પેન જેવા ઘાતક હથિયારથી રસ્તો ખોદનાર સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો
વ્યંગ -બી.એચ વૈષ્ણવ
મારે અત્યંત દુ:ખ સાથે વિનીત ભાવે સૂચિત કરવું ઘટે કે રસ્તા-રોડ અંગેની આપણી સંકલ્પના અવૈજ્ઞાનિક, તથ્યહીન, તર્કહીન, નિરાધાર, નકારાત્મક, સંકીર્ણ, સંકુચિત,ભ્રામક છે. જેને શીઘ્ર કચરાપેટીમાં પધરાવવાની અનિવાર્ય આવશ્યકતા છે. કેમ કે, આ પ્રકારની માન્યતા જીવનમાં ઉદ્વેગ, અસૂયા, અજંપો, નિરાશા લાવે છે. આપણે ક્ષતવિક્ષત કરી નાખે છે!!!
રસ્તા મજબૂત હોવા જોઇએ. તેની પાછળ કોઇ તર્ક કે વાજબીપણુ છે?? રસ્તા શાકભાજીની જેમ ત્વરિત નાશ પામે તેવા પેરિશેબલ કેમ ન હોવા જોઇએ? આપણે ઇન્જેકશનની સિરીઝ, કપ, ગ્લાસ ડિસ્પોઝેબલ વાપરીએ છીએ. જેમાં યુઝ એન્ડ થ્રોનો બજાર ઉપભોક્તાનાદ પ્રતિબિંબિત થાય છે. રસ્તો પણ ડિસ્પોઝેબલ હોવો જોઇએ!!! રસ્તાનો ઉપયોગ કરી રોડનો રોલ વાળી ડસ્ટબિનમાં પધરાવી દેવાનો! એકદમ ન્યુ બ્રાંડ ઇનોવેટીવ ક્રિએટીવ આઇડિયા છે. જગતમાં કોઇને સૂઝયો નથી. કેમ કે મગજ માત્ર અને માત્ર અમારી પાસે છે. રસ્તા ડિસ્પોઝેબલ હોવાથી રોડ પરના ખાડા કે ખાડા વચ્ચે જર્જરિત અને બિસ્માર રસ્તાથી બચી જઇશું. રસ્તો ડિસ્પોઝેબલ હશે તો ગાય, ભેંસ, આખલા કયાં બેસી શકશે?? રસ્તો જ ન હોય તો ભૂવા ચંદ્ર કે મંગળ ગ્રહ પર પડશે??? બમ્પની વણઝાર પણ અંકુરિત કરી શકાશે!!રોડ અકસ્માત નિવારી શકાશે. મોડીરાતે બગડેલ બાપની બગડેલી ઔલાદો બાઇક સ્ટંટ કરે છે. જે પણ નિવારી શકાશે. જેમ છત્રી ફોલ્ડેબલ આવે છે તેમ રોડ પણ ફોલ્ડેબલ અને એ પણ દરેક કલરમાં ત્યારે સાચી આઝાદી આવી ગણાશે!!!
સરકાર જે પુલ બનાવે છે તે પુલનો સ્લેબ તૂટી ગયો? બિલકુલ ટેન્શન લેવાનું નહીં.!! નામ તેનો નાશ!! કોઇક સગર્ભાને મિસ કેરેજ થાય કે કોઇક મહિલાને પ્રસવ થયા પછી નવજાત શિશુનું મરણ થાય. જેનું સૌને દુખ થાય. જિંદગી અટકી જાય છે?? શોક વિસરાય જાય પછી જિંદગી બમણા વેગથી દોડે છે!!
