ઈન્ટરવલ

કેરોલિના રીપર પ્રકરણ-૬૭

રંજિશ હી સહી દિલ દુખાને કે લિએ આ, આ ફિરસે મુઝે છોડ જાને કે લિએ આ!

પ્રફુલ શાહ

બત્રાએ ગોડબોલેને બાથ ભરી લીધી: વ્હૉટ નોનસેન્સ, ભાવના મેં કભી થોડા નહીં બહતે હમ

હજી માંડ ડિસેમ્બરનું બીજું અઠવાડિયું ચાલતું હતું પણ અલીબાગમાં ઠંડીએ મસ્ત જમાવટ કરી દીધી હતી.

પરમવીર બત્રાને મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસે ગજબના થાકવી નાખ્યા હતા. બધી કામગીરી બરાબર ચાલતી હતી પણ તપાસના વર્તુળ બહાર અમુક ન થવાનું થઈ રહ્યું હતું. આ બધાની એમને ચિંતા હતી. મુખ્ય પ્રધાન રણજિત સાળવીની જાહેરાત એમને વિચિત્ર લાગી હતી. મુરુડ બ્લાસ્ટ્સમાં માર્યા ગયેલા બધાને આતંકવાદી કેવી રીતે કહી શકાય? ઠીક છે ભલે બોલતા એ. સત્તાવાર આદેશ ન આવે ત્યાં સુધી તપાસ કરતા જ રહેવાનું. તેમણે મનોમન નક્કી કરી લીધું.

અચાનક મોબાઈલ ફોનમાં ધ્યાન ગયું તો કિરણ, વિકાસ અને ગૌરવ ભાટિયાના અનેક મિસ્ડ કોલ હતા. ઉપરાંત એસ.એમ.એસ. પણ. એમને એક વિચાર આવ્યો. એમને મેસેજ મોકલ્યા. ‘સાંજે સાડા સાત વાગ્યે મળીએ. આપેલા એડ્રેસ પર પહોંચી જાઓ.’

પછી પ્રશાંત ગોડબોલેને ફોન કર્યો “પેલા માણસ પર બરાબર નજર રખાઈ રહી છે ને?

“યસ સર, મને કલાકે કલાકે અપડેટ્સ મળતા રહે છે. ડૉન્ટ વરી.

“ગુડ. સાંજે ફ્રી છો જી?

“આપના માટે સમય જ સમય છે સર. હુકમ કરો.

“અરે હુકમ નહીં, રિક્વેસ્ટ છે જી. સાંજે સાડા સાત વાગ્યે ઘેર આવી જાઓ. થોડા રિલેક્સ થઈએ. ડિનર ફાવશે ને જી?

“સર, એ તો મારા અહોભાગ્ય. હું પહોંચી જઈશ. બીજો કોઈ હુકમ?

“તમને ફાવે તો, જામે તો…

“બોલો સર, એમાં ફાવવા-જામવાનું શું હોય?

“સબ-ઇન્સ્પેક્ટર વૃંદા સ્વામીને પણ લેતા આવજો. જો એમને અનુકૂળ હોય તો…

“સ્યૉર સર. એમને પૂછી જોઈશ.

એ સમયે કોઈ જાણતું નહોતું કે માત્ર હળવા થવા માટેની આ મુલાકાતમાં એક જડબેસલાખ યોજના તૈયાર થઈ જવાની હતી. કેટલાંય હૃદય ભૂકંપના આફ્ટર શૉક અનુભવવાના હતા.


કિરણ બગાસું ખાતા-ખાતા કંઈક વાંચી રહી હતી. લેપટોપ જોઈ રહેલા ગૌતમ અને મોબાઈલ ફોનમાં ખૂંપેલા વિકાસે સામે જોયું. હોટલના વેઇટરને બોલાવીને ગૌતમે ત્રણ કૉફીનો ઓર્ડર આપ્યો.

કોફી આવવા અગાઉ કિરણનો ફોન રણક્યો. નંબર અજાણ્યો હતો છતાં કિરણે ઉપાડ્યો. એ અગાઉ રેકોર્ડિંગનું બટન દબાવી દીધું.

“હલ્લો…

“નમસ્તે ભાભી. અજય ફ્રોમ દિલ્હી.

“નમસ્તે, અજયભાઈ. વ્હોટ એ સરપ્રાઈઝ.

“ભાભી, એક મહત્ત્વના મુદ્દાની વાત કરવી છે. હમણાં શક્ય છે?

“મહત્ત્વનો મુદ્દો હોય તો શક્ય બને જ ને? બોલો.

