ઈન્ટરવલ

કેરોલિના રીપરપ્રકરણ-૭૯

મુરુડ ઝંઝિરા કિલ્લાને શા માટે બ્લાસ્ટ્સથી ફૂંકી મારવાનો હતો?

પ્રફુલ શાહ

કિરણ મહાજનની અનોખી પહેલથી બ્લાસ્ટ્સના બધા મૃતકોની સામૂહિક અંતિમવિધિ મુરુડમાં જ થઇ

એટીએસના પરમવીર બત્રાને પોતાના કાન પર વિશ્ર્વાસ ન બેઠો. મુરુડ ઝંઝિરા કિલ્લાને બ્લાસ્ટ્સથી ફૂંકી મારવાનો હતો ?! શા માટે કેવી રીતે?

આ બધા સવાલોના જવાબ બાદશાહ અને સોલોમન – સલમાન પાસે જ હતા. બાદશાહે વાત આગળ ચલાવી “અમે ૧૨મી ડિસેમ્બરે જ કિલ્લાને ફૂંકી મારવા માગતા હતા કારણ કે એ દિવસે મરણ પામેલા અમારા વડવાની રૂહને અમે કાયમી શાંતિ, શુકુન આપવા માંગતા હતા. છેલ્લી ઘડીએ પવલાનો ભાઇ બીમાર પડી ગયો. એટલે ના છૂટકે ૧૧મી ડિસેમ્બર પર પસંદગી ઉતારી. સોલોમન-સલમાન અંડર વૉટર બ્લાસ્ટ્સની સામગ્રી લઇને મુરુડના દરિયા કિનારે પહોંચ્યો. અમને થયુ કે હવે મંઝિલ હાથવેંતમાં છે, ત્યાં જ તમે ત્રાટકીને પવલા અને સલમાનને ઝડપી લીધા, પરંતુ સર તમને અમારા પ્લાનની પવલાની, સલમાનની અને મારી વાત કયાંથી ખબર પડી? અમારા પર શંકા ક્યારે અને કેવી રીતે ગઇ?

પરમવીર બત્રા ગુસ્સામાં બોલ્યા, “બચ્ચા અમારા સવાલના જવાબ તારે આપવાના છે, સમજે જી? અને હજી તો તારે ઘણાં અનુત્તર સવાલોનાં વિગતવાર જવાબો આપવા પડશે.
૦૦૦
કિરણ મહાજનના એક અનોખા પ્રસ્તાવને પગલે મુરુડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રશાંત ગોડબોલેએ વકીલની સલાહ લીધી. એ મુજબ એક-એક મૃતકના ગામના પોલીસવાળાએ એમના પરિવાર પાસેથી લેખિતમાં અંતિમ વિધિ મુરુડમાં જ કરો એવા વિનંતી પત્ર લીધા. એ સૌના પત્ર મળી ગયા બધા મૃતકોની મુરુડના સ્મશાનમાં સામૂહિક અંતિમવિધિ થઇ.

સૌ પરિવારજનોના પ્રતિનિધિરૂપે કિરણ મહાજને ચિતાને અગ્નિ આપ્યો. એ સમયે એટીએસના પરમવીર બત્રા, પ્રશાંત ગોડબોલે વૃંદા સ્વામી, વિશ્ર્વનાથ આચરેકર સહિતના આગેવાનો મૃતાત્માને અલવિદા કહેવા હાજર રહ્યાં.

આ માટે હિન્દુ પંડિત સાથે મુસ્લિમ મૌલવીને પણ હાજર રખાય હતા. દેશના ઇતિહાસમાં પહેલીવાર બૉમ્બ બ્લાસ્ટ્સના મૃતકોની અંતિમ સફર આ રીતે શરૂ થઇ. ત્યાં હાજર અને દેશના કરોડોએ જીવંત ટીવી પ્રસારણમાં સદ્ગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી. આ માટેનો સંપૂર્ણ શ્રેય પણ કિરણ મહાજનની પહેલને મળ્યો. આ અંતિમવિધિ વખતે જ ઘડી ઘડી કિરણના ફોનની બેલ વાગતી હતી.

