રોકડ તો ઠીક, પેસમેકરવાળાના દિલ પણ સલામત નથી
સાયબર સાવધાની – પ્રફુલ શાહ
સાયબર ગઠિયા બૅન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે, ફેક કોલથી ફસાવી દે, બનાવટી વીડિયોથી બ્લેકમેલ કરે, ખોટેખોટા બદનામ કરે અને… ન જાણે કેટકેટલું નુકસાન કરે છે. વધુ પણ કરી શકશે.
પરંતુ સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે માનવ-હૃદયમાં બેસાડેલું પેસ-મેકર સુધ્ધાં સાયબર ક્રિમિનલની પહોંચની બહાર નથી. અલબત્ત, ફિલ્મ, વેબ શૉ સિવાય ક્યાંય આવા કિસ્સા જાહેરમાં આવ્યા નથી. પરંતુ આ ભયંકર શક્યતાને સાવ નકારી ન શકાય એવા ઘણાં આઘાતજનક એંધાણ આવી ચૂક્યા છે.
અમુક નિષ્ણાતો શબ્દો ચોર્યા વગર કહે છે કે પેસમેકર્સ અને ઈન્સ્યુલીન પમ્પ ચોક્કસપણે હેક થઈ શકે. આ જાહેરાત બાદ પેસમેકર્સ-ઈન્સ્યુલીન પમ્પથી આરોગ્યપ્રદ અને કષ્ટવિહિન જીવનારા લાખો અમેરિકનોને ધ્રાસ્કો પડી ગયો હતો. અલબત્ત આ ડિવાઈસ-સાધનો હેક થવાની શક્યતા ઘણી ઓછી પણ યાદ રહે કે સાવ અશક્ય
નથી જ.
છેક ૨૦૧૭માં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને હેક થવાની ધાસ્તીવાળા પાંચ લાખ પેસમેકરને સ્વૈચ્છિકપણે હટાવી દેવાની સલાહ આપી હતી.
અલબત્ત, આ સત્તાવાર સલાહ બાદ કોઈ પેસમેકર હેક થવાનો કિસ્સો બહાર આવ્યો નહોતો. પરંતુ એફ.ડી.એ. તરફથી ઓફિશિયલ એડવાઈઝ સાવ મજાકમાં ન આવી હોય એ સૌ સમજી શકે.
અમેરિકામાં ૨૦૧૨માં ‘હોમ લેન્ડ’ નામની સિરીઝના ‘બ્રોકન હાર્ટસ’ નામના એપિસોડમાં અમેરિકાના ઉપ-પ્રમુખનું પેસમેકર ત્રાસવાદીઓ દ્વારા હેક કરીને એમની હત્યા થતી હોવાનું બતાવાયું હતું. અને જીવન જાણે કળાનું અનુકરણ કરતું હોય એમ અમેરિકન ઉપ-પ્રમુખ ડિક એનીએ ૨૦૧૩માં એક ટેલિવિઝન શૉમાં જાહેર કર્યું હતું કે મેં અને મારા ડૉક્ટરે ૨૦૦૭માં મેં ઈમ્પ્લાન્ટ કરાવેલાં પેસમેકરના વાયરલેસ ફિચરને ડિસએબલ (નિષ્ક્રિય) કરાવી નાખ્યા હતા.
ડિક એની અને રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓને સંદેહ છે કે આતંકવાદીઓ પેસમેકરને હેક કરી શકે અને એને સિગ્નલ મોકલીને હૃદયરોગનો હુમલો કરાવી શકે. અને અમેરિકામાં એક જ સાથે દેશની ૪૦ હૉસ્પિટલ પર થયેલા સાયબર હુમલામાં કેન્સર માટે જીવનરક્ષક મનાતા રેડિએશન થેરાપી મશીનને એક અઠવાડિયા સુધી
સાવ નકામા બનાવી દેવાયા હતા. આ
બધું કૉમ્પ્યુટર સિસ્ટમને હેક કરીને થયું
હતું.
કલ્પના કરીને જુઓ કે પેસમેકરને હેક કરીને હૃદયના ધબકારા ઓચિંતા અનહદ વધારી કે ઘટાડી દેવાય તો પરિણામ શું આવે? હાર્ટઅટેક. આ બધી શક્યતા વચ્ચે વધુ ગુણવત્તાસભર પેસમેકર બેસાડવા પર ભાર મુકાય છે. એ મોંઘા ખરા પણ ૧૦૧ ટકા સલામત તો નથી જ.
સાઉથ ઈન્ડિયન ફિલ્મ અને અમુક
વેબ સિરીઝમાં પણ પેસમેકરના હેકિંગના કથાનક દર્શાવાયા છે. અને પેસમેકરને
હેક થવા જ ન દેવું હોય તો? અત્યારથી
જ કસરત કરો, ખાવા-પીવાનું ધ્યાન રાખો કે જેથી પેસમેકર બેસાડવું જ ન પડે. બરાબરને?
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
સાયબર યુગના ત્રણ વાનરની ત્રણ શિખામણ અવગણવી નહિ. પહેલા આંખ પર હાથ મૂકીને કહે છે કે અજાણી લિન્ક જોવી નહિ. બીજો કાન પર હાથ મૂકીને સલાહ આપે છે કે ફેક/બનાવટી કોલ સાંભળવા નહિ. તો ત્રીજો મોઢા પર હાથ મૂકીને શું કહી શકે? કોઈને ઓટીપી કહેવા નહિ.