ચપ્પલ સૂંઘાડી મૂર્ચ્છિત લોકશાહીને ભાનમાં લાવો…
ચપ્પલનું નિશાન ધરાવતા એક ઉમેદવારની આવી ખ્વાહિશ છે!
વ્યંગ -ભરત વૈષ્ણવ
સ્ટેજ પર ચૂંટણીના ઉમેદવાર ઊભા હતા. ટેકેદારો એક પછી એક સ્ટેજ પર આવીને ઉમેદવાર સાથે હસ્તધૂનન કરીને ઉમેદવારનું અભિવાદનરૂપે ચપ્પલ આપતા હતા… હા, તમે બરાબર જ વાંચ્યું છે. સામાન્ય રીતે નેતાને બુકે, ગુલછડી, ફૂલહાર, કે બુક આપવામાં આવે છે! અહીં ઉમેદવારને ચપ્પલ, સ્લીપર, ક્રોકસ, બૂટ, મોજડી, સેન્ડલ આપવામાં આવી રહ્યા હતા. ઉમેદવાર ચપ્પલ બનાવનાર સમાજના પણ ન હતા. ઉમેદવાર તો પંડિત હતા. પંડિત અને ચપ્પલનું આ તે કેવું કિસ્મત કનેકશન?!
આ બધું જાણીને રાજુ રદી અને અમારું મન ચકરાવે ચડી ગયું.અમે પણ સ્ટેજ પર ચડી ગયા. અમે પંડિત કેશવ દેવ ગૌતમને ચૂંટણીમાં જીત મેળવવા માટે શુભેચ્છા આપીને કહ્યું: ‘પંડિત સાહેબ, અમારી ‘બખડજંતર’ ચેનલ તમારો ઇન્ટરવ્યુ લેવા ચાહે છે!’
ઉમેદવારે ગળામાં પહેરેલી ચપ્પલમાળા સરખી કરી. સ્માઇલ પહેર્યું. વીખરાયેલા વાળ સરખા કર્યા. હાથ જોડી પોઝ આપ્યો. રાજુએ બે-ત્રણ ફોટા ક્લિક કર્યા. ‘પંડિત સાહેબ, ચપ્પલમાળાનું શું ચક્કર છે?’ અમારો પહેલો સવાલ. ‘ચૂંટણી પંચે મને ચૂંટણી લડવા માટે અલગ તારવેલ ચિહ્નોમાંથી ચપ્પલની ફાળવણી કરી છે. એટલે મેં ફૂલમાળા, વરમાળાની જેમ ચપ્પલમાળા ધારણ કરી છે!’ પંડિત કેશવ દેવ ગૌતમે ગૌરવ સાથે જવાબ આપ્યો.
‘કોઇ વ્યક્તિ કોઇ કાળું કામ એટલે કે કુકર્મ કરે ત્યારે ગધેડા પર અવળો બેસાડી મોં કાળું કરી ચપ્પલની માળા પહેરાવી ગધેડાયાત્રા કાઢવામાં આવે છે. તમે તો ખુદ ચપ્પલમાળા પહેરીને વરરાજાની માફક તૈયાર થઇ ગયા છો! તમે ચૂંટણી સિમ્બોલ બદલવા કોશિશ ન કરી?’ અમે પંડિતને ઠમઠોર્યા. ‘સાહેબ, અમે ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ સાહેબને અરજી આપી. ચૂંટણી તંત્રે સિમ્બોલ બદલી આપવાનો ઇન્કાર કર્યો. પછી જેમ લગ્નમાં પતિ – પત્ની પડ્યું પાનું નિભાવી લે છે તેમ અમે સિમ્બોલને નિભાવી લીધું છે!’ પંડિત સાહેબે વ્યાવહારિક વાત કરી. ‘પંડિતજી, કોઇ ઉમેદવારને કટારીનું સિમ્બોલ ફાળવવામાં આવે તો ઉમેદવારે કટારી પેટમાં ખોસવાની થોડી હોય? કટારી કેડે લટકાવવાની હોય. તમે પગમાં જૂતા પહેરીને ફરો તો પણ પ્રચાર થઇ શકે કે નહીં?’ અમારો આગલો સવાલ ‘જુઓ, રિપોર્ટરજી, ચપ્પલની વેલ્યુ જેવી તેવી નથી. ભગવાન રામ વનમાં ગયા ત્યારે અનુજ ભરતે સિંહાસન પર પ્રભુ રામની ચરણપાદુકા મુકીને ચૌદ વરસ શાસન કરેલ. અમારે ચપ્પલ મુકી રાજ કરવાનું છે. પછી ચપ્પલ રામની હોય કે રાવણની હોય!’ પંડિત ઉવાચ.
‘લોકો કોઇ ઇચ્છા પૂરી ન થાય ત્યાં સુધી ચપ્પલ ન પહેરવાની પ્રતિજ્ઞા કે બાધા લેતા હોય છે. અમારે ત્યાં એક ધારાસભ્યે મંત્રી ન બને ત્યાં સુધી ચપ્પલ ન પહેરવાની મોટી પ્રતિજ્ઞા લીધી હતી. આ નેતા ‘ઉધાડપગા’ તરીકે જાણીતા હતા. એમને ત્રણ મહિના માટે મંત્રી બનાવી ચપ્પલ પહેરવાની તક એક મુખ્યમંત્રી સાહેબે આપેલી….તમે જીતવા માટે કોઇ માનતા-બાધાઆખડી લીધી છે?’ અમે પૂછયું. ‘અમે ચૂંટણીમાં જીતવા માટે કોઇ બાધા આખડી લીધેલ નથી. અમે કર્મમાં શ્રદ્ધા રાખીએ છીએ!’ રણકતા અવાજે પંડિત કેશવ દેવ ગૌતમ બોલ્યા.