“ભાભી, આપે મહારાષ્ટ્રના સીએમ રણજિત સાળવીનું સ્ટેટમેન્ટ જોયું, સાંભળ્યું કે વાંચ્યું હશે.

“હા, એકદમ વિચિત્ર દાવો છે પણ “હા, એનું શું છે?

“ભાભી, આ સત્તાવાર ઘોષણા થઈ ગઈ. મને ખબર છે કે આપ મુરુડમાં છો તો પ્લીસ એવું કંઈ ન કરતાં કે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ.

“હું સમજી નહીં કંઈ.

“ભાભી, આકાશભા વિશે કોઈ સ્ટેટમેન્ટ ન કરતા નહીંતર…

“નહીંતર શું?

“ભાભી, એક આતંકવાદી સાથે સંબંધ હોવાની શંકા આપણને બહુ ભારે પડી જશે.

“એ કેવી રીતે?

“પપ્પાને ચૂંટણીની ટિકિટ મળવાની છે. ભાવિ પુત્રવધૂના ભાઈની આવી બદનામી એમની તક રોળી નાખશે. સ્વાભાવિક છે કે એની અસર મારા અને મમતાના સંબંધ પર પડશે.

“અરે પણ હોટલના વૉચમેન પાટીલે સ્ટેટમેન્ટ આપ્યું છે કે આકાશ મહાજન હોટલમાં હતા.

“એની ફિકર ન કરો. પાટીલનું સ્ટેટમેન્ટ બદલાવી નાખીશું કે એ બ્લાસ્ટ્સ પહેલા નીકળી ગયા હતા.

“નીકળીને ક્યાં ગયા?

“ભાભી, પ્લીઝ ભલતા સવાલો ન કરો.

“એટલે આકાશ મહાજનને એક આતંકવાદીની ખોટી બદનામી સાથે મરવા દેવાનો?

“સૌની ભલાઈ એમાં જ છે. નહીંતર બહુ મોટી મુશ્કેલી ઊભી થશે, કહીને સામેથી અજયે ફોન કટ કરી નાખ્યો. કિરણે આ વાતચીતનું રેકોર્ડિંગ તરત નણંદ મમતાને ફોરવર્ડ કરી દીધું અને પપ્પા રાજાબાબુ મહાજનને પણ.


બાદશાહ ભલે હોટલમાં બેઠો હતો પણ એનું મન ક્યાં-ક્યાં ભટકતું હતું. લંડન, મુંબઈ અને ઘડી-ઘડી નજર સામે મુરુડ ઝંઝિરા કિલ્લો આવતો હતો. રાત-દિવસ જાગતા અને માંડમાંડ આવતી ઊંઘમાં તોપચી અબ્દુલ હમીદુલ્લાની કબર દેખાતી હતી.

એ વારંવાર બહાર નીકળી જતો. ક્યારેક હોટલના ટેરેસ પર પહોંચી જતો. વળી થોડીવાર બાદ હોટલ બહાર વૉક પર નીકળી જતો હતો. સાંજે, સવારે અને મોડી રાતેય એ હોટલ બહાર લટાર મારવા નીકળતો. દર વખતે એ પ્રયાસ કરતો કે પોતે જેનો ફોન નંબર ડાયલ કરે છે એ નંબર ઉપાડી લે. પરંતુ મોબાઈલ સ્વીચ ઑફ આવતો હતો? શા માટે?

શું મુરુડ બ્લાસ્ટ્સ કેસમાં એક માસ્ટરમાઈન્ડને પકડ્યાના સમાચાર સાચા હશે? કોણ પકડાયું હશે? એની નજર સામે એક ચેહરો આવ્યો. પણ તેણે ઝનૂનપૂર્વક માથુ ધુણાવ્યું. જાણે એ શક્યતાને દૂર-દૂર ફંગોળી દેવા માગતો હોય. પાસેના ઝાડ પર મુઠ્ઠી મછાડીને એ બોલ્યો, “આજે દસમી ડિસેમ્બર થઈ ગઈ. છતાં આટલી બધી અસ્પષ્ટતા અને ગૂંચવાડા વચ્ચે કામ કેવી રીતે પાર પડશે?’


પ્રશાંત ગોડબોલે અને વૃંદા સ્વામી પહોંચ્યાં અને પાંચ મિનિટમાં જ કિરણ, વિકાસ અને ગૌરવ આવ્યા. બધાની ઔપચારિકતા પૂરી થઈ ત્યાં પરમવીર બત્રા અંદરની રૂમમાંથી આવ્યા. ઝભ્ભા અને લેંઘામાં તેઓ એકદમ અલગ જ લાગતા હતા.

