, તારે કોઈને પતાવી નથી નાખવાનો, તારે માત્ર તારી ઓળખ બદલવાની છે. અંકુશે ચબરખી પરત ન લીધી. એણે પાછી ધકેલી. ‘ઓળખ બદલવાની? હું સમજ્યો નહી.’ સોહમ બોલી ઊઠયો હતો. ‘એ બધું તને અડાલજ જઈશ એટલે પેલા નંદગીરી ગોસ્વામી સમજાવશે… મને તો એટલી જ ખબર છે કે કરોડો રૂપિયાનો તું વારસ બની શકીશ ને રાતોરાત તારી દુનિયા બદલાઈ જશે.’ પરિસરમાં અચાનક દંડાનો અવાજ સંભળાતાં અંકુશ દોડીને દીવાલ તરફ ફરીને ઊંઘી ગયો. સોહમ પણ સચેત થઈને નીચે બેસી ગયો. સોહમની ઊંઘ ઊડી ગઈ હતી. થોડી વાર પહેલાં તદ્દન અજાણ્યા કેદી અંકુશે કહેલા શબ્દો તેના કાનમાં પડઘાઈ રહ્યા હતા: ‘તું કરોડપતિ થઈ જઈશ.. તારી દુનિયા બદલાઈ જશે…!’ (ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button