કેરોલિના રીપર પ્રકરણ-૭૩

સોલોમન કંઈ બોલ્યા વગર બાદશાહનો વીડિયો જોતો રહ્યો
પ્રફુલ શાહ
પરમવીર બત્રાને થયું કે આ સંજોગોમાં જૂનો અને જાણીતો કીમિયો ફરી અજમાવવામાં કંઈ ખોટું નથી
બાદશાહને સોલોમનનો વીડિયો બતાવાયો એવો જ બાદશાહનો વીડિયો સોલોમન સામે રજૂ કરાયો. કંઈ બોલ્યા વગર સોલોમન ચૂપચાપ વીડિયો જોતો રહ્યો. એના ચહેરા પર કોઈ જાતના ભાવ ન આવ્યા. મારપીટ, લોહીના વહેવા, તૂટેલા દાંત, કપાળ પર લાલચોળ પાટા અને કપાયેલી ટચલી આંગળી સાથેનો બાદશાહનો વીડિયો જોઈને સલમાન વિચારમાં પડી ગયો.
પછી તે એટીએસના ઑફિસર્સ સામે જોઈ રહ્યો. “થેન્ક યુ, થેન્કયુ વેરી મચ સાહેબ. મને સપનામાંય કલ્પના નહિ કે મોટાભાઈ આટલા બધા મજબૂત હશે અંદરથી. હું તો એમને સાવ ફોસી અને એકદમ ડરપોક સમજતો હતો. પણ ખૂબ મજબૂત નીકળ્યા મોટા ભાઈ. સાહેબ એક રિકવેસ્ટ કરું?
સામેથી માથું હલાવતા સોલોમન બોલ્યો, “એ ભલે પાણી પાણી કરે, એને એક ટીપુંય પાણી આપતા નહિ. એને બદલે માથામાં એક ગોળી મારી દો. બિચારા ભયંકર પીડામાંથી તો છૂટે. આમેય મને લાગતું નથી કે હવે એ અમારા મિશનમાં કોઈ કામમાં આવે. પ્લીઝ પોઈન્ટ બ્લેન્કથી શુટ કરી દો મોટાભાઈને. ભલે મારી પહેલા અમારા બુઝુર્ગ સાથે દુઆસલામ કરી લે અને સૌથી નાના ભાઈ એનડીને મળી લે.
એટીએસની ટીમ કોઈ પ્રતિભાવ આપ્યા વગર એના શબ્દો સાંભળતી રહી. સોલોમને ભલે બડાશ હાંકી કે જે કર્યું પણ એમાંથી એક બાબત સ્પષ્ટ થઈ ગઈ કે બાદશાહ, સોલોમન ઊર્ફે સલમાન અને એનડી સગા ભાઈ હતા. સવાલ એ અનુત્તર રહ્યો કે એમનું હજી અપૂર્ણ રહેલું મિશન છે શું?
કિરણ મહાજનના ઈન્ટરવ્યુ માટે ટીવી, અખબાર અને મેગેઝિનના પત્રકારોમાં રીતસરની પડાપડી થવા માંડી. કિરણે સ્પષ્ટ શબ્દોમાં કરી દીધું કે મને કોઈ ઈન્ટરવ્યુ ફિન્ટરવ્યુ આપવામાં રસ નથી.
પરંતુ વિકાસે સમજાવી, “આવી તક ન જવા દેવાય કિરણ.
“જુઓ, મને પબ્લિસીટી જોઈતી નથી. એ લોકો અંગત સવાલો પૂછશે. આકાશ વિશે મહાજન મસાલા વિશે પૂછશે. ભલે ચહેરા પર દેખાય નહિ પણ આ બધાથી મને પીડા થાય છે. કાળજામાં ભાલા ભોંકાય છે.
કિરણ એકદમ ગળગળી થઈ ગઈ. ગૌરવ ભાટિયાએ નજીક આવીને એના માથા પર હાથ મૂકયો. બીજા હાથથી એનો એક હાથ પકડી લીધો. “જુઓ કિરણબહેન, હું આપની મનોદશા સમજું છું, પરંતુ આપણે અને તમે ક્યાં ધ્યેય સાથે આ ઝુંબેશ ઉપાડી છે? એમાંય તમારી પહેલથી અમારામાં હિમ્મત આવી. સરકાર કે પોલીસ તંત્ર મૃતકોના હત્યારાઓને જ્યારે સજા આપે ત્યારે પણ આપણે સૌ નિર્દોષોના કપાળ પર કલંક ભૂંસવાનો યજ્ઞ અધૂરો કેવી રીતે છોડી શકીએ?
