કેરોલિના રીપરપ્રકરણ-૫
રાજીવ દુબેએ કેમ આટલા મોટા માણસનો પીછો કરાવ્યો?
પ્રફુલ શાહ
પહેલી નજરે લાગે કે આકાશ અને કિરણની જિંદગી શાંતિ અને નિરાંતથી વિતતી હતી. ન કોઈ મુશ્કેલી, ન કોઈ તાણ
કિરણની આંખમાંથી આંસુ સુકાવાનું નામ નહોતા લેતા. એ વધુ પડતી ભાવુક લાગણીશીલ એટલે આંસુ ગમે ત્યારે પરમેનન્ટ રેસિડન્સનું સ્ટેટસ મળી ગયું હોય એમ વર્તી રહ્યા હતા. આકાશ પોતાને લીધે દૂર ગયો? મારાથી? ઘરથી? બધાથી?
કિરણ આત્મગ્લાનિ બોજથી કચડાવા માંડી. વિચારોના વાવાઝોડાએ એના મન મગજ પર કબજો જમાવી લીધો. એ આત્મનિરીક્ષણ કરવા માંડી કે આવું થયું શા માટે?
પહેલી નજરે આકાશ અને કિરણની જિંદગી શાંતિ અને નિરાંતથી વીતતી હતી. ન કોઈ મુશ્કેલી કે ન કોઈ તાણ. આકાશ પોતાને મનગમતી પ્રવૃત્તિ શાંતિથી કરતો હતો. તો કિરણ ઘરમાં બધાનું ધ્યાન રાખવા સાથે નિયમિતપણે સમય કાઢીને ઈતિહાસ અને પુરાતત્ત્વશાસ્ત્રમાં રિસર્ચમાં વ્યસ્ત રહેતી હતી. આકાશને પોતાના નામ મુજબ આઝાદી, ઊંચાઈ પસંદ હતી. કોઈના અંકુશમાં રહેવાની કલ્પનાને ય નફરત કરે. તેને તેજ ગતિશીલ અને રોમાંચવાળું જીવન ગમે પછી એ થ્રીલ વર્લ્ડની નંબર વન બેસ્ટ સેલર ડિટેકટીવ નવલકથા હોય, હૉલીવુડની બ્લૉકબસ્ટર ફિલ્મ હોય કે વન-ડે ક્રિકેટ મેચ હોય.
કિરણની પસંદગી અને જીવનશૈલી એનાથી એકદમ વિરોધાભાસી. અનાથ બાળપણ જીવવાને લીધે એને ઘર, પરિવાર અને સ્વજનો અંકુશ કે બેડી નહિ, બલ્કે પ્રેમ એને પોતીકાપણાનો અહેસાસ કરાવતા હતા. તળાવના શાંત પાણી જેવી આ ઠરેલ છોકરી મોટાભાગની વાતચીત અને વ્યવહારમાં ઠંડી અને નિ:સ્પૃહ લાગે. જીવન પ્રત્યેનો એનો અભિગમ વધુ પડતો સમજદારીભર્યો અને સ્વધર્મવાળો હતો. એને શાંતિ, નિરાંત ગમે જે એ કવિતા લખવા-વાંચવામાં પેઈન્ટિંગ જોવા- કરવામાં અને શાસ્ત્રીય સંગીતમાંથી મેળવી લેતી હતી. હમણાં હમણાં એન.જી.ઓ. ‘વિશ્ર્વાસ’ સાથેનો ગાઢ થતો સંબંધ એને એક નવો સંતોષ અને મનને શાતા આપતા હતો.
કિરણ માટે સર્વસ્વ બંનેનું હતું. સુખ-દુ:ખ, સહવાસ, વેદના, લાગણી પણ આકાશ માટે એવું જરાય નહોતું. તે કિરણ સિવાયની એક દુનિયા વસાવી રહ્યો હતો, જેમાં કોઈને ડોકિયું કરવાનો અધિકાર નહોતો. કમનસીબે, પોતીકા અને પતિની એ કલ્પનાતીત દુનિયાથી અજાણ હતી, સાવ જ અજાણ.
એના વિચાર-વમળમાં પથારીમાં થોડે દૂર પડેલો મોબાઈલ ફોન ક્યારનોય વાઈબ્રેટ કરતો હતો પણ એ ધ્રુજારી કિરણના છિન્નભિન્ન થતા વ્યક્તિત્વ સુધી પહોંચી ન શકી, નહિતર… અજાણ નંબર પરથી આવતો એ ફોન કોનો હતો?
મુરુડ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ ઈન્સ્પેકટર પ્રશાંત ગોડબોલે ચૂપચાપ રેકોર્ડિંગ સાંભળતો હતો. સામે સબ- ઈન્સ્પેકટર વૃંદા સ્વામી બેઠી હતી. રેકોર્ડિંગ પૂરું થયા બાદ ગોડબોલેએ લાક્ષણિક ઢબે વૃંદા સામે જોયું.
