વેબસાઇટના એડે્રસમાં ખાસ ચેક કરજો કે https છે ખરું?

સાયબર સાવધાની -પ્રફુલ શાહ
હવે આપણે રોજબરોજ વાતવાતમાં દરેક નાની-મોટી ચીજ ખરીદવા બુકિંગ કરાવવા માટે ઑનલાઇનના બંધાણી થઇ ગયા છીએ. કંઇ પણ કરવા માટે ગૂગલ પર સર્ચ કરીએ એટલે ધડાધડ ઘણી વેબસાઇટ દેખાય. આપણને ઝાઝી ગતાગમ ન હોય એટલે કોઇ પણ વેબસાઇટ પર ખરીદી કરીએ. બુકિંગ કરાવીએ અને રોકડ રકમ આપી દઇએ. સાથોસાથ આપણી ઘણી અંગત અને મહત્ત્વની જાણકારી પણ આપી દઇએ.
પરંતુ પછી હોટલ બુકિંગ, શોપિંગ સહિતની બાબતોમાં છેતરાયાની લાગણી થાય. મહેનતની કમાણીના રૂપિયા ગયા એ છોગામાં. આવું શું કામ થાય છે? ઑનલાઇન ચિટરની અનેક ગૅંગ શિકારની રાહમાં જાળ બિછાવીને બેઠા જ હોય છે. એ લોકો અસલી બ્રાન્ડના નામમાં સહેજ ફેરફાર કરે. બ્રાન્ડનો લોગો લગભગ રિપીટ લગભગ, સરખો રાખે કે જેથી આંખો છેતરાઇ જાય, પરંતુ આમ થવા ન દેવું હોય તો એક સરળ રસ્તો છે. તમે કોઇ પણ વેબસાઇટ પર જાઓ તો એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનુ. વેબસાઇટનું એડ્રેસ એકદમ ધ્યાનપૂર્વક જોઇ લેવાનું એની શરૂઆત https: થાય છે ખરી? જેમાં http: હોય એનાથી દૂર રહેવું. આમાંhttp સાથે ત એટલે સિક્યોર્ડ-સલામત સાઇટ થાય.
આટલી નાનકડી તકેદારી આપણને ઘણી છેતરપિંંડીથી બચાવી શકે. તમને એસ.એમ. એસ. વૉટ્સઍપ મેસેજ કે મેઇલ આવે. એમાં ફોન નંબર, બૅન્ક એકાઉન્ટ, વીજળી કનેકશન કે ગૅસ કનેકશન કપાઇ જવાની કે બંધ થવાની નાટિસ દેખાય તો જરાય. વિચલિત કે વ્યથિત ન થવું. આમાંની 99 વાત, ચેતવણી સાવ બોગસ હશે, ઠગાઇનો કારસો હશે. એકદમ સ્વસ્થપણે એ મેસેજ ફરી-ફરી વાચવો. પોતાની રીતે તપાસ કરવી. સમજદાર મિત્રો, સંબંધી કે પાડોશી સાથે ચર્ચા કરવી. પણ એમાં આવેલી લિન્ક કયારેય ક્લિક ન કરવી. એ ખૂબ જોખમી અને ‘આ બૈલ મુઝે માર’ જેવું આમંત્રણ બની જશે.
હવે ડિજિટલ યુગમાં છીએ અને મોબાઇલ તથા ઇ-મેઇલ વાપરીએ તો ડિજિટલ સ્માર્ટનેસ શીખવી જ રહી. જેમ રાતે ઘરના દરવાજા કે બારી બંધ કર્યા કે નહીં એની બરાબર ચકાસણી કરીએ છીએ એ રીતે દરેક ઑનલાઇન ઑફર, ચેતવણી કે ધમકીને પારખી જતા શીખ્યા સિવાય છૂટકો નથી. બાવા બન્યા હય તો હિન્દી બોલના પડેગા જેવો ઘાટ છે.
હકીકતમાં આ ફ્રોડસ્ટર, ઠગ, ચિટર આપણને સાવધ કરે છે. જાગૃત રાખે છે કે સતત સાબદા રહેવાની તાકીદ કરે છે. મુશ્કેલી, આફત,અવરોધ, જોખમ કે જાળમાંથી બચતા રહેવાની સતર્કતા જાળવવાની તક આપે છે. આપણને કોઇ લૂંટી ન જાય કે છેતરી ન જાય એની તકેદારી આપણે જ રાખવાની છે, રાખવી પડશે અને રાખીશું પણ ખરા….
સાયબર સિક્યોરિટી વિશે સરકાર ઘણી જાહેરખબર આપે છે. અને મોબાઇલ ફોનની રિંગમાં મેસેજ આપે છે. તો એ બરાબર જોવા-સાંભળવાનું . સાયબર સિક્યોરિટી વિશે ઘણા લેકચર-પરિસંવાદ થાય છે, તો ત્યાં પહોંચી જવું. ઓનલાઇન શિક્ષણ સુદ્ધાં અપાય છે. પણ એમાં ચોક્સાઇ રાખવી કે એ જ્ઞાન આપવાને બહાને જ ક્યાંય મૂંડી ન નાખે.
એક-એક ફોન અને એક એક મેસેજ આપણને છેતરવાનો પેંતરો હોઇ શકે એ આપણે જાણીએ છીએ, તો એનાથી બચવાની તરકીબ પણ આપણે જ શીખવી પડશે ને? આપ યુવા વગર સ્વર્ગે થોડું જવાય?
એટલા સાયબર સ્માર્ટ થઇ જઇએ કે ફ્રોડ કરનારા દાઢી ખંજવાળે, માથાના વાળ ખેંચે અને આ ધંધો છોડી દેવા મજબૂર થઇ જાય એવું આપણે એકે-એકે કરવાનું છે હો. તો તમે આજથી જ કમર કસી લો.
આ મિશન માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને આગોતરા હાર્દિક અભિનંદન.
A.T.P.. (ઑલ ટાઇમ પાસવર્ડ)
આપણે પોતાના મકાનની સલામતી ભીંતો ઊંચીને ઊંચી કરતા રહેવાની છે કારણકે સાયબર ગુનેગારો લાંબી અને લાંબી સીડી બનાવે છે.
– થોમસ નેલોર (અમેરિકી અર્થશાસ્ત્રી)