“બહેન, આ સત્ય નાના બાળક જેવું હોય છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે જુઠ્ઠાણા કાયમ રથ પર સવાર હોય અને સત્યે ઉઘાડા પગે ચાલતા રહેવાનું આવે. સત્યના પ્રવાસમાં ઘણી અડચણ, અવરોધ આવશે. જુઠ પાસે તાકાત છે ઊડવાની. એટલે પોતાનું સત્ય વારંવાર ઉચ્ચારીને એક-એક લોકો સુધી આપણે પહોંચાડવાનું છે. આપણા ત્રણમાં સૌથી પ્રભાવશાળી તમે છો. ફેસવેલ્યુ તમારી છે. બહેન, સત્યનો ચહેરો બનો. આવો મોકો ક્યારેક આવે છે, બહુ ઓછાને મળે છે. આપણું કામ પૂરું નથી થયું, એ તો હવે શરૂ થયું છે.
કિરણે અચાનક ગૌરવ ભાટિયાનો હાથ પકડી લીધો હતો. “થેન્ક યુ ગૌરવભાઈ. હું કંટાળી ગઈ હતી. ભ્રમિત થઈ ગઈ હતી. કદાચ થાકી ગઈ હતી. તમારા વિચારોએ મને નવી ચેતના, નવી ઊર્જા આપી છે. હવે તમે બન્ને કહો એટલા પત્રકારોને અથવા બધેબધા પત્રકારોને ઈન્ટરવ્યુ આપવા તૈયાર છું હું. મોકલો એક એકને અંદર.
ગૌરવ અને વિકાસે એકમેક સાથે સ્મિતની આપલે કરી. વિકાસ પત્રકારોને ગુડ ન્યૂઝ આપવા રૂમની બહાર નીકળ્યો, ત્યારે એના પગમાં ગજબનો જુસ્સો અને હરખ હતા. “વ્હૉટ અ લેડી. કિરણ યુ આર અનબિલિવેબલ.
બાદશાહ અસ્ખલિતપણે બોલી રહ્યો હતો. વચ્ચે વચ્ચે એને પાણી, ચા અને નાસ્તો પણ અપાયા. એની એક-એક વાતો, વિગતો અને હકીકત એકદમ આશ્ર્ચર્યચકિત કરી મૂકનારી હતી. એના નિવેદનને સત્તાવારપણે રેકોર્ડ કરીને એફ.આઈ.આર. બાદ ચાર્જશીટ બનાવવામાં લાંબો સમય લાગી જાય, પરંતુ એટલી લાંબી રાહ જોવામાં જોખમ છે.
પરમવીર બત્રાને થયું કે આ સંજોગોમાં જૂનો ને જાણીતો કીમિયો ફરી અજમાવવામાં કંઈ ખોટું નથી. તેને થયું કે ગૌરવ ભાટિયાની મદદ લેવાય ખરી? મદદ લેવાય તો પણ એ કિરણ સાથે બીજા જંગમાં જોતરાયો છે. આ કેસ સાથે અલગ રીતે જોડાયેલો છે. એટલે એને દૂર રાખવો જ સારો. બત્રાએ દૂર જઈને એક ફોન નંબર ડાયલ કર્યો.
વહેલી સવારથી જ ટીવી ચેનલોમાં ધમાચકડી મચી ગઈ. “મરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસ ઉકલી ગયો. ત્રણ આરોપીની ધરપકડ! સુમાહિતગાર વર્તુળોને ટાંકીને વિવિધ ચેનલવાળા સમાચાર પીરસી રહ્યા હતા. એટીએસના પરમવીર બત્રા મૂછ સાથે દાઢીમાં ય હસી રહ્યા હતા. એના બૉસ અને મહારાષ્ટ્ર એટીએસના વડા કૌશલ નાગરે સમજી ગયો કે આ બધા સમાચાર ઈરાદાપૂર્વક બત્રાએ જ લીક કરાવ્યા છે, પરંતુ પોતાના આકા રણજીત સાળવીની નાજુક સ્થિતિ જોઈને તેણે ચૂપ રહેવામાં જ સમજદારી માની. આમ છતાં નાગરેએ મનોમન ગાંઠ વાળી લીધી કે તક મળ્યે આ પરમવીર બત્રાને એની ઔકાત તો બતાવવી જ પડશે.
ન રહેવાયું ત્યારે તેણે પરમવીર બત્રાને ફોન કર્યો. ધારણા મુજબ સામેથી ફોન ન ઉપાડાયો. બે કલાક પછી એસ.એમ.એસ. આવ્યો. “સૉરી સર, હમણાં મહત્ત્વની પૂછપરછમાં અત્યંત વ્યસ્ત છું. દરગુજર કરશો જી.
અચાનક મહારાષ્ટ્રની સૌથી મોટી ન્યૂઝ ચેનલે વધુ એક ધડાકો કર્યો, “મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ આતંકવાદીઓનું કામ જ નથી. વધુ વિગત માટે અમારી ચેનલ જોતા રહો. અમને ય આશ્ર્ચર્ય છે કે આ ધડાકા થયા શા માટે? કરાવ્યા કોણે?
(ક્રમશ)