‘વૃંદા, નંદુ અને પાટીલની પૂછપરછમાંથી એક તો નવી વાત બહાર આવી કે હું કેટલો ખરાબ, ક્રૂર અને ઘાતકી છું.’
જરાય છોભીલી પડયા વગર વૃંદા બોલી, “મારુંય એવું જ છે સર. મને ય પહેલીવાર ખબર પડી કે મારે જે કઝીન હતો જ નહિ એ પોલીસના ટોર્ચરથી માર્યો ગયો હતો.
બે પળ ગોડબોલેએ કઈ રિએકશન ન આપ્યા. પછી ખડખડાટ હસી પડયો. વૃંદાને ય હળવું હસવું આવ્યું. માંડમાંડ હસવાનું રોકીને ગોડબોલે બોલી શક્યો, “ગુડ વર્ક. હવે આ બંને પાસેથી મળેલી માહિતીને ક્રોસ ચેક કરવા માંડ સૌથી પહેલા નીરજ દુબેના ભાઈ રાજીવ દુબેને પકડ. સાથોસાથ આકાશ મહાજન વિશે તપાસ કરવી પડશે પણ એકદમ ચૂપચાપ, એ એટલી મોટી માછલી છે કે આખો દરિયો પી જાય.
“પણ સર રાજીવ દુબેએ શા માટે આટલા મોટા માણસનો પીછો કરાવ્યો હશે?
એ જ સમયે દરવાજા પર નોક કરીને હવાલદાર અંદર આવ્યો. “સર, એક માણસ શંકાસ્પદ હાલતમાં હોટેલ પ્યોર લવ પાસે રખડતો ઝડપાયો છે.
“નામબામ ખબર પડી કંઈ?
“એ તો કહે છે કે હું રાજીવ દુબે છું.
પ્રશાંત ગોડબોલે અને વૃંદા સ્વામીના ચહેરા પર ચમક અને ખુશી સાથે આવી ગયા.
જુહુની એક ફાઈવ-સ્ટાર હોટેલના વિશાળ સ્યૂટમાં જુહુ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ રામરાવ અંધારે અને રાજાબાબુ મહાજન ખાનગી ગુફતગુ માટે બેઠા હતા. આ હોટલમાં રાજાબાબુનો એક રૂમ કાયમ માટે બુક રહેતો, જે મોટેભાગે દેશભરના ધંધાદારી મહેમાનો માટે વપરાતો. એ ખુદ તેમણે બે વર્ષ બાદ એ સ્યુટમાં પગ મુક્યો હતો.
“સર, અત્યાર સુધી એ જાણવા મળ્યું છે કે આકાશ સર વાશી સુધી પોતાની ગાડીમાં ગયા હતા.
“અંધેરીથી. એ તો એના ડ્રાઈવરે પણ જણાવ્યું અમને. પછી એ ક્યાં ગયો? અત્યારે ક્યાં છે?
“સર, સત્તાવાર પોલીસ ફરિયાદ વગર હું અમુક પગલાં ન ભરી શકું, પરંતુ વાશી પછીના મારા ખબરી અને વિશ્ર્વાસુ પોલીસ અફસરને કામે લગાડી દીધા છે.
રાજાબાબુના ચહેરા પર હતાશા સાથે ચિંતા દોડી આવી. ત્યાં જ અંધારેનો ફોન રણક્યો. “હલ્લો… હા, બોલ… અચ્છા… ફિર… ગુડવર્ક… જયાદા જાનકારી ભેજો… ફોન કટ કરીને અંધારેએ રાજાબાબુ સામે જોયું. “પોતાની ગાડી વાશી ચેકનાકા પાસે છોડીને તેમણે રિક્ષા કરી હતી.
‘રિક્ષા કરી હતી? મ્ાારા દીકરાએ? આર યુ સ્યોર?
“હા, એ પણ નજીકના ફાસ્ટ ફૂડ જોઈન્ટ સુધીની.
“કંઈ સમજાતું નથી મને…
“સર, એ ફાસ્ટ ફૂડ જોઈન્ટના સીસીટીવી ફૂટેજ પરથી વધુ માહિતી મળી શકે.
“તો કરાવો ઉતાવળથી એ કામ. કોઈ ત્યાંથી એનું કિડનેપિંગ તો નહિ કરી ગયું હોય ને? એને ફોસલાવીને કે ધાકધમકીથી બોલાવાયો હશે. બાકી, મુંબઈમાં ફાસ્ટ ફૂટ જોઈન્ટ્સ ઓછા છે કે છેક વાશી જાય?
“યુ આર રાઈટ, સર.