સરકાર ડામર રોડ બનાવે છે. નીતિન ગડકરી જેવા આપણા રોડ અમેરિકાના રોડ જેવા વર્લ્ડ કલાસ બનાવવાના દાવા કરે છે. સાહેબે બુંદેલખંડ એકસપ્રેસ નેવું લોકાર્પણ કરેલ. એક્સપ્રેસ વેના લોકાર્પણના ચોથા દિવસે કાંકરી ઊખડી ગઇ તેના માટે એનએચઆઇ જવાબદાર થોડી ગણાય!! મેટલ, કપચી અને ડામરને મ્યુચલ ક્નસેન્ટથી ડિવોર્સ લેવા હોય તો સરકાર , કોન્ટે્રકટર, નેશનલ હાઇવે ઓથોરિટી શું કરી શકે ?? મિંયાબીબી રાજી તો કયાં કરે સાહેબ કાજી?? ત્રણ દિવસ કાંકરી ઊખડી નહીં તે માટે કાંકરીને કાકરીરત્ન એનાયત કરવો જોઇએ!!આપણે વર્લ્ડ કલાસ રોડ બનાવીએ છીએ. ચોવીસ કલાકમાં ડામર, કપચી એને બે-ત્રણ મહિનામાં તો રોડ હતો કે કેમ તે પણ શંકા જાય તેવો સરકારી ખરાબો તૈયાર કરીએ છીએ. સીલી સીસી રોડ આપણે જ બનાવવાના છે. હમણા કોઇ રેલવે સ્ટેશને સિમેન્ટની ગાદી કર્યા વિના રેતી લગાવી પેવર બ્લોક પાથરેલા. દેખાડા ખાતર સિમેન્ટના વાટા કર્યા હતા. લોટ, પાણીને લાકડા ઠઠાડી દેવાના!!આપણે સીસી રોડના ગેરફાયદા ગણાવવાના. સીસી રોડ પર વરસાદી પાણી પડે તો રોડ પલળતા ગાબડા પડે છે. ચોમાસામાં લપસી પડાય છે. ભારે વાહનોથી સીસી રોડ તૂટી જાય, ખૂબ ગરમી પડે એટલે સીસી રોડમાં તિરાડા પડી જાય. તેમાં ચોમાસામાં પાણી ભરાવાથી સીસી રોડ વપરાશ લાયક ન રહે. બીજી બાજુ કોન્ટે્રકટરો ટેન્ડર કિમત સામે બમણા તમણા ભાવ ભરે તેવો કુલડીમાં ગોળ ભાંગી દેવાનો!! એટલે સીસી રોજ પ્રોજેકટ ચોપટ થઇ જાય
તમે ઘર બનાવો ત્યારે તમે ઘર બનાવો અને પેઢીની પેઢી વાપરે તેવી અંતરની ઇચ્છા હોય છે. એ ઇચ્છા સ્વાભાવિક છે, પરંતુ, રસ્તાની બાબતમાં આવી અપેક્ષા દેશની પ્રગતિ આડે અવરોધ કહેવાય! નવા રસ્તા બને, સમારકામ થાય, રીકારપેટ થાય તો કોન્ટે્રકટર,ઉત્પાદક, સપ્લાયર, પેટ્રોલ ડીઝલ પંપ ( ઓફ કોર્સ ઓફિસર!)ના ગજવા ગરમ થાય.નવો રસ્તો બનાવવામાં આવે અને ચોવીસ કલાકમાં ડામર ઊખડી જાય, ડામરમાં પગ કે વાહન ચોંટી જાય એ કુદરતી અને સ્વાભાવિક ઘટના છે. હમણા એક જગ્યાએ રસ્તો બનાવવાની કામગીરીમાં રોડ સાઇડ પાર્ક કરેલ બાઇક હટાવ્યા વિના રસ્તો બનાવી નાખ્યો. બાઇક પણ અનારકલીની જેમ ચણાઇ ગયું પ્યાર કિયા તો ડરના ક્યાં ગીતની જેમ પાર્ક કિયા તો ડરના ક્યાં? જેવી પરિસ્થિતિ થઇ ગઇ. પેલી કહેવત છે ને કે આડા ખસે પણ ગાડા ના ખસે!! રસ્તો જેટલો તકલાદી એટલો વિકાસ ફૌલાદી ગણવો. તૂટેલા રસ્તાની તપાસના ફીફાં ખાંડવામાં પણ કાગળ-પેન એટલે સ્ટેશનરી ઉદ્યોગ સિવાય કોઇનું દળદર ફીટતું નથી!!