“થેન્ક યુ જી. ચલો ગાર્ડન મેં બૈઠતે હૈ.

બધા બગીચામાં ગયા. ત્યાં સરસ રીતે ટેબલ ખુરશી ગોઠવી રખાયા બાદ. છએ છ જણા બેઠા. ત્યાં નોકર અંદરથી કેક લઈને આવ્યો. પ્રશાંત ઊભા થઈને બત્રાને વળગી પડ્યો. “હેપી બર્થ-ડે સર. અચાનક ધ્યાનમાં આવ્યું કે પોતે કદાચ સીમા ઓળંગી છે. “સૉરી સર, મૈં જરા ભાવના મેં બહ ગયા.

“વ્હૉટ નોનસેન્સ? ગોડબોલેજી ભાવનામાં મેં કભી થોડા નહીં બહતે હય… એટલું કહીને બત્રાએ ગોડબોલેને એકદમ બાથમાં લઈ લીધો. બાકીના બધા બત્રાને ‘હેપી બર્થ ડે’ કરવા માંડયા.
પરમવીર બત્રાએ સૌની સામે જોયું. “શુક્રિયા, શુક્રિયા, મગર આજ મરી બર્થ-ડે નહીં હય.

વિકાસથી બોલી પડાયું, “વ્હોટ? તો ફિર કેક?

“યહ કેક આપ સબ કો થેન્ક યુ કહને કે લિએ હય. મુરુડ બ્લાસ્ટ્સ કેસમાં કિરણજી, વિકાસજી ઔર ગૌતમજીને જો ગવાયા વહ વાપસ નહીં મિલેગા. ફિર ભી ઉન્હોને સહકાર દિયા. તીન-ચાર દિનસે મુઝે મિલને કે લિએ બેઠે હય. આપ તીનોં કો બુલાવા ભેજા તબક તક કેસમાં જ્યાદા પ્રોગ્રેસ નહીં થા. અબ બહુત ઠોસ સબુત સામને હય. ઔર ઇસ કેસ મેં જીજાન લગાને કે લિએ પ્રશાંતજી ઔર વૃંદાજી કા શુક્રિયા ભી બનતા હય. થેન્ક યુ ઑલ.

એ જ સમયે ઘરના નોકરે ટેબલ પર બિયરની, સ્કૉચની અને સોડાની બોટલ મૂકી. બાજુમાં મસાલા ડ્રાયફ્રૂટ અને આઇસ-બૉક્સ.

“ચલો થોડા રિલેક્સ કરતે હય ઔર બાતે કરતેં હય.

બધાને લાગ્યું કે આ એટીસ ઓફિસર એકદમ અલગ પ્રકારનો માનવી છે. હવે ગોડબોલે થોડો ખિલ્યો. “સર, પહલે માલૂમ હોતા તો યહાં હમારે ડિપાર્ટમેન્ટ કે બારહ બારહ લોગ હોતે…
બત્રાએ પોતાની સામેના નોટપેડ પર “બારહ બારહ’ શબ્દોમાં લખ્યું. પછી આંકડામાં ‘૧૨૧૨’. અચાનક એમની આખમાં ચમક આવી ગઈ. મગજ પાર્ટી છોડીને ન જાણે ક્યાંનું ક્યાં ભટકવા માંડ્યું.
“એક્સક્યુઝ મી સર… હલ્લો બત્રાજી…

પરમવીર બત્રા જાણે તંદ્રામાંથી જાગ્યા.

“હા જી, હાજી બોલીએ.

“ગરમ પાણી સાથે લીંબુ મળી શકે?

“હા જી, હાજી… તેમણે નોકરને બોલાવીને સૂચના આપી.

વિકાસે સૌની ઈચ્છા મુજબ ગ્લાસ ભર્યા. બધાએ ચિયર્સ કરીને પહેલો ઘૂંટડો લીધો. ડ્રાયફ્રૂટ પર હાથ માર્યો. નોકર લીંબુ-ગરમ પાણી લાવ્યો એટલે બત્રા એની સામે જોઈ રહ્યો.

“સાબજી આપ ભી એન્જોય કરો. ઔર કુછ અચ્છા મ્યુઝિક ભી લગા દોજી. વર્ના બમ્બઈ તક બાત જાયેલી કિ પાર્ટીમેં મજા નહીં આયા.

નોકરે બત્રાની ફેવરિટ ગઝલ વગાડવાનું શરૂ કર્યું:

રંજિશ હી સહી દિલ દુખાને કે લિએ આ…
આ ફિર સે મુઝે છોડ જાને કે લિએ આ.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button