“અને અંધારે. એક કામ કરો. ઓફિશિયલ ફરિયાદ લખી લો. એટલે તમે બધી સરકારી યંત્રણાનો ઉપયોગ કરીને આકાશને પાછો લાવી શકો. આઈ વૉન્ટ હિમ બેક એટ એનીકોસ્ટ.
“રાજીવ દુબે, પૂરી વાત બતાઓ, સચસચ બોલો ઓર એકદમ ફટાફટ. કેસ બહુત સેન્સિટીવ હૈ. આપ સમજ રહે હૈ ન મેરી બાત? ઈન્સ્પેકટર પ્રશાંત ગોડબોલેના અવાજમાં રહેલી તિખાશને સમજવા છતાં રાજીવે માત્ર માથું હલાવ્યું. મનોમન રોષ થયો કે મુંબઈમાં આવું કોઈ પોલીસવાળાએ કર્યું હોત તો એની ઔકાત બતાવી દેતા વાર ન લાગી હોત. પણ જગ્યા અલગ હતી. મામલો ગંભીર હતો અને સવાલ નાના ભાઈ નીરજને શોધવાનો હતો.
રાજીવ ફટાફટ બોલવા માંડયો, “સર, આ આકાશ મહાજન મારી કૉલેજમાં હતો. એ મોટા બાપનો દીકરો. એને બાપના ધંધામાં જરાય રસ નહોતો. વર્ષો બાદ અમે મળ્યા ત્યારે દોસ્તી ગાઢ થઈ. મારો ડિસાઈનર્સ વેઅરનો બિઝનેસ છે. એમાં એ ભાગીદાર તરીકે જોડાયો. સાથોસાથ હું જમીનના લે-વેચનો ય રસ લેતો હતો. એમાં જોડાવાની પણ આકાશે ઈચ્છા વ્યક્ત કરી. અમે નક્કી કર્યું કે કોઈ બહુ મોટો સારો પ્લોટ મળે તો વિશાળ હાઉસિંગ કોલોની બનાવીશું.
“પણ એનો પીછો કરાવવાની જરૂર કેમ પડી? ક્યાંક એને ગાયબ કરીને મોટી રકમ તો પડાવવી નહોતીને?
“ના, ના, એવું કંઈ નહોતું સર. છેલ્લાં એક-સવા વરસથી એ ધંધામાં ધ્યાન નહોતો આપતો. ઑફિસ આવવાનું ઓછું કરતો ગયો. ધંધાની વાતમાં દિલચસ્પી લેવાનું ઘટાડવા માંડ્યો. છ મહિના પહેલાં તો હદ જ કરી નાખી આકાશે?
“એવું તે શું કરી નાખ્યું?
“સર, તમે બિઝનેશની રીતરસમ સમજી શકો છો. એક બહુ જાણીતી પાર્ટી સાથે મેં બધું સેટિંગ કરી લીધું. બહુ મોટો પ્લોટ હતો. ભવષ્યિમાં જમીન સોનાની લગડી સાબિત થવાની હતી. મેં ખરીદનારના એજેન્ટને સાધી લીધો. બધું નક્કી થઈ ગયું હતું. અમારે માત્ર ફોર્મલ મીટિંગ અને પ્રેઝન્ટેશન કરવાનું હતું. એ દિવસે મારે બીજી મીટિંગ હતી. આમેય અગાઉથી નક્કી હતું કે આકાશ જ એ પાર્ટીને મળવા જશે. પણ એ પાર્ટી રાહ જોતી રહી ને આ ભાઈ તો ગયો જ નહિ. અરે એણે મને એકાદ મેસેજ મોકલીને જાણ સુધ્ધાં ન કરી. લાખોનો નફો અને એક સારી પાર્ટી ગુમાવવી પડી એને લીધે.
“એટલે તમે વેર વાળવાનું નક્કી કર્યું?
“ના, મારે જાણવું હતું કે એ કરે છે શું? ક્યાંક મોટા હરીફ સાથે તો કુલડીમાં ગોળ ભાંગતો નથી ને? પૂરેપૂરી જાણકારી મેળવી લીધા બાદ એને ભાગીદારીમાંથી છૂટો કરવાનું વિચારતો હતો. આ કારણસર મેં નાના ભાઈ નીરજને એની પાછળ લગાડી દીધો હતો. સર, નીરજનો કઈ પતો મળ્યો?
“એના ડ્રાઈવર નંદુના કહેવા પ્રમાણે એ હોટલમાં ગયો પછી ધડાકા થયા હતા. જો અંદર હોય તો બચ્યો નથી એમ કહી શકાય.
“વ્હોટ?