વિધિ પતાવીને બહાર નીકળ્યાં, ત્યાં ફરી એ જ નંબર પરત ફોન આવ્યો. કિરણે ફોન ઉપાડયો, તો એ દેશન સૌથી મોટા ફિલ્મ પ્રોડકશન હાઉસમાંથી આવ્યો હતો. ” મેડમ, વર્મા પ્રોડકશનને આપની લાઇફ પર બાયોપિક બનાવવી છે. કયારે મળવા આવી શકું? કિરણે પાછા વળીને ઠરતી ચિતાઓ ભણી જોયું. દાંત ભીંસીને જવાબ આપ્યો. “મને કયારેય મળવા આવવાની જરૂર નથી. ગોટ ઇટ?
૦૦૦
એટીએસના પરમવીર બત્રાએ બાદશાહની જુબાની સાંભળી, પછી એની સવિસ્તાર નોંધ લખી અને પાંચમીવાર વાંચી ત્યારે એમને વિશ્ર્વાસ બેસતો નહોતો કે આવું થઇ શકે. તેઓ ફરી નોંધ વાંચવા માંડ્યા….

“મુરુડ ઝંઝિરા કિલ્લા પરથી સિદીઓના રાજનો અંત લાવવાના પ્રયાસ ક્યારેય સફળ ન થયા. ઇ. સ. ૧૬૮૨માં છત્રપતિ સંભાજી મહારાજે મુરુડ ઝંઝિરા કિલ્લા પર હુમલો કર્યો, ત્યારે એમના લશ્કરમાં નામચીન તોપચી કમ શાયર ઇકબાલ હમીદુલ્લા ‘ગુલાબ’ હતો. તે મરાઠા સામ્રાજયનો અત્યંત વિશ્ર્વાસુ અને નિવડેલો તોપચી ગણાતો. એનું સપનું હતું કે મુરુડ ઝંઝિરા કિલ્લો જીતીને પોતાના હાથે કલાલ બાંગડી નામની વિશાળ તોપના નાળચા પર મરાઠા સામ્રાજયનો ધ્વજ લહેરાવવો. આ સપનું પૂરું કરવા માટે ઇકબાલ હમીદુલ્લા કંઇ કરતાં કંઇ પણ કરી છૂટવા માટે તત્પર રહેતો હતો. આજેય ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી તોપ ગણાતી કલાલ બાંગડી તોપનું વજન ૨૨ (હા, બાવીસ) ટન છે. એ સમયે અનેક દેશી અને યુરોપિયન તોપ વચ્ચે કલાલ બાંગડી વરરાજાની જેમ શોભે. આ તોપ પર પોતે મરાઠા સામ્રાજયનો ધ્વજ ફરકાવતા હોય એવા સપનાં ઇકબાલ હમીદુલ્લાને વારંવાર આવતાં હતાં.

એટલે તો પરંપરાગત રીતે કિલ્લામાં ઘૂસવાનું શકય ન બનતા છત્રપતિ સંભાજી મહારાજે એક વ્યૂહના ભાગરૂપે ૩૦ જણાંને ભાગેડુ બનાવીને અંદર મોકલવાનું નક્કી કર્યું, ત્યારે ઇકબાલ હમીદુલ્લાએ જીદ અને વિનવણી કરીને એ ભાગેડુ ટીમમાં પોતાનો સમાવેશ કરાવીને જ જંપ્યો. યુદ્ધ સમયે આ ભાગેડુ ટીમ કિલ્લાની અંદર રહીને દુશ્મનો પર ત્રાટકવાની હતી.એ સિદ્દીઓ આઘાતમાંથી સ્વસ્થ થાય ત્યાં તો બહારથી મરાઠા સેના તૂટી પડવાની હતી. પ્લાન પરફેકટ હતો.

પરંતુ આ ભાગેડુ ટીમ સાથે ગયેલી હસીના નામની મહિલા સૈનિક એક ઊંચા, કદાવર અને શામળા સિદ્ી સૈનિકના પ્રેમમાં પડી ગઇ. પહેલી નજરના પ્રેમ અને ભારોભાર વાસનાના ઉન્માદમાં એ પોતાના મિશનને છેહ આપી બેઠી. ભાગેડુ ટુકડીનો ભેદ તેણે પ્રેમીના આગોશમાં ખોલી નાખ્યો. તાત્કાલિક ત્રીસેત્રીસને પકડી લેવાયા, જેમાં તોપચી ઇકબાલ હમીદુલ્લા ‘ગુલાબ’ પણ ખરો. એક-એકના માથા વાઢ નખાયા, ત્યારે હસીના થકી ઇકબાલ હમીદુલ્લાના સપનાની ખબર પડી. એને તો કલાલ બાંગડી તોપના નાળચા પર લટકાવાયો. ભૂખ્યો-તરસ્યો રાખીને રોજેરોજ એના હાથના બે-બે આંગળા કાપીને દરિયામાં માછલાના ખોરાક તરીકે ફેંકી દેવાતા હતા.