સરકારમાં એક મંત્રી હતા( જો કે હવે સ્વર્ગસ્થ છે)તેની કારમાં ત્રિકમ, કોદાળી, પાવડો સાથે રાખતા. ગમે ત્યાં હાઇ વે પર ખાડો કરી રસ્તાની ગુણવતા ચકાસતા હતા. મંત્રીસાહેબની આ પ્રવૃત્તિથી કોન્ટે્રકટરોની તબિયત માતાજી થઇ જતી હતી!!બાંધકામ ખાતામાં કવોલિટી કંન્ટ્રોલ યુનિટ હોય છે. તે યુનિટ બરાબર કામ કરે તો રાજ્યના રસ્તા કૃતિ સેનનના ગાલ જેવા લિસ્સા રહે પણ લલિતા પનીરના ગાલ જેવા રહે છે, તે હકીકતનો ઇન્કાર કરી શકાય નહીં.
તમે રસ્તા પૃથ્વી પર બનાવો છો. મંગળ કે ચંદ્ર પર રસ્તા બનાવતા હો તો ટાઢ, ગરમી, વરસાદ કે ઓવરલોડ વાહનોની અસર ન થાય!! પરંતુ પૃથ્વી પર તો બધા પરિબળોની અસર થાય. આમ તો, ચોમાસામાં રસ્તાનાં કામો ન કરવા તેવી સ્થાયી સૂચના છે. શહેરમાં રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય તો શહેરને ષોડશીની જેમ શણગારવું પડે. નહીંતર નોકરી ખતરામાં પડે!! એક વાર એક શહેરમાં વરસતા વરસાદે ડામરરોડ બનાવેલો. કેમ કે, શો મસ્ટ ગોન!!હવે આમાં રસ્તાની મજબૂતાઇ, ટકાઉપણાને ગોળી મારવી પડે કે નહીં??
એક શહેરમાં નવો નકોર રસ્તો બન્યો. જેમ ભીંત પરથી પોપડા ખરે તેમ રસ્તા પરથી કપચી ઊખડવા માંડી. જે રસ્તા પર રોડ રોલર ફર્યું હોય તેની કાંકરી ખરવી ન જોઇએ. હવે તો
રોડ રોલર પણ ક્યાં ઓરિજનલ આવે છે?? બધું ફેઇક છે!!રસ્તા પર પેન ખોસવાથી ડામર ઊખડી ગયો તેમ વિરોધપક્ષ દાવો કરે છે!સવાલ છે કે પેનનું કામ શું છે?? પેનથી લખવાનું હોય. પેનની મદદથી લખીને કોઇના છોતરાં ઉડાવી શકાતા હોય તો પેન ખોસીને રોડ ખોદવાની જરૂર છે. પેન ફાઉન્ટન પેન કે બોલ પોઇન્ટ પેન હતી? પેન ખુલ્લી રાખીને રસ્તામાં ખોસેલી કે બંધ ઢાંકણા સાથે રસ્તામાં ખોસેલી તેની સ્પષ્ટતા કરવામાં આવેલી નથી!! જેમણે પણ પેન જેવા ઘાતક અને ખતરનાક હથિયારથી આ રીતે રસ્તાને અસાધ્ય નુકસાન કરેલ છે અને સરકારની પ્રતિભાને વ્યાપક નુકસાન કરી બદનક્ષી કરી છે તેની પાસે વળતર મેળવવા તેમજ એનએસએ, પાસા, ટાડા, મકોકા, ગુજસીટોક, પોટા, યુએપી અને બીજા જે કોઇ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા અને જેલની સલાખો પાછળ ધકેલવા વિનંતી છે. આવો મજબૂત તકલાદી નેતિ નેતિ =ઇતિ સિદ્ધ કરનાર તમામને સામૂહિક રીતે ભારત રત્ન આપવાની પણ વિનંતી છે!