“હા, બ્લાસ્ટની સાઈટ પરથી ઘણી ડેડ બોડી મળી છે. ભાગ્યે જ કોઈ બોડી આખી છે. કોઈકના હાથ મળ્યા છે, કોઈકના પગ તો કોઈકના ન ઓળખાઇ એવા માથા. હોટેલમાંથી મળે એટલી ચીજ-વસ્તુ પરથી ત્યાં કોણ કોણ હતું એ જાણવાના પ્રયાસ ચાલુ છે. તમારા ભાઈનો ફોટો હોય તો મને મોબાઈલ ફોન પર મોકલી આપો.
ન જાણે કંઈ સાંભળતો ન હોય એમ રાજીવ દુબે ગુમસુમ થઈ ગયો. એની આંખમાંથી આંસુ વહેવા માંડયા.. “એને મુંબઈ બોલાવતી વખતે મેં પપ્પાને વચન આપ્યું હતું કે નીરજની જવાબદારી મારી રહેશે… પણ આકાશને લીધે… આગળના શબ્દો એ બોલી ન શક્યો, પરંતુ ખુરશી પગ પર મૂકેલા બંને હાથની મુઠ્ઠી ખુન્નસથી ભીડાઈ ગઈ, જે ગોડબોલે જોઈ ન શક્યો.
“જોવાય કે ન જોવાય, ત્યાં ગયા વગર છૂટકો નથી પટેલ શેઠ. જોગેશ્ર્વરીની એક આલીશાન ઑફિસમાં અત્તરથી મહેકતા મોંઘા કપડામાં સજ્જ પટેલ શેઠને એનો મેનેજર બાદશાહ સમજાવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
“બાદશાહ, વો મેરી પહેલી હોટલથી. ઉસ કા મલબા દેખ નહીં પાઉંગા. કોઈક સેટિંગ કર. ભલે પૈસા વેરવા પડે પણ મારે જવું નથી હવે મુરુડ.
“શેઠ, બૉમ્બ બ્લાસ્ટ્સનો કેસ છે. હોટલ એસોસિએશન અને પોલીસ ઈન્સ્પેકટરનો ય ફોન આવી ગયો છે. નહિ જઈએ તો ઉપાધી વધી જશે. સહકાર આપીએ તો સારું.
“પણ હું એ લોકોને શું કહી શકવાનો? બધું કામકાજ તો એન.ડી. સંભાળતો હતો ને?
“પણ માલિક તો તમે છો? કદાચ એનડી વિશે વધુ પૂછપરછ કરે. જો સમયસર સામેથી જઈને સહકાર આપીએ તો વધુ ખણખોદ ન થાય, નહિ તો ક્યાંય…
ગૃહપ્રધાન વિશ્ર્વનાથ આચરેકર પોતાની કેબિનમાં રાયગઢના પોલીસ વડા વીરેન્દ્ર મોરે અને અન્ય ઓફિસર સાથે ચર્ચામાં ગળાડૂબ હતા. મુરુડ હોટેલ બ્લાસ્ટસ કેસમાં નોંધપાત્ર પ્રગતિ ન થવાથી માહોલ ઉકળતા ચરૂ જેવો હતો.
“એક કામ કરો મરે. આ બ્લાસ્ટ્સ આંતકવાદીઓનું કૃત્ય છે એવું સાબિત કરી દો.
“પણ સર, હોટલમાં બ્લાસ્ટસ કરવા પાછળનું કારણ શું? આ થિયરીના લીરેલીરા ઊડી જશે.
“અરે ભાઈ, થિયરી અને લોજિક પણ મારે શોધવાના હોય તો તમે લોકો કરશો શું? અચાનક તેમનું ધ્યાન ટીવી પર ગયું, જેનો અવાજ ક્યુટ હતો. પડદા પર મુખ્ય પ્રધાન રણજીત સાળવીનો ચહેરો દેખાતા તેમણે અવાજ અનક્યુટ કર્યો. સાળવીએ જાહેરાત કરી, “મુરુડની હોટલમાં થયેલા વિસ્ફોટો, જાનહાનિ અને રાજ્યની સલામતીને ધ્યાનમાં રાખીને આ કેસની તપાસ એટીએસને સોંપી દેવાઈ છે. ટેરરિઝમ સ્કોડને સ્થાનિક પોલીસ શક્ય એટલી બધી મદદ કરશે. એટીએસ ઝડપભેર કેસ ઉકેલી નાખશે એવી મને આશા નહિ, વિશ્ર્વાસ છે. આપણે સૌ શાંતિ અને….
આચરેકરે છૂટું ફેંકેલું પેપરવેઈટ બરાબર ટીવીના સ્ક્રીન સાથે અથડાયું. મોટા અવાજ સાથે દૃશ્ય- શ્રાવ્ય બંધ પડી ગયા. સૌ માત્ર આચરેકરની આંખમાં લાલાશ જોઈને ડરી ગયા.