બ્લેડ જેમ વાગતો ધારદાર પવન, ટાંચણીની જેમ ખૂંચતો તડકો, દરિયાઇ હવાની ખારાશ, રોજેરોજના જખમ, એના પર ચાંચ મારીને જીવતું માંસ ખેંચી જતા પંખીઓ, એના પર છોડાયેલા ઉંદરો અને બણબણતી માખી વચ્ચે તોપચી ઇકબાલ મરણતોલ ચીસો પાડીને એક-એકની પ્રતિજ્ઞા દોહરાવતો રહ્યો. મારા બચ્ચાંઓ, મારી પેઢી આ કિલ્લાનો સર્વનાશ કરશે. યાદ રાખીને મુરુડ ઝંઝિરા કિલ્લાને હમીદુલ્લા પરિવારનો ફરજંદ જ દરિયાને તળિયે કાયમ માટે પહોંચાડી દેશે. ત્યાં સુધી મારા પરિવારનું કોઇ આ કિલ્લા પર પગ સુધ્ધાં નહીં મૂકે. આ સમયે જ બે ત્રણ પંખીએ સામટી ચાંચ મારતા એક ચીસ સાથે એ બેહોશ થઇ ગયો.

તોપચી ઇકબાલ હમીદુલ્લાની વાત તોપની બરાબર નીચે દરિયામાં ભૂખ્યો, તરસ્યો, સંતાયેલો એનો સૈનિક દીકરો મકબુલ સાંભળતો હતો. એનું જોશ કહેતું હતું કે પાપાને છોડાવવા કંઇક કરું પણ જો બન્ને માર્યા ગયા તેણે આ સવાલે એને રોકી લીધો.

પાંચમે દિવસે ઇકબાલ હમીદુલ્લા ‘ગુલાબ’ જીવંતજીવ સડવા અને ગંધાવા માડયો. દુર્ગંધ સહન ન થવાથી એ અધમૂઆ જીવને દરિયામાં ફગાવી દેવાયો. એ જ સમયે મરાઠા સેનાની ગદ્દાર હસીનાનું માથું ધડથી અલગ કરીને દરિયામાં દૂર ફંગોળી દેવાયું. એનો પ્રેમી ધડ પર થૂકયો. ‘જે પોતાની કોમની, રાજાની અને સેનાની ન થઇ એના પર કેટલો વિશ્ર્વાસ કરવો અને શા માટે?’

અબ્બાને દરિયામાં ફેંકાતા જોઇને મકબુલે માંડ માંડ એમનું શબ મેળવ્યું. જેમ તેમ કરીને વતન ભોઇધરમાં તોપચી ઇકબાલ હમીદુલ્લા ‘ગુલાબ’ને દફનાવ્યો. મકબુલે અબ્બાની કબરમાં રાખની પહેલી મુઠ્ઠી નાખતી વખતે જ કસમ ખાધી કે હું મુરુડ ઝંઝિરાને કિલ્લાને જમીનદોસ્ત કરીને મરીશ, ત્યાં સુધી કયારેય એ કિલ્લા પર પગ નહીં મૂકું. આ પ્રતિજ્ઞા તેણે દીકરાને પણ લેવડાવી. એના બાળ માનસમાં મુરુડ ઝંઝિરા કિલ્લા સામે વેર વાળવાની જરૂરિયાત નાનપણથી ઠાંસીઠાંસીને ભરી દીધી, પરંતુ આ કામ આસાન નહોતું, જરાય આસાન નહોતુ.

આટલું બોલતા-બોલતા બાદશાહની આંખમાં આંસુ આવી ગયા. એ ઇચ્છવા છતાં બોલી નહોતો શકતો. એ જ સમયે મહત્ત્વનો ફોન આવતા એટીએસના પરમવીર બત્રા ઇન્કવાયરી રૂમની બહાર નીકળી ગયા. હજી મુરુડ ઝંઝિરા કિલ્લાને નેસ્તનાબુદ કરવાની ઘણી વાતો એ રૂમની દિવાલોએ સાંભળવાની બાકી હતી. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button