‘મહાશય, આપે ગળામાં જે ચપ્પલમાળા પહેરી છે તેમાં કેટલા ચપ્પલ છે? તમે ચપ્પલમાળાનો ખર્ચ ચૂંટણી હિસાબમાં દેખાડ્યો છે?’ અમે સ્ફોટક સવાલ પૂછયો. આવા સવાલમાં ભલભલા ઉમેદવાર ક્લીનબોલ્ડ થતા હોય છે. ‘અમે ગળામાં સાત ચપ્પલની માળા
પહેરી છે!’ પંડિત કેશવ દેવ ગૌતમે પ્રત્યુત્તર આપ્યો.
‘કેમ સાત? નવ નહીં ? અગિયાર નહીં? બાર નહીં? એકસો આઠ નહીં?’ અમે ઉમેદવારને ભીડવ્યો. ‘રિપોર્ટરજી, સાત સંખ્યાનો મહિમા અપરંપાર છે. સપ્તાહના સાત દિવસ હોય છે. સંગીતના સાત સૂર હોય છે. રંગોની સંખ્યા સાત હોય છે!સપ્તપદીમાં સાત ફેરા ફરવાના હોય છે. લગ્નમાં સાત વચન પતિ-પત્નીએ એકમેકને આપવાના હોય છે. લગ્નનો સાથ સાત ભવ નિભાવવાનો હોય છે. આ કારણોસર સાત ચપ્પલની માળા ધારણ કરી છે!’
‘તમે, અગાઉ કોઇ ચૂંટણી લડ્યા છો?’
અમે, ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાં અમને જીત મળી ન હતી.
‘તમે તો કોઇક પાર્ટીના પ્રમુખ છો. પછી અપક્ષ તરીકે કેમ ચૂંટણી લડી રહ્યા છો?’ અમે અણિયાળો સવાલ કર્યો. ‘અમે, ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છીએ. ૨૦૨૨માં આ પાર્ટીના નેજા હેઠળ લડેલા. ભ્રષ્ટાચારના મામલામાં ભીનું સંકેલાઇ જાય છે તેમ અમારા જીતના વાવટા સંકેલાઇ ગયેલા એટલે નવા નાકે નવી દિવાળીની જેમ નવા પક્ષે નવી ચૂંટણી લડી રહ્યા છીએ!’ પંડિતે પક્ષપારાયણ કરી. તમે ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે?
‘અમે ચૂંટણીના અનુસંધાનને ચપ્પલ ઢંઢેરો કે ચપ્પલ સંકલ્પપત્ર બહાર પાડ્યો છે. મંદિર જનાર વ્યક્તિ મંદિરની અંદર પૂજાપાઠ કરતાં ચપ્પલ ચોરાઇ જશે તેવા ડરથી પૂજાપાઠમાં ધ્યાન આપી શકતો નથી. અમે તમામ ચપ્પલ-ચોર સાથે એમઓયુ કરીને ચોરેલી ચપ્પલ ત્રીસ ટકાના દરે પરત અપાવીંશું. અમે ચપ્પલ સન્માન નિધિ હેઠળ દેશની ૧૪૨ કરોડ જનતાની ૯૦૦ કરોડ ચપ્પલનો વીમો ઉતરાવીશું….જેની પણ ચપ્પલ ખોવાઈ જશે તેને વીમા કંપની ચપ્પલની કિંમતના પંચોતેર ટકા રકમ ચપ્પલ ગુમાવનાર વ્યક્તિના ખાતામાં જમા કરાવશે. દરેક હાથને ‘કામ’ એ સૂત્ર મુજબ દરેક પગને પગરખાંનો દેશવ્યાપી અમલ કારવીશું. દેશમાં એકપણ નાગો, લૂચ્ચો, લબાડ, વંચિત, પદદલિત છપ્પરપગો હોય તેનો કોઇ વાંધો નથી, પરંતુ કોઇ પણ વ્યક્તિ ઉઘાડપગો ન રહે તેની કાળજી લઇશું’
પંડિતે કુશળ રાજકારણીની જેમ ચપ્પલ ઢંઢેરાનું વાંચન કર્યું..
‘પંડિતજી, કોઇ મહેચ્છા ખરી?’ અમે છેલ્લો સવાલ પૂછયો.
‘જુઓ ચારે બાજુ બધું બગડ્યું છે. દિવસે દિવસે લોકશાહીને લૂણો લાગતો જાય છે. ગરીબી, બેકારી,ભાવવધારો સામે લડતા લડતાં લોકશાહીને મૂર્ચ્છા આવી ગઇ છે. લોકશાહીને ચપ્પલ સૂંઘાડીને ભાનમાં લાવવાની મહેચ્છા છે!’ અશ્રુ ટપકતી આંખે પંડિત કેશવ દેવ ગૌતમ બોલ્યા.
- અને અમારાથી એટેન્શનની મુદ્રામાં આવી જઇને સીનો તાની ક્યારે સલામ કરીને ક્યારે ‘જયહિન્દ’ બોલાઇ ગયું તેની ખબર જ ન રહીં!